ભારતના સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ પુંછની મુલાકાતે છે. પુંછમાં સીતારમણ ભારતીય સેનાના શહીદ રાઈફલ મેન ઔરંગઝેબના નિવાસસ્થાને પહોંચ્યા છે. ભારે સુરક્ષા વચ્ચે પુંછ ખાતે નિર્મલા સીતરમણે શહીદ ઔરંગઝેબના પિતા અને અન્ય પરિવારજનોની સાથે મુલાકાત કરી છે.
નિર્મલા સીતારમણ પહેલા ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવત પણ શહીદ ઔરંગઝેબના પરિવારજનોની મુલાકાત લઈ ચુક્યા છે. મહત્વપૂર્ણ છે કે ઈદની રજાઓમાં ઘરે આવી રહેલા ભારતીય સૈનિક શહીદ ઔરંગઝેબનું આતંકવાદીઓ દ્વારા અપહરણ કરાયું હતું અને તેમને ટોર્ચર કરીને આતંકવાદીઓએ શહીદ કર્યા હતા. મહત્વપૂર્ણ છે કે શહીદ ઔરંગઝેબના નમાજ-એ-જનાજા અને તેમની દફનવિધિ વખતે સેંકડોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને તેમણે પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરીને બદલો લેવાની માગણી કરી હતી.