GSTV
Home » News » ભારતીય ટીમના કોચ બનવાની રેસમાં છ દાવેદારો, કોણ મારશે બાજી?

ભારતીય ટીમના કોચ બનવાની રેસમાં છ દાવેદારો, કોણ મારશે બાજી?

ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનવાની રેસમાં વર્તમાન કોચ રવિ શાસ્ત્રીની સાથે અન્ય પાંચ દાવેદારો પણ મેદાનમાં છે. ભારતીય ક્રિકેટ બોર્ડના હેડક્વાર્ટર ખાતે શુક્રવારને તારીખ ૧૬મી ઓગસ્ટના રોજ હેડ કોચના ઈન્ટરવ્યૂ યોજાશે. બીસીસીઆઇએ શાસ્ત્રીની સાથે ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કોચ માઈકલ હેસ્સન, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને શ્રીલંકાના પૂર્વ કોચ ટોમ મૂડી તેમજ અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ કોચ અને વિન્ડિઝના ધુરંધર ખેલાડી ફિલ સિમોન્સને ઈન્ટરવ્યૂ માટે બોલાવ્યા છે. આ ઉપરાંત ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર રોબિન સિંઘ અને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કોચ લાલચંદ રાજપુતનો સમાવેશ થાય છે.

Sanjay Jagdale world cup

કપિલ દેવ, અંશુમાન ગાયકવાડ અને શાંતા રામાસ્વામીની પેનલ હાઈપ્રોફાઈલ ટીમ ઈન્ડિયાના કોચ બનવા માટેના દાવેદારોના ઈન્ટરવ્યૂ લેશે. ભારતીય કેપ્ટન કોહલી પહેલા જ શાસ્ત્રીને કોચ તરીકે પહેલી પસંદ જાહેર કરી ચૂક્યો છે, જેના કારણે લાંબી પ્રક્રિયા બાદ આખરે તો પસંદગીનો કળશ શાસ્ત્રી પર જ ઢોળાશે તે નક્કી મનાય છે. જોકે બીસીસીઆઇએ દેખાડા માટે પણ આખી પ્રક્રિયા કરવી પડે તે માટે આ બધુ આયોજન કર્યું હોવાનું ક્રિકેટ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. 

સપોર્ટ સ્ટાફની પંસદગી ચીફ સિલેક્ટર કરશે

ટીમ ઈન્ડિયાના હેડ કોચની જવાબદારી સંભાળનાર જ તેને અનુકૂળ હોય તેવા વ્યક્તિઓને સપોર્ટ સ્ટાફ તરીકે ગોઠવી દેતો. જોકે ભારતીય ક્રિકેટ બોર્ડે આ વખતે તમામ જવાબદારી પોતાના હસ્તક લઈ લીધી છે. બીસીસીઆઇએ હેડ કોચની સાથે સાથે બેટીંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચ માટે જાહેરાત આપી હતી. આઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમના ફિઝિયો તેમજ ટ્રેનરની નિયુક્તિ કરવાની છે. જોકે ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફ તરીકે જોડાવા માટે ૨૦૦૦ જેટલી અરજીઓ આવી છે, જેના પરીણામે બીસીસીઆઇએ આ કામગીરી ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદને સોંપી દીધી છે. આ પ્રક્રિયા માટે કોઈ સમય કે તારીખ જાહેર કરવામાં આવ્યા નથી. 

રવિ શાસ્ત્રી : 

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શાસ્ત્રી ટીમ ઈન્ડિયાના કોચ તરીકે બહોળો અનુભવ ધરાવે છે. ૨૦૧૭માં ટીમ ડાયરેક્ટર તરીકે જોડાયેલા શાસ્ત્રીને ત્યાર બાદ દૂર કરવામાં આવ્યા. જોકે કોહલીના અતિ આગ્રહને પગલે ૨૦૧૮માં ફરી તેમને કોચ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમનો કાર્યકાળ હજુ ચાલુ છે.

માઈકલ હેસ્સન : 

સાત વર્ષ સુધી ન્યૂઝીલેન્ડના કોચ રહી ચૂકેલા માઈકલ હેસ્સનના કાર્યકાળમાં તેમની ટીમ સતત બે વખત વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશી હતી. તેઓએ તાજેતરના વર્લ્ડ કપ બાદ જ ન્યૂઝીલેન્ડનું કોચ પદ છોડયું હતુ. તેઓ પંજાબની ફ્રેન્ચાઈઝીના કોચ રહી ચૂક્યા છે.

ટોમ મૂડી : 

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર મૂડીએ ૨૦૦૫માં શ્રીલંકાના કોચ તરીકે જવાબદારી સંભાળી હતી. તેઓના માર્ગદર્શનમાં શ્રીલંકા ૨૦૦૭ના વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ્યું હતુ. મૂડી છ વર્ષથી હૈદરાબાદ ટીમના કોચ રહી ચૂક્યા છે.

ફિલ સિમોન્સ :

 વિન્ડિઝના ભૂતપૂર્વ ધુરંધર ક્રિકેટર ફિલ સિમોન્સ ઝિમ્બાબ્વે, આયર્લેન્ડ અને વિન્ડિઝના કોચ તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યા છે. તેઓ ૨૦૧૭માં અફઘાનિસ્તાનના હેડ કોચ તરીકે જોડાયા હતા અને વર્લ્ડ કપમાં તેમણે કોચ તરીકેની જવાબદારી છોડી દીધી હતી.

રોબિન સિંઘ : 

ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર રોબિન સિંઘ ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કોચ રહી ચૂક્યા છે. તેઓ હોંગ કોંગ તેમજ ઈન્ડિયા-એને કોચિંગ આપી ચૂક્યા છે. આ ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્સ સહિતની અન્ય ટી-૨૦ લીગની ટીમો સાથે જોડાયેલા રહ્યા છે. તેઓએ અમેરિકાની સિનીયર જુનિયર ટીમોને પણ માર્ગદર્શન આપ્યું છે.

લાલચંદ રાજપુત : 

ભારતીય ટીમના મેનેજર-કોચ રહી ચૂકેલા લાલચંદ રાજપુત મુંબઈની ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા રહ્યા છે. તેઓ અફઘાનિસ્તાનની ટીમના કોચ રહી ચૂક્યા છે. તાજેતરમાં તેઓ ઝિમ્બાબ્વેના કોચ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા.

Read Also

Related posts

કેવડિયા ખાતે ઇન્ડિયા આઈડિયાઝ કોન્કલેવમાં ભાગ લેવા પહોંચ્યા આ રાષ્ટ્રીય નેતાઓ

Nilesh Jethva

ગુજરાતના મહેમાન બનેલા બોલિવૂડના આ જાણીતા સીંગરે દિલ્હી હિંસા મામલે આપ્યું નિવેદન

Nilesh Jethva

અમદવાદના બાપુનગર વિસ્તારમાં એક સાથે 20 દુકાનોમાં આગ લાગતા મચી અફરા તફરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!