જસદણમાં જીતવું છે તો આ ભૂતકાળને ન ભૂલો, અહીંયાં હાર-જીતનાં સમીકરણો છે અલગ

જસદણ વિધાનસભા બેઠકની પેટા ચુંટણીનું કાઉન્ટ ડાઉન ચાલુ થઈ ગયું છે ત્યારે પ્રતિષ્ઠાનો જંગ જીતવા ભાજપ-કોંગ્રેસ ઉપરાંત અપક્ષો પણ એડી-ચોટીનું જોર લગાવીને મતદારોને રીઝવવા અને પોતાની તરફેણમાં મતદાન વધારવાના પ્રયાસોમાં ગળાડૂબ બન્યા છે. કારણ કે, કોળી અને પાટીદાર સમાજનું વર્ચસ્વ ધરાવતી જસદણ બેઠકનાં ૫૬ વર્ષના ઈતિહાસમાં ચોંકાવનારા પરિણામો આવ્યા છે. અહીં ફક્ત ૬૭ મતોથી પણ હારજીત થઈ છે અને અધધ ૨૫ હજાર મતોથી પણ દબદબાભેર ઉમેદવાર જીતી ચુક્યા છે. વળી, અહીં ત્રણ વખત અપક્ષો પણ વિજય વાવટો ફરકાવવામાં સફળ રહ્યા છે. આજે ચાર રાઉન્ડના અંતે બાવળિયા સૌથી આગળ ચાલી રહ્યાં છે. પાંચમા રાઉન્ડમાં વિછીયાં બેઠકની ગણતરી ચાલુ થઈ છે.

  • દિગ્ગજ નેતાઓ પણ જીતવાનો દાવો કરતા અનુભવે છે ખચકાટ
  • સૌથી વધુ સન- ૨૦૦૭માં ૨૫,૬૭૯ મતની લીડથી કોંગ્રેસની તો સૌથી ઓછા માત્ર ૬૭ મતોના માર્જીનથી વર્ષ- ૧૯૬૭માં માંડ-માંડ સ્વતંત્ર્ય પાર્ટીની થઈ હતી જીત
  • કાસ્ટ પોલિટીક્સનો એવો દબદબો છે કે ત્રણ વખત તો અપક્ષ ઉમેદવાર પણ થયા છે વિજેતા! ભાજપ-કોંગ્રેસ માટે હાલ સમાંતર લાગતું પલડું કઈ બાજુ નમે? એ કળવું અશક્ય

ચુંટણીમાં તો માત્ર ૫-૬ ટકા મતોનાં માર્જીનથી જ હારજીત

જસદણ બેઠકની ચુંટણીમાં દરેક વખતે મત ગણતરી પૂર્ણ થવા સુધી હારજીતની અવઢવ સર્જાતી આવી છે. છેલ્લી બે ચુંટણીમાં તો માત્ર ૫-૬ ટકા મતોનાં માર્જીનથી જ હારજીત થઈ છે. જેમાં વર્ષ ૨૦૧૨માં ભાજપના ઉમેદવારને ૪૦.૮૮ ટકા મતો મળ્યા હતા તો ૪૭.૪૮ ટકા મતો મેળવીને કોંગી ઉમેદવારનો વિજય થયો હતો. એટલે કે ૬.૬ ટકા મતો જ વધુ મળ્યા હતા. એ જ રીતે વર્ષ ૨૦૧૭ની ચુંટણીમાં ભાજપ સામે કોંગી ઉમેદવાર કુંવરજી બાવળીયાની ફક્ત ૫.૫૨ ટકા (૯૨૭૭) વધુ મતોથી જ જીત થઈ શકી હતી.

જસદણ મત વિસ્તારમાં કાસ્ટ પોલિટીક્સનો

જસદણ મત વિસ્તારમાં કાસ્ટ પોલિટીક્સનો એવો દબદબો છે કે ત્રણ વખત તો અપક્ષ ઉમેદવાર પણ વિજેતા થયા છે. જેમાં સન ૧૯૭૫માં ૧૧,૧૯૯ મતો તેમજ વર્ષ ૧૯૮૦માં ૪૬૨૮ મતો અને સન ૧૯૯૦માં ૮૧૮૭ મતોની લીડથી અપક્ષ ઉમેદવારોએ રાજકીય પક્ષોને કારમો પરાજય આપ્યો હતો. એ જ રીતે વર્ષ ૧૯૬૭ની બીજી ચુંટણીમાં કોંગ્રેસ સામે ભારે રસાકસી વચ્ચે સ્વતંત્ર પાર્ટીના ઉમેદવારની માત્ર ૬૭ મતોના માર્જીનથી જીત થઈ હતી. અત્યાર સુધીમાં ૧૩ સામાન્ય અને ૧ પેટા ચુંટણી યોજાઈ છે. જેમાં સૌથી વધુ નવ વખત કોંગ્રેસ, ત્રણ વખત અપક્ષ અને એક વખત સ્વતં૬ પાર્ટી તો એક વખત ભાજપની જીત થઈ છે.

રાજકીય પક્ષ કરતા ઉમેદવારનો પ્રભાવ વધુ જોવા મળ્યો

જો કે, મોટાભાગે ઉમેદવારોની હારજીત માટે સમાંતર રહેતું પલડું કઈ બાજુ નમશે? એ મત ગણતરી સુધી કળવું મુશ્કેલ બની રહે છે. આગામી પેટા ચુંટણીના હાલના માહોલમાં પણ આ જ કારણથી ભાજપ- કોંગ્રેસના રાજનીતિજ્ઞાો અસમંજશમાં મુકાયા છે.જસદણ, વિંછીયા, આટકોટ, મોટાદડવા, સાણથલી, ભાડલા, ભડલી, કમળાપુર, શિવરાજપુર અને પીપરડી વિસ્તારને સાંકળતી જસદણ વિધાનસભા બેઠક ઉપર હંમેશા રાજકીય પક્ષ કરતા ઉમેદવારનો પ્રભાવ વધુ જોવા મળ્યો છે. પરિણામે દરેક ચુંટણી સમયે નવા જ રાજકીય સમીકરણો નિર્માણ પામતા હોય, રાજકીય પક્ષો અને ઉમેદવારોની અવઢવ પણ ચરમસીમાએ પહોંચી જાય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter