કેમ છો મિત્રો? તમે બધાં મને જાણતાં જ હશો. તમારી દાદી અને મમ્મીએ તમારી બાલ્યાવસ્થામાં મને ખૂબ ખવડાવ્યાં હશે. અત્યારે પણ ઘણાં લોકોનાં ટેબલ પર મારો મુરબ્બો પડ્યો જ હશે. હું ત્રિફળાનું ત્રીજું અને અંતિમ ફળ, આજે મારા વિષે થોડું જણાવીશ. મારાં વૈદ્ય મિત્રો મને આમળા (આમલકી)નાં નામથી પણ ઓળખે છે. આમળા, જે શરીરને ધારણ કરે છે અને જેમાં રસાયણનાં ગુણ છે.
આ ઉપરાંત મારાં અન્ય નામ
1. તિષ્યફલા, કળિયુગમાં જેનાં સેવનથી મંગલ ફળ મળે છે તેવું ફળ
2. અમૃતા, જેનાં સેવનથી કોઈ અકાળે મરતાં નથી
3. વયસ્થા, જેનાં સેવનથી યૌવન ચિરકાળ ટકે છે અને
4. ધાત્રી, જે રસાયણ ગુણ ઇચ્છતાં લોકો દ્વારા પીવામાં આવે છે. જે મારાં અલગ અલગ ગુણધર્મો અને ફાયદા દર્શાવે છે.
પ્રાપ્તિ સ્થાન
મોટાં ભાગે સમગ્ર ભારતમાં અને ઉષ્ણ પ્રદેશોમાં મારાં વૃક્ષ જોવાં મળે છે. વૃક્ષ મોટાં ભાગે મધ્યમ આકારનું હોય છે અને પર્ણ નાનાં હોય છે. મારાં ફૂલ પીળાં રંગના ગુચ્છાઓમાં સાથે જોવા મળે છે. મારાં ફળ ગોળ, ચમકદાર અને છ રેખાઓથી યુક્ત હોય છે. મારાં બીજોમાંથી તેલ પણ કાઢવામાં આવે છે.

હવે સાંભળો મારાં ગુણ વિષે
મારો રસ મધુર, ખાટો અને તૂરો છે. હું આ રસથી જ ત્રિદોષનાશક ગન ધરાવું છું. હું મારાં અમ્લ રસથી વાયુ, મધુર અને શીતળ ગુણથી પિત્ત અને તૂરા રસથી કફને દૂર કરું છું.
આ ઉપરાંત આયુર્વેદનાં આચાર્યો એ જણાવ્યું છે કે મારાં ઘણાં બધા ગુણો હરડે એટલે કે હરીતકી જેવાં પણ છે. અને વિશેષમાં હું રક્તપિત્ત અને પ્રમેહનો નાશ કરું છું, આ ઉપરાંત હું વીર્યને માટે પણ હિતકર અને રસાયણ છું.
તમે શિયાળામાં જે ચ્યવનપ્રાશ આરોગો છો તેનું મુખ્ય દ્રવ્ય પણ હું જ છું. મારા સેવનથી શરીરની ચયાપચય ક્રિયાઓ વ્યવસ્થિત રહે છે અને શરીર પુષ્ટ અને બળવાન બને છે. સ્મૃતિ, મેધા અને ચહેરાં પર ક્રાંતિ વધે છે. મારો આ સાથે ઉપયોગ શ્વાસ, ખાંસી, ક્ષય રોગ, રક્તાલ્પતા, અગ્નિમાંદ્ય અને વીર્ય દોષમાં પણ કરવામાં આવે છે.
મારું તાજું ફળ રસાયન, વીર્ય વધારનાર, મૃદુ વિરેચક એટલે પેટને સાફ કરનાર, મળને નીચે તરફ ધકેલનાર, મૂત્રને વધારનાર અને લીવરની ક્રિયાઓને સુધારનાર છે. મારું સૂકું ફળ શીતળ, દીપન અને રક્તસ્રાવને રોકનારું છે.

મારું રાસાયણિક સંગઠન
મારા ટેનિનમાં ગેલિક એસિડ, એલાઇગિક એસિડ અને ગ્લુકોઝ હોય છે. તથા વિટામિન સી અને પેક્ટિન ખૂબ મોટી માત્રામાં છે. વિટામિન સી 100 ગ્રામ ચૂર્ણમાં આશરે 600-921 મિગ્રા સુધી મળે છે. મારાં સૂકા ચૂર્ણમાં કે ગરમ કરવાં છતા વિટામિન સી ની હાજરી રહે છે. એક નારંગી કરતાં મારામાં વિસ ગણું વિટામિન સી છે.મારામાં રહેલું વિટામિન સી કુત્રિમ વિટામિન સી કરતાં વધુ અસરકારક છે.
મારો ઉપયોગ
વૈદ્યમિત્રની સલાહ અને માર્ગદર્શન હેઠળ મારો આ પ્રમાણે ઉપયોગ કરી શકાય.
1. મારો અને હળદરનો ઉકાળો મૂત્રાશયનાં સોજામાં અને પિત્ત પ્રકોપમાં ફાયદા કારક છે.
2. સ્કર્વી (વિટામિન સીની અછત) રોગમાં મારો રસ ખૂબ જ સારું પરિણામ આપે છે.
3. મસામાંથી લોહી પડતું હોય તો દહીંની ઉપરની તર સાથે મને અથવા મારા ચૂર્ણને લઇ શકાય.
4. આ ઉપરાંત મસામાં જ ચિત્રાનાં મૂળની છાલ અને છાસ સાથે લઇ શકાય.
5. મંદાગ્નિ હોય અને ભોજનમાં અરુચિ થતી હોય તો આમળાને તપાવી, ઘી અને જીરાનો વઘાર કરીને મીઠું નાખીને લેવાથી અગ્નિ પ્રદીપ્ત થાય છે.
6. યાદ શક્તિ વધારવા માટે આમળાનું ચૂર્ણ અને તલ, ઘી અને મધ( અસમાન માત્રા)માં રોજ સવારે ખાવાં.
7. આંખોના તેજને વધારવા માટે રાત્રે આમળાંનું ચૂર્ણ પાણીમાં પલાળી તેને રાતભર રહેવાં દેવું. સવારે તેનાંથી આંખ ધોવી.
8. મારાં પર્ણનો ઉકાળો મુખમાં ચાંદા પડ્યા તો ફાયદો આપે છે. તેનાંથી ગંડૂષ કરી શકાય.
9. વાતરક્ત કે ગાંઠિયા વા માં જૂનાં ઘી સાથે મારો રસ પકાવીને પીવો.
10. મૂત્ર રોકાયો હોય અથવા પીડા થતી હોય તો મારો રસ ગોળ સાથે પીવો.
11. મારાં તાજાં ફળોના ખૂબ સેવનથી હું જૂનો મરડો પણ મટાડી શકું છું.
12. મારાં બીજમાંથી તેલ કાઢીને તેનો ઉપયોગ કરતાં ખરતાં વાળમાં પણ હું ખૂબ જ ઉપયોગી બનું છું.
મારાં સેવનની માત્રા
3 થી 10 ગ્રામ. વૈદ્યમિત્રની સલાહથી તે વધુ કે ઓછું કરી શકાય છે.
તો મિત્રો, કેવો લાગ્યો મારો પરિચય. મારાં સેવનથી હું તમને સ્વસ્થ શરીર અને મન આપીશ. આજે જ તમારાં વૈદ્યમિત્રનાં માર્ગદર્શન હેઠળ મારું સેવન કરો અને મેળવો તંદુરસ્ત શરીર. ચાલો મિત્રો હું જાઉં, એક વૈદ્યમિત્રને ચ્યવનપ્રાશમાં મારી જરૂર છે. આવજો.