GSTV
Home » News » બનાસકાંઠાના પૂરમાં સપનાં તણાયાં પણ વીમાકંપનીઅોથી વળતર છૂટતું નથી, ક્યાં સુધી અન્યાય સહશે ખેડૂત

બનાસકાંઠાના પૂરમાં સપનાં તણાયાં પણ વીમાકંપનીઅોથી વળતર છૂટતું નથી, ક્યાં સુધી અન્યાય સહશે ખેડૂત

સરકાર દ્વારા ખેડૂતો માટે અનેકવિધ યોજનાઓ તો બનાવવામાં આવે છે. પરંતુ સરકારની યોજનાનો સાચો લાભ લાભાર્થી ખેડૂત સુધી જ નથી પહોંચતો. બનાસકાંઠામાં જ્યાં 2015 અને 2017માં આવેલા વિનાશક પૂરને કારણે અનેક ખેડૂતો અને પશુપાલકો પાયમાલ થઇ ગયા. સરકારે વળતર પણ જાહેર કર્યું. પરંતુ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત જે લોકોના વીમા પ્રિમીયમ ભરાઇ ગયા છે તેવા એક પણ ખેડૂતને આજદિન સુધી પાક વીમાના નાણા મળ્યા નથી.

બનાસકાંઠામાં 2015 અને 2017 એમ બે વર્ષના ગાળામાં જ આવેલા બે વિનાશક પૂરે ખેડૂતોને પાયમાલ કરી નાંખ્યા. ખેડૂતોની ખેતી ચોપટ થઇ. ઘરવખરી અને પશુઓ તણાઇ ગયા. સરકાર દ્વારા રાબેતા મુજબ રાહત પેકેજ જાહેર કરાયું. પરંતુ જે નાણાં પર ખેડૂતોનો હક છે તે નાણાં હજુ પણ તેમના સુધી નથી પહોંચ્યા. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત જે ખેડૂતોએ પાક ધિરાણ બેંકોમાંથી મેળવ્યું. તેમના વીમા પ્રીમીયમ તે જ સમયે મુદ્દલમાંથી કાપી લેવામાં આવ્યા. પરંતુ તેનો લાભ ખેડૂતોને મળ્યો નથી. ભયાનક પૂરને કારણે ખેડૂતો તારાજ થઇ ગયા. પરંતુ વીમા પેટે જે ખેડૂતોને જે વળતર મળવું જોઈએ તે આજદિન સુધી મળ્યું નથી.

વીમા કંપનીઓને બ્લેકલિસ્ટ કરવાની કામગીરી પણ કરાશે

ખેડૂતો પાક વીમા યોજનાનો લાભ મેળવવા વારંવાર સરકારી કચેરીઓ અને બેંકોના ધક્કા ખાય છે. પરંતુ તેમની વેદના સાંભળનારું કોઇ નથી. વીમા કંપનીઓએ આ મામલે કોઇ નક્કર કામગીરી ન કરી હોવાથી અનેક ખેડૂતો પાક વીમાના નાણા મેળવવા સરકારી કચેરીના પગથિયા ઘસી રહ્યા છે. બીજી તરફ જિલ્લા કલેક્ટરનું કહેવું છે કે જે ખેડૂતોના પાક વીમાના પ્રીમીયમ કપાયા છે અને લાભ મળ્યો નથી તે ખેડૂતોનો લાભ મળે તે માટે કાર્યવાહી થશે. તેમ છતાં જો ખેડૂતોને નાણા નહીં મળે તો સરકારનું ધ્યાન દોરી વીમા કંપનીઓને બ્લેકલિસ્ટ કરવાની કામગીરી પણ કરાશે. સરકાર દ્વારા ખેડૂતોને પાક વીમાના નાણા આપવાની બાંહેધરી તો આપવામાં આવી છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી આ ખેડૂતો પાક વીમાના નાણાં મેળવવા વલખા મારી રહ્યા છે. અને ક્યારે સરકારી સહાય મળે તેની રાહ જોઇ રહ્યા છે.

ખેડૂતોના ખેતરોની સાથે સાથે તેમના સપના પણ તણાઇ ગયા

ખેડૂતોને સહાય ન મળવા મામલે હવે રાજનીતિ શરુ થઇ છે. પાલનપુરના કોંગ્રેસના ધારાસભ્યએ વિધાનસભામાં પણ ખેડૂતોનો સહાયનો મુદ્દો ઉઠાવ્યો. પરંતુ સરકારે કોઇ દાદ ન દીધી. બીજી તરફ ખેડૂતોને વળતર અપાવવા હવે ભાજપની જ પાંખ ગણાતી કિસાન સંઘ દ્વારા હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરી આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારાઇ છે. બનાસકાંઠામાં આવેલા બબ્બે વિનાશક પૂરમાં ખેડૂતોના ખેતરોની સાથે સાથે તેમના સપના પણ તણાઇ ગયા.

સરકારે કોંગ્રેસના ધારાસભ્યની ફરિયાદ પ્રત્યે હકારાત્મક વલણ ન દાખવ્યું

સહાય મેળવવા ખેડૂતો અને સ્થાનિક નેતાઓ દ્વારા અનેક વખત સત્તાધીશોને રજૂઆતો અને ફરિયાદો કરી. પરંતુ સરકારને જાણે કે ખેડૂતોની વેદના સાંભળવા માટે સમય જ નથી. જગતના તાતના પરસેવાના નાણા પ્રિમીયમરૂપે બેંકો અને વીમા કંપનીઓ દ્વારા લેવાયા તો ખરા. પરંતુ જ્યારે વળતર આપવાની વાત આવી તો તેમણે ઠાગાઠૈયા શરૂ કરી દીધા. પાલનપુરના કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલે વિધાનસભામાં પણ ખેડૂતોને સહાય આપવાનો મુદ્દો ઉઠાવ્યો. પરંતુ સરકારે તેની ફરિયાદ પ્રત્યે હકારાત્મક વલણ ન દાખવ્યું.

બનાસકાંઠાના બે ભયાનક પૂરને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી

સરકારની ઢીલી નીતિને કારણે હવે ભાજપની જ પાંખ ગણાતી કિશાન સંઘ સંસ્થા દ્વારા આ મામલે હાઈકોર્ટમાં પીટિશન દાખલ કરવામાં આવી છે. જિલ્લામાં પૂરમાં પાયમાલ થયેલા અનેક ખેડૂતોને જો પાક વીમાના નાણા નહીં મળે તો આગામી સમયમાં કિસાન સંઘે ભાજપ સામે જ આંદોલન છેડવાની ચિમકી ઉચ્ચારી છે. બનાસકાંઠાના બે ભયાનક પૂરને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી છે. પ્રધાનમંત્રીની આ ખેડૂતો માટેની કલ્યાણકારી યોજનાનો લાભ ખેડૂતોને જ મળ્યો નથી. ખુદ સરકારે જાહેર કર્યું છે કે બનાસકાંઠામાં આવેલા પૂરના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે. ત્યારે સવાલ એ છે કે પાયમાલ થયેલા ખેડૂતોને સહાય આપવામાં સરકાર કોની રાહ જૂએ છે.

Related posts

મર્ડર કેસનો આરોપી ફરાર થઈ જતા સાત પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાય

Nilesh Jethva

મનપાના આસિસ્ટન્ટ કમિશનર ડેન્ગ્યુની ઝપટમાં આવતા આરોગ્ય વિભાગની પોલ ખુલી

Nilesh Jethva

અમદાવાદમાં અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચેના ગજગ્રાહમાં પ્રજાના હાલ બેહાલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!