GSTV
News World ટોપ સ્ટોરી

ટ્રમ્પની ખુલ્લી ધમકી : ઈરાન વળતો જવાબ આપશે તો તેના બાવન સ્થળોનો કચ્ચરઘાણ કાઢી નાખીશું

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ઈરાનને ચેતવણી આપી હતી કે ઈરાનના ટોચના જનરલ સુલેમાનીની મોતનો બદલો લેવા માટે ઈરાન અમેરિકા પર હુમલો કરશે તો અમે તેમના બાવન સૃથળો પર હુમલો કરવા માટે તૈયાર છીએ. ઈરાનના હુમલાના જવાબમાં અમેરિકા ઈરાન પર અત્યાર સુધીનો સૌથી ભયાનક હુમલો કરવા માટે તૈયાર છે. અમે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છીએ. જનરલ કાસિમ સુલેમાનીની મોતનો બદલો લેવા માટે ઈરાનના હેકરોએ અમેરિકન સરકારની વેબસાઈટ હેક કરી સાયબર હુમલો કર્યો હતો. અમેરિકા પછી યુરોપીયન દેશ ઓસ્ટ્રીયા પર પણ સાઈબર હુમલો કરાયો હતો. દરમિયાન સોમાલિયાના અલ-શબબ જૂથના જેહાદીઓએ કેન્યાના લામુ પ્રાંતમાં અમેરિકન બેઝ પર હુમલો કરીને તેના એરક્રાફ્ટ અને લશ્કરી વાહનોનો નાશ કર્યો હતો.

અમેરિકાએ શુક્રવારે બગદાદના એરપોર્ટ પર ડ્રોન હુમલો કરી ઈરાનના જનરલ સુલેમાનીને મારી નાંખ્યા હતા. ઈરાને સુલેમાનીના મોતનો બદલો લેવાની અમેરિકાને ધમકી આપી હતી. ત્યાર પછી શનિવારે ઈરાકમાં અમેરિકન દૂતાવાસ પર મિસાઈલથી હુમલો થયો હતો, જોકે, આ હુમલામાં કોઈ જાનહાની થઈ નહોતી. આ હુમલા પાછળ ઈરાનનો હાથ હોવાનું મનાય છે. ઉપરાંત ઈરાને અમેરિકાના 35થી વધુ સૃથળો તેના રડારમાં હોવાની અને અમેરિકાએ સુલેમાનીના મોતના ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ધમકી આપી હતી.

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવા વાતાવરણમાં રવિવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતાં ટ્વીટ કરી કે, તેમણે અમારા પર હુમલો કર્યો અને અમે તેમને જવાબ આપ્યો. જો તેઓ ફરી હુમલો કરશે તો હું તેમને કડક શબ્દોમાં સલાહ આપવા માગું છું કે એવું જરા પણ ન કરે, કારણ કે આ વખતે અમે તેમને એવો જવાબ આપીશું, જેવો કદાચ પહેલા ક્યારેય અપાયો નહોતો. ટ્રમ્પે અન્ય એક ટ્વીટમાં લખ્યું, અમેરિકાએ બે ટ્રિલિયન ડોલર માત્ર લશ્કરી હિથયારો પાછળ ખર્ચ્યા છે. અમે સૌથી મોટા છીએ અને દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છીએ. ઈરાન અમેરિકન બેઝ પર અથવા અમેરિકન નાગરિક પર હુમલો કરશે તો અમે તેમની પાસે બ્રાન્ડ ન્યૂ સુંદર હિથયારો મોકલીશું અને તે પણ કોઈપણ ખચકાટ વિના.

ટ્રમ્પે 10 ક્લાકથી ઓછા સમયમાં ઈરાનને બીજી વખત ચેતવણી આપી હતી. અગાઉ ઈરાનની અમેરિકાના 35 સૃથળો તેના રડારમાં હોવાની ધમકીના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા ઈરાનના બાવન સૃથળોને નિશાન બનાવશે અને તેના પર ખૂબ જ ઝડપથી અને જોરદાર હુમલો કરશે. આમાં કેટલાક સ્થળો ખૂબ જ ઉચ્ચ સ્તરના અને ઈરાન તથા ઈરાની સંસ્કૃતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમેરિકાને હવે કોઈ જોખમ નથી જોઈતું. ટ્રમ્પે ટ્વીટમાં કહ્યું કે બાવન અંક એ લોકોની સંખ્યા દર્શાવે છે, જેમને 1979માં તહેરાનમાં અમેરિકન દુતાવાસમાં એક વર્ષથી વધુ સમય સુધી બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા.

અમેરિકા અને ઈરાન વચ્ચે એકબાજુ જમીન પર સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યાં હવે બંને દેશો વચ્ચે સાઈબર યુદ્ધ પણ શરૂ થઈ ગયું છે. સુલેમાનીના મોતનો બદલો લેવા માટે ઈરાનના હેકર્સ હોવાનો દાવો કરતાં એક જૂથે શનિવારે અમેરિકન સરકારી એજન્સીની એક વેબસાઈટ હેક કરી નાંખી. ઈરાની હેકર્સે અમેરિકાની ફેડરલ ડિપોઝીટરી લાઈબ્રેરી પ્રોગ્રામની વેબસાઈટ પર ઈરાનના ટોચના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીની મોતનો બદલો લેવાના સંદેશા પોસ્ટ કર્યા. ઈરાની હેકર્સે વેબસાઈટ પર ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ ખામૈની અને ઈરાનના ધ્વજના ફોટા મૂકી દીધા.

અમેરિકા ઉપરાંત યુરોપીયન રાષ્ટ્ર ઓસ્ટ્રીયા પર પણ સાઈબર હુમલો થયો હતો. ઓસ્ટ્રીયાના વિદેશ મંત્રીએ કહ્યું કે તેમનો દેશ ગંભીર સાઈબર હુમલાઓનો સામનો કરી રહ્યો છે. જોકે, મંત્રાલયે કહ્યું કે હુમલાની ગંભીરતા અને પ્રકૃતિ જોતાં આ હુમલો લક્ષ્ય બનાવીને કરાયો હોવાનો ઈનકાર કરી શકાય તેમ નથી. દરમિયાન સોમાલિયાના અલ-શબાબ જૂથના જેહાદીઓએ રવિવારે કેન્યાના લામુ પ્રદેશમાં અમેરિકન સૈન્યના બેઝ પર હુમલો કરીને તેના એરક્રાફ્ટ અને લશ્કરી વાહનોનો નાશ કર્યો હતો. કેન્યાએ 2011માં સોમાલિયામાં દળો મોકલ્યા હોવાથી સોમાલિયાનું અલ-શબાબ જૂથ નિયમિત સમયે કેન્યામાં અમેરિકન બેઝ પર હુમલા કરે છે. રવિવારના હુમલામાં ચાર જેહાદીઓ માર્યા ગયા હતા.

ઈરાન તરફી જૂથની ઈરાકી દળોને યુએસ સૈન્યથી દૂર રહેવા ચીમકી

ઈરાકના હાશેદ અલ-શાબી લશ્કરી નેટવર્કમાં ઈરાન તરફી કટ્ટરવાદી જૂથ કાતેબ હિઝબુલ્લાહે ઈરાકના સૈન્યને ઈરાકમાં લશ્કરી મથકો પર અમેરિકન દળોથી દૂર રહેવા માટે ચેતવણી આપી છે. આ જૂથે જણાવ્યું હતું કે અમે દેશમાં સૈન્ય દળોને અમેરિકન બેઝથી ઓછામાં ઓછા 1,000 મીટર દૂર રહેવા જણાવીએ છીએ. સુલેમાનીના મોત પછી અમેરિકા અને ઈરાન વચ્ચે વધતી તણાવપૂર્ણ સ્થિતિમાં ઈરાકમાં કામ કરતાં ઈરાન તરફી જૂથની ચેતવણી ઘણી મહત્વની છે.

પેન્સનો 9/11માં સુલેમાનીની સંડોવણીના દાવો પડકારાયો

ઈરાનના ટોચના જનરલ કાસિમ સુલેમાનીને મારી નાંખવા માટે ટ્રમ્પે આપેલા આદેશની અમેરિકામાં જ ટીકાઓ થતાં ટ્રમ્પ તંત્ર હવે આ આદેશને ન્યાયિક ઠેરવવા પ્રયાસ કરી રહ્યું છે. તેના ભાગરૂપે અમેરિકાના ઉપપ્રમુખ માઈક પેન્સે દાવો કર્યો હતો કે અમેરિકામાં સપ્ટેમ્બર 11ના હુમલામાં સુલેમાની સંડોવાયેલો હતો. તેણે 12માંથી 10 હુમલાખોરોને સુલેમાનીએ ગુપ્ત પ્રવાસમાં મદદ કરી હતી. જોકે, પેન્સના આ દાવાને અમેરિકામાં જ પડકારવામાં આવ્યો છે. અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે જણાવ્યું કે સપ્ટેમ્બર 11 પંચના 585 પાનાનાં રિપોર્ટમાં સુલેમાનીનું ક્યાંય પણ નામ નથી. વોશિંગ્ટન પોસ્ટે દાવો કર્યો કે ટેકનિકલી એમ કહી શકાય કે ઈરાને 9/11ના હુમલાખોરોને પ્રવાસમાં મદદ કરી હતી, પરંતુ હકીકત એ છે કે આ હુમલા અંગે ઈરાન કે સુલેમાની તો ઠીક હુમલાખોરોને પોતાને જ કંઈ ખબર નહોતી.

ઈરાનની મસ્જિદ પર લાલ ઝંડો ફરકાવાયો, અમેરિકા સામે યુદ્ધના એલાનની સંભાવના

ઈરાનના ટોચના કમાન્ડર જનરલ સુલેમાનીના માર્યા ગયા પછી ઈરાને અમેરિકા સામે બદલો લેવાની ધમકી આપી છે. અમેરિકા વિરૂદ્ધ કાઢવામાં આવેલી રેલી પછી ઈરાનમાં કોમ શહેરની એક મસ્જિદ પર લાલ ઝંડો ફરકાવવામાં આવ્યો. ઈરાનના આ પગલાંને અમેરિકા સામે યુદ્ધની જાહેરાતની સંભાવના તરીકે જોવામાં આવે છે. આ લાલ ઝંડો બદલા અને લોહીનો સંકેત છે. ઈરાનની જામકરણ મસ્જિદ પર આ લાલ ઝંડો ફરકાવાયો છે. ઈરાનના સ્ટેટ ટેલિવિઝને તેનું પ્રસારણ પણ કર્યું. જણાવાય છે કે આ ઝંડો અન્યાય વિરૂદ્ધ અવાજ ઉઠાવવાના પ્રતિક સમાન છે. કરબલામાં ઈમામ હુસૈનની હત્યા પછી આવો જ ઝંડો ફરકાવાયો હતો, જે હજી સુધી ઉતારવામાં આવ્યો નથી. સોશિયલ મીડિયા પર ઈરાનના યુઝર્સ મુજબ ઈરાનના ઈતિહાસમાં પ્રથમ વખત આ ઝંડો ફરકાવાયો છે.

સુલેમાનીને વિદાય આપવા લાખો લોકો ઉમટતા શ્રદ્ધાંજલિ સમારંભ રદ કરાયો

અમેરિકાના હવાઈ હુમલામાં શુક્રવારે બગદાદમાં માર્યા ગયેલા ઈરાનના ટોચના જનરલ કાસિમ સુલેમાનીનો મૃતદેહ ઈરાકથી ઈરાનના અહવાજ શહેરમાં આવી પહોંચ્યો હતો, જ્યાં લાખો લોકોએ છાતી પીટતાં, રડતાં ચહેરે તેમના લોકપ્રિય જનરલને અંતિમ વિદાય આપી હતી. અહલાજ ઉપરાંત તહેરાનમાં સુલેમાનીનો શ્રદ્ધાંજલી સમારંભ યોજાવાનો હતો, પરંતુ ઈરાનના બીજા સૌથી મોટા શહેર મશહદમાં સુલેમાનીના શ્રદ્ધાંજલી સમારંભમાં શોક મનાવવા માટે લાખો લોકો રસ્તા પર ઉમટી પડતાં તહેરાનમાં સુલેમાનીનો શ્રદ્ધાંજલી સમારંભ રદ કરવો પડયો હતો. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે જણાવ્યું હતું કે ઈરાનના મહાન જનરલ કાસિમ સુલેમાનીને અંતિમ વિદાય આપવા માટે મશહદના લાખો લોકો ઉમટી પડયા છે. આ બાબતને ધ્યાનમાં લેતાં તહેરાનમાં શ્રદ્ધાંજલિ સમારંભનું આયોજન શક્ય નથી. હવે સોમવારે તહેરાન યુનિવર્સિટીમાં શ્રદ્ધાંજલિ સમારંભ યોજાશે.

ઈરાને 1979માં બાવન અમેરિકનોને બંધક બનાવતા યુએસ સાથે દુશ્મનીના બીજ રોપાયા

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને રવિવારે તેના બાવન સ્થળો પર જોરદાર હુમલાની ધમકી આપતાં બાવનના અંકને 1979માં ઈરાન દ્વારા બાવન અમેરિકનોને બંધક બનાવાયા હતા તે ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. 1979ની એ ઘટના પર નજર કરીએ તો ઈરાનના અંતિમ શાહ મોહમ્મદ રઝા પહેલવીના શાસન વિરૂદ્ધ ક્રાંતિ થતાં તે ઈરાન છોડી ઈજિપ્ત ભાગી ગયા.ત્યાર બાદ ઈરાનમાં અયાતોલ્લાહ ખામૈનીનું શાસન શરૂ થયું. મોહમ્મદ રઝા પહેલવીને કેન્સર થતાં તેઓ સારવાર માટે અમેરિકા ગયા હતા. આથી ઈરાનમાં વિદ્યાર્થીઓએ નવેમ્બર 1979માં અમેરિકન દૂતાવાસ બહાર તોફાનો કર્યા અને હુમલો કરી 90 લોકોને બંધક બનાવ્યા હતા. તેમણે અમેરિકાને મોહમ્મદ રઝા પહેલવીને ઈરાનને હવાલે કરવા માગણી કરી હતી. પાછળથી ઈરાને મહિલાઓ અને આફ્રિકન અમેરિકનોને છોડી મૂક્યા પછી બાવન અમેરિકનોને લગભગ એક વર્ષ સુધી બંધક બનાવી રાખ્યા હતા. અંતે અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતિ થયા પછી અયાતોલ્લાહ ખામૈનીએ અમેરિકન બંધકોને જાન્યુઆરી 1981માં છોડી મૂક્યા હતા.

READ ALSO

Related posts

BIG NEWS:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિ કેસના ચુકાદાને પડકારશે, સુરત કોર્ટે ફટકારી હતી 2 વર્ષની સજા

pratikshah

ચીનમાં કોલેજ લવર્સ માટે સ્પ્રિંગ બ્રેક : શા માટે વિદ્યાર્થીઓને ‘વસંત વિલાસ’ રજા આપવાની નોબત આવી?, આ ઘાતકી નીતિ છે જવાબદાર

Padma Patel

“બંગાળ સળગી રહ્યું છે અને દીદી ચુપ છે.”..હાવડા હિંસા મામલે અનુરાગ ઠાકુરના મમતા પર પ્રહાર

Siddhi Sheth
GSTV