GSTV
Home » News » કચ્છમાં આકરી ગરમી વચ્ચે પીલુના વૃક્ષોના ફાલથી રોનક ફેલાઈ, જાણો તેના ફાયદા

કચ્છમાં આકરી ગરમી વચ્ચે પીલુના વૃક્ષોના ફાલથી રોનક ફેલાઈ, જાણો તેના ફાયદા

કચ્છમાં આકરી ગરમી વચ્ચે વનવગડામાં વૃક્ષો પર રંગીન નજારો જોવા મળે તો નવાઈ ન પામતા. કારણ કે, હવામાન મુજબ આકરી ગરમીમાં મધમીઠા પીલુના મબલક પાકથી કચ્છના વનવગડામાં રોનક ફેલાઈ ગઈ છે. પીલુના વૃક્ષોના ફાલ અને પશુ-પક્ષીઓની ચહલપહલ પરથી સ્થાનિકો વરસાદની આગાહી પણ કરે છે.
ચૈત્ર અને વૈશાખ માસના લૂ ઓકતા દિવસોમાં ગરમીનો પારો સાતમે આસમાને હોય છે. જનજીવન ત્રાહીમામ પોકારી ઉઠે છે. ત્યારે પીલુના ઝાડની રોનક ઉનાળામાં સીમાડાને રંગીન કરી નાંખે છે. ગરમ વાયરાના દિવસો પીલુના ફાલ માટે ઘણા ફાયદાકારક બને છે.

કચ્છના પાવરપટ્ટી સહિતના સીમાડામાં ખારી જારના વૃક્ષો પીલુના પાકથી લચી પડતાં ભેંકાર ભાસતો સીમાડો પશુ-પક્ષીઓની ચહલપહલથી રમણીય બન્યો છે. પાવરપટ્ટી નામે ઓળખાતા રુદ્રમાતા જાગીર અને થાન જાગીર વચ્ચેના વિસ્તારમાં હાલ ખારા પીલુનો મબલક પાક જોવા મળે છે.

આમ તો કચ્છી લોકો ખારા પીલુ પ્રત્યે ભારે અણગમો દાખવે છે. પણ રશિયા અને કઝાકિસ્તાનમાંથી લાખોની સંખ્યામાં હજારો માઇલ કાપીને આવેલા વૈયા પક્ષીના ઝુંડ ખાસ આ ખારા પીલુ ખાવા કચ્છમાં ઊતરી પડે છે. ખારા પીલુ વૈયા ઉપરાંત કાગડા અને બુલબુલને પણ પ્રિય છે. તો ઘેટા-બકરાં અને ઊંટ જેવા દૂધાળા પશુઓ માટે પણ ભારે પૌષ્ટિક આહાર ગણવામાં આવે છે.

તો આ વૃક્ષોના ફાલ અને પશુ-પક્ષીઓની ચહલપહલ પરથી સ્થાનિકો વરસાદની આગાહી પણ કરે છે. સ્થાનિકો પ્રકૃતિના નિખાર પરથી આગાહી કરતા આવ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે જારા ઉપર વિપુલ પ્રમાણમાં પીલું લાગે ત્યારે આવતું વર્ષ સોળ આની કરતા વધી જાય છે..
અંગ્રેજી ભાષામાં સાલ્વેડોરા નામે ઓળખાતા ખારા પીલુના વૃક્ષો માત્ર પર્યાવરણ માટે જ નહીં, જીવ માત્ર માટે એટલા જ ઉપયોગી છે. નહિવત પાણીએ પણ બારેમાસ લીલુંછમ આ વૃક્ષ એવરગ્રીન ટ્રી તરીકે જાણીતાં છે. ખારા પીલુનાં ફળ મોઢાંના ચાંદા, પેટ અને ચામડીના રોગો તેમજ ડાયાબિટીસની બીમારી માટે ગુણકારી ગણાય છે. તેના ઠળિયામાંથી સાબુ અને શેમ્પૂ બને છે. તો તેનું દાંતણ, દાંતના રોગ માટે ભારે અકસીર હોવાથી આરબના દેશોમાં તેની ખૂબ જ માંગ છે. ખારી જાર કચ્છને ઘણી માફક છે. તેના ગુણો મુજબ માવજત કરી તેનો ઉપયોગ કરવામાં આવે તો કચ્છ માટે આ વૃક્ષ કલ્પવૃક્ષ અવશ્ય બની શકે છે.

Related posts

અમદાવાદ પોલીસ નિત્યાનંદ સામે રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ કરશે, લાલ સહીથી વોન્ટેડ દર્શાવ્યો

Mayur

ગગનયાન ફક્ત માણસોને સ્પેસમાં મોકલવા માટે નથી, આ સહયોગની મિસાલ છે : ISRO ચીફ

Mansi Patel

Paytm માં KYC કરાવવાના ચક્કરમાં લાગી શકે છે લાખોનો ચૂનો, તળિયાઝાટક થઈ જશે અકાઉન્ટ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!