સસ્પેન્સ ડ્રામાનો અંત : ભાજપ સામે જસદણની બેઠક જીતવા કોંગ્રેસે ધોરણ 6 પાસ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો

છેલ્લી ઘડી સુધી અનેક નામો પર ચર્ચા કર્યા બાદ આખરે કોંગ્રેસે જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરી છે. કોંગ્રેસે જસદણ બેઠક પરથી પક્ષના પાયાના કાર્યકર એવા અવસર નાકિયાને ટિકીટ આપી છે. મહત્વનું છે કે અવસર નાકિયા રાજકારણના પાઠ કુંવરજી બાવળિયા પાસેથી શીખ્યા છે. અને હવે પેટાચૂંટણીમાં ગુરૂ કુંવરજીને ચેલા અવસર જ ટક્કર આપશે. પોતાની પસંદગીને નિર્વિવાદ ગણાવી અવસર નાકિયાએ કુંવરજી બાવળિયા પર પ્રહારો કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

જસદણની પેટાચૂંટણી માટે ભાજપ તરફથી કુંવરજી બાવળિયાએ ઉમેદવારી નોંધાવ્યા બાદ ઉમેદવારોની પસંદગીમાં કશ્મકશમાં રહેલી કોંગ્રેસે આખરે અવસર નાકિયા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. કોંગ્રેસ તરફથી કોળી અને પાટીદાર સમાજના 8 જેટલા આગેવાનોએ ફોર્મ ઉપાડતા છેલ્લી ઘડી સુધી ઉમેદવાર અંગે સસ્પેન્સ સર્જાયું હતું. જો કે આખરે કોંગ્રસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અવસર નાકિયાના નામની જાહેરાત કરી છે. અમિત ચાવડાએ જણાવ્યું કે પક્ષપલટો કરનાર કુંવરજીને જસદણની પ્રજા જવાબ આપી અવસર નાકિયાને જીતાડશે.

અવસર નાકિયા કોંગ્રેસના પાયાના કાર્યકર છે. અને રસપ્રદ વાત એ છે કે અવસર નાકિયાને રાજકારણના પાઠ કુંવરજી બાવળિયાએ શીખવાડ્યા છે. ત્યારે હવે જસદણ બેઠક પર ગુરૂ કુંવરજી અને ચેલા અવસર નાકિયા વચ્ચે ખરાખરીનો જંગ જામશે. અવસર નાકિયાએ ગુરૂ કુંવરજી પર પ્રહાર કરીને કહ્યું કે તેઓ તેમના નામથી નહીં પણ કોંગ્રેસના નિશાન પર જિતતા હતા.

કોળી સમાજમાંથી આવતાં અવસર નાકીયાનો જન્મ 4 જુલાઇ. 1972માં વિછીંયા તાલુકાના આસલપુર ગામમાં થયો હતો. તેમણે આસલપુરની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 6 સુધીનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ કર્યા બાદ તેઓ આસલપુરથી વિછીંયા સુધી છકડો રીક્ષા ચલાવતા હતા. 1995માં અવસર નાકિયાના લગ્ન ગીતાબેન સાથે થયા હતા. તેમને સંતાનમાં 5 દીકરી અને એક દીકરો છે. તેઓ સતત બે વખતથી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા છે. તો રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પદે પણ રહી ચૂક્યા છે. અને હવે જસદણની પેટાચૂંટણીમાં તેઓ ગુરૂ કુંવરજીને જ બરાબરની ટક્કર આપશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter