GSTV

શનિ / લોકોને આ ગ્રહ નડતો હોય કે ન હોય પણ વિજ્ઞાનીઓને શનિના ઉપગ્રહો ગણવામાં નડે છે સમસ્યા!

શનિ

Last Updated on November 8, 2021 by Lalit Khambhayata

ધરતીથી સીધી લીટીમાં ગણીએ તો વલય ધરાવતો કદાવર ગ્રહ શનિ અંદાજે દોઢ અબજ કિલોમીટર દૂર છે. તો પણ ધરતી પર ‘શનિ નડે છે’ એવી માન્યાતા એવરગ્રીન છે. હકીકત એ છે કે શનિ સૂર્યમાળામાં સૌથી વધુ ઉપગ્રહ ધરાવે છે. પણ સૌથી વધુ એટલે કેટલા?

ધરતીને એક કુદરતી ઉપગ્રહ છે જેને આપણે ચંદ્ર તરીકે ઓળખીએ છીએ. સૂર્યમાળાના વિવિધ ગ્રહોને ઉપગ્રહો છે. સૂર્યમાળાના આઠમાંથી (આઠ કેમ કે પ્લુટોને તો ગ્રહ પદેથી ઉતારી મુકાયો છે!) 6 ગ્રહો ઉપગ્રહો ધરાવે છે. એમાં શનિ અને ગુરુના ઉપગ્રહોની સંખ્યા જાણીએ તો એમ થાય કે એ બન્ને ગ્રહોને તો જિલ્લા જાહેર કરી દેવા જોઈએ. કેમ કે ગુરુના ઉપગ્રહોની સંખ્યા 79, જ્યારે શનિ પાસે સૌથી વધુ 82 ઉપગ્રહો છે. અલબત્ત, વિજ્ઞાનીઓ આ આંકડો ભૂંસીને વારંવાર લખી રહ્યા છે, કેમ કે દર થોડા સમયે નવા નવા ઉપગ્રહો મળ્યાં કરે છે. એટલે 82નો આંકડો પણ ફાઈનલ નથી. પરિવર્તન એ સંસારનો નિયમ છે એમ પરિવર્તનશિલ આંકડો એ સૂર્યમાળાના ઉપગ્રહોની ગણતરીમાં પણ ફીટ બેસે છે. શનિના વલયોમાં ઘૂમતા આકાશી પદાર્થો પૈકી કેટલાક એટલા મોટા છે, કે જેને ઉપગ્રહ ગણવા પડે. એટલે શનિના ઉપગ્રહોની સંખ્યા આજની તારીખે વધતી વધતી 8૨ સુધી પહોંચી છે. એમાંથી સંશોધકો 53ને પાક્કે પાયે ઉપગ્રહ ગણે છે, બાકીના કામચલાઉ ઉપગ્રહો તરીકે ઓળખ પામ્યા છે. શક્ય છે, તેમનું ઉપગ્રહપદ રદ પણ થાય. તો પણ 53ની સંખ્યા કંઈ જેવી-તેવી તો નથી જ.

સૂર્યમાળાના ક્યા ગ્રહને કેટલા ઉપગ્રહ?

પૃથ્વી-1
મંગળ-2
ગુરુ-79
શનિ-82
યુરેનસ-27
નેપ્ચુન-14
બુધ-0
શુક્ર-0

શનિ તેના વલયોને કારણે સુર્યમાળાનો રાજકુંવર ગણાય છે, કેમ કે દેખાવે અત્યંત સુંદર લાગે છે. કૃષિના રોમન દેવનું નામ પામેલો સેટર્ન બહારથી ગેસનો બનેલો છે, જ્યારે અંદર નક્કર સપાટી છે. પરંતુ એ સપાટી સુધી તો કોઈ રીતે પહોંચી શકાય એમ નથી. આખી સૂર્યમાળામાં શનિને અનોખો બનાવે છે, તેની રિંગ એટલે કે વલયો. આંટિયાળી પાઘડી વાળી હોય એમ શનિ ફરતે વલયો ફેલાયેલા છે. એ વલયો હકીકતે તો પથ્થરના બનેલા ટૂકડા છે, જે શનિ ફરતે ભ્રમણ કરે છે. સોલાર સિસ્ટમમાં ગુરુ પછી શનિ બીજા ક્રમનો મોટો ગ્રહ છે. પૃથ્વીની જેમ શનિની સપાટી નક્કર નથી, ગેસની બનેલી છે. હિલિયમ વાયુ પ્રચંડ માત્રામાં છે. ગેસના કારણે શનિને કોઈ પાણી ભરેલા પાત્રમાં ડૂબાડવામાં આવે તો એ તરતો રહે.

દુનિયાના વિજ્ઞાનીઓ હજુ સુધી સૂર્યમાળાના આઠ ગ્રહોનો પુરો અભ્યાસ કરી શક્યા નથી ત્યાં ઉપગ્રહોનો અભ્યાસ કરવો પડે એટલી મોટી સંખ્યા થઈ ગઈ છે. આજની તારીખે સૂર્યમાળામાં વિવિધ ગ્રહના થઈને કુલ સંખ્યા 205 સુધી પહોંચી છે. એમાં કેટલાક ઉપગ્રહો એટલા મોટા અને રસપ્રદ છે કે તેનો અલગથી અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જેમ કે નાસાએ ગૌરવભેર જાહેર કર્યું હતું કે શનિના ઉપગ્રહ એન્સેલ્ડસ પર જીવન હોવાની પ્રબળ શક્યતા છે. અલબત્ત, એન્સેલ્ડસની સપાટી પર કોઈ બે પગા કે ચો પગા કે ગમે તેટલા પગા સજીવો દેખાયા નથી. માત્ર એવુ વાતાવરણ જોવા મળ્યું છે, જે જીવન વિકસવા માટે મહત્ત્વપૂર્ણ ગણી શકાય. પાણીની હાજરીને કારણે એલિયન એટલે કે પરગ્રહવાસીઓની શોધ કામગીરીને જાણે નવજીવન મળ્યું છે. એન્સેલ્ડસની બર્ફીલી સપાટી નીચે પાણીનો સમુદ્ર ઘૂઘવાટા કરે છે. એ સમુદ્રમાં હાઈડ્રોજન સહિતના અનેક તત્વો છે. હાઈડ્રોજનના કણો છે, પાણી છે, તો પછી જીવન વિકસવા માટે બીજુ શું જોઈએ? ભલે એ સમુદ્રમાં કદાચ મોટી માછલીઓ ન હોય, દરિયાઈ જીવો ન હોય, પણ અત્યંત સુક્ષ્મ બેક્ટેરિયા તો હોઈ શકે ને? એટલું હોય તો પણ કહી શકાય કે બ્રહ્માંડમાં જીવ હોય એવો ગ્રહ પૃથ્વી એકલો નથી. એટલે જ નાસાને આશા બંધાઈ છે કે કદાચ બ્રહ્માંડમાં આપણે એકલા નથી.

શનિ વિશે સત્તાવાર માહિતી મળી શકે એટલા માટે નાસાએ ૧૯૯૭માં કાસિની-હ્યુજેન્સ નામનું સ્પેસક્રાફ્ટ શનિ તરફ રવાના કર્યુ હતુ. શનિનો અભ્યાસ કરનારા બે ખગોળશાસ્ત્રી જિઓવાન્ની કાસિની અને ક્રિશ્ચિયન હ્યુજેન્સનું નામ એ યાનને અપાયુ હતુ. ૨૦૦૪માં કાસિની-હ્યુજેન્સ શનિની કક્ષામાં પહોંચ્યુ હતુ. સતત 13 વર્ષ સુધી શનિનો અભ્યાસ કર્યા પછી કાસિની 2017માં નિષ્ક્રિય બન્યું હતું. તેના દ્વારા શનિ વિશે ઘણી કિંમતી માહિતી મળી છે. એમાંથી એક માહિતી એ છે કે શનિના ઉપગ્રહોની સંખ્યા મોંઘવારીની જેમ સતત વધતી રહે છે. શનિના વલયો હકીકતે શનિ ફરતે ધૂમતાં ધૂળ-ઢેફાની બનેલી લાઈનો છે. શનિના ગુરુત્વાકર્ષણને કારણે એ શનિ ફરતે ગરબા રમતાં રહે છે. આ વલયોનો પટ્ટો ૮૦ હજાર કિલોમીટર પહોળો અને વધુમાં વધુ ૧ કિલોમીટર જાડો છે. એમાંથી નવા નવા ઉપગ્રહો મળતાં રહે છે.

શનિ મોટો છે, પણ મોટો એટલે કેવડો? 764 પૃથ્વી જેવડો!

શનિ સૂર્યમાળાનો (ગુરુ પછીનો) બીજો સૌથી મોટો ગ્રહ છે. પૃથ્વીનો વ્યાસ ૧૨,૭૫૬ કિલોમીટર છે, તો શનિનો ૧,૨૦,૫૩૬ કિલોમીટર એટલે કે પૃથ્વી કરતાં નવ-દસ ગણો વધારે છે. પૃથ્વી કરતાં શનિનું શ્રેત્રફળ ૮૩ ગણુ વધારે અને કદ ૭૬૪ ગણુ વધારે છે. એટલે કે એક શનિ બનાવવો હોય તો ૭૬૪ પૃથ્વી ભેગી કરવી પડે. પૃથ્વી સૂર્યથી ૧૫ લાખ કિલોમીટર દૂર છે, જ્યારે શનિ ૧.૪૨૯ અબજ કિલોમીટર દૂર છે. માટે પૃથ્વીને સૂર્ય ફરતે પ્રદક્ષિણા કરતા ૧ વર્ષ થાય છે, જ્યારે શનિને એ કામ કરવામાં ૩૦ વર્ષ લાગે છે. એટલે કે પૃથ્વી પર ૩૦ વર્ષ થાય ત્યારે શનિએ માંડ સૂર્ય ફરતે એક ચક્કર પૂર્ણ કર્યું હોય છે. શનિ પોતાની ધરી પર ઝડપથી ફરે છે, માટે પૃથ્વીનો દિવસ ૨૪ કલાકમાં પૂરો થાય જ્યારે શનિનો દિવસ ૧૦ કલાક, ૩૨ મિનિટમાં પૂરો થઈ જાય છે.

શનિના ઉત્તર છેડે ફેલાયેલું તોફાન

કાસિની દ્વારા વિગતવાર અભ્યાસ થયો ત્યારે ખબર પડી કે પૃથ્વીની માફક ત્યાં  તોફાન ઉદ્ભવે છે. આ તોફાન ૩૦ હજાર કિલોમીટરના પટમાં ફેલાયેલું છે અને પવન સવા ત્રણસો કિલોમીટરની ઝડપે ફૂંકાતો હતો. એ પવન શા કારણે ફૂંકાય છે, તે કોઈ જાણતુ નથી. વિજ્ઞાનીઓએ તોફાનને ‘હેક્સાગોન’ નામ આપ્યું છે. પૃથ્વી પર ૨૮-૩૦ વર્ષ થાય ત્યારે શનિ પર આવુ તોફાન ઉદ્ભવે છે.

શનિ પરથી ધરતી કેવડી દેખાય?

નાસાએ રજૂ કરેલી આ તસવીરમાં જે નાનકડું ટપકું વચ્ચે દેખાય છે એ પૃથ્વી છે. શનિ પર સંશોધન કરી રહેલા અવકાશયાન કાસિનીના કેમેરા દ્વારા એ તસવીર લેવાઈ છે. ૧.૪ અબજ કિલોમીટર દૂરથી લેવાયેલી તસવીર હોવાથી તેમાં પૃથ્વી ખાસ મોટી જોઈ શકાય એમ નથી. આ એક જ તસવીરમાં કાળુ ભમ્મર આકાશ, શનિના વલયો અને પૃથ્વી ત્રણેય દેખાય છે. પૃથ્વીના ટપકાં ઉપર જે પટ્ટા જોવા મળે છે એ શનિના વલયો છે. માટે એક જ તસવીરમાં બ્રહ્માંડનો વિશાળ ફલક આવરી લેવાયો છે. આપણને તો પૃથ્વી બિંદુ જેવડી જ દેખાય છે, પણ નાસાના વિજ્ઞાનીઓએ જણાવ્યુ હતું કે તસવીર લેવાઈ ત્યારે એટલાન્ટિક મહાસાગર શનિ તરફ હતો.

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!