ગુજરાતમાં રાહુલે કહ્યું કે ભાઈ અનિલ અંબાણીને કાગળ આપશો તો પણ પ્લેન નહીં બને

અડાલજમાં કોંગ્રેસની જન સંકલ્પ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી સરકારને આડે હાથ લીધી. રાહુલ ગાંધીએ વાયદો કર્યો કે જો તેમની સરકાર સત્તામાં આવી તો જીએસટીનું માળખું ઠીક કરવામાં આવશે. સાથે લઘુત્તમ વેતન યોજના પણ લાગુ કરવામાં આવશે.

રાહુલ ગાંધીએ ફરી એકવાર ચોકીદાર ચોર છેના નારા લગાવડાવ્યા. તેમણે રફાલ ડીલમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા કહ્યું કે અનિલ અંબાણીને કાગળનું પ્લને બનાવતા પણ નહીં આવડે. તેમ છતા મોદી સરકારે તેમને રફાલ પ્લેન બનાવવાની ડીલ આપી દીધી. રાહુલે અદાણીને દેશના પાંચ એરપોર્ટ સોંપવાના મુદ્દે પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો.

રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે બ્રિટન સરકારની માંગ છતાં મોદી સરકારે નિરવ મોદી અંગેના દસ્તાવેજો તેમને ન સોંપ્યા. આતંકવાદ મુદ્દે આકરા પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસની સરકાર જે મસૂદ અઝહરને પકડી લાવી હતી તેને ભાજપની સરકાર કંધહાર મુકી આવી. અને અજીત ડોભાલ તેના એસ્કોર્ટ બની કંધહાર ગયા હતા. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે ચૂંટણીમાં સત્ય જીતશે અને નફરત તથા મોદી હારશે. દેશમાં બે વિચારધારાની લડાઈ છે. અને આ બંને વિચારધારા ગુજરાતમાં જોવા મળે છે. સંબોધનની શરૂઆતમાં રાહુલ ગાંધીએ કલાકો સુધી તડકામાં બેઠેલા લોકોની માફી માંગી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter