પ્રશ્ન : હું ૨૬ વર્ષની પરિણીતા છું અને ગામડામાં રહું છું. અમારા લગ્નને છ વર્ષ થઈ ગયાં છે, પરંતુ હજુ સુધી હું સગર્ભા નથી બની. લગ્ન પછી શરૂઆતનાં સાડા પાંચ વર્ષ સુધી પતિને બાળક જોઈતું નહોતું. તેથી સહવાસની અંતિમ પળોમાં એ વિડ્રો કરતા હતા. હવે છ મહિનાથી એ પણ સંતાન ઈચ્છે છે, પરંતુ એમાં સફળતા નથી મળતી. ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવા ગઈ ત્યારે તેમણે એવી સલાહ આપી કે તમારે બંનેએ ચેકઅપ કરાવવું જોઈએ. મારા પતિ આના માટે તૈયાર નથી. તેમના જીવનમાં એક બીજી સ્ત્રી પણ છે, પરંતુ હું માતા બનવા માગું છું. મેં બે-ત્રણ વાર સોનોગ્રાફી પણ કરાવી છે. એકવાર ડૉક્ટરે કહ્યું કે બીજ બહુ નાનું બની રહ્યું છે. બીજી વખત એવું કહ્યું કે બીજ પોતાના સ્થાનેથી છૂટું નથી પડતું. ડૉક્ટરે મને એક ઈન્જેક્શન પણ આપ્યું, પરંતુ આનું કોઈ યોગ્ય પરિણામ નથી આવ્યું. આવા સંજોગોંમાં હું કેટલીક બાબતો જાણવા માગું છું. એક તો એ કે માસિકચક્રના કયા દિવસોમાં સમાગમ કરવો લાભદાયી બને છે? બીજું એ કે જો સમાગમ વખતે યોનિ શુષ્ક રહે તો શું ગર્ભાધાનમાં મુશ્કેલી થઈ શકે છે? હકીકતમાં જ્યારે પણ એ સમાગમ કરે છે ત્યારે મારો મૂડ નથી હોતો. આ કારણસર યોનિ શુષ્ક રહે છે. હું ખૂબ ટેન્શનમાં જીવું છું અને ઘણવાર આત્મહત્યા કરવાની ઈચ્છા થાય છે. મેં સાંભળ્યું છે કે ઉંમર વધવાની સાથે સાથે સ્ત્રીની માતા બનવાની ક્ષમતા ઓછી થતી જાય છે.
ઉત્તર : એ વાત સાચી છે કે ઉંમર વધવાની સાથે સાથે સ્ત્રીની માતા બનવાની ક્ષમતા ધીમે ધીમે ઓછી થતી જાય છે, પરંતુ આ વાત જે સ્ત્રીઓ ૩૦ વર્ષની વય વટાવી ચૂકી હોય એને લાગુ પડે છે. તમે તો હજુ ૨૬ વર્ષના છો તેથી આ વિશે બિનજરૂરી ટેન્શન ન રાખવું એ તમારા માટે સારું રહેશે. જ્યાં સુધી માસિકચક્ર અને ગર્ભાધાન માટે યોગ્ય દિવસોની ગણતરીનો સવાલ છે તો એ મોટાભાગે માસિકચક્ર કેટલું નિયમિત છે એના પર આધાર રાખે છે. જે સ્ત્રીઓના માસિકચક્રમાં દિવસોનો મોટો ફેરફાર થતો નથી તેમના માટે આની ગણતરી કરવી સરળ છે. તેમનામાં આ દિવસ બીજું માસિક શરૂ થવાની તારીખના ૧૪ દિવસ પહેલાં આવતો હોય છે જેમ કે, જો બીજા માસિકધર્મની તારીખ ૨૦ માર્ચ હોય તો તેમનામાં બીજ છૂટું પડવાની તારીખ છ માર્ચની આસપાસ હશે. આના બે-ત્રણ દિવસ પહેલાથી શરૂ કરીને એક દિવસ પછી સમાગમ કરવો ગર્ભાધાન માટે યોગ્ય રહેશે. કેટલાક અભ્યાસોમાં એવું જોવા મળ્યું છે કે મેડિકલ ચેકઅપ કરાવ્યા પછી પણ લગભગ ૧૦ ટકા કિસ્સાઓમાં ગર્ભાધાન ન થઈ શકવાનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. એવું મનાય છે કે ઘરનું વાતાવરણ અને સ્ત્રીની મનોદશા આની નિષ્ફળતા માટે જવાબદાર હોઈ શકે છે. તેથી, તમે તમારું માતા બનવાનું સપનું સાકાર થતું જોવા ઈચ્છતા હો તો તમારો દ્રષ્ટિકોણ પણ પોઝિટિવ બનાવો. તમામ કોશિશો કર્યા પછી પણ જો નવ મહિનામાં તમને ગર્ભધારણ કરવામાં સફળતા ન મળે તો યોગ્ય એ રહેશે કે તમે બંને તમારું ચેકઅપ કરાવો. સંતાન ન થવાનાં કારણોની તપાસ કરાવવાથી સ્ત્રી અને પુરુષ બંનેમાં લગભગ એકસરખી ખામી જોવા મળે છે. યોગ્ય કારણ જાણીને યોગ્ય સારવાર કરાવવાથી લગભગ ૭૦ ટકા કિસ્સાઓમાં ખાલી ખોળો ભરી શકાય છે.
પ્રશ્ન : હું ૨૩ વર્ષની યુવતી છું. મારી ઈચ્છા છે કે મારા મૃત્યુ પછી મારાં અંગો જેવાં કે કિડની, હૃદય વગેરેનું દાન કરું જેનાથી કોઈને મદદગાર બની શકું. આ માટે મારે શું કરવું જોઈએ? આ માટે કોઈ સંસ્થામાં ફોર્મ ભરવું જરૂરી છે? એ માટેની વિધિ શું છે? આ અંગે માહિતી આપશો.
ઉત્તર : તમારી ઉદારતા અને સહૃદયતા અભિનંદનને પાત્ર છે. જો દેશમાં કેટલાક લોકો પણ તમારી જેવી વિચારસરણી કેળવે તો અંગદાનના પ્રશ્નને હલ કરી શકાય. અકસ્માતમાં તબીબો દ્વારા બ્રેન ડેડ જાહેર કરાયા બાદ અને તેનાં કુટુંબીજનોની સંમતિથી અંગદાન શક્ય બને છે. સામાન્ય સંજોગોમાં કોઈનું મૃત્યુ થાય તો આવી સંભાવના ઓછી જ હોય છે. આવી સ્થિતિમાં માત્ર નેત્રદાન જ કરી શકાય છે. આ માટે નજીકમાં રહેલી કોર્નિયા પ્રત્યારોપણ આંખની હોસ્પિટલને જાણ કરવી જરૂરી છે. આંખના ડોક્ટર મૃત્યુ પામનાર વ્યક્તિને ઘરે જઈ તેની આંખો સાવધાનીપૂર્વક બહાર કાઢી તેનું બીજામાં રોપણ કરી શકે છે. જો કોઈ નેત્રદાન કરવા ઈચ્છતું હોય તો પોતાના જીવનકાળ દરમિયાન તે માટેનું ફોર્મ ભરી શકે છે, પરંતુ આવી ભાવુક સ્થિતિમાં કુટુંબીજનોની હાલત નાજુક અને સંવેદનશીલ હોય છે અને અવસાન પામનારની ઈચ્છા પૂરી કરવાની હોય તો કુટુંબની કોઈ વ્યક્તિ આ કાર્યવાહી કરે. આ માટે કાયદાકીય પત્ર પણ ભરવું જરૂરી નથી હોતું. જો મૃત્યુ પામનાર વ્યક્તિએ મૃત્યુ પહેલાં પોતાની ઈચ્છા પ્રગટ કરી હોય અને કુટુંબીજનો તે બાબતની પરવાનગી આપી દે તો આવું દાન થઈ શકે છે.
પ્રશ્ન : હું ૨૧ વર્ષની યુવતી છું. મારા આગળના ચાર દાંત વાંકાચૂંકા છે. જેના કારણે હું કાયમ લઘુતાગ્રંથિ અનુભવું છું. ખુલ્લી રીતે હસી શકતી નથી. શું કોઈ એવો ઈલાજ છે કે દાંતને યોગ્ય સ્થિતિમાં લાવી શકાય? આ માટે શું કરવું જોઈએ?
ઉત્તર : તમારા આગળના દાંત માટે દાંતના ડૉક્ટરને મળો કે જે ઓર્થોડેન્ટિસ્ટ હોવા જોઈએ. તે બ્રેસીસની મદદથી ટેન્શનયુક્ત તારનો ઉપયોગ કરી પહેલાં દાંતને યથાસ્થાને લાવશે ત્યારબાદ નવી જગ્યા પર બળપૂર્વક લાવવા માટે તેને રિટેનર ડિવાઈસથી રોકી રાખશે. આ સારવાર માટે દોઢથી બે વરસનો સમય લાગશે. આશરે એક હજાર રૂપિયાનો ખર્ચ થશે.
પ્રશ્ન : હું ૨૬ વર્ષની ગૃહિણી છું. પંદર મહિનાની પુત્રીની માતા છું. હજુ તેને સ્તનપાન કરાવું છું. મારી મૂંઝવણ મારા સ્તનની છે. તે વધુ પડતાં મોટાં થઈ ગયાં છે. બાળકીને સ્તનપાન કરાવ્યા પછી વધુ ઢીલાં પડી ગયાં છે તથા લચી પડયાં છે. તેના બેડોળ થવાથી હું શરમ અનુભવું છું. કોઈ દવા અથવા કસરત છે જે સ્તનની બેડોળતા સુધારી શકે? ડિલિવરી પછી પેટ પર નિશાન પડી ગયાં છે. લગ્નને હજુ માત્ર ત્રણ વર્ષ જ થયાં છે. મને ચિંતા સતાવી રહી છે.
ઉત્તર : સ્ત્રીનું શરીર માતા બનવાથી ઘણા પરિવર્તનમાંથી પસાર થાય છે. સ્તનના આકારમાં વૃદ્ધિ થાય છે. તેના દેખાવમાં પણ ફેરફાર થાય છે. પેટ પર નિશાન ઊપસી આવે છે. જ્યાં સુધી માતા બાળકને સ્તનપાન કરાવે છે, સ્તનમાં દૂધ રહેવાથી પણ સ્તન મોટાં દેખાય છે. આવાં કેટલાંક પરિવર્તનનો તમારે સ્વીકાર કરવો જ રહ્યો. પેટ પર પડેલાં નિશાન દૂર કરવા માટે તમારે કેટલાક મહિના વિટામિન-ઈ યુક્ત કોઈ ક્રીમ લગાવવું જોઈએ. નિશાન આછાં થઈ જશે. સ્તનના આકારને લઈને મૂંઝાશો નહીં. કોઈ દવા કે કસરત તેમાં ફેરફાર નહીં કરાવી શકે.
READ ALSO
- વિવાદોથી ઘેરાયેલા બાગેશ્વર ધામ પર બનશે ફિલ્મ, નિર્માતા અભય પ્રતાપ સિંહે જાહેરાત કરી
- અદાણી ધારાવી રિડેવલમેન્ટ માટે સક્ષમ છે કે નહીં તે નાણાં સંસ્થાઓ નક્કી કરશે
- દિલ્હી લીકર પોલિસી કેસ/ પૂર્વ નાયબ મુખ્યમંત્રી સિસોદિયા 5 એપ્રિલ સુધી જેલના સળિયા ગણશે, કોર્ટે ન્યાયિક હિરાસત લંબાવી
- રશિયા અને યુક્રેનના યુદ્ધે વિશ્વને બે જૂથમાં વહેચ્યું, ડ્રોન ભજવી રહ્યું છે મોટી ભૂમિકા
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર / હિમાચલ પ્રદેશમાં 24થી 25 માર્ચ સુધી વરસાદની શક્યતા, હિમવર્ષાથી રસ્તા પર બરફ જમા થઈ ગયો