GSTV

The Exorcist : કોઈના શરીરમાં ભૂત ઘર કરી જાય તો કેવી રીતે ભગાવવું ?

Mayur Khavdu : The Exorcist આ શબ્દનો અર્થ થાય છે કોઈ ભૂતિયા જગ્યામાંથી કે કોઈના શરીરમાં ભૂત ઘર કરી ગયું હોય તેને ભગાડનારો વ્યક્તિ. 26 ડિસેમ્બર 1973માં રિલીઝ થયેલી આ ફિલ્મે હોલિવુડમાં હોરર સિનેમાનો પાયો નાખ્યો હતો. ભૂતને કેવી રીતે ભગાવવું ? શરીરમાં ભૂત પ્રવેશ કરે ત્યારે માનવ શરીર કેવા પ્રકારના યત્નો-પ્રયત્નો કરતું હોય છે ? Exorcistની વિધિ કઈ રીતે કામ કરે છે ત્યાંથી લઈને હોરરના તમામ નીતિ નિયમોમાંથી આ ફિલ્મ પસાર થઈ. બાદમાં તો આ ફિલ્મ પર જ આધારીત અને આ જ ટાઈટલ ધરાવતી સિરીઝ પણ આવી હતી. જો કે એ સિરીઝ જોયા બાદ 1973ની મૂળ ફિલ્મના ડાયરેક્ટર William Friedkinની હાલત કાપો તો લોહી ન નીકળે તેવી થઈ ગઈ હતી.

The Exorcist બાદ જેટલી પણ હોરર ફિલ્મો સિનેમાઘરોમાં આવી તેણે આ જ ફિલ્મની પટકથાનો ઉપયોગ કર્યો. તેમણે એક પ્રિસ્ટ રાખ્યો. જે ભૂતની સમસ્યામાંથી છૂટકારો અપાવી શકે છે. ઘરમાં થતી પેરાનોર્મલ એક્ટિવિટીનો નમૂનો દર્શાવ્યો. કોઈના શરીરમાં ભૂત પ્રવેશ કરે ત્યારે તેની મનોસ્થિતિ કેવી હોય છે તેનું પણ આબેહૂબ વર્ણન કર્યું. રિપીટ કે આ પ્રથમ ફિલ્મ હતી. જે આ તમામ વસ્તુઓમાંથી પસાર થઈ માઈલસ્ટોનનો દરજ્જો હાંસિલ કરી ગઈ. Insidious કે Conjuring જેવી ફિલ્મોથી તમને ડર લાગશે પણ તે બધું જ્યાંથી આવ્યું, તેનું મૂળ અને કુળ મૂળ તો The Exorcist નામની એક અલાબલા જેવી ફિલ્મ છે.

આ એ સમય હતો જ્યારે અમેરિકામાં સ્ટીફન કિંગે ડરાવવાની પ્રવૃતિઓનો આરંભ કરી દીધો હતો. રિચાર્ડ બ્રેચમેનના નામે લખાયેલી તેમની વાર્તાઓએ કૌતૂક જગાવ્યું હતું. હવે જરૂર હતી તેને પડદે લઈ આવવાની, પણ રિચાર્ડ બ્રેચમેનની કથાઓ ફિલ્મના તખ્તા પર સરતાજ થાય તે પહેલા The Exorcist આવી ગઈ અને ભૂતનો પહેલો પરચો આ દુનિયાને મળ્યો. એવું પણ નહોતું કે આ પહેલા લોકો ડર્યા ન હોય.

1896માં Le Manoir du diable નામની એક ફિલ્મ આવી હતી. તે દુનિયાની પ્રથમ હોરર ફિલ્મ હતી. જેનો અનુવાદ The House of the Devilના નામે કરવામાં આવ્યો હતો. 1949માં ભારતની પહેલી હોરર ફિલ્મ મહેલ બની. જેનું નિર્માણ કમલ અમરોહીએ કર્યું હતું. એ ફિલ્મ બેકગ્રાઊન્ડ મ્યૂઝિક કરતા તેના ગીતો દ્રારા વધારે ભય ઉપજાવતી હતી. વચ્ચે આલ્ફ્રેડ હિચકોકની સસ્પેન્સ થ્રીલર સાથે સાઈકોલોજીકલ મસાલા ધરાવતી ફિલ્મોએ હોરર ન હોવા છતાં લોકોના રૂંવાળા ઉભા કર્યા. આમ છતાં The Exorcistની તોલે કોઈ ફિલ્મ આવી ન શકી. તો એવું શું છે આ ફિલ્મમાં કે IMDB વેબસાઈટે તેને 8 પોંઈન્ટ આપી દીધા છે.

કહાની

વાર્તાની શરૂઆત થાય છે એક અગોચર જગ્યાથી. જ્યાં એક વ્યક્તિ કંઈક ખોદકામ કરી રહ્યો છે. તેના ચહેરા પરથી લાગી રહ્યું છે કે આર્કિયોલોજીસ્ટની ભારેભરખ ઝિંદગીમાં ક્યાંક તે પોતાની આહુતી ન આપી દે. શરીરથી બિલ્કુલ કૃષ લાગી રહ્યો છે. અચાનક તેના હાથમાં એક વસ્તુ આવે છે અને સીન પૂરો થાય છે. હવે જઈએ અમેરિકામાં. મશહૂર અભિનેત્રી Chris MacNeil અને તેની દિકરી Regan MacNeil અહીં રહે છે. બંન્ને રાજીખુશીથી પોતાની લાઈફ પસાર કરતા હોય છે. એવામાં એક દિવસ તેની દિકરીને ભૂત ચોંટે છે. પહેલા તો દાક્તરી મદદ લેવામાં આવે છે, પણ દાક્તરી મદદ કારગત નિવડતી નથી. આમ છતાં હાથમાં લાગ્યું હોયને પગની સારવાર કરે તેમ ડોક્ટરો ભૂત પ્રેતની વાત માનતા નથી અને દાક્તરની સારવારમાં લાગ્યા જ રહે છે. છેલ્લે કંઈ નહીં તો મનોવૈજ્ઞાનિકની મદદ લે છે, પણ છોકરી તો ડોક્ટરથી જ બરાબર થશે તેવું અમેરિકન મુન્નાભાઈઓ માનતા હોય છે. બીજી તરફ પોતાની માતાને ગુમાવી ચૂકેલો પ્રિસ્ટ Dr. Damien Karras, S.J. પણ એ જ વિસ્તારમાં રહેતો હોય છે. આખરે કોઈથી કંઈ ન થતા Dr. Damien Karras, S.J. પ્રિસ્ટ Father Lankester Merrinની મદદ માગે છે. પ્રિસ્ટ તેની મદદ કરે છે. પણ ભૂત એટલું ભયાનક છે કે Exorcistની ક્રિયા કરવી જ રહી. આ માટે એક અનુભવી પ્રિસ્ટની મદદ લેવામાં આવે છે, પણ અંતે થાય છે શું તે જોવા માટે ફિલ્મ જોઈ લેવી કારણ કે આ પહેલી એવી ફિલ્મ છે જેણે Exorcistનો પાયો નાંખ્યો.

પ્રથમ હોરરમાં ઘણી નબળાઈઓ

હોરર ફિલ્મથી તમે કે હું ડરીએ શું કામે ? એટલા માટે નહીં કે ફિલ્મમાં ભયાનક ભૂત છે. પણ ભૂત સાથે કાન ફાડી નાખી ચીચીયારી બોલાવી દેતુ બેકગ્રાઊન્ડ મ્યુઝિક આવે ત્યારે તમે થરથર કાંપી જાઓ. અહીં બેકગ્રાઊન્ડ મ્યુઝિકનો ફૂલ ટુ અભાવ છે. જ્યાં વાગવું જોઈએ ત્યાં પણ નથી વાગતું. સંગીતના નામે ફિલ્મ શાંત થઈ જાય છે. હોરર ફિલ્મોમાં અચૂક મજબૂત બેકગ્રાઊન્ડ મ્યૂઝિક હોવું જોઈએ તે થીયરીમાં The Exorcist નામની ફિલ્મ આવતી નથી. એક સમયે જે પણ હોરર ફિલ્મો બનતી હતી તે સાઈલેન્ટ હતી. પણ તેમાંથી ડર્યા કેટલા તેનો ડેટા કોઈ પાસે નથી. 21મી સદીની ફિલ્મો ડરાવવા માટે બેકગ્રાઊન્ડ મ્યૂઝિકનો ઉપયોગ કરે છે. આધુનિક હોરર જોઈ લેશો તો અચૂક આ કચાશ પકડી પાડશો.

કથા મજબૂત હોવા છતાં એક્ટિંગમાં નબળાં કલાકારો છે. ફિલ્મનો તમામ ભાર એક બાર વર્ષની છોકરી Linda Blairના ખભા પર છે. તેણે ટુ ફેસની જેમ પાત્રને નિભાવવાનું છે. ખૂદ ડાયરેક્ટરે પણ આખી ફિલ્મ તેના પર થોપી દીધી હોય તેવું ફિલ થયા કરે છે. શરીરમાં ભૂત પ્રવેશ્યા બાદ વારંવાર આંખો તે છોકરીને શોધવા માટે તલપાપડ રહે છે, પણ એ છોકરી સ્ક્રિન પર ઓછી દેખાય છે.

ડાયરેક્ટરે પ્રિસ્ટની માતાના સીનને થોડો ઘણો લાગણી સાથે જોડી દીધો છે. એ પછી માતા કઈ દુનિયામાં ચાલી ગઈ અને કેવી રીતે ચાલી ગઈ તેનો કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. હા, તેની ઉંમરના કારણે તે યમરાજને પ્યારી થઈ ગઈ હોય તેવું તેના પહેલા સીન પર તેની હાલત જોઈ ફલિત થાય છે, પણ ઓડિયન્સ કંઈ સમજે તે પહેલા જ માતાનું મૃત્યું થઈ જાય છે. તમે હજું તો તેની માતાનો ચહેરો ઠીકથી યાદ નથી રાખ્યો ત્યાં માતા પરલોક સિદ્ધાવી જાય છે.

ઉપર જણાવ્યા પ્રમાણે ફિલ્મમાં આટલી નબળાઈ છે તો ફિલ્મને Hollywood 100માં લેવાનો શું અર્થ ? અર્થ એ જ કે આ પાયો હતો. ઉપરની વસ્તુઓની ખોટ ફિલ્મમાં પૂરવારમાં આવે તો હોલિવુડ હોરર ક્લાસિક તરીકે The Exorcistનો સમાવેશ થઈ શક્યો હોત. જેમ અગાઊની ફિલ્મ રેવેનન્ટમાં આપણે સિનેમેટોગ્રાફી અને અભિનયની કળાની વાત કરી હતી તેમ આ ફિલ્મ પટકથામાં માર્ક્સ ખેંચી જાય છે. અમેરિકામાં નંબર વનને સ્થાન છે નંબર 2ને નથી. ગૂગલ દેવતાનો ઉપયોગ કર્યા વિના કહી દો જોઈએ કે દુનિયાના સૌથી પોપ્યુલર નેતા બરાક ઓબામાની સામે કયા વ્યક્તિએ પ્રેસિડેન્ટ પદની દાવેદારી નોંધાવી હતી ?

બિલ્કુલ ત્યાં નંબર 1ને જ આજીવન યાદ કરવામાં આવે છે. તેવી જ રીતે હોરરમાં ભૂત ભગાડવાની ટેકનિકની વાત આવે તો The Exorcistને યાદ કરવામાં આવે છે. Dick Smith છોકરીને ભૂતડી દર્શાવવા માટે મેકઅપ કર્યો હતો. આ એ જ વ્યક્તિ છે જેણે ગોડફાધરમાં માર્લોન બ્રાન્ડોનો મેકઅપ કર્યો હતો, Dick Smithના કારણે જ Linda Blair ખૂબ ભયંકર અને નેચરલ ભૂત લાગી રહી છે. હા, લાઈટિંગનો મેક્સિમમ ઉપયોગ કર્યો હોવાથી તેની ચમકદમક પણ ભાયડા છાપ લાગે છે. શરીરમાં કોઈ હોય તો અવાજ કેવી રીતે ડબલ થાય તે માટે ઓડિયોવાળા ભાઈનો આભાર, કોઈ અંદરથી મદદ માગતુ હોય તો શરીરની કેવી સ્થિતિ થાય ? કોઈને શૈતાનને બંધક બનાવ્યો હોય તો તે કેવી રીતે હેરાન કરે ? આ પ્રકારના તમામ ક્રિયા કલાપો તમને આ ફિલ્મમાંથી જોવા મળશે. જેને બાદમાં તમામ લોકોએ કોપી કર્યા.

વધુ એકવાર કહું છું કે ફિલ્મને એક્ટિંગ, સંગીત, સિનેમેટોગ્રાફી કે કોઈ મોટી આર્ટ ફિલ્મની નજરથી ન જોતા. આ ફિલ્મને પ્રેતકથાના પ્રારંભ માટે જ જોજો. હોલિવુડ 100માં કોઈ જોનર ન રહેવું જોઈએ એ માટે હોરર યાદ આવી. પરિણામે અહીં બેસ્ટ હોરર ફિલ્મ તરીકે The Exorcistને લેવામાં આવી છે. વન ટાઈમ વોચેબલ એવી ફિલ્મ.

READ ALSO

Related posts

ફક્ત ભારત જ નહીં વિશ્વના આ દેશોમાં છે આટલા દિવસોથી Lockdown, લોકો આ રીતે જીવી રહ્યા છે

Arohi

ઘરમાંથી બહાર બિલકુલ ના નીકળો, આ શહેરમાં દૂધની હોમ ડિલીવરી કરવાનો લેવાયો નિર્ણય

Karan

કોરોનાના કારણે આ શહેરમાં થાય છે દર મિનિટે એક મોત, 9 દિવસમાં બર્બાદ થઈ જશે હેલ્થ સિસ્ટમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!