12 કલાકમાં જ ભાજપના બીજા નેતાએ કહ્યું લડવી છે લોકસભા, ટિકિટ નહી આપે તો અપક્ષ લડીશ

હજુ તો હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાતને ગણતરીના કલાકો જ થયા છે ત્યાં પાસમાંથી ભાજપમાં આવેલા રેશમા પટેલે પણ લોકસભા ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ રેશમા સૌરાષ્ટ્રમાંથી ચૂંટણી લડી શકે છે.

જો ભાજપમાંથી ટિકિટ નહીં મળે તો અપક્ષ ચૂંટણી લડવાની તેમણે તૈયારી દર્શાવી છે. જોકે છેલ્લા ઘણા સમયથી રેશમા પટેલે ભાજપ સામે બાયો ચડાવી છે. તે જોતા ભાજપ રેશમાને મેદાનમાં ઉતારે છે કે નહીં તે જોવું પણ રસપ્રદ બની રહેશે.

ભાજપના બાહુબલી નેતા અને ધારાસભ્ય મધુ શ્રી વાસ્તવે આગામી લોકસભા ચૂંટણી વડોદરાથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે, આગામી લોકાસભા બેઠક પરથી પુરુષ ઉમેદવારને જ ટિકિટ મળશે. અને કોઈ પણ ભોગે વડોદરામાં લોકસભા બેઠકથી ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે. તેમણે જો ટિકિટ નહી મળે તો બાહુબલી સ્ટાઈલથી ચૂંટણી જંગમાં ઉતરવાનો પણ હુંકાર કર્યો છે.

હાર્દિકે પણ લોકસભાની ચૂંટણી લડશે

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે આગામી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ઉત્તર પ્રદેશના લખનૌમાં મીડિયા સાથે વાતચીત દરમ્યાન હાર્દિકે લોકસભાની ચૂંટણીના જંગમાં ઉતરવાની જાહેરાત કરી છે. જો કે હાર્દિક ક્યા પક્ષમાંથી અને કઇ બેઠક પરથી ચૂંટણી લડશે તે અંગે તેણે કોઇ ફોડ પાડ્યો નથી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter