INDvNZ: કોઇએ કેચ છોડ્યાં તો કોઇએ ખોબલે-ખોબલા ભરીને રન આપ્યાં, આ છે ભારતની સૌથી મોટી હારના કારણો

ન્યૂઝીલેન્ડે બુધવારે વેસ્ટપેક સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ભારતને 80 રને માત આપી છે. રનને ધ્યાનમાં લઇએ તો આ ભારતની ટી-20માં સૌથી મોટી હાર છે. આ સાથે જ ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની વન ડે સીરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ન્યૂઝીલેન્ડે પહેલાં બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 219 રનનો જંગી સ્કોર ઉભો કર્યો. ભારતીય ટીમ આ લક્ષ્યને હાંસેલ ન કરી શકી અને 19.2 ઓવરોમાં 139ના સ્કોર પર જ ઓલઆઉટ થઇ ગઇ. ભારત તરફથી મહેન્દ્ર સિંહ ધોનીએ સૌથી વધુ 39 રન બનાવ્યાં. શિખર ધવને 29 અને વિજય શંકરે 27 રન બનાવ્યાં. ભારતની આ શરમજનક હાર માટે મુખ્ય 4 કારણો જવાબદાર છે. ચાલો જાણીએ ક્યા છે આ કારણો….

ટીમ સેફર્ટની વિસ્ફોટક ઇનિંગ

ન્યૂઝીલેન્ડના યુવા વિકેટકીપર બેટ્સમેન ટિમ સેફર્ટે ભારતીય બોલરોને ધોઇ નાંખતાં 43 બોલમાં 84 રન ફટકાર્યાં. જેની મદદથી ન્યૂઝીલેન્ડે ભારત સામે ધરખમ સ્કોર ઉભો કર્યો. તેણે મુનરો સાથે મળીને 8.2 ઓવરમાં 86 રન જોડીને ટીમને આક્રામક શરૂઆત આપી. સેફર્ટે પોતાની ઇનિંગમાં સાત ચોગ્ગા અને છ છક્કા ફટકાર્યા.

ભારતીય ફિલ્ડરોનો કંગાળ દેખાવ

બોલરોના ખરાબ પ્રદર્શનની સાથે ભારતીય ફિલ્ડરોએ પણ ધબડકો વાળ્યો હતો. ભારતના ફિલ્ડરે ન્યૂઝીલેન્ડની ઇનિંગમાં ત્રણ કેચ છોડ્યા જેમાં વિકેટની પાછળ રહેલા ધોની પણ કેચ કરવામાં ચૂક કરી ગયા. ન્યૂઝીલેન્ડની ઇનિંગની પાંચમી ઓવરમાં ધોનીએ કૃણાલ પંડ્યાની બોલીંગમાં વિકેટ પાછળ ટિમ સેફર્ટને જીવનદાન આપ્યું. દિનેશ કાર્તિકે 11મી ઓવરમાં ટિમ સેફર્ટ અને 18મી ઓવરમાં રોસ ટેલરનો કેચ છુટ્યો.


બોલરોનું ખરાબ પ્રદર્શન

વેલિંગ્ટનના વેસ્ટપેક સ્ટેડિયમમાં રમાયેલી ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં ભારતીય બોલરોનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું. ટીમમાં પાંચમાંથી ત્રણ બોલરોની ઇકોનોમી રેટ 10થી ઉપર રહ્યો. ભારતીય બોલરોની ખરાબ બોલીંગના કારણે કીવી બેટ્સમેનોએ 8 ઓવરમાં કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના 85 રન ફટકારી દીધાં હતા. આ ઉપરાંત ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ અંતિમ પાંચ ઓવરમાં 55 રન ફટકારી દીધાં અને મેચને ભારતની પહોંચથી દૂર લઇ ગયાં.

ભારતે બેટિંગમાં પણ ધબડકો વાળ્યો

ભારતીય ટીમની બોલીંગ અને ફિલ્ડીગ ઉપરાંત બેટિંગ પણ નીચલા સ્તરની રહી. ન્યૂઝીલેન્ડના 220 રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ 19.2 ઓવરમાં 139 રન બનાવીને ધરાશાયી થઇ ગઇ. ભારત તરફથી મહેન્દ્ર સિંહ ધોનીએ સૌથી વધુ 39 રન બનાવ્યાં. શિખર ધવને 29 અને વિજય શંકરે 27 રન બનાવ્યાં.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter