GSTV
GSTV લેખમાળા Health & Fitness Trending

ઈન્જેક્શન વગર કઈ રીતે અપાશે ZyCoV-D રસી? જાણો એ માટે ખાસ સાધનની સરળ શબ્દોમાં ઓળખ

zycov d vaccine injector

ગુજરાતની અગ્રણી ફાર્મા કંપની ઝાયડસ કેડીલાએ બનાવેલી રસી ZyCoV-D-ઝાયકોવ ડીને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. હવે આ રસી સરકારને પહોંચાડવાની કામગીરી આરંભાઈ ગઈ છે. આ રસી બે રીતે વિશિષ્ટ છે. એક તો આ રસી ડીએનએ આધારીત છે. વાઈરસની અંદર આરએનએએ હોય, જ્યારે મનુષ્યના શરીરમાં ડીએનએ હોય છે. એટલે આરએનએ આધારીત ઘણી રસીઓ માર્કેટમાં આવી છે. આ રસી ડીએનએ આધારીત છે. અલબત્ત, ડીએનએ આધારીત છે એ આપણા માટે ખાસ મહત્વનું નથી. મહત્વનું એ છે કે આ શરીરમાં સોઈ ઘૂસાડ્યા વગર આ રસીનો ડોઝ અપાશે.
સામાન્ય રીતે દવા મોઢામાં ગોળી કે પ્રવાહી મુકીને અથવા ઈન્જેક્શન દ્વારા અને કેટલાક કિસ્સામાં બાટલો ચડાવીને લેવાતી હોય છે. આખા જગતમાં આ દવા લેવાની બે સ્ટાન્ડર્ડ પદ્ધતિ છે, મોં વડે અથવા ઈન્જેક્શનની સોય વડે.
ઝાયકોવ-ડી જગતની પહેલી રસી છે, જે ઈન્જેક્ટર દ્વારા અપાશે. ઈન્જેક્ટ કરવું એટલે કે દાખલ કરવું. ઈન્જેક્ટર એ સ્ટેપલર જેવું દેખાતું એક નાનકડું સાધન છે, જેના છેડે રસીનું પ્રવાહી ગોઠવીને ચામડીમાં ઉતારી દેવાય છે. પહેલી નજરે જોતા કદાચ એમ લાગે કે આ ઈન્જેક્શન દ્વારા આપવાની જ રીત જેવી જ છે, પરંતુ એ પીડા રહીત છે. રસીની કિંમત 265 અને ઈન્જેક્ટરની કિંમત 93 રૃપિયા છે. કેન્દ્ર સરકારને આ રસીનો દરેક ડોઝ રૃપિયા 358માં અપાઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે અત્યારે 1 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે. આ સાથે ભારતમાં કોરોનાની આ ચોથી રસી ઉપલબ્ધ થઈ છે. આ પહેલેથી કોવિશિલ્ડ, કોવેક્સિન અને સ્પુતનિક અપાઈ રહી છે.

આ પદ્ધતિથી રસી કેમ અપાય એ પહેલા સમજી લઈએ

  1. સૌથી પહેલા રસીની શીશી-બોટલમાંથી રસી સિરિંઝમાં ભરવામાં આવે છે.
  2. સિરિંઝને ઈન્જેક્ટરના છેડે ફીટ કરવામાં આવે છે
  3. એ ઈન્જેક્ટરને ચામડી સાથે સ્પર્શ કરી દબાણ આપવામાં આવે છે.
  4. રસી શરીરની અંદર જતી રહે છે.
આ રીતે ઈન્જેક્ટર દ્વારા રસી શરીરમાં જશે, ખાસ પીડા થશે નહીં

આ રીતે રસી આપવાના ફાયદા શું?

  1. સૌથી પહેલો લાભ કે ઈન્જેક્શનની સોયનો ડર રહેતો નથી.
  2. ઈન્જેક્શનની સોય શરીરમાં દાખલ કરતી વખતે ભૂલ થવાની શક્યતા રહે છે, જે ઈન્જેક્ટરના કિસ્સામાં બનતું નથી.
  3. ઈન્જેક્ટર દ્વારા અપાતી રસી વધુ અસરકારક રીતે શરીરમાં ઉતરે છે.
  4. આ રસી આપવા માટે ખાસ તાલીમની જરૃર નથી.
  5. ઈન્જેક્શન આપવામાં હેલ્થકેર વર્કર્સને પણ ક્યારેક ઈજા થતી હોય, જે આ કિસ્સામાં થતી નથી.
  6.  દરેક નીડલ ફ્રી સિરિંઝ ઓટો ડિલેબલ્ડ છે, એટલે તેનો બીજી વખત ઉપયોગ થઈ શકતો નથી.

ઈન્જેક્ટર શું છે?

ઈન્જેક્શનથી આપણે સૌ વાકેફ છીએ, પણ ઈન્જેક્ટરનો હજુ જગતમાં એટલો ઉપયોગ થતો નથી. માટે આ સાધન ખાસ જાણીતું નથી. દેખાવે સ્ટેપલર જેવું આ સાધન અમેરિકાના કોલારાડોમાં આવેલી કંપની ફાર્મા જેટ દ્વારા વિકસાવાયુ છે. ઝાયડસ પણ આ કંપનીનું જ ટ્રોપિસ નામે ઓળખાતું મોડેલ વાપરશે. આ મોડેલને જ હજુ યુરોપ સહિતના સ્થળોએ મેડિકલ વપરાશ માટે મંજૂરી અપાઈ છે.

રસી શરીરમાં કઈ રીતે જશે?

ઈન્જેક્શન અપાય ત્યારે સોય ચામડીની અંદર ઉતરીને રસી-દવા મુક્ત કરે. ગોળી અપાય તો એ અંદર જઈને પોતાનું કામ કરે. પણ આ ઈન્જેક્ટર ચામડીને સ્પર્શ્યા વગર કઈ રીતે રસી દાખલ કરે?
હકીકત એ છે કે ઈન્જેક્ટર ચામડી પર હળવું દબાણ આપી ચામડીના છીદ્રો વચ્ચે જગ્યા કરે છે. એ જગ્યામાંથી જ રસીનું પ્રવાહી અંદર પ્રવેશે છે. એટલે ચામડીને ખાસ અસર થતી નથી અને સોય દાખલ કરતી વખતે થાય એવી પીડા તો અનુભવાતી જ નથી.

ઝાડકોવ-ડી રસી

  • આ રસી 12થી 18 વર્ષના વયજૂથ માટે બનાવાઈ છે.
  • ઝાયકોવ-ડીના ત્રણ ડોઝ છે, જે ઇન્ટ્રાડર્મલ વેક્સિન છે અને તેને ફાર્માજેટ નીડલ ફ્રી સિસ્ટમ, ટ્રોપિસના ઉપયોગથી લગાવવામાં આવે છે. તેનાથી કોઇપણ પ્રકારની સાઇડ ઇફેક્ટરમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.
  • રસીનો પ્રથમ ડોઝ આપ્યા બાદ બીજો ડોઝ 28 દિવસે અને ત્રીજો 56 દિવસે લેવાનો હોય છે.
  • આ રસી 66.6 ટકા જેટલી અસરકારક જણાઈ છે.
  • રસીની કિંમત 265 અને ઈન્જેક્ટરની કિંમત 93 રૃપિયા છે. કેન્દ્ર સરકારને આ રસીનો દરેક ડોઝ રૃપિયા 358માં અપાઈ રહ્યો છે.
  • ઝાયકોવ-ડી 2-8 ડિગ્રીએ સ્ટોર કરવામાં આવે છે, પરંતુ 25 ડિગ્રીના તાપમાને ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી સારી રીતે રહી શકે છે. તેના કારણે રસી સ્ટોરેજનો મોટો પ્રશ્ન હલ થાય છે.

Related posts

કરન્સી બજારમાં રૂપિયો અને યુઆન ઉંચકાયો : ઉછળ્યો સ્પેન તથા જર્મનીમાં ફુગાવો હળવો

Padma Patel

GUJARAT ELECTION / સુરતની મુખ્ય 12 બેઠકો જાળવી રાખવા ભાજપ દ્વારા લગાવાયું એડીચોટીનું જોર, જાણો કઈ બેઠક પરથી ક્યો ઉમેદવાર મેદાનમાં

Kaushal Pancholi

મોર્ગન સ્ટેનલીના એમએસસીઆઈ ઈન્ડિયા ડોમેસ્ટિક ઈન્ડેક્સમાં ૧૧ નવી સ્ક્રિપો-શેરોનો સમાવેશ, શેરોમાં મોટી વધઘટ

Padma Patel
GSTV