ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ મહિલા દિવસે વીડિયોના માધ્યમથી પોતાના પ્રશંસકોને ખાસ સંદેશ આપ્યો છે. વિરાટ કોહલીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરી મહિલાઓને પુરુષ સમોવડી નહીં પરંતુ પુરુષથી બહેતર હોવાનું જણાવ્યું છે. વિરાટ કોહલીએ જણાવ્યું, ‘બધી મહિલાઓને મહિલા દિવસની શુભેચ્છા.’ મહિલાઓનો કોઇ જવાબ નથી. જાતીય સતામણી, ભેદભાવ, ઘરેલુ હિંસા જેવી ઘણી તકલીફો વેઠ્યા બાદ મહિલાઓ આગળ વધી રહીં છે. વિશ્વની બધી મહિલાઓને મહિલા દિવસની હાર્દિક શુભેચ્છા.
કોહલીએ પોતાના આ ખાસ ટ્વિટમાં પત્ની અનુષ્કાને પણ ટેગ કરી છે. મહત્વનું છે કે, વિરાટ અને અનુષ્કા શર્મા અગાઉ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી વખત પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરી ચૂક્યા છે. વિરાટ કોહલીએ ગયા વર્ષે મહિલા દિવસ પર પોતાની માતા અને અનુષ્કાને તેના માટે નસીબદાર હોવાનું જણાવ્યું હતું. કોહલીએ લખ્યું હતું, મારી માતાએ જીવનના કઠિન સમયે સંભાળ રાખી હતી, જ્યારે અનુષ્કા શર્મા હંમેશા ખોટા લોકો સામે ઉભી થઇ અને સાચી બાબતોનું સમર્થન કર્યુ.
Tag the extraordinary woman in your life who is #BetterThanEqual @Staywrogn@AnushkaSharma ♥️ pic.twitter.com/NdjNEPYQjD
— Virat Kohli (@imVkohli) March 8, 2018
અહીં જણાવવાનું કે સુકાની વિરાટ કોહલી અત્યારે પરિવાર સાથે પોતાનો સમય વિતાવી રહ્યાં છે. વિરાટ કોહલી માટે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ ઘણો મહત્વપૂર્ણ રહ્યો હતો અને હવે તેઓ આઈપીએલ મેચમાં રમતા દેખાશે. વિરાટ દર વર્ષની જેમ આ વર્ષે પણ આઈપીએલમાં આરસીબીની આગેવાની સંભાળશે. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ ગયા વર્ષે અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા હતાં.