GSTV

ભારતીય રેલવે એ વિકસાવ્યો ચેટબોટ, જાણો એ કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે સેવા પુરી પાડે છે ?

Last Updated on May 10, 2021 by Karan

ચેટબોટ શું છે એની વાત કરતાં પહેલાં તેની જરૂર કેમ છે એની વાત કરીએ. સામાન્ય દિવસોમાં અમદાવાદના કાલુપુર જેવા કોઈ વ્યસ્ત રેલવે સ્ટેશનનું પૂછપરછ કાઉન્ટર કેવું રહેતું એ યાદ કરો! પૂછનારા અનેક ને જવાબ આપનાર એક હોય, છેવટે બંને કંટાળે. એટલે જ ભારતીય રેલવેએ ‘આસ્ક દિશા (ડિજિટલ ઇન્ટેક્શન ટુ સીક હેલ્પ એનીટાઇમ)’ નામનો એઆઇ આધારિત ચેટબોટ વિક્સાવ્યો છે. રેલવે ઉપરાંત, લગભગ બધી આગળ પડતી બેંક અને હવે નાના-મોટા બિઝનેસ કસ્ટમર સપોર્ટ માટે ચેટબોટનો આશરે લેવા લાગ્યા છે.

ચેટબોટ શું છે ?

‘ચેટબોટ’ શબ્દની રીતે સમજીએ તો જેમાં ટેક્સ્ટની આપલે થઈ શકે તેવા કોઈ પણ ઇન્ટરનેટ પ્રોગ્રામમાં, આપણી સાથે વાતચીત કરી શકે તેવો રોબોટ એટલે ચેટબોટ.

ટેકનિકલી જોઈએ તો ચેટબોટ એક જાતના કમ્પ્યૂટર પ્રોગ્રામ જ છે. ચેટબોટ સામાન્ય રીતે બે પ્રકારના હોઈ શકે છે, એક, જે નિશ્ચિત નિયમોને આધારે ચાલે અને પૂછવામાં આવેલી માહિતીના જવાબમાં તેને અગાઉથી મળેલી માહિતી તે પૂરી પાડે. વોટ્સએપ પર ભારત સરકારની કોરોના સંબંધિત હેલ્પડેસ્ક માટેનો ચેટબોટ આ પ્રકારનો છે. તેમાં અત્યંત મોટા પાયે ડેટા ફીડ કરવામાં આવ્યો છે (જેમ કે આપણા પિન કોડ મુજબ વેક્સિનેશન સેન્ટર અને તેમાં ઉપલબ્ધ સ્લોટની માહિતી – વિચાર કરી જુઓ, કેટલો ડેટા થયો!). પરંતુ એ ડેટા બહારનું કંઈ પૂછવામાં આવે તો આ ચેટબોટ નમ્રતાપૂર્વક પોતાની મર્યાદા સ્વીકારે અને કહે કે ‘‘મારી જાણમાં હોય એવું કંઈક પૂછો!’’ (આ પણ પ્રોગ્રામિંગથી શક્ય બને).

શા માટે હોય છે ચેટબોટ

બીજા પ્રકારના ચેટબોટ એઆઇ, નેચરલ લેંગ્વેજ લર્નિંગ અને મશીન લર્નિંગ જેવી આધુનિક ટેકનોલોજીથી સજ્જ હોય છે. આવા ચેટબોટ જુદી જુદી કેટલીયે જાતની સર્વિસ પૂરી પાડી શકે છે.

નિશ્ચિત નિયમોને આધારે ચાલતા ચેટબોટ પ્રમાણમાં મર્યાદિત સવાલોના જવાબ આપી શકે છે. તે તેના પ્રોગ્રામિંગમાં સામેલ ન હોય એવા સવાલો પૂછવામાં આવે ત્યારે આપણને જોઈતી માહિતી પૂરી પાડી શકતા નથી. જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ચાલતા ચેટબોટ્સ આપણે કંઈક પૂછીએ ત્યારે તેના સીધા અર્થ ઉપરાંત તેના સંદર્ભને આધારે ઘણું વધુ સમજી શકે છે. આવા બોટ્સ સાથે આપણે જેમ વધુ સંવાદ કરતા જઈએ તેમ એ વધુ સ્માર્ટ બનતા જાય છે.

ચેટબોટ આપણને કેવી રીતે ઉપયોગી થઈ શકે તેનું એક ઉદાહરણ જોઈએ તો ધારો કે તમે નવો સ્માર્ટફોન ખરીદવા માગો છો. અત્યારની સ્થિતિ અનુસાર તમે જુદી જુદી ઓનલાઈન શોપિંગ સાઈટ્સ પર જશો અને જુદી જુદી કંપનીના મોબાઇલનાં ફીચર્સ સરખાવશો અને પછી કોઈ એક પર પસંદગી ઢોળશો. પરંતુ તમે ઇચ્છો તો તમે તમારી ફેવરિટ મેસેજિંગ એપમાં જ આ માટે કોઈ ચેટબોટની મદદ લઈ શકો. એ ચેટબોટ સાદો હશે તો મોટા ભાગે એવું બનશે કે તમે જે તે મોબાઇલ કંપનીના ચેટબોટને કહેશો કે તમારે મોબાઇલ ખરીદવો છે એટલે એ તમને એ કંપનીના જુદા જુદા મોબાઇલનું લિસ્ટ મેસેજિંગ એપ્સમાં જ મોકલશે. તેમાંથી તમે કોઈ મોબાઇલ પસંદ કરીને તેનો ઓર્ડર આપી શકો છો અને પછી કંપનીની વેબસાઇટ પર જઈને તેનું પેમેન્ટ કરી શકો છો.

જે ચેટબોટ ખરેખર સ્માર્ટ હશે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સતત નવું નવું શીખતો હશે એ આપણી ચેટ હિસ્ટ્રીના આધારે આપણે ક્યો મોબાઇલ ખરીદવો જોઈએ એ સૂચવી પણ શકશે અને તેનું પેમેન્ટ પણ મેસેજિંગ મારફત જ થઈ જાય એવું શક્ય બનશે. સંખ્યાબંધ કંપનીઓ પોતાના કસ્ટમર્સને ઝડપી કસ્ટમર સપોર્ટ સર્વિસ આપવા માટે ચેટબોટનો ઉપયોગ કરવા લાગી છે.

Read Also

Related posts

ચિંતાજનક / શું છે સુપરબગ, કેવી રીતે દર વર્ષે 13 લાખ લોકોનો લઈ રહ્યો છે જીવ: કોરોના સાથેના કનેક્શન પણ જાણી લો

GSTV Web Desk

ઘરેલૂ નુસ્ખો/ અકાળે સફેદ થઇ ગયેલા વાળ માટે અજમાવો આ કારગર ઉપાય, વૃદ્ધાવસ્થા સુધી વાળ રહેશે કાળા અને ભરાવદાર

Bansari

ઠંડીની સીઝનમાં મોબાઇલ યુઝ કરતી વખતે રાખો આ વાતનું ધ્યાન, નહીંતર ‘બીમાર’ થઇ જશે તમારો ફોન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!