જો પરેશ ધાનાણી માફી નહીં માગે તો ભાજપના કાર્યકર્તાઓ રાજ્યભરમાં વિરોધ કરશે : નીતિન પટેલ

પરેશ ધાનાણીએ વિધાનસભા ગૃહમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે કરેલા નિવેદન સામે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પલટવાર કર્યો છે. નીતિન પટેલે જણાવ્યું કે પરેશ ધાનાણીએ સરદાર પટેલનું અપમાન કર્યું છે. ગૃહના સભ્યો દ્વારા વારંવાર વિનંતી કરવામાં આવી હોવા છતાં પરેશ ધાનાણીએ નિવેદન પરત ન ખેંચ્યું અને માફી માંગવાનો ઇન્કાર કરી દીધો. નીતિન પટેલે કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી શેમાંથી બન્યું છે તે જોવાને બદલે સ્ટેચ્યુમાં કેવી સુવિધા છે એ જુઓ. નીતિન પટેલે ચીમકી ઉચ્ચારી છે કે જો પરેશ ધાનાણી માફી નહી માંગ તો આગામી દિવસોમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવશે.

પરેશ ધાનાણીએ કહ્યું કે…

ગુજરાત વિધાનસભાની દિવસની બીજી બેઠકના પ્રારંભે જ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી મુદ્દે આમને સામને આવી જતા પ્રશ્નોતરી કાળ મોકૂફ રહ્યો હતો. પ્રશ્નોતરી કાળ દરમ્યાન કોંગ્રેસે ચોકીદાર ચોર હૈ. ના નારા લગાવતા ભાજપે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગૃહમાં સરકાર તરફથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુલાકાતીઓ અંગેના આંકડાઓ રજૂ થતાં હતા ત્યારે કોંગી ધારાસભ્ય પ્રતાપ દુધાતે વચ્ચે કોમેન્ટ કરી હતી. આથી નીતિન પટેલે તેમને સરદારના નામે મત હાંસલ કરીને બાદમાં સરદારને ભૂલી ગયા હોવાનું જણાવી આકરા પ્રહારો કર્યા હતા.

જે બાદ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે સરકારે લોખંડનો ભંગાર એકઠો કરી સરદારની પ્રતિમા બનાવી છે. પરેશ ધાનાણીના આ નિવેદન પર ભાજપના સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો. તેમજ પરેશ ધાનાણી માફી માંગે તેવી માંગણી કરી હતી. જો કે પરેશ ધાનાણીએ માફી માંગવાનો ઇન્કાર કરતા વિવાદ ઉગ્ર બન્યો હતો.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસને સરદાર ગમતા નથી આથી તે વારંવાર સરદારનું અપમાન કરે છે. બીજી તરફ દંડક પંકજ દેસાઇએ પણ જણાવ્યું હતું કે સરદારના અપમાનને કારણે ગૃહની ગરીમા લજવાઇ છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter