સવારે અાંખ ખૂલતાંની સાથે જ પેટ્રોલ અને ડીઝલના ભાવની બુમરાણ સાંભળવા મળે છે. વધતા ભાવથી સામાન્ય પ્રજા પણ ત્રાસી ગઈ છે. લોકો સરકાર સામે મીટ માંડીને બેઠા છે પણ સરકાર પોતાની અેક રૂપિયાની અાવક પણ ગુમાવવા માગતી નથી. દેશમાં જેટલી અને ગુજરાતમાં નીતિન પટેલ મોંઢામાંથી મગનું નામ મરી પણ બોલવા તૈયાર નથી. મોંઘવારીના વધતા જતા માર વચ્ચે અામ પ્રજા પણ મોદી સરકારને અાગામી લોકસભામાં દેખાડી દેવા માટે શસ્ત્રો સજાવી રહી છે. પેટ્રોલ અને ડીઝલ અે લક્ઝરીને બદલે અામ જરૂરિયાત બનતું જતું હોવાની સાથે સરકાર માટે પણ અાવકનું સૌથી મોટું શસ્ત્ર હોવાથી મોદી સરકાર પ્રત્યે સામાન્ય પ્રજાની નારાજગી વધી રહી છે. સરકાર સીઅેનજી અને પીઅેનજીના ભાવ વધતાં પણ રોકી શકી નથી. અામ અબજો ડોલરોનું વિદેશી હુંડિયામણ ખર્ચતું ભારત વિશ્વમાં અગ્રીમ દેશોની હરોળમાં હોવા છતાં તેના હાથમાં કંઇ નથી. અામ છતાં કંઇ કરી શકે તેમ નથી.
ભારતની નારાજગી પણ ક્રૂડ અોઈલ દેશોને પોષાય તેમ ન હોવા છતાં ભારતની મજબૂરી અે છે કે, દેશમાં વધતા વાહનોની વચ્ચે વપરાશમાં અધધ… વધારો થયો છે. પેટ્રોલ અને ડિઝલની સાથે દેશમાં પ્રદૂષણનો અાંક પણ વધી રહ્યો છે. ભારતમાં અેક માત્ર પ્રદૂષણના પગલે જ દેશમાં દર વર્ષે 12 લાખ લોકોના મોત થાય છે. દેશમાં દર વર્ષે 27 લાખ વાહનોનું નવું વેચાણ થાય છે. જેને સરકાર રોકી શકે તેમ નથી. દેશમાં વધતી જતી વસતી સામે ભારત પાસે બીજો વિકલ્પ નથી. દેશમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ 90 રૂપિયાઅે પહોંચ્યો છે. અામ છતાં સરકાર ચૂપકીદી સેવીને બેસી છે. ખરેખર અા વાસ્તવિકતા નથી.
- દેશમાં દર વર્ષે 27 લાખ વાહનોનું વેચાણ
- પ્રદૂષણને પગલે ભારતમાં 12 લાખ લોકોનાં મોત
- અાજે 1.75 લાખ કરોડની બાયોગેસ માટે ફાળવણી કરી
- વર્ષ 2030 સુધીમાં સરકાર પેટ્રોલ-ડીઝલને કરશે અલવિદા
મોદી સરકાર વર્ષ 2015થી અેક અેવી સ્ટ્રેટેજી પર કામ કરી રહી છે કે, અોપેક દેશો ક્રૂડ માફિયાઅોની દાદાગીરી ભારત સામે નહીં ચાલે. મોદી સરકારની ચાલી તો વર્ષ 2030 સુધીમાં ભારતમાં પેટ્રોલ અને ડિઝલ અે ભૂતકાળ બની જશે. સરકાર અા દિશામાં સ્ટ્રોન્ગ રીતે કામ કરી રહી છે. વાહન વ્યવહાર મંત્રીઅે તો વાહન નિર્માતા કંપનીઅોને સીધી ધમકી અાપી છે કે, પેટ્રોલ અને ડિઝલના વાહનો ઉત્પાદન કરવાનું બંધ નહીં કરો તો તમને ભલે પસંદ હોય કે ન હોય પરંતુ હું તમને કહીશ પણ નહીં અને આ વાહનોનો નાશ કરી નાખીશ.” દેશમાં પેટ્રોલિયમ મિનિસ્ટર, વાહન વ્યવહાર મંત્રી અને પર્યાવરણ મંત્રીની અધ્યક્ષતામાં રચાયેલી કમિટિ ભવિષ્યના નિર્માણ માટે સતત કામગીરી કરી છે. જે માટે સરકાર કડક નિયમો પણ બનાવી રહી છે હાલમાં અા પોલિસીનો અમલ ભલે અોછો રહ્યો પણ અાગામી દિવસોમાં સરકાર તેને મજબૂતાઈથી અાગળ વધારશે અને જે માટે મોદી તરફથી લીલીઝંડી પણ મળી ગઈ છે.
પોલિસીમાં શું હશે
ભારત સરકાર તેના શહેરોમાં પ્રદૂષણની માત્રા ઘટાડવા માટે એક પોલિસી તૈચાર કરી રહી છે. આ પોલિસીનો હેતુ મુખ્ય શહેરોમાં પ્રદૂષણની માત્રા ઘટાડવાનો છે. આ પોલિસીમાં શેર્ડ મોબિલિટી, ઇલેક્ટ્રિક વ્હિકલ મોબિલિટી અને પ્રદૂષણમુક્ત મોબિલિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી શહેરી પ્રદૂષણમાં ઘટાડો કરી શકાય. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે અમે સર્વાંગી નીતિ રજૂ કરીશું અને તેમાં મોબિલિટીને લગતા બધા મુદ્દા સમાવી લેવાશે. વિશ્વમાં કોઈ પણ સ્થળે શેર્ડ, કનેક્ટેડ અને ઝીરો એમિશન સોસાયટી તરફ આટલા ઝડપી પ્રયાણની સંભાવના નથી, જેટલી સંભાવના ભારતમાં છે, તેનું કારણ તેનો નીચો વ્યાપ છે.
14 દેશો પેટ્રોલ અને ડિઝલને અલવિદા કરશે
ભારત સરકારે જાહેરાત કરી છે કે તે માત્ર આગામી 13 વર્ષમાં ફક્ત ઈલેક્ટ્રીક કાર જ વેચશે. ભારત હાલમાં વાયુ પ્રદુષણનો સામનો કરી રહ્યું છે. જે દર વર્ષે 1.2 મિલિયન લોકોના મૃત્યુ માટે જવાબદાર છે અને અર્થતંત્રને જીડીપીના અંદાજે 3% જેટલો ખર્ચ થાય છે. વર્ષ 2030 સુધીમાં સમગ્ર ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (ઇવી) પર ક્રમશઃ સ્વીચ 37% ઘટશે. ભારત સહિતના 14 દેશો આગામી બે દાયકામાં પેટ્રોલ અને ડીઝલ કાર વેચવાનું બંધ કરવાનો નિર્ણય લઇ ચૂક્યા છે. તેને બદલે ઇલેક્ટ્રિક કાર અથવા સ્વચ્છ ઇંધણ કાર આવશે. વૈશ્વિક સર્વેએ બીએનઇએફે દાવો કર્યો છે કે, પ્રથમ 2025માં ઑસ્ટ્રિયા અને નોર્વે ઇંધણ કારને બંધ કરશે. વર્ષ 2025 પછી દેશના અશ્મિભૂત ઇંધણ વાહનોની વેચાણની પરવાનગી આપવામાં આવશે નહીં. જો આવું થાય તો ઑસ્ટ્રિયા પ્રથમ દેશ બનશે જે પેટ્રોલ-ડીઝલ કારને પ્રતિબંધિત કરશે. ઑસ્ટ્રિયા સાથે નોર્વે પણ આ લક્ષ્ય પ્રાપ્ત કરશે.
વર્ષ ૨૦૩૦ સુધી દેશને ૧૦૦ ટકા ઇલેક્ટ્રિક વાહન ધરાવનાર દેશ બનાવવાનો
ભારત, ચીન, ફિનલેન્ડ, આયર્લેન્ડ, જર્મની અને સ્લોવેનિયા 2030 સુધીમાં આ લક્ષ્ય પ્રાપ્ત કરશે. લંડન, લોસ અેન્જલસ, પેરિસ, રોમ, કેપ ટાઉન, બ્રસેલ્સ સહિત 20 શહેરોમાં પેટ્રોલ-ડીઝલ કાર નહીં હોય. ભારત સરકાર ટૂંક સમયમાં ઈ-વાહન નીતિ જાહેર કરશે. માર્ગ પરિવહન પ્રધાન નિતિન ગડકરીના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી આવી છે. જેમાં પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકર સામેલ છે. મોદી સરકાર જીરો ડાઉન પેમેન્ટ પર હવે ઇલેકટ્રિક કાર ઉપલબ્ધ કરાવવાની યોજના ધરાવે છે. આ યોજના પર હાલ કામ ચાલી રહ્યું છે. આ યોજનાનો મુખ્ય હેતુ વર્ષ ૨૦૩૦ સુધી દેશને ૧૦૦ ટકા ઇલેક્ટ્રિક વાહન ધરાવનાર દેશ બનાવવાનો છે. જો ભારત આ દિશામાં સફળ રહેશે તો ભારતને વાહનો માટે પેટ્રોલિયમ પેદાશોની જરૂર રહેશે નહી.
દેશમાં 1.5 લાખ ઇલેક્ટ્રીક વાહનો
2018માં વિશ્વભરમાં 1.2 મિલિયનથી વધુ વાહનો વેચાયા છે. આ વર્ષે અત્યાર સુધીમાં 35 હજારથી વધુ અને 2020 સુધીમાં 60-70 લાખ ઇ-વાહનોનું વેચાણનો લક્ષ્યાંક છે. ભારતે 33થી 35 ટકાના કાર્બન ઉત્સર્જનમાં કાપ મુકવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. એક અંદાજ મુજબ, ભારતમાં હાલમાં 1થી 1.5 લાખ ઇલેક્ટ્રિક વાહનો છે અને તે આગામી પાંચ વર્ષમાં કુલ વાહનોના લગભગ 5 ટકા જેટલા થવાની ધારણા છે. 2017-18માં ભારતમાં આશરે 24 મિલિયન વાહનોનું વેચાણ થયું હતું. જેમાં ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો અેક ટકાથી અોછો હતો. સરકાર પ્રયત્નો કરી રહી છે પણ પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવો અે લોખંડના ચણા ચાવવા સમાન છે. જો અને તો ના સમીકરણો વચ્ચે સરકાર તેલના સમીકરણો બદલવા જઈ રહી છે.
1.75 લાખ કરોડ ખર્ચ થશે બાયોગેસ માટે
સરકાર CNGની જગ્યાઅે બાયોગેસને મહત્વ અાપી રહી છે. અાજે જ અેક બેઠક યોજાઈ છે. સરકાર બાયોગેસને 46 રૂપિયાઅે ખરીદવાનું અાયોજન કરી રહી છે. સરકારે 1.75 લાખ કરોડ રૂપિયાના ખર્ચે 5,000 સંયંત્ર બનાવવાની યોજના અાજે રજૂ કરી છે. હાલમાં દેશમાં 14.6 કરોડ ઘન મીટર પ્રતિદિન પ્રાકૃતિક ગેસની વપરાશ થાય છે. જેમાંથી 56 ટકા ગેસ અાયાત થાય છે. દેશમાં 6.2 કરોડ ટન સીબીજી ગેસના ઉત્પાદનની ક્ષમતા છે. હાલમાં માત્ર 6થી 7 ટકા અા ગેસ ઉત્પાદન થાય છે.
સરકારનું અા છે અાયોજન
- 1 અેપ્રિલ 2015થી શરૂ થયેલી અા યોજનામાં વર્ષ 2022 સુધીમાં દેશમાં લગભગ 60થી 70 લાખ કારો હાઈબ્રિડ અને ઇલેક્ટ્રીક ઉતારવાની સરકારની ગણતરી
- 950 કરોડ લિટર પેટ્રોલ અને ડીઝલની વપરાશમાં ઘટાડો થવાની સાથે સરકારના 62 હજાર કરોડની બચત થશે.
- બેંગ્લોરમાં 25 ચાર્જિગ સ્ટેશનો સરકારે બનાવી દીધી, ટાટા અને રિલાયન્સ મુંબઈમાં ચાર્જિગ સ્ટેશનો ઉભા કરશે.
અા છે પડકારો
- વિશ્વની બહુ જ અોછી વાહન નિર્માણ કંપનીઅોઅે ઇલેક્ટ્રીક વાહનો ભારતમાં લાવી છે. જેનું કારણ અે છે કે ઇલેક્ટ્રીક અને હાઈબ્રિડ વાહનોમાં જીઅેસટીને પગલે ભાવમાં જમીન અાસમાનનો છે ફર્ક
- ઇ-વાહનો પર 12 ટકા જીઅેસટી અને હાઈબ્રિડ વાહનો પર 28 ટકા જીઅેસટી અને 15 ટકા સેસ લાગે છે.
- લોકોમાં ઇલેક્ટ્રીક વાહનોમાં બેટરીના ચાર્જિગ સંદર્ભે હજુ પણ શંકાઅો છે.
- ઘરે પણ અા વાહનો ચાર્જ કરી શકાશે. જે માટે તમારે 5થી 8 કલાકનો સમય લાગશે.
- ડીસી ચાર્જરથી જલદી ચાર્જ કરી શકાય છે પણ દેશભરમાં અધિકાંશ ચાર્જર અેસી ચાર્જર છે.
- જોકે, નક્કર પોલિસીના અભાવે ખાનગી વાહન કંપનીઅો અા યોજના પર વધારે ભરોસો કરી રહી નથી.
- મોદીઅે જાતે અા બાબતે ખૂલીને બોલવું પડશે નહીં તો જો અને તો સ્થિતિમાં વર્ષ 2050 સુધી પણ અા પોલીસીનો અમલ કરી શકશે નહીં
બ્રિટન અને ફ્રાન્સમાં પેટ્રોલ-ડિઝલના વેચાણ પર મૂકાશે પ્રતિબંધ
UKમાં ચાલતી તમામ કાર 2040 સુધીમાં સંપૂર્ણપણે ઈલેક્ટ્રિક હોવી જરૂરી છે. બ્રિટન સરકાર 2040થી પેટ્રોલ અને ડીઝલ કારના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેશે. સરકાર પર વાયુ પ્રદૂષણ ઘટાડવા ઘણું દબાણ કરવામાં આવી રહ્યું છે. વિશ્વનું ટોચનું ઓટોમોબાઇલ બજાર ધરાવતું ચીન હવા પ્રદૂષણ ઘટાડવા અને ટ્રાફિકની સમસ્યા હળવી બનાવવા પેટ્રોલ અને ડીઝલ કાર પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહ્યું છે. ૨૦૨૦ સુધીમાં ચીનમાં ઇલેક્ટ્રીક કારો માટે ૧૨,૦૦૦ ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવામાં આવશે.
ગુજરાતના 4 શહેરોની થઈ છે પસંદગી
મોદી સરકારે ગુજરાતના મુખ્ય ચાર શહેરો સહિત દેશમાં ઇલેક્ટ્રીક અને હાઇબ્રિડ વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે પગલું ઉઠાવ્યું છે. સરકારે એપ્રિલમાં શરૂ થયેલી સ્કીમ “ફેમ ઇન્ડિયા” માટે શહેરોના નામ નક્કી કરી નાખ્યા છે. જેમાં ગુજરાતના શહેરોમાં ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટનો સમાવેશ થાય છે. સ્કીમ હેઠળ આ શહેરોમાં ઇલેક્ટ્રીક કાર અને હાઇબ્રિડ વાહનોની ખરીદી પર જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. સાથે જ દ્વિચક્રી અને કાર પર રૂ. 1800 રૂપિયાથી લઇને રૂ. 1.38 લાખ સુધીની છૂટ પણ આપવામાં આવશે. સરકારનું અનુમાન છે કે તે વર્ષ 2020 સુધીમાં તેના દ્વારા 62 હજાર કરોડ રૂપિયાના મૂલ્યના ઇંધણની બચત કરશે.
અાવી હશે ઇલેક્ટ્રીક નીતિ અને લાભ
- દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે જૂની ગાડીઓને ભંગારમાં આપીને નવી ઇલેક્ટ્રિક કાર અથવા ટુ-વ્હીલર ખરીદવા પર સરકાર તમને સબસિડી આપી શકે છે.
- પેટ્રોલ અથવા ડીઝલ કારને સ્ક્રૅપ કરીને ઇલેક્ટ્રિક કાર ખરીદવા પર સરકાર 2.5 લાખ સુધીની સબસિડી આપશે. જ્યારે 1.5 લાખ સુધીનું ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવા પર 30,000 રૂપિયાની સબસિડી અપાશે. સરકાર આ મુદ્દે એક ડ્રાફ્ટ નીતિ તૈયાર કરી રહી છે.
- કૅબ ઍગ્રિગેટર અને બસ સંચાલકોને ગ્રીન વ્હીકલ માટે વધુ સબસિડી અપાશે. ટૅક્સી સ્વરૂપે ચલાવવા માટેની 15 લાખ રૂપિયા સુધીની ઇલેક્ટ્રિક કાર ખરીદવા પર 1.5 લાખથી લઈને 2.5 લાખ સુધીની મદદ મળશે.
- સબસિડી પ્રી-બીએસ 3 વ્હીકલને ભંગારમાં નાંખીને પર્સનલ ઉપયોગ માટે ઇલેક્ટ્રિક કાર ખરીદવા પર પણ મળશે. આ માટે અપ્રુવ્ડ સ્ક્રૅપિંગ સેન્ટરથી સર્ટિફિકેટ પ્રાપ્ત કરવાનું રહેશે. આ ઇલેક્ટ્રિક અને હાઈબ્રિડ ગાડીઓ માટે 9400 કરોડ રૂપિયાના પેકેજનો હિસ્સો છે.
- યાત્રી વાહનો અને ટુ-વ્હીલરની ખરીદી પર આવતા પાંચ વર્ષમાં સરકારી મદદ પર લગભગ 1500 કરોડ રૂપિયા ખર્ચ થવાની સંભાવના છે. લગભગ 1000 કરોડ રૂપિયાથી દેશભરમાં ચાર્જિંગ સ્ટેશન બનાવવાની યોજના છે.
- ભારે ઉદ્યોગ વિભાગ તરફથી જાહેર કરાયેલા પ્રસ્તાવ મુજબ દરેક મેટ્રો શહેરમાં 9 વર્ગ કિલોમીટર વિસ્તારમાં ઓછામાં ઓછું એક ચાર્જિગ સ્ટેશન લગાવવાની યોજના છે. 10 લાખથી વધુ વસ્તી અને ચિન્હિત સ્માર્ટ શહેરો સિવાય દિલ્હી-જયપુર હાઈ-વે, દિલ્હી-ચંડીગઢ, ચેન્નાઈ-બેંગલુરુ અને મુંબઈ-પૂણે હાઈવે પર દર 25 કિલોમીટર પર ચાર્જિંગ સુવિધા મળશે.
4 હજાર કરોડ રૂપિયાની સબસિડી ફાળવાશે
નાણાં મંત્રાલય ઈલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોને પ્રોત્સાહિત કરવા માટે ફેમ ઇન્ડિયાના બીજા તબક્કા માટે રૂ. 4 હજાર કરોડની સબસિડીને મંજૂરી આપી શકે છે. હેવી ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયે આગામી પાંચ વર્ષમાં આ યોજનાના અમલ માટે રૂ.12,200 કરોડની માગણી કરી હતી. આ યોજનાના બીજા તબક્કામાં સબસિડી માત્ર ઇલેક્ટ્રિક બસ અને તમામ શ્રેણીનાં વાહનો માટે ચાર્જિંગ માળખું લગાવવા માટે છે. હાલ ફેમ ઇન્ડિયા-1 હેઠળ પ્રોત્સાહન હાઇબ્રિડ અને ઇલેક્ટ્રોનિક વાહનો, દ્વિચક્રી અને ત્રિચક્રી વાહનોની ખરીદી માટે આપવામાં આવે છે. આ યોજના હેઠળ ટેક્નોલોજીના આધારે બેટરી સંચાલિત સ્કૂટર અને બાઇક માટે પણ રૂ. 1800થી લઇને રૂ.29 હજાર વચ્ચેનું ઇન્સેન્ટિવ માટે પાત્ર છે, જ્યારે ત્રિચક્રી વાહનોમાં 3300થી 61,000 વચ્ચે ઇન્સેન્ટિવ મળે છે. સરકાર હવે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહિત કરવા માટે રૂ. 4 હજાર કરોડની સબસિડી આપવા અંગે સક્રિય વિચારણા કરી રહી છે.
ઈલેક્ટ્રિસિટી એક્ટ, 2003માં સુધારો કરવા માટે તૈયાર
દેશમાં ઈલેક્ટ્રિક વાહનો (ઈવી)ના વેચાણને પ્રોત્સાહન આપવા માટે સરકાર ઈલેક્ટ્રિસિટી એક્ટ, 2003માં સુધારો કરવા માટે તૈયાર છે. ઈ-મોબિલિટીના અમલ માટે ઈલેક્ટ્રિક એક્ટ અવરોધરૂપ હોવાનું ગણાવતા વીજ મંત્રી આર. કે સિંહે જણાવ્યું હતું કે નવા ઈવી નિયમો માટેના ટેકનિકલ પાસા સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA) દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. જ્યારે વીજ મંત્રાલય નીતિવિષયક બાબતો સંભાળશે.કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે વાહન નિર્માતા કંપનીઓએ વૈકલ્પિક ઇંધણની શોધ કરવી જોઈએ. તેમણે ચેતવણીભર્યા સૂરમાં કહ્યું હતું કે ”તમને ભલે પસંદ હોય કે ન હોય પરંતુ હું તમને કહીશ પણ નહીં અને આ વાહનોનો નાશ કરી નાખીશ.”