ગુજરાતમાં ચાલી રહેલા પરપ્રાંતિય વિવાદમાં સુરતમાં નવો ફણગો ફૂટ્યો છે. સુરતના ડીંડોલી વિસ્તારની સોસાયટીના ગેટ પર બિનગુજરાતીઓને ટાર્ગેટ કરતા બેનર લગાવવામાં આવ્યા છે. સોસાયટીના સભ્યોએ પોતાની સોસાયટીમાં બિન ગુજરાતીના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. સાથે જ ગુજરાતી પરિવાર સિવાય અન્યને મકાન ન વેચવા અથવા ભાડે આપવા સૂચના આપી છે. આ સોસાયટીમાં કુલ 120 રો હાઉસ મકાન છે.
તો રાજ્યમાં પરપ્રાંતીઓ પર થયેલા હુમલા બાદ રાજ્ય સરકારે પરપ્રાંતીઓની સુરક્ષા માટે મહત્વના નિર્ણય લેવાની શરૂઆત કરી છે. ત્યારે ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર ભાવનગરના અલંગ બંદર પર રોજગારી માટે આવતા પરપ્રાંતીઓને રહેવા માટે આવાસ ઉપલબ્ધ કરાવશે. જે અંગેનો નિર્ણય શિપ બ્રેક્રિંગ યાર્ડની મળેલી બેઠક દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો છે.
અલંગ બંદર પર 10 હજારથી વધુ પરપ્રાંતીઓ રોજગારી માટે આવે છે. મનસુખ માંડવીયાએ વધુમાં જણાવ્યુ હતું કે, ગુજરાત હમેશા લોકોને જોડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દેશના લોકોને જોડવાનું કામ કરી રહ્યાં છે. મનસુખ માંડવીયાએ રાજ્યમાં પરપ્રાંતિઓ પર થઈ રહેલા હુમલાની ઘટનાને વખોડી હતી.