GSTV

Don’t Breathe : એક અંધ વૃદ્ધને ત્યાં ચોરી કરવી ત્રણ ચોરોને કેવી રીતે ભારે પડી ?

Mayur Khavdu : Samuel Ramey નામના અમેરિકાના એક ડાયરેક્ટર છે. અમેરિકામાં હોરર ફિલ્મોમાં જળમૂળથી ફેરફાર કરવામાં તેમનું નામ અગ્રસ્થાને આવે છે. Samuel Rameyની લોકપ્રિય શ્રેણી ઈવિલ ડેડ ભારતમાં ખૂબ લોકપ્રિય થઈ હતી. 1980ના દાયકામાં આ સિરીઝ લોકપ્રિય થવા પાછળનું કારણ એ હતું કે એ કક્ષાની ફિલ્મ કોઈ બનાવી નહોતું શક્યું. વિચાર હવામાં ફંગોળાય અને કોઈ બીજાના મગજમાં સ્પાર્ક પેદા કરે તે પહેલા તે વિચારને ઈમ્પલિમેન્ટ કરી દેવો જોઈએ. Samuel Rameyએ ઘડીના છઠ્ઠા ભાગમાં એ સિરીઝની પહેલી ફિલ્મ બનાવી નાખી અને તેનો ક્લાસિક સીન આજે પણ મોર્ડનાઈઝેશન અને વિઝ્યુઅલી પાવરફુલ બનેલી આ ફિલ્મી દુનિયામાં અવ્વલ નંબરી છે. Samuel Ramey એ જ 2013માં ફરી Evil Dead ફિલ્મ બનાવી છતાં એ મેજીકલ ટચ ન આપી શક્યા જે તેમણે પહેલા આપ્યો હતો. પણ Don’t Breatheથી એ ખાસ્સા ચર્ચામાં આવ્યા હતા.

મોટાભાગે ચોરની કસબ અને કળાઓ વિશે આપણે જાણીએ છીએ. હિન્દી ફિલ્મોમાં ચોરની ખાસિયત બતાવવામાં આવે છે. તેના કામને ગ્રેટર ધેન લાઈફ સાથે સાંકળવામાં આવે છે. તે જગતમાં ડંકો વગાડવા આવ્યો છે તેવી હકિકતથી જનતાને વાકેફ કરવામાં આવે છે. તેની સેક્સી બોડીથી મહિલા દર્શકોને આકર્ષિત કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના બીચ પર ડાન્સ કરાવવામાં આવે છે. ડાન્સ પણ ટાઈગર શ્રોફ અને ઋત્વિક રોશનને પછડાટ આપી દે તેવો હોય છે. જોકે હકિકત એ છે કે આવું કંઈ હોતું નથી. ચોર આ દુનિયાનો સૌથી મૂંઝાયેલો અને ટેન્શનમાં રહેતો વ્યક્તિ છે. ચોર હંમેશાં એ વ્યક્તિને ત્યાં ચોરી કરે છે જે તેનાથી નબળો હોય અથવા તો તેની ત્યાં હાજરી જ ન હોય. જેથી ઘરવખરીનો વ્યાજ અને નફા સાથે ઉપાડ કરી શકાય.

બસ આવા એક પ્લોટને ટર્ન અને ટ્વીસ્ટ કરી Don’t Breathe નામની ફિલ્મ બનાવવામાં આવી. Fede Álvarez ફિલ્મનું ડાયરેક્શન કર્યું હતું. Samuel Rameyપટકથાની તાકાત જોતા પ્રોડ્યુસ કરી હતી. એક અદભૂત થ્રીલર હોરર ફિલ્મ. નવીન વાત એ છે કે ફિલ્મમાં હોરર જેવું કંઈ છે નહીં ! ફિલ્મમાં કોઈ ભૂત નથી ! આ એવી વસ્તુ છે કે ભીડ ડરાવતી નથી પણ કોઈ મનુષ્યનું અસ્તિત્વ જ ન હોય તેવો રસ્તો સૌ કોઈને ડરાવે છે.

કહાની

ફિલ્મની શરૂઆત થાય છે એક વૃદ્ધ માણસથી. જે કોઈ છોકરીના વાળ પકડી તેને અદ્દલ દુ:શાસન સ્ટાઈલમાં ખેચીને લઈ જઈ રહ્યો છે ? શા માટે ? આ જાણવા માટે Fade Out સાથે ફિલ્મની રિયલ કહાની શરૂ થાય છે. ત્રણ લબરમૂછીયા છે. બે ચોર છે. એક છોકરી અને એક છોકરો. શહેરના પોલીસ કોન્સ્ટેબલનો એક છોકરો છે. જેને ચોરી કરવાના કામ ગમતા નથી. પણ જ્યારે કામ થઈ જાય છે ત્યારે મઝા આવે છે. ડેટ્રોઈટ સિટીમાં ઘરફોડ ચોરી કરવામાં હવે પાવરઘા બની ગયેલા આ ગુનેગારો એક છેલ્લી ચોરીને અંજામ આપવાના છે. છેલ્લી ચોરી જેને ત્યાં કરવાની છે તે આર્મીમાં ઓફિસર હતો. ગલ્ફ વોરમાં (ખાડી યુદ્ધ) પોતાની બંન્ને આંખો ગુમાવી ચૂક્યો હતો. તેની દિકરી મૃત્યું પામી તેના સરકારે તેને પૈસા આપ્યા હતા. આ પૈસા તેેના ઘરમાં જ હતા તેવું ચોર ત્રિવેણીને લાગે છે.

ચોરો અંદર રાતના સમયે એન્ટ્રી મારે છે. બચવા માટે પહેલા કૂતરાને બેભાન કરી દેવો જરૂરી છે. એ કામ પણ એ રીતે કરે છે કે એક હાથને બીજા હાથની ભનક સુદ્ધાં ન લાગે. બાપળો આંધળો શું કરી શકશે ? આ વિચારે આંધળાના રૂમમાં પણ મૂર્છીત કરવાનો ધુમાડો છોડે છે. પણ અત્યાર સુધી જે ધુમાડાથી આખુ ગામ બેભાન થઈ જતું હતું અને ચોરો પોતાના હાથનો કસબ અજમાવી માલ લઈ રફુચક્કર થઈ જતા હતા તેવું આ પ્રજ્ઞાચક્ષુ બાપા પર નથી થતું. તે ઉભો થાય છે. ઉભા થતા જ તેને ખ્યાલ આવી જાય છે કે ઘરમાં કોઈ મોરલો કળા કરવા આવ્યો છે. પહેલા લાગે છે કે એક છે, પછી ખબર પડે છે કે બે મોર કળા કરવા આવ્યા છે, પછી ખ્યાલ આવે છે કે મોર સાથે એક ઢેલ પણ ઘુસી છે અને એ ઢેલને જ્યારે ઘરમાં છુપાયેલા સસ્પેન્સની ખબર પડે છે તો તેનાથી ચીસ પણ નથી પાડી શકતી. બિચારી એ જ ઢેલને ક્લાઈમેક્સમાં એક દ્રશ્ય દેખાય છે ત્યારે તેને રડવું છે પણ રડાતું ય નથી.

બિલ્કુલ શ્વાસ ન લેતા

વર્ષો પહેલા હિન્દી સિનેમામાં એક રૂકા હુઆ ફૈંસલા નામની ફિલ્મ આવી હતી. આર્ટ ફિલ્મના ચોગઠામાં બેસતી આ કથા એક બંધ રૂમમાં જ પૂરી થઈ જતી હતી. 2001માં હિન્દીમાં આંખે ફિલ્મ આવી હતી. જે ગુજરાતી નાટક આંધળો પાટો પર આધારિત હતી. ફિલ્મના લોકેશન્સ અલગ અલગ જગ્યાએ હતા, પણ તે ફિલ્મ ક્લાઈમેક્સમાં અંધ હોવા છતાં અક્ષય અને અર્જૂન રામપાલની કરવામાં આવેલી કારીગરી અને બેંક લૂંટવાના મનસૂબા સાથે મેદાનમાં ઉતરેલા અમિતાભ બચ્ચનની મહેનત પર ફેરવાયેલા ધોધમાર પાણીમાં પણ Don’t Breatheનો હિસ્સો આવી જાય છે.

Don’t Breathe આ પેરામીટરમાં ફીટ નથી બેસતી. ફિટ બેસે તેવું કહેવું પણ અતિશ્યોક્તિસભર લાગશે. ઉપરની બંન્ને ફિલ્મો કરતાં કલાકારોનો…. મૂળ તો મહિલા સશક્તિકરણની ઉપમાને સાર્થક કરતી અભિનેત્રી Jane Levyનો દમદાર અભિનય આંખની કિકીને ખુલ્લી રાખવા મજબૂર કરે છે. એક છોકરીના ખભા પર ફિલ્મ છે. બાકીના બે ચોર તો માત્ર નામનું કામ કરી રહ્યાં છે. ચોરી કરવાના બહાને ઘરમાં ઘુસનારા લોકોની શું હાલત હોય છે તેના પર આ ફિલ્મ સાઈકોલોજીકલી દ્રષ્ટિપાત કરે છે. જ્યારે એ વિચારે ગયા હો કે અંદર એક આંધળો છે અને આંધળો જ શહેનશાહ બની તમારા પર તૂટી પડે ત્યારે ભાગવા સિવાયનો કોઈ વિકલ્પ બચતો નથી. દોડીને ભાગવા માટે મજબૂર બનવું પડે છે, પણ એ જ આંધળો ઘરને એવી રીતે પેટી પેક કરી રહ્યો છે કે બહાર કોઈ નીકળ્યું તો તેના રામ રમાડી દઉં.

સૌથી મઝાની વાત છે ફિલ્મનું લોકેશન. ડેટ્રોઈટ સિટી અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ ભાંગી પડ્યું. હજ્જારો લોકોની રોજગારી ગઈ અને શહેર ખાલીખમ થવા લાગ્યું. ખાલીખમ શહેરમાં હવે થોડા લોકો જ રહેતા હતા. આ વાત કોઈ ફિલ્મની સ્ટોરીની નથી પણ વાત અમેરિકાને વર્ષો પહેલા નડેલી મંદીની છે. એ મંદીના કારણે ઉદ્યોગો પડી ભાંગ્યા હતા. જેથી આજે 2020માં જગત જમાદાર અમેરિકામાં ડેટ્રોઈટ એક એવું સિટી છે જેના એક વિસ્તારની હાલત ખંઢેરને પણ સારું કહેડાવડાવે તેવી છે. આ પહેલા ટ્રીપલ એક્સ રિટર્ન ઓફ ઝેન્ડર કેજ વિશે વાત કરેલી. તેનો ક્લાઈમેકસ ડેટ્રોઈટમાં શૂટ થયેલો છે. ફિલ્મમાં એક ડાઈલોગ પણ છે જ્યારે હિરોઈન બોલે છે, ‘તેને છુપાવવા માટે આખી પૃથ્વીમાં શું માત્ર ડેટ્રોઈટ મળ્યું હતું.’

હોલિવુડ ફિલ્મોના આ તમામ ડાઈલોગો વિકસિત અમેરિકાની પોલ ખોલી નાખે છે. ઓવરઓવ લાંબું ન ખેંચતા કહેવા માટેની વાત એ છે કે ડેટ્રોઈટ સિટી હંમેશાંથી આવું જ રહ્યું છે. અને એ લોકેશન પર ફિલ્મ બનતા પટકથાનો સ્ક્રિન પર પ્રેઝન્ટ થવાનો પાયો મજબૂત થઈ ગયો.

માત્ર આઉટડોર નહીં ઈનડોર લોકેશન પણ કાબિલેતારીફ છે. ઘર શોધવા માટે ડાયરેક્ટરને લાખ લાખ અભિનંદન. ઘરનો એક એક હિસ્સો હોરરની ગરજ સારે તેવો છે. હોરર છે નહીં પણ ઘર ડરાવે છે. ઘરમાં કોઈના ધીમેથી પગ પડવાનો અવાજ બીવડાવે છે. કૂતરાનું ભાઉ ભાઉ કરવું પણ હૈયુ કંપાવી દે છે. બેક ગ્રાઊન્ડ મ્યુઝિક સ્મુથલી ચાલતા ચાલતા હાર્ડ લેવલ પર આવી જાય તો છાતીના પાટીયા બેસાડી દેવાની અદભૂત ક્ષમતા ધરાવે છે. વૃદ્ધ બનનારા ખૂંખાર અભિનેતા Stephen Langની એન્ટ્રી ખૌફ ફેલાવવા માટે પૂરતી છે. ફિલ્મનું કામ માત્ર ભય ફેલાવવાનું નથી. દર્શકની સાથે અંદર કામ કરી રહેલા પાત્રોના હૈયામાં પણ ફફડાટનો હલેસો મારવાનું છે. એ પણ ડાયરેક્ટરે સિદ્ધ કરી બતાવ્યું છે. ફિલ્મમાં મિનિમમ ડાઈલોગ છે મેક્સિમમ સ્માર્ટલી કરવામાં આવેલું સાઈલેન્ટ વર્ક છે. ચોરોએ ચોરીની મેળવેલી સિદ્ધી આગળ કોઈ વાર અંધની બુદ્ધિનો વિજય થાય છે, તો કોઈવાર અંધ જેવી જ બુદ્ધિનો ઉપયોગ કરી અંધની બંદૂક ચલાવવાની પરંપરાગત સિદ્ધીને વિરોધીઓ હરાવતા જોવા મળે છે.

ડાયરેક્ટરે સ્માર્ટ વર્ક કર્યું છે. ફિલ્મ ખૂબ નાની છે. ઉપરથી ક્લાઈમેક્સમાં જે ટપકું તેમણે મુકી દીધું તે ઘણું ખરૂ કહી જાય છે. એક બદલાની ભાવના ફિલ્મમાં બતાવવામાં આવી છે જેના માટે અંધ ગમે તે લેવલ સુધી જવા માટે તૈયાર છે. ફિલ્મથી શીખવા એ મળે છે કે કોઈ અંગથી અપાહિજ હોય તેવા વ્યક્તિને કોઈ દિવસ નબળો ન આંકવો. એ ભરપેટ ભીમની જેમ કોળીયો કરી ઓડકાર પણ ન લેવી તેવી તેનામાં ઠાંસી ઠાંસીને ક્ષમતા ભરી હોય શકે છે. ફિલ્મના ટાઈટલ વિશે ડાયરેક્ટરે કંઈ વધારે નથી કહ્યું, પણ પ્રજ્ઞાચક્ષુ લોકોની સાંભળવાની શક્તિ અપ્રતિમ હોય છે. જો જરાં સરખો પણ અવાજ કરવામાં આવે તો તેને ખ્યાલ આવી જાય છે કે આજુબાજુ કોઈ છે. તેમની સુંઘવાની શક્તિ પણ અન્ય માણસો કરતાં વધારે વિકસિત હોય છે. ફિલ્મમાં ત્રણ પાત્રો એજ વસ્તુનો ભોગ બને છે. વારંવાર જોવી ગમે તેવી ફિલ્મ.

READ ALSO

Related posts

પાકિસ્તાનમાં તબાહી મચાવી શકે છે Corona, કારણ જાણી ચોંકી ઉઠશો

Arohi

દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 328 કેસ નોંધાયા, આરોગ્ય મંત્રાલય

Nilesh Jethva

દર્દીઓના નાકમાં ટ્યૂબ નાખીને ફેફસાંમાં ઓક્સિજન પહોંચાડશે, નવી ટેકનોલોજી Coronaથી બચાવશે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!