GSTV
Home » News » INDvAUS: ઑસ્ટ્રેલિયા સામે આજે અંતિમ T-20, ટીમ ઇન્ડિયા માટે ‘કરો યા મરો’ ની સ્થીતિ

INDvAUS: ઑસ્ટ્રેલિયા સામે આજે અંતિમ T-20, ટીમ ઇન્ડિયા માટે ‘કરો યા મરો’ ની સ્થીતિ

ઓસ્ટ્રેલિયાના વરસાદી માહૌલે ટ્વેન્ટી-૨૦માં સતત સાત સિરીઝ જીતવાની ટીમ ઈન્ડિયાની વિજયકૂચનો અંત આણી દીધો હતો. હવે આવતીકાલે સીડનીમાં રમાનારી શ્રેણીની ત્રીજી અને આખરી ટી-૨૦માં ભારત જીતના દબાણ હેઠળ ઉતરશે. ભારત જુલાઈ, ૨૦૧૭થી અત્યાર સુધીની નવ ટી-૨૦ શ્રેણીમાંથી એક પણ હાર્યું નથી. હવે ઓસ્ટ્રેલિયા સામેની આવતીકાલની આખરી ટી-૨૦માં ભારતનો આ અજેય રેકોર્ડ દાવ પર લાગશે.

ઘરઆંગણે રમી રહેલા ઓસ્ટ્રેલિયાએ બ્રિસબેનમાં રમાયેલી શ્રેણીની પ્રથમ ટી-૨૦માં ભારતને ચાર રનથી હરાવ્યું હતુ. જે પછી મેલબોર્નમાં વરસાદને કારણે બીજી ટી-૨૦ ધોવાઈ ગઈ હતી. હવે આવતીકાલે સીડનીમાં શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક ટી-૨૦ રમવાની છે. ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં ૧-૦થી આગળ છે અને તેઓ શ્રેણી વિજય સાથે આત્મવિશ્વાસ મેળવવાનો પ્રયાસ કરશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છ ડિસેમ્બરથી શરૃ થઈ રહેલી ટેસ્ટ સિરીઝ અગાઉના આ આખરી મુકાબલામાં જીત મેળવવી જરુરી છે. બંને ટીમોએ આખરી ટી-૨૦ જીતવા જબરજસ્ત તૈયાર કરી રહી છે. કેપ્ટન કોહલીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા ત્રીજી મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ પરિવર્તન નહિ કરે તે નક્કી લાગી રહ્યું છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ બોલરોનો આત્મવિશ્વાસ વધારવા અને ટેસ્ટ મેચ પહેલા પ્રેક્ટિસ મળી રહે તેવા આશયથી તેના સ્ટાર બોલર સ્ટાર્કને આખરી મેચ માટેની ટીમમાં સમાવ્યો છે.

ઓસ્ટ્રેલિયાએ જાહેરાત કરી છે કે, સ્ટાન્લેક ઈજાગ્રસ્ત હોવાથી સ્ટાર્કને ટીમમાં સમાવ્યો છે. જોકે અંદરખાને ઓસ્ટ્રેલિયા ટી-૨૦ શ્રેણી જીતવા બેતાબ જણાઈ રહ્યું છે. વધુમાં સ્ટાર્કને ટેસ્ટ અગાઉ થોડી પ્રેક્ટિસ મળે તેવો પ્રયાસ પણ તેઓ કરી રહ્યા છે.
ટીમ ઈન્ડિયા સીડનીમાં બે સ્પિનરોને સમાવી શકે.

પ્રથમ ટી-૨૦માં કંગાળ દેખાવ છતાં ભારતે મેલબોર્નમાં રમાયેલી શ્રેણીની બીજી ટી-૨૦ની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ પરિવર્તન કર્યું નહતુ. ખલીલ અને કૃણાલ પંડયાએ પ્રથમ ટી-૨૦ના કંગાળ દેખાવ બાદ બીજી ટી-૨૦માં ફોર્મ બતાવ્યું હતુ. સીડનીની પીચ સ્પિનરોને મદદ કરનારી રહી છે, જેના કારણે ભારત બે સ્પિનરોને ટીમમાં સામેલ કરે તેવી શક્યતા છે.

આવી સ્થિતિમાં ભારત ફાસ્ટ બોલર તરીકે બુમરાહ અને ભુવનેશ્વર કુમારને સામેલ કરે અને સ્પિનર તરીકે કુલદીપ યાદવ અને કૃણાલ પંડયાની સાથે ચહલ કે પછી વોશિંગ્ટન સુંદરને તક આપી શકે. ચહલની શક્યતા એટલા માટે વધુ જણાઈ રહી છે કારણ કે ચહલને આગળ જતાં વન ડેમાં પણ તક મળે તેવી શક્યતા છે. આ કારણે તેને અહી અજમાવવામાં આવે તો અહીનો અનુભવ આગળ જતા કામમાં આવી શકે.

ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૃઆતને એક સપ્તાહ જેટલો સમય થઈ ચૂક્યો છે, છતાં હજુ ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોને તેમની પ્રતિભા-ફોર્મ બતાવવાની પુરતી તક મળી શકી નથી. પ્રથમ ટી-૨૦માં એકમાત્ર ધવને લડત આપતાં ૭૬ રન ફટકાર્યા હતા. જ્યારે કેપ્ટન કોહલી ૪, રોહિત શર્મા ૭ અને લોકેશ રાહુલ ૧૩ રને કરી શક્યા હતા. આ પછી બીજી ટી-૨૦ ધોવાઈ જતાં ભારતીય બેટ્સમેનોને કૌવત બતાવવાની તક મળી નહતી. ટેસ્ટ શ્રેણીની શરૃઆત પહેલા ટીમ ઈન્ડિયાને એક પ્રેક્ટિસ મેચ રમવા મળશે. જોકે ટ્વેન્ટી-૨૦ના આ અંતિમ અને નિર્ણાયક મુકાબલામાં વિજીય પર્ફોમન્સ ટીમનો અને ખેલાડીનો જુસ્સો વધારવા માટે પુરતો છે, તેમ મનાય છે.

ઓસ્ટ્રેલિયાને ભારત સામેની ત્રીજી અને આખરી ટી-૨૦ અગાઉ બેટ્સમેનોના ફોર્મની ચિંતા સતાવી રહી છે. પ્રથમ ટી-૨૦ના નોંધપાત્ર દેખાવ બાદ યજમાન ટીમના બેટ્સમેનો મેલબોર્નમાં રમાયેલી બીજી મેચમાં ફ્લોપ સાબિત થયા હતા. વરસાદી માહૌલમાં તેઓ ભારતીય બોલરો સામે ટકી શક્યા નહતા. પ્રથમ મેચમાં લીન અને મેક્સવેલ અને સ્ટોઈનીસે લડાયક દેખાવ કર્યો હતો. જોકે કેપ્ટન ફિન્ચ અને શોર્ટ પાસેથી વધુ જવાબદારીભર્યા દેખાવની આશા છે. બોલરોનો ઉત્સાહ વધારવા માટે ઓસ્ટ્રેલિયાએ સ્ટાર્કને ટીમમાં સામેલ કર્યો છે. ઓસ્ટ્રેલિયાનો ટોચનો ફાસ્ટ બોલર સપ્ટેમ્બર,૨૦૧૬ બાદ પ્રથમ વખત ટી-૨૦ના ફોર્મેટમાં રમવાની તૈયારી કરી રહ્યો છે.

ભારત (સંભવિત) : રોહિત શર્મા, ધવન, કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ, પંત (વિ.કી.), દિનેશ કાર્તિક, કૃણાલ પંડયા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને ચહલ.

ઓસ્ટ્રેલિયા (સંભવિત) : ફિન્ચ (કેપ્ટન), શોર્ટ, લીન, મેક્સવેલ, સ્ટોઈનીસ, મેક્ડેરમોટ્ટ, કારેય (વિ.કી.), નાઈલ, સ્ટાર્ક, ઝામ્પા અને બેહરેન્ડોફ.

Read Also

Related posts

8 વર્ષનાં બાળકે પકડી 314 કિલોની શાર્ક, તોડ્યો 22 વર્ષ જુનો રેકોર્ડ

pratik shah

એક્ટિંગના મેદાનમાં ઉતર્યાં ક્રિકેટર ઈરફાન પઠાણ, આ ફિલ્મથી કરશે ડેબ્યૂ

Kaushik Bavishi

ભારતીય શટલરે બહેરીન ઈન્ટરનેશનલ બેડમિન્ટન સીરીઝ કરી પોતાના નામે, જાણો તેની વિગતો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!