અમેરિકા અને ઇરાનની વચ્ચે વધી રહેલી તંગદિલી વચ્ચે અમેરિકાના હવાઇ હુમલામાં ઇરાનના કુદ્સ ફોર્સના વડા જનરલ કાસીમ સુલેમાનીની હત્યાને પગલે વિદેશી બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ નવ મહિનાની ટોચે પહોંચી ગયા છે. લંડનમાં એક બેરલ ક્રૂડ ઓઇલનો ભાવ 4.1 ટકા એટલે કે 2.70 ડોલર વધીને 68.95 ડોલર થઇ ગયો છે. ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણે ભારતમાં મોંઘવારી વધવાની શંકા છે. ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણે ભાતને અન્ય દેશોમાંથી ક્રૂડ ઓઇલ ખરીદવા પાછળ વધારે ખર્ચ કરવો પડે છે. જેના કારણે ચાલુ ખાતાની ખાધ વધી જાય છે.

ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણે રૂપિયા ઉપર પણ દબાણ વધી જાય છે. જેના કારણે ભારતને ક્રૂડ ઓઇલ વધુ મોંઘુ પડે છે. ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણે ઓઇલ કંપનીઓ પર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવાનું દબાણ વધી જાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાને કારણે મોંઘવારી વધી જાય છે. મોંઘવારીની અસર શાકભાજીથી લઇને રોજબરોજ વપરાતી વસ્તુઓ ઉપર પણ પડે છે. મોંઘવારી ઓછી હોય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઉપર પણ દબાણ ઓછું રહેશે અને તે વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. વ્યાજ દરમાં ઘટાડા થવાના કારણે લોનનો ઇએમઆઇ ઘટી જાય છે.

ઉલ્લેખનીય છે કે ભારત પોતાની જરૂરિયાતના 80 ટકા ક્રૂડ ઓઇલની આયાત કરે છે. એક અંદાજ મુજબ ક્રૂડ ઓઇલના ભાવમાં એત ડોલરનો વધારો થવાને કારણે વાર્ષિક આયાત બિલ 10,700 કરોડ રૂપિયા વધી જાય છે. નાણાકીય વર્ષ 2018-19માં ભારતે 111.9 અબજ ડોલરના ઓઇલની આયાત કરી હતી. ઇરાકના બગદાદ એરપોર્ટ પર અમેરિકન સ્ટ્રાઇકથી સમગ્ર વિશ્વના શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બજાર બંધ થવાના સમયે સેન્સેક્સ 162 પોઇન્ટ ઘટીને 41,464ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફટી 55 પોંઇન્ટ ઘટીને 12,226 સપાટીએ બંદ રહ્યો હતો.

ઇરાકમાં ઇરાની આતંકીઓ પર અમેરિકાના હુમલાથી વાત વણસી
ઈરાન-અમેરિકા વચ્ચેની અત્યારની લડાઈના મૂળમાં ઈરાકમાં થયેલો હુમલો છે. ઈરાક અત્યારે અમેરિકાનું સમર્થક છે. ઈરાકમાં કેટલાક સ્થળોએ ઈરાન સમર્થિત આતંકી અડ્ડાઓ હતા, જેના પર અમેરિકાએ હુમલો કર્યો હતો. એ પછી ઈરાકના પાટનગર બગદાદમાં આવેલા અમેરિકી એમ્બેસીના મકાન પર હુમલો થયો હતો. એ હુમલો ઈરાને કરાવ્યો હતો એવુ ટ્રમ્પે કહ્યું હતું. એ પછી ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે હવે અમે હુમલો કરીશું. થોડા દિવસ પહેલા ઈરાનમાં માર્યા ગયેલા આતંકીઓના સમર્થનમાં રેલી નીકળી હતી અને એ વખતે અમેરિકી એમ્બેસી પર પથ્થરમારો થયો હતો. એ પછી જ અમેરિકાએ આ આક્રમક હુમલાનું આયોજન કર્યું હતું.

અમેરિકાનો તેના નાગરિકોને તાત્કાલિક ઈરાક છોડવા આદેશ
અમેરિકન વિદેશ મંત્રાલયે એક ટ્વીટ કરી જણાવ્યું હતું કે ઈરાક અને અખાતના પ્રદેશમાં ભારે તંગદિલીના કારણે અમે અમેરિકન નાગરિકોને તાત્કાલિક ઈરાક છોડી દેવાની વિનંતી કરીએ છીએ. બગદાદમાં અમેરિકન એમ્બસી પર ઈરાનનું પીઠબળ ધરાવતા બળવાખોરોના હુમલાના કારણે કોન્સ્યુલરની બધી જ કામગીરીઓ રદ કરી દેવાઈ છે. અમેરિકન નાગરિકોએ એમ્બસીનો સંપર્ક કરવો નહીં.

ઈરાનના ભાવિ હુમલાઓ રોકવા સુલેમાનીને માર્યો : પેન્ટાગોન
પેન્ટાગોને કહ્યું કે વિદેશમાં અમેરિકન કર્મચારીઓની સલામતી માટે રક્ષાત્મક કાર્યવાહી કરતાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર-કુદ્સ ફોર્સના પ્રમુખ કાસિમ સુલેમાનીને મારી નાંખ્યા હતા. આ સંગઠનને અમેરિકાએ પ્રતિબંધિત વિદેશી આતંકવાદી સંગઠનની યાદીમાં રાખ્યું છે. પેન્ટાગોને દાવો કર્યો હતો કે આ હુમલાનો આશય ભવિષ્યમાં ઈરાનના હુમલાના આશયને રોકવાનો હતો. જનરલ સોલેમની સક્રિય રીતે ઈરાક અને અખાતના દેશોમાં અમેરિકન દૂતાલયો અને કર્મચારીઓ પર હુમલાની યોજના બનાવી રહ્યા હતા. સોલેમની અને તેમની કુદ્સ દળો સેંકડો અમેરિકન અને સંયુક્ત દળોના જવાનોના મોત માટે જવાબદાર હતા. સોલેમનીએ 27મી ડિસેમ્બરના હુમલા સહિત છેલ્લા કેટલાક મહિનાઓથી સંયુક્ત દળો પર થયેલા હુમલાના કાવતરાં ઘડયા હતા. સોલેમનીએ જ આ સપ્તાહે બગદાદમાં અમેરિકન દૂતાલાયમાં હુમલાને મંજૂરી આપી હતી.

અમદાવાદ સોનામાં રૂ.850, ચાંદીમાં 1100નો ઉછાળો
અમેરિકા અને ઇરાનની વચ્ચે વધી રહેલી તંગદિલીના પગલે વૈશ્વિક બજારો પાછળ અમદાવાદ સોના ચાંદી બજારમાં પણ તોતિંગ ઉછાળો નોંધાયો હતો. આજે અમદાવાદ ખાતે સોનાએ સર્વાધિક એવી 41000ની સપાટી કૂદાવી દીધી હતી. આજે કામકાજના અંતે ચાંદી રૂ.1100 ઉછળીને રૂ.48,200ની સપાટીએ પહોંચી હતી જ્યારે સોનું રૂ.850 ઉછળીને 41250ની વિક્રમી સપાટીએ પહોંચી જવા પામ્યું હતું.

સુલેમાનીના મોતથી મધ્ય-પૂર્વમાં ગલ્ફ વોર જેવી સ્થિતિ
અમેરિકન ડ્રોન હુમલામાં ઈરાનના અગ્રણી કમાન્ડર કાસીમ સુલેમાનીના મોતથી મધ્ય-પૂર્વમાં ફરી એક વખત અસ્થિરતા સર્જાતી હોય તેવું જણાઈ રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરના સમયમાં જે તણાવ ઊભો થઈ રહ્યો હતો તે નવા વર્ષમાં આવો વળાંક લેશે તેની કદાચ કોઈને કલ્પના નહોતી. પરિણામે મધ્ય-પૂર્વમાં ફરી એક વખત ગલ્ફ વોર જેવી સ્થિતિ સર્જાઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે લાંબા સમય સુધી આવો જ તણાવ જળવાઈ રહેશે તો ભારત સહિત દુનિયાના અનેક મોટા દેશો પર તેની ગંભીર અસર પડશે.
READ ALSO
- BIG NEWS:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિ કેસના ચુકાદાને પડકારશે, સુરત કોર્ટે ફટકારી હતી 2 વર્ષની સજા
- ચીનમાં કોલેજ લવર્સ માટે સ્પ્રિંગ બ્રેક : શા માટે વિદ્યાર્થીઓને ‘વસંત વિલાસ’ રજા આપવાની નોબત આવી?, આ ઘાતકી નીતિ છે જવાબદાર
- “બંગાળ સળગી રહ્યું છે અને દીદી ચુપ છે.”..હાવડા હિંસા મામલે અનુરાગ ઠાકુરના મમતા પર પ્રહાર
- UNSCની અધ્યક્ષતા કરશે રશિયા, યુક્રેને કહ્યું- આ એપ્રિલ ફૂલની સૌથી ખરાબ મજાક છે
- ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની ઘેલછા ભારે પડી, બોટ મારફતે નદી પાર કરતાં કરતાં ઉછાળા મારતા વહેણમાં ડૂબી ગયાને ચાર લોકોએ જીવ ખોયા