GSTV
Home » News » IND vs AUS: ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ખરાખરીનો જંગ, વિરાટ સેના માટે ‘કરો યા મરો’ની સ્થિતિ

IND vs AUS: ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ખરાખરીનો જંગ, વિરાટ સેના માટે ‘કરો યા મરો’ની સ્થિતિ

વિશ્વની બે સર્વશ્રેષ્ઠ ક્રિકેટ ટીમો વચ્ચે રવિવારે રમાનાર સીરીઝની અંતિમ મેચને જો રોમાંચની ચરમ સીમા કહેવામાં આવે તો કદાચ અતિશયોક્તિ ન કહેવાય. ગત બે મેચમાં જે પ્રકારની ક્રિકેટ જોવા મળી છે તેણે આ બંને ટીમોનું સ્તર ઉંચુ લાવ્યુ છે અને તે પણ સાબિત કર્યુ છે કે બંને ટીમો વચ્ચે વધુ અંતર નથી. સાથે જ કોઇપણ દિવસે કોઇપણ વિજય પરચમ લહેરાવી શકે છે. મુંબઇ ખાતે રમાયેલી પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે ધોઇ નાંખ્યુ જેથી યજમાન ટીમ પર સવાલો ઉઠ્યા હતાં.

વિરાટ માટે માથાનો દુખાવો

વિરાટ કોહલીની કેપ્ટન્સી વાળી ટીમે ધીરજ દાખવતા રાજકોટમાં વાપસી કરતાં સીરીઝ 1-1થી સરભર કરી દીધી. હવે સીરીઝની ત્રીજી અને અંતિમ વન ડે એમ. ચિન્નાસ્વામી ખાતે રમાશે જે નિર્ણાયક છે અને બંને ટીમો માટે મહત્વની છે. ભલે ભારત પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમી રહ્યું છે પરંતુ ઓસ્ટ્રેલિયાએ ટીમ ઇન્ડિયાને સખત ટક્કર આપી છે. બંને મેચમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેને ઉમદા પ્રદર્શન કર્યુ છે પરંતુ સ્કોરબોર્ડ પર વધુ રન કોહલી માટે માથાનો દુખાવો બન્યા.

આ છે ચિંતાનું કારણ

પ્રથમ મેચમાં ભારતીય બેટિંગ કંઇ ખાસ રહી ન હતી પરંતુ બીજી મેચમાં આ બેટિંગ લાઇને 340 રનનો આંકડો સ્પર્શ્યો. વિરાટ કોહલી, શિખર ધવન અને લોકેશ રાહુલે ઉમદા ઇનિંગ રમી સાથે જ રોહિત શર્મા અડધી સદીથી ચુકી ગયો. જો કે શ્રેયસ ઐય્યર અને મનીષ પાંડેની નિષ્ફળતા ચિંતાનું કારણ બની. રાહુલે પાંચમા ક્રમે આવીને ભારતીય મધ્યમક્રમની અંતમાં ધબડકો વાળવાની આદતને રાજકોટમાં પુનરાવર્તન થવાથી બચાવી લીધી.

બદલાવ માટે મજબૂર થઇ શકે છે ટીમ ઇન્ડિયા

બેંગલોરમાં ભારત કેટલાંક બદલાવ કરવા માટે વિવશ થઇ શકે છે. ધવનને બેટિંગ દરમિયાન પાંસળીઓમાં બોલ વાગ્યો હતો જેના કારણે તે બોલીંગ કરવા ઉતર્યો ન હતો. રોહિત પણ ફિલ્ડિંગ દરમિયાન ઘાયલ થયો હતો. આ બંનેની ઇજાને લઇને હાલ કોઇ સ્પષ્ટ ચિત્ર સામે આવ્યું નથી તેથી ભારતીય ટીમમાં ફેરફારની સંભાવનાને નકારી ન શકાય. ધવન અને રોહિતમાંથી જો કોઇ એક પણ બહાર થાય તો રાહુલ ફરી ઓપનર તરીકે જોવા મળી શકે છે. અહીં મધ્ય ક્રમને લઇને ચિંતા વધી શકે છે.

ટીમ ઇન્ડિયા માટે પડકાર

ઋષભ પંચ ઇજાના કારણે ગત મેચ રમી ન શક્યો અને આ મેચમાં તેની વાપસી સંભવ નથી. રાહુલ જો ઉપરના ક્રમે બેટિંગ કરે તો મધ્ય ક્રમની જવાબદારી ફરી પંત, ઐય્યર અને પાંડે પર હશે. આ ત્રણેય શું કરે છે, કેટલાં સફળ રહે છે તે મેચ દરમિયાન જ સ્પષ્ટ થશે. મુંબઇમાં ભારતીય બોલર્સ વિકેટ લેવામાં સફળ રહ્યાં ન હતાં પરંતુ રાજકોટમાં તેમણે વિશાળ લક્ષ્યનો બચાવ કર્યો હતો. પરંતુ એક વાત ધ્યાનમાં લેવા જેવી છે કે ઓસ્ટ્રેલિયાએ તેમ છતાં 300નો આંકડો પાર કર્યો હતો. તેવામાં કોહલીએ વિચારવુ પડશે કે ઓસ્ટ્રેલિયાને ઓછા સ્કોર પર કેવી રીતે રોકવામાં આવે.

ઓસ્ટ્રેલિયાની આ છે તાકાત

જો ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો તેની ચિંતા મુખ્યરૂપે બોલિંગની હશે જેના કારણે ભારતીય બેટ્મેનોએ સ્કોર 340 સુધી પહોંચાડ્યો. ફિંચે બીજી મેચ પહેલાં જોશ હેઝલવુડને ટીમમાં સામેલ કરવાના સંકેત આપ્યા હતાં પરંતુ તે રાજકોટમાં રમ્યો ન હતો. હવે જ્યારે બીજી મેચમાં પેટ કમિંસ અને મિશેલ સ્ટાર્ક નિષ્ફળ રહ્યાં તો આશા છે કે હેઝલવુડને તક આપવામાં આવે. બેટિંગને લઇને ટીમ વધુ ચિંતિત નથી. ટીમનો ટૉપ ઓર્ડર અને મિડલ ઓર્ડર મોટો સ્કોર ઉભો કરવાની તાકાત ધરાવે છે. તે ફિંચ અને કોહલી બંને જાણે છે.

ટીમો

ભારત: રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ ઐય્યર, મનીષ પાંડે, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને નવદીપ સૈની.

ઑસ્ટ્રેલિયા: ડેવિડ વૉર્નર, એરોન ફિંચ (કેપ્ટન), માર્નસ લાબુશાને, સ્ટીવ સ્મિથ, એશ્ટન ટર્નર, એલેક્સ કેરી (વિકેટકીપર), એશ્ટન એગર, મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, કેન રિચાર્ડસન અને એડમ જામ્પા.

Read Also

Related posts

રાજકારણ જ નહી અભિનયના પણ સરતાજ છે ડોનાલ્ડ ટ્રંપ, આ ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ

Mansi Patel

જે સમયે અમદાવાદમાં થઈ રહ્યું હતું ટ્રમ્પનું સ્વાગત તે જ સમયે આ ખેડૂતો ટ્રમ્પના મોહરા પહેરીને કરી રહ્યા હતા વિરોધ

Nilesh Jethva

ટ્રમ્પના સન્માનમાં રાત્રિ ભોજનમાં એક પણ કોંગ્રેસી નેતા નહીં જાય, આ છે કારણ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!