લડાખનો દૂરવર્તી ઉત્તરીય હિસ્સો રાજધાની નવી દિલ્હી સાથે રેલવે લાઈનથી જોડાવા જઈ રહ્યો છે. આ દિશામાં ભારતીય રેલવે વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી થઈ રહી છે. આ રેલવે સેક્શનનું નામ બિલાસપુર-મનાલી-લેહ લાઈન હશે. રણનીતિક દ્રષ્ટિએ તેનું ખાસું મહત્વ છે. કારણ કે આ રેલવે લાઈનથી થોડાક અંતરે ચીનની સાથેની લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ આવેલી છે. પહેલા તબક્કાનું લોકેશન સર્વેનું કામ પૂર્ણ થયું છે. આગામી ત્રીસ માસમાં આખરી લોકેશન સર્વેના પૂર્ણ થવાની આશા રાખવામાં આવી છે. ત્યારબાદ યોજનાનો અંતિમ રિપોર્ટ તૈયાર થઈ જશે. રેલવે મંત્રાલય આ પ્રસ્તાવિત રેલવે લાઈને રાષ્ટ્રીય યોજના ઘોષિત કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારતીય રેલવેના ઈતિહાસમાં આ પ્રસ્તાવિત રેલવે લાઈનના નિર્માણને સૌથી મુશ્કેલ માનવામાં આવે છે. કારણ કે તેનું નિર્માણકાર્ય ઘણાં દુર્ગમ વિસ્તારમાં થવાનું છે.
રેલવે વિભાગે હિમાચલ પ્રદેશના ઉપશી અને લેહમાં આવેલા ફેની વચ્ચેની 51 કિલોમીટર લાંબી રેલવે લાઈના નિર્માણનું કામ ઝડપથી શરૂ કરવાના પ્રસ્તાવને આગળ વધાર્યો છે. બિલાસપુર-માનલી-લેહ રેલવે લાઈનનો પ્રસ્તાવિત ખર્ચ 83 હજાર 360 કરોડ રૂપિયા છે. તેની લંબાઈ 465 કિલોમીટરની છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ દુનિયાની આ સૌથી ઊંચી રેલવે લાઈન હશે. નિર્માણ બાદ આ રેલવે લાઈન સમુદ્રી સપાટીથી 5360 મીટરની ઊંચાઈએ સંચાલિત થશે. વત્તા-ઓછા અંશે તેની સરખામણી ક્વિંઘાઈ-તિબેટ રેલવે લાઈન સાથે કરી શકાશે. કારણ કે ચીન ખાતે આ લાઈન પણ સમુદ્રી સપાટીથી બે હજાર મીટરની ઊંચાઈ પર છે. ભારત અને ચીન સરહદે બનનારી આ રેલવે લાઈ પર ત્રીસ સ્ટેશનો પણ બનાવવામાં આવશે. બિલાસપુર અને લેહને જોડનારી આ રેલવે લાઈન સુંદરનગર, મંડી, મનાલી, કીલોંગ, કોકસર, દર્ચા, ઉપશી અને કારુમાંથી પસાર થશે.
આ રેલવે લાઈનના કાર્યાન્વિત થયા બાદ સુરક્ષાદળોને ખાસી મદદ મળશે અને લડાખ વિસ્તારમાં પ્રવાસનને પણ વધુ પ્રોત્સાહન મળશે. 465 કિલોમીટર લાંબી આ રેલવે લાઈનનો 52 ટકા હિસ્સો સુરંગોમાંથી પસાર થવાનો છે. તેમાં સૌથી લાંબી સુરંગની લંબાઈ 27 કિલોમીટર હશે. સુરંગની અંદરથી 244 કિલોમીટરની રેલવે લાઈન પસાર થવાની છે. પહેલા તબક્કાના સર્વે પ્રમાણે 74 સુરંગ, 124 મોટા પુલ અને 396 નાના ગરનાળા બનાવવામાં આવશે.