છેલ્લા 18 દિવસથી આમરણાંત ઉપવાસ પર રહેલા હાર્દિક પટેલને પારણા કરાવવા માટેના પ્રયાસો તેજ થઇ રહ્યા છે. પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓ અને હાર્દિક પટેલ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પાટીદાર અગ્રણીઓએ હાર્દિકને પારણા કરવા અપીલ કરી હતી. જો કે પાટીદાર મોભીઓના આગ્રહ છતાં હાર્દિક ઉપવાસ પર મક્કમ છે. બેઠક બાદ ઉમિયાધામના સહમંત્રી રમેશ દૂધવાળાએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજને હાર્દિકના સ્વાસ્થ્યની ચિંતા છે. આથી તેમણે હાર્દિકને પારણા કરવા અપીલ કરી હતી. પરંતુ હાર્દિકે સમય માંગ્યો છે. આથી પારણા કરવા કે કેમ તે અંગેનો નિર્ણય હાર્દિક પટેલ કરશે તેમ રમેશ દૂધવાળાએ જણાવ્યું હતું.
ઉપરાંત પાટીદાર સંસ્થાઓએ સરકારને પણ ઉપવાસના સુખદ સમાધાન માટે રજૂઆત કરી હતી. હાર્દિક સાથેની મુલાકાત પહેલા પાટીદાર સમાજના અગ્રણીઓની એક ખાનગી બેઠક યોજાઇ હતી. જેમાં પાટીદાર અગ્રણીઓએ હાર્દિકના ઉપવાસ મુદ્દે ચર્ચા કરી હતી. આ બેઠક બાદ રમેશ દુધવાલા હાર્દિક પટેલની ઉપવાસી છાવણી પહોંચ્યા હતા અને હાર્દિકને પારણાં કરાવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. આ ઉપરાંત સમાજના અન્ય મોભીઓ અને આગેવાનોએ ઉપવાસી છાવણી પહોંચી હાર્દિકને પારણાં કરવા માટે સમજાવ્યો હતો.