‘જો સારી તક મળી તો રાજનીતિમાં એન્ટ્રી કરી શકે છે ગૌતમ ગંભીર’

પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરે પોતાના ભવિષ્ય અંગે હાલમાં કશું વિચાર્યુ નથી, પરંતુ જો તેમને સારી તક મળશે તો તેઓ રાજનીતિમાં પ્રવેશ કરી શકે છે. ગંભીરે મંગળવારે ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયામાં પણ લખ્યું કે તેમણે આ નિર્ણય ‘ભારે મન’થી લીધો છે. ગંભીર કારકિર્દીની છેલ્લી મેચ રણજી ટ્રોફીમાં આંધ્ર પ્રદેશની સામે રમશે, જે ફિરોજશાહ કોટલા મેદાન પર 6 ડિસેમ્બરથી શરૂ થવાની છે.

નવભારત ટાઈમ્સ સાથેની વાતચીતમાં ગંભીરે કહ્યું, ‘મેં મારા ભવિષ્ય અંગે હાલમાં કશું વિચાર્યુ નથી, પરંતુ જો કોઈને તક મળે તો તેણે દેશ સેવા કરવી જોઈએ અને સારું છે કે રાજનીતિમાં પ્રવેશ મેળવે. મને તક મળે તો હું રબર સ્ટેમ્પ બનીશ નહીં.’

પૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારમાં પ્રધાન નવજોત સિંહ સિદ્ધુના પાકિસ્તાન પ્રવાસ પર ગંભીરે કહ્યું, ‘મને લાગે છે કે તેમણે પાકિસ્તાન જવુ જોઈતુ ન હતું. દેશની ભાવના સાથે કોઈને પણ રમવાનો અધિકાર નથી.’ સાથે તેમણે આશા વ્યક્ત કરી હતી કે પાકિસ્તાનના ક્રિકેટરે વડાપ્રધાનની સાથે સ્થિતિ બદલવી જોઈએ, પરંતુ એવું ન કહી શકાય કે જો કોઈ સારો ક્રિકેટર હોય તો તે સારા વડાપ્રધાન પણ બની શકે છે.

‘ધોનીની સાથે કોઈ વિવાદ નથી’

ગૌતમ ગંભીરે સ્પષ્ટ કર્યુ કે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સાથે કોઈ પણ વિવાદ નથી. ફેરવેલ મેચને લઇને તેમણે કહ્યું, ‘મને લાગતુ નથી કે કોઈ પણ ક્રિકેટર માટે ફેરવેલ મેચ આયોજીત કરવી જોઈએ’

દિલ્હી સરકાર પર ગંભીરે આવુ કહ્યું

2 વર્લ્ડ કપના હીરો રહેલા ગંભીરે કહ્યું કે દિલ્હી સરકારને જનતાએ ભરપૂર સમર્થન આપ્યું અને સરકારે સારી કામગીરી કરવાની જરૂર હતી. તેમણે કહ્યું, ‘જનતાના ભરોસે અને ભરપૂર સમર્થનની સાથે દિલ્હી સરકારે સારું કામ કરવાની જરૂર હતી, પરંતુ સરકાર લોકોની આશાઓ પર ઉણી ઉતરી.’ તેમણે આ અગાઉ વાયુ પ્રદૂષણને લઇને દિલ્હી સરકાર પર કટાક્ષ કર્યો હતો.

કેવી રહી કારકિર્દી

2011માં વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમના ક્રિકેટર અને ફાઇનલ મેચના હીરો રહેલા ગંભીરે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 58 ટેસ્ટ અને 147 વન-ડે મેચ રમી હતી. ગંભીરના નામે ટેસ્ટમાં 4154 રન અને વન-ડેમાં 5238 રન નોંધાયેલા છે વન-ડેમાં ગંભીરનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 150 રન છે. તેમણે 37 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી, જેમાં 27.41ની સરેરાશથી 932 રન બનાવ્યાં. તેમણે વન-ડેમાં 11 સદી અને ટેસ્ટમાં 9 સદી ફટકારી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter