GSTV
Home » News » ખેતી માટે અપાશે તો પીવા માટે પાણી નહીં રહે, ગુજરાતીઅો મુશ્કેલીમાં

ખેતી માટે અપાશે તો પીવા માટે પાણી નહીં રહે, ગુજરાતીઅો મુશ્કેલીમાં

ગુજરાત માથે ભયંકર જળસંકટ તોળાઈ રહયું છે. ડેમમાં અોછા પાણી વચ્ચે હવે સરકારે પણ અાજે બેઠક બોલાવી કૃષિ અને પાણીની સ્થિતિની સમીક્ષા કરી હતી. સરકાર પાસે ખેડૂતોને સિંચાઈ માટે પાણી અાપવાનો કોઈ વિકલ્પ જ નથી. હાલમાં સરકાર પાણી અાપશે તો શિયાળા અને ઉનાળામાં લોકોને પીવાનું પાણી અાપી શકશે નહીં. હવામાન વિભાગના તમામ અાયોજનો ખોટા પડ્યા છે.  સરકાર ખુદ ભરાઈ ગઈ છે.  અાયોજનો તો ઘણા યે છે પણ ભગવાન નહીં રિઝે તો તમામ અાયોજનો પાણીમાં જશે અે પણ વાસ્તવિકતા છે. 
ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે, સરેરાશ ૩૩ ઈંચની સામે અત્યાર સુધીમાં માંડ ૧૮ ઈંચ એટલે કે, ૫૫ ટકા વરસાદ પડ્યો છે. ગત વર્ષની સરખામણીમાં ૨૭ ટકા વરસાદની ઘટ પ્રવર્તી  રહી છે. રાજયના કુલ ૨૦૩ ડેમોમાં હાલ ૩૨ (૬૮ ટકા ખાલી છે) ટકા પાણી જ ભરાયું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં ૩૭૪૬ મીલિયન કયુબીક મીટર (એમસીએમ)  પાણી તો છે પરંતુ તેમાં પાણીનો જીવંત જથ્થો તો માત્ર ૪૬ એમસીએમ જેટલો છે. આવી પરિસ્થિતિમાં રાજયમાં ૭૫ ટકા કરતાં વધુ વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર થઈ ચૂકયું છે પણ હવે તેને પાણીની જરૂર ઉભી થઈ છે. સરકાર માટે  એવી અત્યંત કપરી સ્થિતિ ઉભી થઈ છે કે, જો આ તમામ વિસ્તારોમાં સિંચાઈ માટે પાણી અપાય તો પીવા માટે પાણી નહીં બચે અને જો સિંચાઈ માટે પાણી નહીં અપાય તો ઉભા પાકને ભારે નુકસાનની ભીતી ઉભી થઈ છે.

રાજય સરકારે હાલ પૂરતું તો સિંચાઈ માટે પાણી નહીં આપવાની દિશામાં સૂચનાઓ જારી કરી છે. રાજય સરકારના અધિકારીઓ અત્યારે માથાપચ્ચી કરી રહ્યાં છે. કૃષિ વિભાગે કન્ટીજન્સી પ્લાન જાહેર કરી દીધો છે. અત્યારે ૧૧ તાલુકામાં શૂન્યથી ૫૦ મી.મી., ૩૩ તાલુકામાં ૫૧થી ૧૨૫ મી.મી., ૪૮ તાલુકામાં ૧૨૬થી ૨૫૦ મી.મી. સુધી વરસાદ પડ્યો છે. જયારે ૪૩ તાલુકા એવા છે કે, જયાં ૫૦૧થી ૧૦૦૦ મી.મી. અને ૨૬ તાલુકામાં ૧૦૦૦ મી.મી.થી વધુ વરસાદ પડ્યો છે. તે મુજબ સરકારે ખેતી ક્ષેત્રે સિંચાઈ માટે પાણી આપવા કે કેમ ? અથવા જયાં ઓછો વરસાદ પડ્યો છે ત્યાં હવે પછી કયા પાકનું વાવેતર કરવું ? જરૂર પડે ત્યાં પાવી માટે પાણી અને પશુઓ માટે ઘાસની વ્યવસ્થા ઉભી કરવા અંગે પણ સરકારે કલેકટરોને સૂચનાઓ આપી દીધી છે.

કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં તો રીતસર દુષ્કાળના ડાકલાં
ગુજરાતમાં ચોમાસા દરમ્યાન કુલ સરેરાશ ૮૩૧ મીલીમીટર એટલે કે આશરે ૩૩ ઈંચ વરસાદ પડે છે પરંતુ રાજયમાં અત્યાર સુધી માત્ર ૪૫૪ મી.મી અર્થાત ૧૮ ઈંચ એટલે કે, ૫૫ ટકા વરસાદ પડ્યો છે. આ વરસાદ પણ એકધારો પડ્યો નથી બલ્કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તો ૧૧ જિલ્લામાં અતિવૃષ્ટિ સર્જાઈ છે. જેના કારણે માનવ-પશુઓના મોત, ઘરવખરીને નુકસાન થવાની સાથોસાથ મોટાપાયે ખેતીની જમીનનું પણ ધોવાણ થયું છે. જેના કારણે સરકારને અત્યાર સુધીમાં અંદાજે રૂ. પાંચ કરોડની સહાય-વળતર ચૂકવવાની ફરજ પડી છે. જયારે કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં તો રીતસર દુષ્કાળના ડાકલાં વાગી ચૂકયાં હોય તેવી સ્થિતિ નકારી શકાતી નથી.

વરસાદની ઘટ ૧૦ ટકા સુધી પહોંચવાની શકયતા
પાકની વૃદ્ઘિ માટે અત્યારે મહત્ત્વનો સમય છે ત્યારે આ સિઝનમાં વરસાદની ઘટ ૧૦ ટકા સુધી પહોંચવાની શકયતા છે. સામાન્ય કરતાં ઓછા વરસાદથી ખરીફ કે ઉનાળુ પાકની વાવણી ઘટી શકે છે અને તેથી કૃષિ ઉત્પાદન પર અસર પડવાની સંભાવના છે. કેટલીક એજન્સીઓએ આ મહિને વરસાદ નબળો રહેવાની આગાહી કરી છે. મેના અંતિમ સપ્તાહમાં ચોમાસાએ વહેલી શરૂ કર્યા પછી તે અનિશ્ચિત રહ્યું છે. જૂનથી સપ્ટેમ્બરના ચોમાસાનો પ્રારંભ થયા પછી સમગ્ર દેશના ૮૨ ટકા વિસ્તારને આવરી લેવામાં આવ્યો હોવા છતાં આ ઘટ પડી છે. નબળા ચોમાસાના લીધે દેશમાં પાકના વાવેતર પર નકારાત્મક અસર પડી છે. તેમાં પણ ખાસ કરીને ચોખા અને કઠોળના વાવેતરનો વિસ્તાર ગયા વર્ષ કરતાં ઓછો છે, એમ કૃષિમંત્રાલયના છેલ્લા આંકડા દર્શાવે છે. વિશ્લેષકોનું માનવું છે કે ઓછા વરસાદ અને નબળા ભાવના  લીધે વાવણી પર અસર પડી છે. વરસાદ સારો રહ્યો હોવા છતાં પણ તેની દસ ટકા ખાધ ચિંતાજનક છે. આ વર્ષે વાવણી હેઠળનો વિસ્તાર ઓછો છે. આ વર્ષે ચોમાસુ અનિયમિત રહેતા અને ગયા વર્ષે ઉત્પાદન વધારે રહ્યું હોવાથી તેના ભાવમાં અને ખાસ કરીને કઠોળ તથા તેલીબિયાંના ભાવમાં ઘટાડો થયો છે.

આગામી મહિને અલ-નિનો ડેવલપ થાય તેવી સંભાવના ૫૦ ટકા
કઠોળ,  તેલીબિયાં અને કપાસનું ઉત્પાદન ગયા વર્ષ કરતાં ઓછું રહેવાની સંભાવના છે. જે તેની વાવણીની પેટર્ન દર્શાવે છે. ગયા વર્ષની તુલનાએ જળાશયોમાં વધારે પાણી છે જે હકારાત્મક બાબત છે.  હવામાન ઓફિસના નિષ્ણાતો માને છે કે વરસાદની વૃદ્ઘિ વેગ પકડશે, પરંતુ ખાનગી ક્ષેત્રની હવામાન સંસ્થા સ્કાયમેટનું કહેવું છે કે ઓગસ્ટમાં વરસાદ સંતોષજનક રહેશે. વધુમાં ઓસ્ટ્રેલિયન હવામાન ઓફિસે જણાવ્યું છે કે આગામી મહિને અલ-નિનો ડેવલપ થાય તેવી સંભાવના ૫૦ ટકા છે, જેના લીધે અંતિમ તબક્કામાં વરસાદ વેગ પકડે તેવી સંભાવના ઘટી જાય છે. ભારતીય હવામાન વિભાગે સોમવારે જણાવ્યું હતું કે હજી વધુ બે દિવસ સુધી પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં ભારે વરસાદ રહેવાની સંભાવના છે. મધ્ય ભારતમાં વરસાદ તબક્કાવાર ધોરણે વેગ પકડશે. ઉત્તર ભારતમાં આ સપ્તાહે સારો વરસાદ જોવા મળે તેવી સંભાવના છે. પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતની વરસાદની ઘટ સામાન્ય કરતાં વધારે ૨૫ ટકા છે, જે સૌથી વધારે છે.

Related posts

Live : બજેટ શરૂ, નીતિન ભાઈએ નવો રેકોર્ડ બનાવ્યો

Karan

સોનિયા ગાંધીએ અમિત શાહનું રાજીનામુ માગી મોદી સરકારને પૂછ્યા 5 સવાલ

Karan

જો ઉશ્કેરણી કરનારા લોકોને પોલીસે છાવર્યાં ન હોત તો આ પ્રકારની હિંસા ન ભડકત : સુપ્રીમની ઝાટકણી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!