GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

બચાવી લો એમને, એમ નહિ થાય તો હું ક્યાંયની નહિ રહું !!

‘શું થશે ? જનક અંકલ મારું અપમાન તો નહિ કરે ને ? મોટા માણસનું કશું જ કહેવાય નહીં ! કરોડો નહિ, અબજોના માલિક છે. પૈસો માણસને બદલી નાખે છે.

જ્યાં માણસ રૂપિયાથી મપાય છે, ત્યાં સંબંધોથી કપાય છે…સાચે જ જનક અંકલ બદલાઈ ગયા હશે ? એ હવે પહેલાંના જનક અંકલ નથી રહ્યા ! એ તો અબજપતિ શેઠ શ્રીમાન જનકરાયજી બની ગયા છે. એમના ઐશ્ચર્ય આગળ મારો તો શો હિસાબ ?’

સ્કૂટર પર જઈ રહ્યો છે, છતાં મુગટ વિચારોના વંટોળિયામાં તણખલાની જેમ ઊડી રહ્યો છે !

વિચારો જ વિચારો.

વિચારોમાંથી વિચારો.

વિચારો જન્મતા હતા.

ને એક વિચારમાંથી નવો  વિચાર ફૂટતો હતો ! ખૂબ સંકોચ થતો હતો એને.બાપુજી નથી, બાકી આ કામ બાપુજી જ કરી દેતા. પણ એ તો હવે નથી હું શું કરું ? મુગટ જ્યાં નોકરી કરતો હતો એ કારખાનાના માલિક ખૂબ માલેતુજાર હતા એ ય કરોડોમાં આળોટતા હતા. એમના કારખાનામાં બનેલી આઇટેમો વિદેશમાં જતી હતી. એટલે નફો જ નફો હતો.

કારખાનામાં બનતી આઇટમો માટે ચાઈના અને અમેરિકાની બે ત્રણ કંપનીઓ સાથે એમ.ઓ.યુ. કરી લીધા હતા. એટલે વિશ્વ બજારમાં એમનો ડંકો વાગતો હતો. ક્યારેક શેઠ કારખાનામાં આવતા. ક્યારેક ઉમળકો થઈ આવે તો તમામ કારીગરો અને કર્મચારીઓને એક મોટા હોલમાં એકઠા કરતા ને કહેતા : ‘જુઓ, તમને હું કેટલીક મહત્ત્વની વાતો કહેવા માગું છું.

જીવનમાં આગળ વધવા માટે બાંધછોડ જરૂરી છે. જેને સારી ભાષામાં કહીએ તો માનસિક સમાધાન ! કોઈ વાતને પકડી ન રાખવી. કડક પણ થવું અને ઢીલ પણ છોડવી, વેપાર સિદ્ધાન્તોની પાતળી દોરી પર દોડી ન શકે. એ માટે બાંધછોડ કરી લેવી જરૂરી છે.’

ને બીજી વાત !

સંજોગો બદલાય છે તેમ માણસ બદલાય છે. એમાંય રૂપિયામાં એ જાદૂ છે કે તે માણસને આખે આખો બદલી નાખે છે. તમને લાગે કે આ એ જ માણસ છે, પણ ના, એ માણસ તો ક્યારનોય બદલાઈ ગયો ! માણસના આ બદલાવના મૂળમાં રૂપિયાની જબરદસ્ત અસર છે ! માટે એને પહેલાંનો સીધો સાદો માણસ સમજીને એની સાથે વ્યવહાર ન કરવો. મોટા બનેલા માણસને સલામ જ કરાય. નાનો માણસ પોતાના નાનાપણાના ત્રાજવે માણસને તોળવા જાય, તો ખોટો પડે !

મુગટ તો સાંભળી જ રહ્યો !

શું વાત કરે છે આ શેઠ ?

રૂપિયો માણસને બદલી શકે ?

ને માણસ બદલાઈ જાય ?

શેઠની વાત અચાનક એને યાદ આવી ગઈ ! વાત તો સાચી છે શેઠની ! કદાચ જનક શેઠ બદલાઈ ગયા હોય ! કદાચ જનક શેઠ અભિમાની બની ગયા હોય ! કદાચ જનક શેઠના રૂપિયાએ પરિવર્તન આણી દીધું હોય ! કદાચ જનક શેઠ ‘માણસ’ મટી ગયા હોય, ને માત્ર ‘શેઠ’ જ બની ગયા હોય ! કદાચ જનક શેઠને ‘મોટાઈ’ નામની નાગણીએ દંશ દઈ દીધો હોય ! કદાચ જનક અંકલ ‘જનક અંકલ’ જ ન રહ્યા હોય !

‘તો ?’ તો શું કરવું ? એમના મહેલ જેવા બંગલામાં દરવાનો પેસવા પણ ન દે ! ને ‘કોણ છે ભાઈ તું ?’ એમ ઓળખતા પણ ન હોય એમ બોલી ઊઠે તો ? એમના બંગલાની બહાર બેઠેલા કૂતરા કરડી ખાય તો ? સવાલો જ સવાલો ! સવાલો પર સવાલો ઊઠતા હતા.

સ્કૂટર ધીમે ધીમે ચાલતું હતું. રોડ તૂટી ગયા હતા ને રોડ પર ખાડા પડી ગયા હતા ! સ્કૂટરની ગતિ ધીમી થઈ ગઈ હતી ! એક પળ માટે તો મુગટને થઈ ગયું : ‘પાછો વળી જાઉં !’ ને એણે સ્કુટર પાછું પણ વાળ્યું.

થોડેક દૂર ગયો ત્યાં જ એને બહેનનો ચહેરો યાદ આવ્યો. એની આંખનાં આંસું યાદ આવ્યાં એના ચહેરા પરની ઉદાસી યાદ આવી. એ રડતી હતી. ડૂસકાં ભરતી હતી. ધોધમાર આંસુ વહાવતી હતી ને હાથ જોડીને કહેતી હતી : ‘મુગટભાઈ, બચાવી લો એમને ! એમ નહિ થાય તો હું ક્યાંયની ય નહિ રહું !’

ને સ્કૂટરને મુગટે પાછું જનક પેલેસ ભણી મારી મૂક્યું. જે થાય તે. અપમાન થશે તો સહન કરી લઈશ. દરવાનો મારશે તો માર ખાઈ લઈશ. કૂતરો કરડશે તો હડકવા વિરોધી ઇંજેકશન્સ લઈ લઈશ…પણ જવું તો પડશે જ.

ને પહોંચી ગયો જનક પેલેસના દ્વારે. ‘કોનું કામ છે ?’ ‘જનક અંકલનું.’ ‘ઉપર જુઓ અગાશીમાં જ ઊભા છે !’ ને જનકરાયનો ઇશારો થતાં જ તેને અંદર જવાની રજા મળી ગઈ. ‘ઉપર આવ, મુગટ !’ ને તે ઉપર ગયો. સરસ મજાનો આલીશાન બંગલો હતો. ને એવું જ મોંઘુદાટ મજાનું ફર્નિચરમાં હતું. જનકરાય શેઠ વચ્ચેની ચેર બેઠા હતા.

‘બેસ, મુગટ !’ બેસતાં પહેલાં મુગટ જનકરાયની પાસે ગયો. એણે જનક અંકલનો ચરણ સ્પર્શ કર્યો. ‘જનક અંકલ, વાત એમ છે કે -‘ ‘કહેવાની જરૂર નથી !’ ‘કેમ ?’ ‘પાર્વતી ભાભીનો ફોન મારા પર આવી ગયો છે. મને બધી જ વાતની ખબર છે ! જો મુગટ, બધી જ વાત સાચી પણ મને એક વાત ન સમજાઈ !’

‘કઈ ?’ ‘તું એક કલાકથી નીકળ્યો છે…અહીં પંદર મિનિટમાં આવી શકાય છે. છતાં તેં દોઢ કલાક કેમ કર્યો ?’ ‘કહું ?’ ‘કહે.’ ‘અંકલ, આપની પાસે માગતાં મને ખૂબ જ સંકોચ થતો હતો. એટલે હું તો પાછો જ વળી ગયો હતો. પણ બહેનનો રડતો ચહેરો યાદ આવી જતાં મન મજબૂત કરીને આવ્યો છું !’

જનક અંકલ હસી પડયા : કહે : ‘અહીં આવવામાં કે આવી વાત કરવામાં સંકોચ શાનો ?’ ને જનકરાય શેઠ ઊભા થયા. મુગટ પાસે આવ્યા. એના બરડે હાથ ફેરવ્યો, પછી બોલ્યા : જો બેટા, તું નૈષધનો દીકરો, એટલે મારા માટે પણ પુત્રતુલ્ય ગણાય. તો ખુશાલી ક્યાં પારકી છે ? એને ય પુત્રી તુલ્ય ગણું છું.

મારે ક્યાં દીકરી છે ? જે છે એ ખુશાલી તો છે ! ને એક વાત સાંભળી લે, મુગટ ! હું એને મદદ કરું છું તે કોઇ ઉપકાર નથી કરતો જ્યારે મને જવેલર્સના ધંધામાં ખોટ ગઈ હતી ત્યારે છુપી મદદ દ્વારા મને બેઠો કરનાર તારો બાપ નૈષધ જ હતો. એ વાત તો હું શી રીતે ભુલું ? લે, મુગટ લે, આ નોટોનું બંડલ ! પૂરા પાંચ લાખ ગણીને મેં રાખ્યા છે, સમજ્યો ? ને બીજી વાત..

‘બીજી વાત ?’ ‘હા, બીજી વાત પણ સાંભળી લે, મુગટ ! ભવિષ્યમાં ક્યારેક મદદની જરૂર પડે તો તારા આ જનક અંકલ પાસે આવતાં જરાય સંકોચ ન રાખતો એમ જ માનજે કે તારા જ રૂપિયા લેવા તું આવ્યો છે. ને ત્રીજી વાત. હજી ત્રીજી વાત ?

હા, ત્રીજી વાત ! રૂપિયો આખી દુનિયાને ભલે બદલી નાખે, પણ જનક અંકલને એ ક્યારેય નહિ બદલી શકે, સમજ્યો ?

‘સમજી ગયો, અંકલ !”

Related posts

હળદરવાળું દૂધ પીવાનાં અદભૂત ફાયદાઓ, શરીરનાં સ્વાસ્થ્યને રાખે છે નિરોગી

pratik shah

શું તમને છે દાંતની સમસ્યા, તો આ તેલનાં ઉપયોગની જાણો સાચી રીત

pratik shah

શું તમે સફેદવાળની સમસ્યાથી છો પરેશાન, તો આ શાકભાજીની છાલનો કરો ઉપયોગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!