150 ઘરોમાં મોતને ભેટ્યા છે પતિઓ, કહેવાય છે “વિધવાનું ગામ”

થોડા દિવસ પહેલા ઉત્તર પ્રદેશનાં સહારનપુર અને કુશીનગરમાં લઠ્ઠા કાંડમાં અસંખ્ય લોકોનાં મોતની ગોઝારી ઘટના બની છે. લઠ્ઠાકાંડ બાદ યુપી સરકારે દરોડા અને પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા સહિતની કામગીરી કરી છે. પરંતુ યુપીનાં મૈનપુરી જિલ્લામાં એક ગામ એવું પણ છે. જે ગામમાં લઠ્ઠા કાંડ એટલી હદે વકર્યો છે, કે આ ગામને “વિધવાનું ગામ” તરીકે ઓળખવામાં આવે છે. આ ગામમાં ઝેરી દારૂ પીવાને કારણે માણસોનું મૃત્યુ સામાન્ય વાત થઈ ગઈ છે. જેથી હવે ઝેરી દારૂ પીને કોઈ માણસ મૃત્યુ પામે તો લોકો આ વાતને ગણકારતા નથી.

ઇશાન નદીનાં તટ પર વસેલા પુસૈના ગામમાં 300 પરિવારોમાં કુલ 4008 લોકો રહે છે. જેમાંથી અંદાજીત 150 પરિવારોનાં 25-65 વર્ષની ઉમર ધરાવતી વિધવા મહિલાઓ રહે છે. આ મહિલાઓનાં પતિ છેલ્લા 15 વર્ષમાં ઝેરી દારૂ પીવાને કારણે મૃત્યુ પામ્યા છે. લઠ્ઠા કાંડને કારણે જ અનેક પરિવારોનાં એકથી વધુ પુરૂષો મોતને ભેટ્યા છે.

બુટલેગરોનાં ડરથી વિધવાઓ ચુપ

આ વિધવા મહિલાઓ માટે ઘર ચલાવવું મુશ્કેલ છે. પરંતુ ગેરકાયદે દારૂનાં બુટલેગરોનાં ડરથી તેઓ કાંઈ બોલી શક્તા નથી. પુસૈના ગામમાં રહેતા 45 વર્ષિય નકસી દેવીએ જણાંવ્યું છે કે, જો કોઈ બુટલેગરો વિરૂદ્ધ કાંઈ પણ બોલે તો તેનું ગંભીર પરિણામ ભોગવવું પડે છે. હદ તો ત્યારે થઈ કે ઘણી મહિલાઓને નોકરી આપવાની લાલચ આપીને તેને પણ આ દારૂનાં વેપલામાં સામેલ કરવામાં આવે છે. જેને લીધે વિધવા મહિલાઓની જિંદગી નર્કાગાર બની ગઈ છે. નકસી દેવી પોતાનાં પતિની સાથે 18થી 24 વર્ષનાં પોતાનાં ચાર દિકરા પણ ગુમાવી બેઠી છે.

માફિયાની ધમકી સામે બધા નિષ્ફળ

ગામનાં અગ્રણી રાજેશ કુમારનું કહેવું છે કે, ગામમાં ઝેરી દારૂનો ધંધો થોડો ઓછો થયો છે, પરતું સદંતર બંધ થયો નથી. તેમણે કહ્યું છે કે ટપો-ટપ મોત થવાને કારણે આ ઝેરી દારૂનો વેપલો બંધ કરવાનાં ઘણાં પ્રયત્નો કર્યા, પરંતુ બુટલેગરોની ધમકીને કારણે તેઓ કાંઈ કરી શકતા નથી. રાજેશ કુમારે કહ્યું છે કે, નાના-નાના બાળકો પહેલા આ ધંધામાં સામેલ થાય છે અને છેવટે દારૂ પીવાને રવાડે ચડે છે.

દારૂ ગામમાં જ બને છે

સ્થાનિકોનું કહેવું છે કે અહિ દરરોજ દસથી બાર હજાર લીટર દારૂ બને છે અને વહેંચાય છે. જ્યારે પોલીસનું કહેવું છે કે તેઓ આ મામલે કડક હાથે કાર્યવાહી કરે છે. એકલા પુસનિયામાં જ 600-700 લીટર દારૂ બને છે. ગામમાં 60-80 લીટર દારૂ પીવાય છે. જ્યારે આજુબાજુનાં ગામ અને જિલ્લામાં પણ દારૂની સપ્લાય થાય છે. આ દારૂમાં નશાનું પ્રમાણ વધારવા માટે યુરિયાને ગોળ અને ફુગમાં ભેળવવામાં આવે છે.

દારૂની ભઠ્ઠી બંધ કરો તો ફરી ચાલુ કરે છે

મૈનપુરીનાં એસ.પી. અજય શંકર રાય કહે છે કે, જિલ્લામાંથી આ ધંધાને નાબૂદ કરવા માટેનાં પ્રયાસ ચાલું છે. એસપીનાં કહેવા પ્રમાણે અંદાજીત 11 કરોડની સંપતિ દારૂ માફિયાઓ પાસેથી જપ્ત કરવામાં આવી છે. તેમણે માહિતી આપી કે અનેક વખત દરોડા દરમિયાન ગેરકાયદે દારૂ બનાવતી ભઠ્ઠીઓ નાશ કરી છે, પરંતુ બુટલેગરો ફરી તે ધંધો ચાલુ કરી દે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter