GSTV
News Trending World

ચીન જેમને તબાહ કરવા માગે છે એ દેશોના લિસ્ટમાં ભારત ટોપ પર, પહેલેથી છે ખોરી દાનત

ગુજરાતીમાં કહેવત છે કે, કૂતરાની પૂંછડી વાંકી એ વાંકી, વીસ વરસ લગી પાઈપમાં રાખો તોય સીધી ના જ થાય. આ વાત ચીનને બરાબર લાગુ પડે છે. ભારત ચીન સાથેના સંબંધો ધારવા ગમે તેટલી મથામણ કરે પણ ચીન ભારતને કનડવાની હરકતો બંધ કરતું જ નથી. ચીનનાં લડાખ સરહદે છમકલાં તો ચાલુ જ હોય છે પણ એ સિવાય પણ બીજાં કરતૂતો કરીને ભારતને પરેશાન કરવાની પેરવીઓ ચીન કર્યા જ કરે છે. ચીનનું આવું જ એક નવું કરતૂત પાછું બહાર આવ્યું છે.

અમેરિકાની સાયબર થ્રેટ એટલે કે ઈન્ટરનેટના માધ્યમથી ઉભા કરાતા ખતરા પર નજર રાખવાનું કામ કરતી કંપની રેકોર્ડેટ ફ્યુચરે ધડાકો કર્યો છે કે, ચીન સરકારના પીઠ્ઠુ એવા હેકર્સે લડાખમાં ભારતની પાવર ગ્રીડ્સને નિશાન બનાવી હતી. ભારતમાં મહત્વનાં સ્થળો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશે માહિતી મેળવવા આ સાયબર એટેક કરાયો હોવાનો કંપનીનો દાવો છે. આ સાયબર એટેકમાં ચીનના હેકર્સને શું હાથ લાગ્યું એ વિશે કંપનીએ ફોડ પાડયો નથી પણ દેશની પાવર ગ્રીડને નિશાન બનાવાય એ ઘટના બહુ મોટા ખતરાનો સંકેત કહેવાય જ.

સીમકાર્ડ

રેકોર્ડેડ ફ્યુચર અમેરિકાની સરકાર અને બીજી મોટી મોટી કંપનીઓ માટે કામ કરે છે. તેથી આ વાત નવરા માણસના ભેજાની પેદાશ નથી પણ એક મોટી કંપનીએ નક્કર પુરાવાને આધારે વાત કરી છે. અમેરિકાની સરકારી અને મોટી કંપનીઓની વેબસાઈટ્સ પર ઉભા થતા ખતરાને ખાળવા સક્રિય રેકોર્ડેડ ફ્યુચર દુનિયામાં થતા સાયબર એટેક રક પણ નજર રાખે છે કે જેથી ભવિષ્યમાં અમેરિકામાં આ પ્રકારનો એટેકે થાય તો તેને પહોંચી વળાય.

ચીને લડાખ સરહદે ૨૦૨૦ના જૂનમાં ગલવાન ખીણમાં ભારતના વીસ સૈનિકોની હત્યા કરી પછી ભારત-ચીન વચ્ચે તણાવ થઈ ગયો હતો. ચીનની અવળચંડાઈઓને જાણતી કંપનીએ ચીની હેકર્સ પર નજર રાખવા માંડી હતી તેમાં ચીનની હરકતોની ખબર પડી હતી. ગલવાન કાંડના ત્રણ મહિના ચીને ઓક્ટોબરમાં મુંબઈના પાવર સેક્ટરને નિશાનબનાવીને હુમલો કરેલો. ચીન તેમાં સફળ નહોતું થયું પણ તેનાથી હાર્યા વિના ચીન સતત ભારતમાં સાયબર હુમલા કરાવી રહ્યું હોવાનો કંપનીનો દાવો છે. કંપનીનો દાવો છે કે, ચીન છેક ૨૦૧૦થી ભારતમાં આવ હુમલા કરવા મથે છે.

અમેરિકાનું માનવું છે કે, આ હુમલા દ્વારા ચીન ભારતને ધમકી આપી રહ્યું છે. ચીન ભારતને અહેસાસ કરાવવા માગે છે કે, અમે માત્ર લશ્કરી કાર્યવાહી કરીને જ તમને તબાહ કરી શકીએ છીએ એવા ભ્રમમાં ના રહેતા. અમારામાં બિન-લશ્કરી મોરચા ખોલીને તબાહ કરવાની તાકાત પણ છે જ તેથી અમારી સાથે ભિડાતાં પહેલા સો વાર વિચારજો.

રેકોર્ડેડ ફ્યુચરના દાવાને ૨૦૨૧ના માર્ચમાં સિંગાપોરની કંપની સાયફર્માએ પણ સમર્થન આપ્યું હતું. સાયફર્માએ ખુલાસો કરેલો કે, ચીનના હેકર્સ ભારતમાં કોરોનાની રસી બનાવતી કંપનીઓ ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટિટયુટની ઈન્ફર્મેશન ટેકનોલોજી સિસ્ટમ્સને નિશાન રહી છે. ભારત દુનિયાના સંખ્યાબંધ દેશોને કોરોનાની રસી આપવા તૈયારી કરી રહી હતી તેથી ચીનને મરચાં લાગી ગયેલાં. ભારતની વાહવાહી ના થાય એટલે આ કંપનીઓ પર એટેક કરીને આખો કાર્યક્રમ ખોરવી નાંખવાનો ચીનનો કારસો હતો પણ એ કારસો ફળ્યો નહોતો.

હવે ચીને ફરી જાત બતાવી છે. ચીને ભારત ઉપરાંત યુ.કે., અમેરિકા, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ્સ સહિતના ઘણા દેશોને તથા વોડાફોન અને માઈક્રોસોફ્ટ જેવી મોટી કંપનીઓને પણ નિશાન બનાવી છે પણ આપણા માટે મહત્વનું આપણા પરનો ખતરો છે. ચીનનો કારસો સફળ થાય તો પાવર ગ્રીડ તૂટ પડે તો અંધારપટ થઈ જાય, આખી સિસ્ટમ ઠપ્પ થઈ જાય. તેનો લાભ લઈને આતંકવાદીઓ પણ હુમલો કરી શકે ને બીજો કોઈ દેશ પણ અટકચાળું કરી શકે.

આપણી બેન્કિંગ સિસ્ટમ પર કબજો કરીને આપણને મુશ્કેલીમાં મૂકી શકાય ને આપણા માટે સંવેદનશીલ ડેટા પણ તફડાવી શકાય. આ તો થોડાંક ઉદાહરણ આપ્યાં પણ ટૂંકમાં વાત એટલી જ છે કે, સાયબર એટેક દ્વારા આપણને સાવ પાંગળા બનાવી દેવાય. ચીન આવું કારસ્તાન કરી શકે તેમાં પણ કોઈ શંકા નથી કેમ કે ચીન ટેકનોલોજીનો ઉપયોગ વિશ્વના ભલા માટે નહીં પણ સામ્રાજ્યવાદી માનસિકતાને સંતોષવા માટે કરવાની વિકૃતિ ધરાવે છે. ચીનની આ વિકૃત્તિના ઘણા નમૂના દુનિયાએ જોયા છે. ઘણી એવી વાતો પણ બહાર આવે જ છે કે જેથી ચીનનાં અપલખ્ખણોની દુનિયાને ખબર પડે. આ વાતોમાં એક વાત એવી છે કે, ચીન એવી ટેકનોલોજી વિકસાવી રહ્યું છે કે જેની મદદથી કોઈ પણ દેશનું સેટેલાઈટ કોમ્યુનિકેશન નેટવર્ક ઠપ્પ થઈ જાય.

દુનિયા અત્યારે સેટેલાઈટ કોમ્યુનિકેશન નેટવર્કના જોરે ચાલે છે. શેરબજારથી માંડીને સંરક્ષણ સુધીનું બધું સેટેલાઈટ કોમ્યુનિકેશન નેટવર્કથી કામ કરે છે. આ નેટવર્કને તબાહ કરી દેવાય તો દેશની હાલત શું થઈ જાય એ કહેવાની જરૃર નથી. ભારત ચીનનો દોસ્ત દેશ નથી ને વાસ્તવિકતાને સ્વીકારીએ તો દુશ્મન દેશ છે. ચીન જેમને તબાહ કરવા માગે છે એ દેશોના લિસ્ટમાં ભારત ટોપ પર જ હોય. ચીને ભારતની પાવર ગ્રિડ્સને નિશાન બનાવી તેના પરથી ચીનની ખોરી દાનત છતી થાય છે એ જોતાં ભારતે સતર્ક થવું પડે.

ચેતતા નર સદા સુખી એ હિસાબે ભારત પાણી પહેલાં પાળ બાંધવા માંડે તો ચીનનો બદઈરાદો સફળ ના થાય. આપણે ટેકનોલોજીના ખાં નથી. જર્મની, અમેરિકા, રશિયા, જાપાન વગેરે દેશોની સરખામણીમાં ટેકનોલોજીની રીતે આપણે બહુ પાછળ છીએ પણ ચીનથી બધા દેશોને ખતરો છે તેથી આ દેશો ભારતને મદદ કરવા તૈયાર છે. ભારતે શરમ રાખ્યા વિના આ દેશોની મદદ લેવી જોઈએ, ભારતના સેટેલાઈટ કોમ્યુનિકેશન નેટવર્કને સીક્યોર કરી દેવું જોઈએ.

Read Also

Related posts

સરકારની તિજોરી છલોછલ! નવેમ્બરમાં GST કલેક્શન રૂ. 1.46 લાખ કરોડ પરંતુ ઓક્ટોબર કરતાં પાંચ હજાર કરોડ ઓછું! આ છે કારણો

pratikshah

Bilkis Bano Case /  11 દોષિતોની મુક્તિ સામે બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં ઉઠાવેલા બંને મુદ્દામાં દમ

Nakulsinh Gohil

ઓસ્ટ્રેલિયા / સુપરસ્ટાર ઓફ એસટીઈએમમાં ભારતીય મૂળની 3 મહિલાઓની પસંદગી કરવામાં આવી

Akib Chhipa
GSTV