GSTV

જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા : શ્રીનગરમાં બે બાળક સહિત કુલ પાંચના મોત

કાશ્મીરમાં ફરી એકવાર જોરદાર હિમવર્ષા થતાં અહીંના અનેક અંતરિયાળ વિસ્તારો વિખૂટા પડી ગયા  હતા. કાશ્મીર ખીણ સહિતના અનેક વિસ્તારોમાં શુક્રવારે બપોરે જ બરફ પડવાની શરૃઆત થઈ ગઈ હતી, જે શનિવાર વહેલી સવાર સુધી અવિરત ચાલુ રહી હતી. કુપવારામાં ૧૭ ઈંચ, પહલગામમાં ૧૬ ઈંચ,કાઝીગુંદમાં ૧૧ ઈંચ, શ્રીનગરમાં દસ ઈંચ અને કોકેરનાગમાં ત્રણ ઈંચ બરફ પડતા કાશ્મીરના લોકોનું જનજીવન ઠપ થઈ ગયું હતું. જાણીતા પ્રવાસન સ્થળ ગુલમર્ગમાં પણ બે ફૂટ જેટલો બરફ પડયો હતો. આ દરમિયાન શ્રીનગરમાં ભાડાના ઘરમાં રહેતા એક જ પરિવારના બે બાળક સહિતના કુલ પાંચ સભ્ય મૃત્યુ પામ્યા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, શ્રીનગરમાં મૃત્યુ પામેલા પરિવારના વડા ખુર્શીદ અહેમદ શેખ તેમના માતાની સારવાર માટે કુપવારાના તાંગધારથી આવ્યા હતા. અહીં તેઓ બોટ કોલોનીમાં એક ખોલી ભાડે રાખીને રહેતા હતા. ઠંડીથી બચવા આ ખોલીમાં રખાયેલું એક હીટર ચાલુ કરીને તેઓ સૂઈ ગયા હતા, પરંતુ ઓક્સિજન નહીં મળવાના કારણે ગૂંગળાઈ જવાથી તમામના મૃત્યુ થઈ ગયા હતા એવું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે.

કાશ્મીરના ઊંચાણવાળા વિસ્તારોમાં બર્ફીલા પવનો સાથે હિમવર્ષા થતાં શ્રીનગર હાઈવે પણ બરફના કારણે  બંધ કરવાની ફરજ પડી હતી. એટલું જ નહીં, મુગલ રોડ, શ્રીનગર લેહ નેશનલ હાઈ વે અને બાંદીપોરા-જી રોડ પણ તકેદારીના કારણે બંધ કરાયા હતા. આ ઉપરાંત ભારે ધુમ્મસને પગલે કાશ્મીરની તમામ ફ્લાઈટ પણ રદ કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે ભારે બરફના તોફાન અને હિમવર્ષાને લઈને આગામી ૩૬ કલાક સુધી ઓરેન્જ વૉર્નિંગ પણ જારી કરી હતી. હિમવર્ષા પછી મોટા ભાગના કાશ્મીરમાં વીજ સેવા પણ બંધ થઈ ગઈ હતી.

જમ્મુ કાશ્મીરની જેમ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ભારે હિમવર્ષા થઈ હતી. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના કેટલાક સ્થળે અઢી ફૂટ જેટલો બરફ ખાબક્યો હતો, જ્યારે ચંબા જિલ્લાના ડેલહાઉસીમાં પણ એકાદ ઈંચ જેટલી હિમવર્ષા થઈ હતી. આદિવાસી જિલ્લા લાહૌલ અને સ્પિટીના વહીવટી કેન્દ્ર કેલોંગમાં સાત ઈંચ બરફ પડયો હતો. આ કારણસર હિમાચલમાં માઈનસ સાત ડિગ્રી સાથે સૌથી ઠંડુ સ્થળ કેલોંગ રહ્યું હતું. આ દરમિયાન ડેલહાઉસીમાં માઈનસ ૧.૧ અને કુફરીમાં માઈનસ ૦.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ઉત્તરાખંડના પણ ઊંચાઈવાળા તીર્થસ્થળોએ હિમવર્ષા થઈ હતી. રુદ્રપ્રયાગ જિલ્લાના કેદારનાથ અને ચમોલી જિલ્લાના બદ્રીનાથમાં બપોર સુધી બરફ પડયો હતો. અહીંના જાણીતા હિલ સ્ટેશન ઓલીમાં પણ હિમવર્ષા થતાં તાપમાનનો પારો ગગડયો હતો. હિમવર્ષાને પગલે દહેદાદૂનમાં તાપમાનનો પારો ૬.૬ ડિગ્રી સુધી નીચે જતો રહ્યો હતો. અહીંના નંદાદેવી અને વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક તેમજ કેદારનાથ મસ્ક ડિયર સેન્ચુરીમાં પણ હિમવર્ષા થઈ હતી. આ ઉપરાંત આગામી ૩૬ કલાક સુધી પિથોરગઢ, ઉત્તરકાશી, હરિદ્વાર, નૈનિતાલ, ચંપાવત અને બાગેશ્વરના છુટાછવાયા વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ રહેશે એવી હવામાન ખાતાએ આગાહી કરી હતી.

Related posts

65 વર્ષિય ખ્યાતનામ વકીલ હરીશ સાલ્વે કરવા જઈ રહ્યા છે બીજા લગ્ન, જાણો કોણ બની રહી છે તેમની પત્ની

Pravin Makwana

ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષનું પીએમ મોદીને લઈને વિવાદિત નિવેદન, કહ્યું: ખબર છે ક્યારે કરવાનું છે યુદ્ધ

pratik shah

પંજાબઃ રાવણ દહન સમયે દુર્ઘટના ઘટી, આગ લાગતા થયો બ્લાસ્ટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!