GSTV
Home » News » અગ્રવાલની ૨૪૩ રનની ધમાકેદાર ઈનિંગ્સ, ઈન્દોર ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે ભારતની ૩૪૩ રનની સરસાઈ

અગ્રવાલની ૨૪૩ રનની ધમાકેદાર ઈનિંગ્સ, ઈન્દોર ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે ભારતની ૩૪૩ રનની સરસાઈ

ભારતના યુવા ઓપનર મયંક અગ્રવાલે શાનદાર દેખાવ જારી રાખતાં સતત બીજી શ્રેણીમાં બેવડી સદી ફટકારવાની સાથે કારકિર્દીનો શ્રેષ્ઠ દેખાવ કરતાં બાંગ્લાદેશ સામે ૩૩૦ બોલમાં ૨૮ ચોગ્ગા અને ૮ છગ્ગા સાથે ૨૪૩ રનની મેરેથોન ઈનિંગ રમી હતી. અગ્રવાલની ક્લાસિક બેવડી સદી તેમજ રહાણે (૮૬), જાડેજા (૬૦*) અને પુજારા (૫૪)ની અડધી સદીઓની મદદથી ભારતે બાંગ્લાદેશના ૧૫૦ના સ્કોર સામે બીજા દિવસના અંતે પ્રથમ ઈનિંગમાં છ વિકેટે ૪૯૩ રન ફટકાર્યા હતા. ભારતે આ સાથે બાંગ્લાદેશ પર પ્રથમ ઈનિંગના સહારે ૩૪૩ રનની સરસાઈ હાંસલ કરી લીધી હતી.

આજે બીજા દિવસની રમત બંધ રહી ત્યારે રવિન્દ્ર જાડેજા ૬૦ અને ઉમેશ યાદવ ૨૫ રનના સ્કોર પર ક્રિઝ પર હતા. કેપ્ટન કોહલી ૦ પર આઉટ થયો હતો અને તે અબુ જાયેદનો શિકાર બન્યો હતો, જેણે કુલ ચાર વિકેટ ઝડપી હતી.

ભારતે આજે બીજા દિવસની રમતમાં ૪૦૭ રનનો સ્કોર નોંધાવ્યો હતો અને પાંચ વિકેટ ગુમાવી હતી. ભારતે આજે ગઈકાલના ૮૬/૧ના સ્કોરથી રમવાનું શરૃ કર્યું હતુ અને રમતના અંતે ૧૧૪ ઓવરમાં છ વિકેટે ૪૯૩ રન નોંધાવ્યા હતા. હવે કેપ્ટન કોહલી અનેટીમ મેનેજમેન્ટ આવતીકાલે જાડેજાને સદી ફટકારવાની તક આપે છે કે તે પહેલા જ ઈનિંગ ડિકલેર કરી દે છે, તે જોવાનું રહેશે.

જો ભારત આજ સાંજના સ્કોર પર જ ઈનિંગ ડિકલેર કરી દે તો આવતીકાલે ત્રીજા જ દિવસે મેચનું પરીણામ આવી જશે તેવી સંભાવના જોવામાં આવી રહી છે.

મયંક અગ્રવાલના ૨૮ ચોગ્ગા ૮ છગ્ગા : કારકિર્દીની ૮મી ટેસ્ટમાં બીજી બેવડી સદી

ભારતના ૨૮ વર્ષીય ઓપનર મયંક અગ્રવાલે બાંગ્લાદેશ સામે ઈન્દોરમાં ચાલી રહેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં કારકિર્દીની ત્રીજી સદીને બેવડી સદીમાં ફેરવી હતી. અગ્રવાલે ૩૩૦ બોલનો સામનો કરવાની સાથે ૨૮ ચોગ્ગા અને ૮ છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે અગ્રવાલે કારકિર્દીની આઠમી ટેસ્ટમાં બીજી વખત બેવડી સદી ફટકારી હતી. તેણે વ્યક્તિગત સર્વોચ્ચ સ્કોર પણ નોંધાવ્યો હતો. અગ્રવાલે ૧૮૩ બોલમાં ૧૦૦, ૨૩૪ બોલમાં ૧૫૦ અને ૩૦૩ બોલમાં ૨૦૦ રન પૂર્ણ કર્યા હતા. તેણે અગાઉ ઓક્ટોબર,૨૦૧૯માં સાઉથ આફ્રિકા સામે વિશાખાપટ્ટનમમાં રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ૨૧૫ રનની મેરેથોન ઈનિંગ રમી હતી. ત્યારે તેણે કારકિર્દીની સૌપ્રથમ ટેસ્ટ સદીને જ બેવડી સદીમાં ફેરવી હતી. જોકે આ વખતે તો તેણે કારકિર્દીની મેરેથોન ઈનિંગ રમી હતી. બાંગ્લાદેશના બોલરોને હતાશ કરતાં તેણે મેદાનની ચારે બાજુ ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા હતા.

રહાણે, જાડેજા અને પુજારાની અડધી સદી : કોહલી શૂન્યમાં આઉટ

ઓપનર મયંક અગ્રવાલે એક છેડો સાચવી રાખતા મેરેથોન ઈનિંગ રમી હતી, તો સામેના છેડેથી મીડલ ઓર્ડરના બેટ્સમેનોએ તેને ભરપૂર સાથ આપ્યો હતો. અગ્રવાલ અને પુજારાની જોડીએ આજે બીજા દિવસે ભારતના સ્કોરને ૮૬/૧થી આગળ ધપાવ્યો હતુ. પુજારા પીચ પર સેટ થઈ ગયો હોય તેમ લાગતું હત અને તેણે ૭૨ બોલમા ૯ ચોગ્ગા સાથે ૫૪ રન ફટકાર્યા હતા. અગ્રવાલ અને પુજારા વચ્ચે ૯૧ રનની ભાગીદારી નોંધાઈ હતી. પુજારાને અબુ જાયેદને શિકાર બનાવ્યો હતો. આ પછી કોહલી ૦ પર જાયેદનો શિકાર બન્યો હતો. આ સાથે ભારતનો સ્કોર ૧૧૯/૩ થઈ ગયો હતો. આ તબક્કે બાંગ્લાદેશ ઉત્સાહમા આવ્યું હતુ, પણ અગ્રવાલ અને રહાણેએ ચોથી વિકેટમાં ૧૯૦ રન જોડીને ભારતને સંગીન સ્થિતિમાં લાવી દીધું હતુ. રહાણેએ ૧૭૨ બોલમાં ૯ ચોગ્ગા સાથે ૮૬ રન ફટકાર્યા હતા. રહાણે પણ જાયેદનો શિકાર બન્યો હતો. અગ્રવાલે આ પછી જાડેજા સાથે મળીને પાંચમી વિકેટમાં ૧૨૩ રન જોડયા હતા અને આ દરમિયાન જ તેણે બેવડી સદી પૂર્ણ કરી હતી. અગ્રવાલની પ્રાઈઝ વિકેટ મિરાઝે ઝડપી હતી. જોકે જાડેજાએ એક છેડો જાળવી રાખતાં ૭૬ બોલમાં ૬ ચોગ્ગા સાથે અણનમ ૬૦ રન નોંધાવ્યા હતા. સાહા ૧૨ રને આઉટ થયો હતો, પણ ઉમેશ યાદવે ૧૦ બોલમાં ૧ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે નોટઆઉટ ૨૫ રન નોંધાવ્યા હતા.

જાયેદને સફળતા પણ બાંગ્લાદેશના અન્ય બોલરો માટે નિરાશાજનક દિવસ

બાંગ્લાદેશના એકમાત્ર બોલર અબુ જાયેદે સારો દેખાવ કરતાં ચાર વિકેટ ઝડપી હતી. જાયેદે જ રોહિત શર્માને સસ્તામાં પેવેલિયન ભેગો કર્યો હતો. તેણે આજે પુજારા (૫૪), કોહલી (૦) અને રહાણે (૮૬) જેવા ધુરંધરોની વિકેટ ઝડપી હતી. આ સાથે તેમણે ૧૦૮ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. જોકે બાકીના બોલરો માટે નિરાશાજનક દિવસ રહ્યો હતો. બાંગ્લાદેશના ચાર બોલરોએ ૧૦૦થી વધુ રન આપ્યા હતા. મિરાઝે ૧૨૫ રનમાં ૧ વિકેટ ઝડપી હતી.જ્યારે હોસૈનને ૧૧૫ રનમાં એક વિકેટ મળી હતી. તૈજુલે ૧૨૦ રન આપ્યા હતા.

મયંકે કેપ્ટનની ખ્વાઈશ પૂરી કરી

મયંક અગ્રવાલે શાનદાર બેટીંગ કરતાં કારકિર્દીનો શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો અને ૨૪૩ રનની મેરેથોન ઈનિંગ રમી હતી. અગ્રવાલે ૧૫૦નો સ્કોર પાર કર્યો ત્યારે કોહલી સહિતના સ્ટાર્સે તેનો ઉત્સાહ વધાર્યો હતો. કોહલીએ ઈશારો કરીને તેને બેવડી સદી પૂરી કરવા માટે જણાવ્યું હતુ અને મયંકે તેનો હકારાત્મક પ્રતિસાદ આપતાં બેવડી સદી ફટકારી હતી. આ પછી કોહલીએ ત્રેવડી સદી તરફ આગેકૂચ કરવા ઈશારો કર્યો હતો. જોકે તે ૨૪૩ના સ્કોર પર આઉટ થયો હતો. અલબત્ત, ટીમ ઈન્ડિયાની જીત લગભગ સુનિશ્ચિત કરતી ઈનિંગ રમીને જ્યારે મયંક પેવેલિયનમાં પાછો ફર્યો ત્યારે કોચ શાસ્ત્રીએ તેની પીઠ થાબડી હતી અને ડ્રેસિંગ રૃમમાં ખેલાડીઓએ ઉભા થઈને તાળીઓ સાથે તેને આવકાર્યો હતો.

Read Also

Related posts

‘પ્રધાનમંત્રી લોન યોજનામાં મળી રહ્યા છે 2 લાખ રૂપિયા’, આવી કોઈ યોજનામાં ફસાતા પહેલાં જાણી લો સરકારે શું કરી છે સ્પષ્ટતા

Mansi Patel

Samsungના આ નવા સ્માર્ટફોન માટે પાગલ થયા લોકો, મિનિટોમાં જ વેચાઈ ગયા 1 લાખથી વધુ કિંમતોનાં ફોન્સ

Mansi Patel

પ્રિયંકા ગાંધીને રાજ્યસભામાં મોકલવા માટે કોંગ્રેસને મળી ગઈ સેફ સીટ, પણ UP કાર્યકર્તાઓને નથી પસંદ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!