GSTV
GSTV લેખમાળા Trending

રશિયા પર નિર્ભરતા : ભારત છે સૌથી મોટું શસ્ત્રોનું ખરીદદાર, પાંચ વર્ષમાં ચૂકવ્યા 6.6 અબજ ડોલર

રશિયા સાથે ભારત સંબંધ બગાડે નહીં તો પણ ઓછા કરે એવી અમેરિકા સહિતના પશ્ચિમી દેશોની ઈચ્છા છે. ભારત વળી આસાનીથી દબાણમાં આવી જતું રાષ્ટ્ર હોવાથી ભારત પર દબાણ વધારવું એ પણ પશ્ચિમી રાષ્ટ્રોની (અ)નીતિ રહી છે. ભારત રશિયા સાથે વેપાર ઓછો કરી શકે એમ નથી. કોઈ અન્ય દેશના કારણે કરવો પણ ન જોઈએ. પરંતુ ભારતે અત્મનિર્ભર બનવું હોય તો રશિયા પાસેથી શસ્ત્રો ખરીદવાનું પ્રમાણ ઘટાડવું જોઈએ. અલબત્ત, છેલ્લા વર્ષોમાં ભારતની રશિયા પાસેથી શસ્ત્રો-સરંજામની આયાત ઘટી છે. તો પણ રશિયા જે દેશોને શસ્ત્રો નિકાસ કરે છે, તેમાં ભારતનો સૌથી મોટો ફાળો છે. રશિયાની કુલ ડિફેન્સ નિકાસમાં એકલા ભારતનો ફાળો 23 ટકા છે. રશિયા જે કંઈ વેચે છે એમાંથી 23 ટકા શસ્ત્ર-સામગ્રી ભારત ખરીદે છે. 2016થી 2020ના પાંચ વર્ષ દરમિયાન ભારતે રશિયા પાસેથી 6.6. અબજ ડોલર (500 અબજથી વધારે રૃપિયા)ના શસ્ત્રો ખરીદ્યા છે. ભારતમાંથી વાત કરીએ તો ભારતે જે શસ્ત્રો પાંચ વર્ષમાં ખરીદ્યા એમાંથી 49.3 ટકા શસ્ત્રો રશિયા પાસેથી આવ્યા હતા. ભારતીય સંરક્ષણની ત્રણેય પાંખોમાં જે કંઈ મહત્વના શસ્ત્રો છે એ રશિયાના જ છે.   

ભારતમાં મેડ ઈન રશિયા વેપન્સ

 • એકે-47
 • કામોવ હેલિકોપ્ટર
 • સુખોઈ-30
 • વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રમાદિત્ય
 • ટી-90 ટેન્ક
 • ટી-72 ટેન્ક
 • ટી-55 ટેન્ક
 • નૌકાજહાજ તલવાર
 • મિગ-21
 • મિગ-29
 • આઈએલ-76 ટ્રાન્સપોર્ટ વિમાન
 • એમઆઈ ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર
 • તુપલોવ વિમાન
 • પરમાણુ સબમરિન ચક્ર
 • કે-35 મિસાઈલ
 • પિચોરા મિસાઈલ
 • એસ-400 મિસાઈલ સિસ્ટમ
 • એમ-46 આર્ટિલરી ગન

રશિયા અમેરિકા પછી બીજા ક્રમનું સૌથી મોટું શસ્ત્ર નિકાસકાર છે. ભારત સિવાય પણ ઘણા દેશો છે, જેના માટે રશિયા સૌથી મોટું શસ્ત્ર પુરાં પાડનારું રાષ્ટ્ર છે. 2016થી 2020 દરમિયાન ક્યા ક્યા દેશોએ રશિયા પાસેથી કેટલા શસ્ત્રો ખરીદ્યા તેની વિગત અહીં આપી છે.

રશિયન શસ્ત્રોના ખરીદદારો

 1. ભારત – 6.6 અબજ ડોલર
 2. ચીન – 5.1 અબજ ડોલર
 3. અલ્જિરિયા – 4.2 અબજ ડોલર
 4. ઈજિપ્ત – 3.3 અબજ ડોલર
 5. વિએટનામ – 1.7 અબજ ડોલર
 6. કઝાખસ્તાન – 1.2 અબજ ડોલર
 7. ઈરાક – 1.2 અબજ ડોલર
 8. બેલારુસ – 0.7 અબજ ડોલર
 9. અંગોલા – 0.5 અબજ ડોલર
 10.  ઈરાન – 0.4 અબજ ડોલર

આ પાંચ વર્ષમાં રશિયાએ 45 દેશોને 28 અબજ ડોલરના શસ્ત્રો વેચ્યા હતા. આ શસ્ત્રોમાં એર ડિફેન્સ સિસ્ટમ, એરક્રાફ્ટ, આર્મર્ડ વ્હીકલ, એન્જીન, મિસાઈલ, જહાજો વગેરે ઉપરાંત જરૃરી સ્પેરપાર્ટ્સનો સમાવેશ થાય છે.   

રશિયાએ 1991માં અસ્તિત્વમાં આવેલો દેશ છે. એ પહેલા દેશ હતો પણ એ સોવિયેત સંઘ તરીકે ઓળખાતો હતો. અમેરિકા સાથેની સ્પર્ધામાં સોવિયેત સંઘે કેટલાક ક્ષેત્રોમાં જગતમાં નામ કાઢ્યું હતું એમાં ડિફેન્સ સેક્ટર પણ છે. આખા જગતને શસ્ત્રો ખરીદવા હોય તો વેચનાર મર્યાદિત હતા અને એમાં પણ જે દેશોને અમેરિકા સામે વાંધો હોય તો રશિયા પાસેથી ખરીદવા પડતા. વળી રશિયા કોઈ દેશને પોતાના તરફ ખેંચવા સસ્તા દરે કે જરૃર પડે તો વિનામૂલ્યે પણ શસ્ત્રો પહોંચાડતા હતા.

રશિયાનો ફાયદો એ પણ છે કે એ ફાઈટર વિમાનોથી લઈને મશીન ગન કે રાઈફલ સહિતના શસ્ત્રો જગતને વેચે છે. એટલે રશિયા એક એવી મોટી દુકાન છે, જેમાં ખરીદનારને જરૃર મુજબની ચીજો મળી જ રહે. રશિયા જે નિકાસ કરે છે, તેમાંથી અડધી નિકાસ ફાઈટર વિમાનોની હોય છે. જેમ કે રશિયાએ 2016થી 2020માં જે શસ્ત્રો વેચ્યા એમાં 400 ફાઈટર વિમાનો હતા. રશિયાની નિકાસમાં તેનો ફાળો 48.6 ટકા છે. વિમાનોમાં પણ સુખોઈ અને મિગ વિમાનો મુખ્ય છે. આ સિરિઝના વિમાનો જગતના 13 દેશો વાપરે છે.

શસ્ત્રોની ખરીદી ઉપરાંત રશિયા પાસેથી ભાડે લેવામાં પણ ભારત આગળ છે. ભારત પરમાણુ સબમરિન બનાવે ત્યાં વર્ષો નીકળી જાય, સમબિરન ખરીદવી પોસાય નહીં. એટલે ભારતે રશિયા પાસેથી ન્યુક્લિયર સંચાલિત સબમરિન ભાડે લીધી છે. હવે ભારત સ્વદેશી સબમરિન બનાવી શક્યું છે.

AK-47 : રશિયાનું સૌથી પ્રખ્યાત હથિયાર

ભારત રશિયા પર નિર્ભર છે, એ વાતનો એક પુરાવો એ પણ છે કે સંરક્ષણ કે શસ્ત્રોમાં ખાસ રસ ન હોય એ લોકો પણ જાણે છે કે ભારતના ઘણા વેપન્સ મેડ ઈન રશિયા છે. એમાંય એક રશિયન શસ્ત્રનું નામ તો સૌને મોઢે છે. એ શસ્ત્ર એટલે એકે-47. એકે-47 રશિયન સૈનિક મિખાઈલ કાલનિશ્કોવે 1947માં તૈયાર કરી હતી. તેના કારણે જ 47 તરીકે ઓળખાય છે. આ રાઈફલ આજે જગતના 100થી વધારે દેશો વપરાય છે. સમય સાથે એકે-47માં ઘણા સુધારા થયા છે અને અનેક નવા વર્ઝન (જેમ કે એકે-74, એકે-105, એકે-19 વગેરે) આવ્યા છે.

કોનું સંરક્ષણ બજેટ કેવડું?

જેનું સંરક્ષણ બજેટ સૌથી મોટું હોય એવા દેશોમાં પણ રશિયાનો સમાવેશ થાય છે. 2020માં સૌથી વધારે સંરક્ષણ બજેટ ફાળવનારા દેશોનું લિસ્ટ અહીં આપ્યું છે.

 1. અમેરિકા – 778 અબજ ડોલર
 2. ચીન – 252 અબજ ડોલર
 3. ભારત – 73 અબજ ડોલર
 4. રશિયા – 62 અબજ ડોલર
 5. યુ.કે. – 59 અબજ ડોલર
 6. સાઉદી અરબ – 58 અબજ ડોલર
 7. જર્મની – 53 અબજ ડોલર
 8. ફ્રાન્સ – 53 અબજ ડોલર
 9. જાપાન – 49 અબજ ડોલર
 10. દક્ષિણ કોરિયા – 46 અબજ ડોલર

આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા સંરક્ષણ ખર્ચની બાબતમાં આખા જગતના તમામ દેશોના બજેટ કરતા ક્યાંય આગળ છે. એટલે જ્યાં-ત્યાં શસ્ત્રો મોકલાવે કે સૈન્ય મોકલાવે એ અમેરિકા માટે મોટો ઈસ્યુ ક્યારેય બનતો નથી.

Related posts

Hug Benefits/ ખુશ રહેવું છે તો પોતાના અંગતને વ્હાલથી ભેટો, જાણો ગળે લાગવાના ફાયદા

Siddhi Sheth

વીમા પોલિસી લેપ્સ થઈ ગઈ છે તો રહો સાવધાન, થઈ શકે છે છેતરપિંડી, આ રીતે કરો બચાવ

Akib Chhipa

સાયબર ફ્રોડની નવી રીતો… લોકો માટે આવી રહ્યા છે આ 5 SMS, એક ક્લિક કરવાથી એકાઉન્ટ થઈ જાય છે ખાલી !

Kaushal Pancholi
GSTV