GSTV

આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અંતિમ વનડે મેચ : ભારત વ્હાઈટવોશથી બચવા મેદાને ઉતરશે

Last Updated on February 11, 2020 by Mayur

યજમાન ન્યૂઝીલેન્ડનો ટ્વેન્ટી૨૦ શ્રેણીમાં ૫-૦થી વ્હાઇટવોશ કરીને ભારતે કિવિ પ્રવાસની ધમાકેદાર શરૂઆત કરી હતી. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમ ટ્વેન્ટી૨૦ બાદ વન-ડે શ્રેણીમાં પણ ફતેહ મેળવવા માટે હોટફેવરિટ મનાતી હતી. અધૂરામાં પૂરું કેપ્ટન કેન વિલિયમસન, ટ્રેન્ટ બૌલ્ટ, લોકી ફર્ગ્યુસન, મેટ્ટ હેનરી જેવા પ્લેયર્સ ઈજાને કારણે નહીં રમી રહ્યા હોવાથી ભારતના વન-ડે શ્રેણીમાં પણ વિજયની દાવેદારીમાં વધારો થઇ ગયો હતો. પરંતુ વર્લ્ડકપમાં રનર્સઅપ ન્યૂઝીલેન્ડની ટીમે સ્ટાર ખેલાડીઓની ગેરહાજારી છતાં ટ્વેન્ટી૨૦ શ્રેણીમાં થયેલા વ્હાઇટવોશનો ભૂલાવીને ભારત સામે વન-ડે શ્રેણીમાં ૨-૦ની અજેય સરસાઇ હાંસલ કરી લીધી છે. માત્ર ૮ દિવસમાં સ્થિતિમાં ૩૬૦ ડિગ્રીનો બદલાવ આવી ગયો છે અને હવે ભારત સામે વ્હાઇટવોશની નાલેશીનો સામનો કરવાનું સંકટ ઘેરાયું છે. ન્યૂઝીલેન્ડ સામે આજે ત્રીજી અને અંતિમ વન-ડેમાં ભારત રમશે ત્યારે તે વિજય મેળવીને વ્હાઇટવોશથી બચવા ઉપરાંત પ્રતિષ્ઠા જાળવવા માટે મેદાને પડશે. ભારતીય સમય અનુસાર સવારે ૭:૩૦થી આ મુકાબલાનો પ્રારંભ થશે.

ભારતનો દ્વિપક્ષીય વન-ડે શ્રેણીમાં વ્હાઇટવોશ થયો હોય તેવું છેલ્લે ડિસેમ્બર ૨૦૦૬માં બન્યું હતું. એ વખતે ભારતની ટીમમાં તત્કાલીન સુકાની રાહુલ દ્રવિડ- વીરેન્દ્ર સેહવાગ-સચિન તેંડુલકર-દિનેશ મોંગિયા- વીવીએસ લક્ષ્મણ-અનિલ કુંબલે જેવા પ્લેયર્સ હતા. ૨-૦ની અજેય સરસાઇ ધરાવતી ન્યૂઝીલેન્ડનો જુસ્સો હજુ પણ વધારે તેવી વાત એ છે કે કેપ્ટન કેન વિલિયમસન ફિટ થઇ ગયો છે અને આવતીકાલે રમે તેની પૂરી સંભાવના છે. જોકે, ન્યૂઝીલેન્ડ માટે બિમારી-ફિટનેસની સમસ્યાનું ગ્રહણ યથાવત્ રહ્યું છે. ટિમ સાઉથી-મિચેલ સેન્ટનર ગેસ્ટ્રો સમસ્યાનો સામનો કરી રહ્યા છે જ્યારે સ્કોટ કુગ્ગલૈનને વાયરલ ફિવર છે. નાદુરસ્ત ખેલાડીઓની સમસ્યાને લીધે ન્યૂઝીલેન્ડે ત્રીજી વન-ડેની ટીમમાં રાતોરાત ઈશ સોઢી, ફાસ્ટ બોલર બ્લેર ટિકનેરનો સમાવેશ કર્યો છે. ઈશ સોઢી ભારત ‘એ’ સામે ચાર દિવસીય મેચમાં ન્યૂઝીલેન્ડ ‘એ’ માટે રમી રહ્યો હતો.

બીજી તરફ ભારતની ટીમમાં જસપ્રિત બુમરાહને સ્થાને મોહમ્મદ શમી, કેદાર જાધવને સ્થાને મનિષ પાંડેને સામેલ કરવામાં આવી શકે છે. અન્ય એક સંભાવના એવી પણ છે કે પૃથ્વી શો સાથે લોકેશ રાહુલને ઓપનિંગમાં ઉતારી મયંક અગ્રવાલને સ્થાને રિષભ પંતને તક આપવામાં આવે. જોકે, તેની સંભાવના નહિવત્ છે. પૃથ્વી શો અને મયંક અગ્રવાલ વન-ડે ટીમમાં મળેલી આકસ્મિક તકનો હજુ સુધી લાભ ઉઠાવી શક્યા નથી.

સંભવિત ટીમ :

ન્યૂઝીલેન્ડ : માર્ટિન ગપ્ટિલ, હેનરી નિકોલ્સ, કેન વિલિયમસન (કેપ્ટન), રોઝ ટેલર, ટોમ લેથમ, જીમી નીશમ, કોલિન ડી ગ્રેન્ડહોમ, કેઇલ જેમીસોન, ઈશ સોઢી, હેમિશ બેન્નેટ્ટ, સ્કોટ કુગ્ગલૈન.

ભારત : મયંક અગ્રવાલ, પૃથ્વી શો, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, લોકેશ રાહુલ, મનિષ પાંડે, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ.

બુમરાહનું ફોર્મ ભારત માટે ચિંતાનો વિષય : લક્ષ્મણ

છેલ્લી પાંચ વન-ડેમાં ૨૭૭ બોલમાં ૨૪૭ રન આપી માત્ર ૧ વિકેટ ખેરવી શકેલા જસપ્રિત બુમરાહનું ફોર્મ ભારત માટે ચિંતાનો વિષય બન્યું છે. વીવીએસ લક્ષ્મણે જણાવ્યું હતું કે, ‘જસપ્રિત બુમરાહ ભારતની ટીમનો આધારભૂત બોલર છે. વિરાટ કોહલીને જ્યારે પણ વિકેટની જરૃર હોય ત્યારે બુમરાહે નિરાશ કર્યા નથી. પરંતુ ન્યૂઝીલેન્ડના પ્રવાસ દરમિયાન બુમરાહનો દેખાવ સાધારણ રહ્યો છે. આ ઉપરાંત તેની લેન્થ પણ અસરકારક જોવા નહીં મળી હોવાથી તે હરીફ બેટ્સમેન પર દબાણ જાળવી શક્યો નથી. ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ પણ બુમરાહનો ખૂબ જ ચતુરાઇપૂર્વક સામનો કર્યો છે.

માઉન્ટ મૌનગનીમાં ભારત ક્યારેય હાર્યું નથી

ત્રીજી વન-ડે માઉન્ટ મૌનગનીના બે ઓવલ ખાતે રમાશે. ભારત અહીં બે વન-ડેમાં રમ્યું છે અને બંનેમાં વિજય મેળવ્યો છે. જેમાં ભારતે ૨૬ જાન્યુઆરી ૨૦૧૯ના રમાયેલી વન-ડેમાં આપેલા ૩૨૫ના પડકાર સામે કિવિઝ ટીમ ૨૩૪માં આઉટ થઇ જતાં ભારતનો ૯૦ રને વિજય થયો હતો. ૨૮ જાન્યુઆરી ૨૦૧૯ના ન્યૂઝીલેન્ડે આપેલા ૨૪૪ના લક્ષ્યાંકને ભારતે ૪૩ ઓવરમાં ૩ વિકેટના ભોગે વટાવીને વિજય મેળવ્યો હતો.

READ ALSO

Related posts

નવો નિયમ : તમારા વાહનનો આ કાગળ હંમેશા રાખો તમારી સાથે, નહીંતર ફાટશે 10 હજારનો મેમો

Vishvesh Dave

ચીનની એક મહિલાએ આપ્યો જોડિયા બાળકોને જન્મ, સત્ય જાણીને પતિના ચકલા ઉડી ગયા

Pritesh Mehta

શરૂ થશે નવી ઈનિંગ? પૂર્વ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વિધાનસભાના નવા અધ્યક્ષ બને તેવી શક્યતા પ્રબળ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!