એસીબીએ વાપીમાં ટ્રેપ કરીને ઇન્કમટેક્સના ઓફિસરની ધરપકડ કરી છે. માહિતી મુજબ ફરિયાદીએ પોતાના ઘરના ઘરેણાં ત્રણ વર્ષ અગાઉ શાહ વીરચંદ ગોવાનજી પ્રાઈવેટ લિમીટેડને વેચ્યા હતા. જે બાદ ત્યાં ઇન્કમટેક્સની રેડ પડતા ફરિયાદીને નોટિસ કાઢી દસ્તાવેજી પુરાવા સાથે ઇન્કમટેક્સ ઓફિસ હાજર રહેવા જણાવ્યું હતું.
તે બાદ ફરિયાદી ઇન્સ્પેક્ટર જિતેન્દ્રને મળતા તેણે ફરિયાદીને ટેક્ષ ભરવા અથવા તો પતાવટ કરવા જણાવ્યું હતું. રકઝકના અંતે પતાવટ કરવા 75 હજાર રૂપિયા નક્કી કર્યા હતા. ફરિયાદીએ એસીબીને જાણ કરતા એસીબીએ છટકું ગોઠવી ઇન્કમટેક્સ ઓફિસર જિતેન્દ્રને રંગે હાથ પકડી લીધા હતા. આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.