GSTV
Home » News » સમગ્ર ગુજરાતમાં ભાજપે સેન્સની પ્રક્રિયા હાથ ધરી, સીટ એક દાવેદાર અનેક

સમગ્ર ગુજરાતમાં ભાજપે સેન્સની પ્રક્રિયા હાથ ધરી, સીટ એક દાવેદાર અનેક

morbi congress

સમગ્ર ગુજરાતમાં ભાજપે લોકસભા ચૂંટણી માટે મજબૂત ઉમેદવાર શોધવાની પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં દાવેદારો પસંદ કરવા માટે સેન્સની કવાયત હાથ ધરવામાં આવી છે. આ સંદર્ભે આજે સમગ્ર દિવસ ભાજપના વરિષ્ઠ કાર્યકર્તાઓ માટે કાર્યકર્તાઓને પસંદ કરવા એ શોધ સંશોધનનો વિષય રહ્યો હતો. કોઈ જગ્યાએ જ્ઞાતિ આધારિત સમીકરણો તો કોઈ જગ્યાએ ધારાસભ્યોને રિપીટ કરવા પડે એવી નોબત આવી હતી. જો કે આ સમગ્ર પ્રક્રિયામાં એક વાત ઉડીને આંખે વળગે તેવી છે અને એ વાત એ છે કે, કોઈ જગ્યાએ બેઠક માટે એક ઉમેદવાર દાવેદાર નથી. એક કરતા વધારે ઉમેદવારો ચૂંટણી લડવા માટે ખડે પગે છે ત્યારે ભાજપ માટે સેન્સનો પહેલો દિવસ કેવો રહ્યો તેના પર એક નજર કરીએ.

ભાવનગર લોકસભા-15

ભાવનગર લોકસભા-૧૫ બેઠક માટે સિહોર ખાતે સાત વિધાનસભાની બેઠક પર ભાજપના દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં ૧૩ જેટલા લોકો દાવેદાર તરીકે સામે આવ્યા છે. ભારતીબેન શિયાળ,હીરાભાઈ સોલંકી, નીમુબેન બાંભણિયા અને મહેન્દ્રભાઈ પનોત મુખ્ય નામો છે. જો કે તે પોતે બેઠકમાં હાજર રહ્યા ન હતા પણ પ્રબળ દાવેદારો છે. આ ઉપરાંત કિશોરભાઈ ભટ્ટ, ઉમેશ મકવાણા, આનંદ ડાભી, ભૂપત બારૈયા તેમજ ગોપાલ વાઘેલા, શીવાભાઈ ગોહિલ, અશોક સોલંકી, રામસિંહ ગોહિલ અને અજીતસિંહ સરવૈયાના નામોનો પણ સમાવેશ થાય છે. ભાનુબેન બાબરિયા,મહેશ કસવાલા અને મુળુભાઈ બેરાની ત્રણ સભ્યોની ટીમ દ્વારા સેન્સ લેવામાં આવી હતી.

વલસાડ લોકસભા

વલસાડ લોકસભા બેઠક માટે પણ દાવેદારોને સાંભળવા આજે ભાજપના નિરીક્ષકો વલસાડ પહોંચ્યા હતા. રાજય સરકારના પ્રધાન ગણપત વસાવા, જિલ્લા પ્રભારી વિવેક પટેલ અને દર્શની કોઠીયાની પેનલે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. રાજ્યના વન અને આદિજાતિ પ્રધાન રમણ પાટકર પણ વલસાડ-ડાંગ લોકસભા બેઠક પરથી લડવા માટે પ્રબળ દાવેદાર ઉભરી રહ્યા છે. નિરીક્ષકો સમક્ષ મોટે ભાગે વર્તમાન સાંસદ ડોક્ટર કેસી પટેલ અને આદિજાતિ પ્રધાન રમણ પાટકર તરફી રજૂઆતો થઈ હોવાથી સ્પર્ધા જામી હતી. વલસાડ જિલ્લા ભાજપના સંગઠનના મોટા ભાગના હોદ્દેદારોએ વર્તમાન સાંસદ કે.સી પટેલ તરફી રજૂઆતો કરી હતી. તો રમણ પાટકરના સમર્થનમાં પણ સામાજિક સંગઠનોના આગેવાનો સાથે સ્થાનિક અગ્રણીઓ અને પાર્ટીના કાર્યકર્તાઓએ રજૂઆતો કરી હતી. જોકે આજની આ પ્રક્રિયા દરમિયાન વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર ભાજપ તરફથી લડવા માટે 10થી વધુ દાવેદારો સંભળાઈ રહ્યા છે.

જૂનાગઢ લોકસભા

જૂનાગઢ લોકસભાની બેઠક માટે ભાજપના ઉમેદવાર માટે નિરીક્ષકો દ્વારા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ લેવામા આવી હતી. જેમાં સૌથી વધારે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાની તરફદારી કરી હતી. અને જણાવ્યું હતું કે રાજેશભાઇ ચુડાસમાને ટિકિટ મળે તે જરૂરી છે. જૂનાગઢ જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાંથી કુલ સાત લોકોએ દાવેદારી નોંધાવી હતી. જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ પણ જૂનાગઢ બેઠક પરથી લોકસભા લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ ઉપરાંત પૂર્વ મંત્રી ભાવનાબેન ચિખલીયાના પતિ ડોક્ટર ડીપી ચિખલીયા, યોગી પઢિયાર, જ્યોતિબેન વાછાણી, નીરુબેન કાંબલીયા, માંગરોળના પૂર્વ ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા અને જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગીતાબેન માલમે પણ ટીકીટ માટેની દાવેદારી નોંધાવી છે.

પોરબંદર લોકસભા

પોરબંદર બેઠક પર ઉમેદવાર નક્કી કરવા માટે ભાજપની ત્રણ પેનલ દ્વાર સેન્સ લેવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. ભાજપ તરફથી શંભુનાથ ટૂંડિયા, રમેશભાઇ મુંગરા અને આદ્યશક્તિબહેન મજુમદાર દ્વારા સેન્સ લેવાની કાર્યવાહી કરાઇ હતી. ધોરાજી પહોંચેલી ટીમે સ્થાનિક નેતાઓ અને કાર્યકરો પાસેથી મત જાણવાનો પ્રયાસ કર્યો હતો. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પોરબંદર લોકસભા સીટ માટે વિઠ્ઠલભાઈ રાદડિયાના અન્ય એક પુત્ર લલીતભાઈ રાદડિયા. જશુબેન કોરાટ, ભરતભાઈ ગાજીપરા. મનસુખભાઈ ખાચરિયા વિગેરેના નામ ચર્ચાઈ રહ્યા છે. આ બેઠકમાં કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ ડી.કે સખીયા, જયંતિભાઈ ઢોલ, ભરતભાઇ બોધરા. સહિતના નેતાઓ પહોંચ્યા હતા. મહત્વનુ છે કે વર્તમાન સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા તેમની નાદુરસ્ત તબીયતને કારણે છેલા બે વર્ષથી જાહેર જીવન તેમજ રાજકરણથી દૂર છે. વિઠ્ઠલભાઈ રાદડીયાએ વર્તમાન લોકસભામાં માત્ર 14 ટકા જ હાજરી અને પોતાના કાર્યકાળમાં પોતાના મતક્ષેત્રે વિશે એક પણ પ્રશ્ન પણ લોકસભામાં પૂછ્યો નથી.

સુરત લોકસભા

સુરત લોકસભા બેઠક પર ભાજપમાં 6 લોકોએ ઉમેદવારી માટે દાવેદારી નોંધાવી છે. હાલના સાસંદ દર્શના જરદોષ, પૂર્વ ધારાસભ્ય જનક બગદાણા, કિરીટ પટેલ, શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજિયાવાલા, શહેર ભાજપ ઉપાધ્યક્ષ ધીરુભાઈ સવાણીએ દાવેદારી નોંધાવી છે. સુરતમાં ભાજપના ઉમેદવારની પસંદગી માટે પક્ષના નિરીક્ષકોમાં ભરતસિંહ પરમાર, સુરતના પ્રભારી ભરત બારોટ અને ભાવનાબેન દવે સુરતની મુલાકાતે છે. ઉધનામાં ભાજપ કાર્યાલયમાં સેન્સ લીધા બાદ સુરત લોકસભા બેઠકના ઉમેદવારની પસંદગી માટે સેન્સ લેવાઈ રહ્યા છે. સાંસદ દર્શના જરદોશે કહ્યું કે પાર્ટી કોઈ પણ દાવેદારને ટીકીટ આપે તેમાં તેઓ રાજી છે. પાર્ટીના કોઈ પણ ઉમેદવારને લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજયી બનાવવાનું પ્રથમ લક્ષ્ય છે. દર્શના જરદોષ છેલ્લી બે ટર્મથી સુરત લોકસભા સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે.

જામનગર લોકસભા-12

જામનગરમા આગામી લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો નક્કી કરવા માટેની ગતિવિધિઓ તેજ બનાવી છે. ત્યારે ભાજપ દ્વારા જામનગર લોકસભા બેઠક પર પોતાનો ઉમેદવાર નક્કી કરવા માટે નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી રહી છે. ભાજપ દ્વારા નિમાયેલા નિરીક્ષકો મનસુખ માંડવિયા ,રમણ વોરા,બીનાબેન આચાર્યએ સ્થાનિક નેતાઓ અને કાર્યકરોની રજૂઆતો સાંભળી છે. લોકસભા બેઠક માટે સેન્સ લેવા માટેના કાર્યક્રમ દરમિયાન કેબિનેટ પ્રધાન આર સી ફળદુ,રાઘવજી પટેલ, ચંદ્રેશ પટેલ સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા..ભાજપનની સેન્સ લેવાની પ્રક્રિયામાં 5 વિધાનસભા બેઠકોમાંથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આવી પહોંચ્યા હતા. આ પ્રતિભાવો બાદ આગામી 17, 18 અને 19 માર્ચના રોજ યોજાનાર પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં રજુ કરવામાં આવશે. અને પસંદગી કોની પર ઉતરે છે. તે જોવું રહ્યું.

નવસારી લોકસભા

નવસારી લોકસભા બેઠકને લઈ ભાજપમાં નિરિક્ષકો સામે કોળી આગેવાનોએ કોળી પટેલને પ્રતિનિધિત્વ આપવાની માગ કરી છે. અહીં વર્તમાન સાંસદ સી.આર.પાટિલ છે. જેઓ પીએમ મોદીની ગુડ લિસ્ટમાં છે. પરંતુ વખતે તેમની સામે જાતિવાદ ઉઠ્યો છે. નવસારીની 7 વિધાનસભાની બેઠકોમાંથી 4 બેઠકોમાં કોળી પટેલોની સંખ્યા વધુ છે. ત્યારે નિરિક્ષકો સમક્ષ કોળી આગેવાનોએ કોળી પટેલ ઉમેદવાર પસંદ કરવા માગ કરી છે. નવસારી બેઠક પર સંભવિત ઉમેદવારોમાં સીઆર પાટીલ, કેન્દ્ર સરકારમાં ટુરિઝમ વિભાગના ડિરેક્ટર અને ગણદેવીના પૂર્વ ધારાસભ્ય કરશન પટેલ, સુરત શહેર ભાજપ ઉપપ્રમુખ પી.વી.એસ.શર્મા, આરએસએસના નજીકના સુષ્મા અગ્રવાલના નામ ચર્ચામાં છે.

બનાસકાંઠા લોકસભા

બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીના ઉમેદવારની પસંદીગીની પ્રક્રિયા માટે ડીસાના સોમનાથ ફાર્મમાં ભાજપના નિરીક્ષકોએ સેન્સ લેવાની કામગીરી કરી. નિરિક્ષક તરીકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, દુષ્યંત પંડ્યા અને કૌશલ્યા કુંવરબાએ જિલ્લાના 7 વિધાનસભાના કાર્યકર્તાઓ અને આગેવાનો પાસેથી ઉમેદવાર પસંદગી માટે સૂચનો લીધા. બનાસકાંઠાના વર્તમાન સાંસદ અને કેન્દ્રીય પ્રધાન હરિભાઈ ચૌધરી પણ અહીં હાજર રહ્યા હતા. આ બેઠક પરતી સતત 6 વખત લોકસભાની ટીકીટ મેળવનનાર હરિભાઈ ચૌધરીએ આ વખતે પણ ટીકીટ માંગી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જિલ્લામાં સારા કામ કર્યા છે પક્ષ ફરીથી તેમને ટિકિટ આપશે. અને વિજય પણ થશે.

READ ALSO

Related posts

બ્રિટનની મહારાણી આપી રહી છે નોકરી, જાણો તેના માટે કેટલા યોગ્ય છો તમે?

Nilesh Jethva

બ્રાઝીલનાં બારમાં 7 બંદુકધારીઓએ કર્યો ગોળીબાર,બાર માલિક સહિત 11 લોકોનાં મોત

Mansi Patel

માઈગ્રેન હોય તો નિયમિત દવા લેવાનું ટાળવું છે જરૂરી, જાણો શું છે કારણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!