ભારતીય અમીરોની સંપત્તિમાં થયો મોટો ઘટાડો, 1.47 લાખ કરોડ રૂપિયા થયા સફાચટ

2018ના મઘ્ય સુધીમાં ભારતમાં કુલ 3,43,000 કરોડપતિ છે. છેલ્લા એક વર્ષમાં આની સંખ્યામાં 7,300નો વધારો થયો હતો. ક્રેડિટ સુઈઝની 2018 ગ્લોબલ વેલ્થ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં નવા બનેલા કરોડપતિઓમાં 3,400 જેટલા 5-5 કરોડ ડોલર એટલે કે 368-368 કરોડ રૂપિયાથી વધારે સંપતિ છે. જ્યારે કે 1500 જેટલા 10-10 કરોડ ડોલર એટલે કે 736-736 કરોડ રૂપિયા સંપતિ છે.

દેશના 23માંથી 18 અમીરોની સંપતિ ઘટી

દેશમાં શેરબજારમાં ઉતાર ચઢાવને પગલે અમીરોની સંપત્તિમાં મોટો ઘટાડો થયો છે. આ માત્ર ભારત જ નહી વિશ્વભરના અમીરોની સંપત્તિમાં ઘટાડો થયો છે. દેશના 23માંથી 18 અમીરોની સંપતિ આ વર્ષે 1.47 લાખ કરોડ રૂપિયા ઘટી ગઈ છે. વિશ્વમાં સૌથી મોટી સ્ટીલ કંપની આર્સેલર મિતલના માલિક લક્ષ્મી નિવાસ મિતલને સૌથી વધુ 39,200 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. તેમની સંપતિ 29 ટકા ઓછી થઈ ગઈ છે. સનફાર્માના ફાઉન્ડર દિલીપ સંધવીએ 32,200 કરોડ રૂપિયાનું બીજું સૌથી મોટું નુકસાન થયું છે. ગૌતમ અદાણીની નેટવર્થ 18,690 કરોડ રૂપિયા ઓછી થઈ છે. બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ અને અમેરિકા-ચીનની વચ્ચેના ટ્રેડ વોરના કારણે આ વર્ષ ભારત સહિત સમગ્ર એશિયાના અમીરોની સંપતિમાં ઘટાડો આવ્યો છે. કુમાર મંગલમ બિરલા અને કેપીસિંહનો પણ અાંમાં સમાવેશ થાય છે.

વિશ્વના 500 અમીરોની સંપતિ બતાવનાર બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેકસમાં ભારતના 23 અમીરો સામેલ છે. તેમાંથી માત્ર 5ની સંપતિમાં આ વર્ષે વધારો થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સંપતિ આ વર્ષે 27,790 કરોડ રૂપિયા વધી છે. તે ચીનના અલીબાબા ગ્રુપના ચેરમેન જૈક માને પાછળ પાડીને એશિયાના સૌથી વધુ અમીર વ્યક્તિ બન્યા છે. આ સિવાય રાધાકૃષ્ણ દામાની, ઉદય કોટક, નુસ્લી વાડિયા અને સરથ રતનાવાડીની સંપત્તિમાં વધારો થયો છે.

કરોડપતિઓની સંખ્યા અને અમીરી-ગરીબીનો ફરક વધશે

આ સમયગાળમાં ડોલરના હિસાબે સંપતિ 2.6 ટકા વઘીને 6,000 અરબ ડોલર રહી હતી. જો કે, દેશમાં પ્રતિ વયસ્ક સંપતિ 7,020 ડોલર છે. જેનું મુખ્ય કારણ ડોલરની સરખામણીએ રૂપિયામાં કમજોરી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, 2023 સુધી ભારતમાં કરોડપતિઓની સંખ્યા અને અમીરી-ગરીબીનો ફરક વધશે. એ સમય સુધીમાં આ અસમાનતા 53 ટકા જેટલી વધી જશે. એ સમયે કરોડપતિઓની સંખ્યા 5,26,000 હશે, જે 8,800 અરબ ડોલરની સંપતિના માલિક હશે. ભારતમાં વ્યક્તિગત સંપતિ જમીન-મકાન અને અન્ય અચલ સંપતિ સ્વરૂપે છે. પારિવારિક સંપતિમાં આવી સંપતિનો ભાગ 91 ટકા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter