GSTV
Gujarat Government Advertisement

ગુજરાતમાં અડધી રાત્રે પણ ખરીદી માટે નીકળી શકાશે : પોલીસ નહીં બંધ કરાવી શકે દુકાનો

ગુજરાતમાં મહાનગરપાલિકા વિસ્તાર, નેશનલ હાઇ-વે, રેલ્વે સ્ટેશન, એસ.ટી. બસ મથક, હોસ્પિટલ, પેટ્રોલપંપ ઉપર આવેલી દુકાનો – સંસ્થાઓ ૨૪ કલાક ખુલ્લી રાખી શકાશે. જ્યારે નગરપાલિકા વિસ્તારોમાં, સ્ટેટ હાઇ-વે ઉપરની દુકાનો-સંસ્થાઓ સવારે ૬થી રાત્રે ૦૨.૦૦ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. જ્યારે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી દુકાનો સવારે ૬.૦૦ થી રાત્રે ૧૧:૦૦ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.

વિધાનસભા ગુહે આજે આ અંગે ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) અધિનિયમ-૨૦૧૯ પસાર કર્યુ હતું. શ્રમ અને રોજગાર મંત્રીએ વિધાનસભા ગુહમાં જણાવ્યુ હતું કે, સામાન્ય ભાષામાં આપણે જેને ગુમાસ્તા ધારા તરીકે ઓળખીએ છીએ એવા આ અધિનિયમમાં સુધારાથી રાષ્ટ્રકક્ષાએ એકસૂત્રતા તો જળવાશે એટલું જ નહી ધંધો કરવા માટે સાનુકૂળ વાતાવરણ પુરું પાડી શકાશે. મહિલાઓ માટે નોકરીની વધુ તકો ઉભી થશે અને કામદારોની કામની સ્થિતિમાં સુધારો થશે.

પ્રજાજનો પણ અનુકૂળતાએ ખરીદી કરી શકશે

મંત્રીએ ગુમાસ્તા ધારાની નવી જોગવાઇઓ અંગે વિસ્તૃત જાણકારી આપતાં કહ્યું હતુ કે, ધંધાના પ્રકારમાં કે માલિકીમાં ફેરફાર થાય તે સિવાય એક વખત જારી થયેલ નોંધણી પ્રમાણપત્ર માન્ય ગણાશે. રાજ્ય સરકારે નોંધણીના રીન્યુઅલની જોગવાઇ રદ કરીને વન ટાઇમ રજીસ્ટ્રેશનની જોગવાઇ કરી છે. દુકાનો – સંસ્થાઓ અઠવાડીયામાં એક દિવસ ફરજીયાત બંધ રાખવાની જોગવાઇ હતી, જ્યારે હવે દુકાન – સંસ્થાઓ ૩૬૫ દિવસ ચાલુ રાખવાની છુટ આપવામાં આવી છે, તેથી ધંધા- રોજગાર વધશે અને પ્રજાજનો પણ અનુકૂળતાએ ખરીદી કરી શકશે.

જુના અધિનિયમમાં દુકાનો-વાણિજ્યિક સંસ્થાઓ, નિવાસી હોટસ્લ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના સ્થળો, થીએટર, મનોરંજનના બીજા સ્થળો માટે કામના કલાકો, આરામનો સમય, સંસ્થાઓ ખોલવાનો – બંધ કરવાનો સમય વગેરેને લગતી જુદી-જુદી જોગવાઇઓ હતી, આ અધિનિયમથી બધી જોગવાઇઓમાં એકસૂત્રતા જળવાશે. ૩૬૫ દિવસ દુકાનો-સંસ્થાઓ ચાલુ રાખવાની સાથે સાથે આ અધિનિયમમાં શ્રમયોગીઓ/કર્મચારીઓને એક અઠવાડિક રજા ફરજિયાત આપવાની અને જો અઠવાડિક રજા ન આપવામાં આવે તો તેની અવેજીમાં વળતર રજા આપવાની જોગવાઇ છે.

આ અધિનિયમમાં શિફટ(પાળી)ની જોગવાઇ કરવામાં આવી

આરામના દિવસે કામ કરવા બદલ બમણા દરે વેતન આપવાની જોગવાઇ કરવામાં આવી છે. જૂના અધિનિયમમાં શિફટ(પાળી) ની જોગવાઇ ન હતી. જયારે આ અધિનિયમમાં શિફટ(પાળી)ની જોગવાઇ કરવામાં આવી છે. જેથી કોઇ વેપારીને અરજન્ટ ઓર્ડર મળે તો તેને પૂરો કરવા તેઓ દુકાન ચાલુ રાખી શકશે. જૂના અધિનિયમમાં ઓવરટાઇમ કામ કરાવવાની મર્યાદા ત્રણ મહિનાના છત્રીસ કલાકની હતી જે હવે વધારીને ત્રણ મહિનાના એકસો પચીસ કલાક સુધીની કરવામાં આવી છે. સાથે સાથે અગાઉ ઓવરટાઇમ વેતન, વેતનના દોઢ ગણા દરે આપવાની જોગવાઇ હતી તે હવે વેતનના બમણા દરે આપવાની જોગવાઇ કરવામાં આવી છે.

શ્રમયોગીઓ/મહિલા કર્મચારીઓ માટે કોઇ વિશિષ્ટ જોગવાઇઓ કરાઈ

અગાઉ મહિલા શ્રમયોગીઓ પાસેથી સવારે છ થી સાંજે સાત વાગ્યા સુધી જ કામ લઇ શકાતું હતું. હવે મહિલા શ્રમયોગીઓ માટે કામના કલાકો સવારે છ થી રાત્રે નવ વાગ્યા સુધી રાખવાની જોગવાઇ કરવામાં આવી છે. તે સિવાયના (એટલે કે રાત્રે નવથી સવારના છ વાગ્યા સુધીના) સમય દરમિયાન જો મહિલા શ્રમયોગી પાસેથી કામ લેવું હશે તો દુકાનદાર/માલિકને મહિલા શ્રમયોગીની સંમતિ મેળવી, તેને કામના સ્થળેથી નિવાસસ્થાન સુધી વાહનની સુવિધા પૂરી પાડવાની તથા તેની સલામતી માટે પૂરતી જોગવાઇ કરવાની શરતે મંજુરી આપવામાં આવશે.

ઘોડીયાઘરની સુવિધા ઈન્સપેકટરની મંજુરીથી પૂરી પાડી શકશે

જ્યાં ત્રીસ કે તેથી વધુ મહિલા શ્રમયોગીઓ કામ કરતા હોય ત્યાં દુકાન/સંસ્થાના માલિકે ઘોડીયાઘરની સુવિધા પૂરી પાડવાની રહેશે. એક કિ.મી.ની ત્રિજયામાં આવેલ દુકાનો/સંસ્થાઓ સંયુકત રીતે પણ આવા ઘોડીયાઘરની સુવિધા ઈન્સપેકટરની મંજુરીથી પૂરી પાડી શકશે.
સો કે તેથી વધુ શ્રમયોગીઓ કામ કરતા હોય ત્યાં દુકાન/સંસ્થાના માલિકે કેન્ટીનની સુવિધા પૂરી પાડવાની રહેશે. દુકાનો/સંસ્થાઓ સંયુકત રીતે પણ આવી સુવિધા ઈન્સપેકટરની મંજુરીથી પૂરી પાડી શકશે.

સરકારે પોતાના પાસે પણ રાખી સત્તા

સંજોગોવસાત ટ્રાફીક સમસ્યા, આરોગ્યને નુકશાન પહોંચાડે તેવી સમસ્યા, પબ્લીક સેફ્ટીની સમસ્યા અથવા કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઉભી થાય તો જાહેરનામાથી સરકાર નક્કી કરે તે સત્તાધીકારીઓ દુકાન અને સંસ્થા ખુલ્લી રાખવાના સમયમાં ઘટાડો કરી શકશે. આ કાયદો લાગુ પડવાથી ૧૦ થી ઓછા શ્રમયોગીઓને કામે રાખનાર નાના વેપારીઓને રાહત મળશે, રોજગારીમાં વધારો થશે, વેપારધંધાને પ્રોત્સાહન મળશે, શ્રમયોગીઓના હિતોનું રક્ષણ થશે, મહિલાઓ રાત્રે પણ સલામત રીતે કામ કરી શકશે, રજાના દિવસે તથા મોડી રાત્રે પણ દુકાનો ખુલ્લી રહેવાથી આમ જનતાની સગવડો વધશે.

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!