‘બોક્સિંગ ડે’ એ શરૂ થતી ટેસ્ટમાં ભારતનો કંગાળ છે દેખાવ, 10 થયા છે પરાજય

ભારતીય ક્રિકેટ ટીમ બુધવારથી મેલબોર્ન ખાતે ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી અને મહત્વપૂર્ણ ટેસ્ટ મેચમાં ટકરાશે. વિશ્વના અનેક દેશમાં ક્રિસમસ પછીના દિવસને ‘બોક્સિંગ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. ઈતિહાસ પર નજર કરવામાં આવે તો ભારતીય ક્રિકેટ ટીમને બોક્સિંગ ડે ટેસ્ટ ખાસ ફળતી નથી.  ભારતીય ક્રિકેટ ટીમ અત્યારસુધી ‘બોક્સિંગ ડે’ના કુલ ૧૩ ટેસ્ટમાં રમી છે, જેમાંથી તેનો ૧૦માં પરાજય અને માત્ર ૧માં વિજય થયો છે જ્યારે બે ટેસ્ટ ડ્રો રહી છે. ભારતે બોક્સિંગ ડે ટેસ્ટમાં એકમાત્ર વિજય દક્ષિણ આફ્રિકા સામે ૨૦૧૦માં ડરબન ટેસ્ટ વખતે મેળવ્યો હતો. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે કુલ ૭ ટેસ્ટ રમાઇ છે. જેમાંથી ભારતનો પાંચમાં પરાજય થયો છે અને બે ટેસ્ટ ડ્રો રહી છે. આમ, ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે બોક્સિંગ ડે ટેસ્ટમાં વિજય મેળવશે ઈતિહાસ સર્જશે.

‘બોક્સિંગ ડે’ એટલે શું?

અનેક દેશમાં ક્રિસમસ પછીના દિવસે પણ રજા હોય છે અને તેની ઉજવણી બોક્સિંગ ડે તરીકે કરવામાં આવે છે. વર્ષો અગાઉ બોક્સિંગ ડે ઉજવવાની શરૃઆત યુનાઇટ કિંગડમ દ્વારા કરવામાં આવી હોવાનું મનાય છે. લોકવાયકા પ્રમાણે ક્રિસમસની રાત્રે અનેક લોકો પોતાના ઘરની બહાર એક બોક્સ રાખે છે, જેથી સાન્તા ક્લોઝ આવીને તેમાં ભેટસોગાદ રાખી શકે. પોતાના જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતી વ્યક્તિ આ બોક્સમાં  ક્રિસમસ ગિફ્ટ રાખી જાય છે. આમ, આ બોક્સ પરથી બીજા દિવસને બોક્સિંગ ડે કહેવમાં આવે છે અને તેને બોક્સિંગની રમત સાથે કોઇ લેવા-દેવા નથી. બ્રિટન, આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ત્રિનિદાદ-ટોબેગો, બર્મુડા એમ અનેક દેશમાં બોક્સિંગ ડે ટેસ્ટ ઉજવવામાં આવે છે.

ક્રિકેટમાં બોક્સિંગ ડે ટેસ્ટ

૧૯૫૦ના વર્ષમાં ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ ટેસ્ટ સાથે સૌપ્રથમ બોક્સિંગ ડે ટેસ્ટ રમાઇ હતી. જોકે, બોક્સિંગ ડેના નિયમિત ધોરણે મેલબોર્ન ખાતે જ ટેસ્ટ રમાય તેની શરૂઆત ૧૯૯૪થી થઇ હતી. ઓસ્ટ્રેલિયાનો બોક્સિંગ ડે ટેસ્ટમાં પરાજય થયો હોય તેવું છેલ્લે ૨૦૧૦માં ઇંગ્લેન્ડ સામે બન્યું હતું. બોક્સિંગ ડે ટેસ્ટમાં ૨૦૧૭માં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ ડ્રો રહી હતી જ્યારે ૨૦૧૬માં પાકિસ્તાનને ઇનિંગ્સથી પરાજય આપ્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમ બોક્સિંગ ડેના વેલિંગ્ટન ખાતે રમતી હોય છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાની ટીમ ૨૦૧૭ સુધી ડરબન ખાતે જ બોક્સિંગ ડે ટેસ્ટ રમતી હતી. પરંતુ ૨૦૧૮ના વર્ષથી તે સેન્ચ્યુરિયન ખાતે બોક્સિંગ ડે ટેસ્ટમાં રમશે. આ વખતે બોક્સિંગ ડેના ન્યૂઝીલેન્ડનો શ્રીલંકા જ્યારે દક્ષિણ આફ્રિકાનો પાકિસ્તાન સામે ટેસ્ટ મુકાબલો થશે.

બોક્સિંગ ડે ટેસ્ટમાં ભારતનો દેખાવ

વર્ષ વિ. સ્થળ પરિણામ
૧૯૮૫ ઓસ્ટ્રેલિયા મેલબોર્ન ડ્રો
૧૯૯૧ ઓસ્ટ્રેલિયા મેલબોર્ન ઓસ્ટ્રેલિયાનો ૮ વિકેટે વિજય
૧૯૯૨ દક્ષિણ આફ્રિકા પોર્ટ એલિઝાબેથ દક્ષિણ આફ્રિકાનો ૯ વિકેટે વિજય
૧૯૯૬ દક્ષિણ આફ્રિકા ડરબન દક્ષિણ આફ્રિકાનો ૩૨૮ રને વિજય
૧૯૯૮ ન્યૂઝીલેન્ડ વેલિંગ્ટન ન્યૂઝીલેન્ડનો ૪ વિકેટે વિજય
૧૯૯૯ ઓસ્ટ્રેલિયા મેલબોર્ન ઓસ્ટ્રેલિયાનો ૧૮૦ રને વિજય
૨૦૦૩ ઓસ્ટ્રેલિયા મેલબોર્ન ઓસ્ટ્રેલિયાનો ૯ વિકેટે વિજય
૨૦૦૬ દક્ષિણ આફ્રિકા ડરબન દક્ષિણ આફ્રિકાનો ૭૪ રને વિજય
૨૦૦૭ ઓસ્ટ્રેલિયા મેલબોર્ન ઓસ્ટ્રેલિયાનો ૩૩૭ રને વિજય
૨૦૧૦ દક્ષિણ આફ્રિકા ડરબન ભારતનો ૮૭ રને વિજય
૨૦૧૧ ઓસ્ટ્રેલિયા મેલબોર્ન ઓસ્ટ્રેલિયાનો ૧૨૨ રને વિજય
૨૦૧૩ દક્ષિણ આફ્રિકા ડરબન ભારતનો ૧૦ વિકેટે પરાજય
૨૦૧૪ ઓસ્ટ્રેલિયા મેલબોર્ન ડ્રો

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter