GSTV
Home » News » 96-The Dark Knight : શહેરને એક ‘CLASS’ વિલનની જરૂર છે અને હું તે તેમને આપીશ

96-The Dark Knight : શહેરને એક ‘CLASS’ વિલનની જરૂર છે અને હું તે તેમને આપીશ

Mayur Khavdu : 21મી સદીના પ્રથમ દાયકાની સૌથી સફળ ફિલ્મ જેની અત્યારે પણ ચર્ચા થતી હોય તેમાં The Dark Knightને સામેલ કરી શકાય. દુનિયાની 90 ટકા પબ્લિકે આ ફિલ્મ જોઈ હશે તેવું અનુમાન પણ સેવી શકાય. કોઈ પણ મુદ્દાને રિવીલ કરી નાખવામાં આવે તો પણ વાંધો નથી, કારણ કે તમામ લોકોએ ફિલ્મ જોઈ જ હશે. ફિલ્મ વિશે ગુજરાતી પ્રવચનકારોએ પણ તેના ક્વોટેશનો બાંધ્યા છે. જે નાની સુની વાત ન કહી શકાય.

DC કોમિક્સ Marvel કોમિક્સની સામે નબળી ઠરી છે. પણ બેટમેન ટ્રાયોના કારણે DCનું કદ વધી ગયું છે. કદ વધવાનું કારણ માત્ર બેટમેન નથી પણ Christopher Nolan પણ છે. સુપરહિરો ફિલ્મ એટલે એલિયનનો પૃથ્વી પર પ્રવેશ કરે અને સુપરહિરો પોતાની અસીમ શક્તિઓથી બચાવ માટેની યુક્તિ પ્રયુક્તિઓ ઘડી કાઢે. તે પોતે શરીરથી કેટલું સૌષ્ઠત્વ ધરાવે છે. તેની પાસે જગતને બચાવવાની કેટલી મોટી એબિલિટી છે. તેની ગર્લફ્રેન્ડને બચાવવા માટે તે જીવ સટોસટના ખેલ ખેલી શકે છે. જે ધરતીની પ્રજા તેને દુશ્મન ગણતી હતી તેણે પોતાના જીવના જોખમે કેટલા લોકોને બચાવ્યા છે. આ બધાનું મિક્સરમાં ઉંધીયું બનાવી નાખવામાં આવે એટલે સુપરહિરો ફિલ્મ બની ગઈ કહેવાય ?

પણ બેટમેન એ કોઈ સુપરહિરો નથી. માર્શલ આર્ટસ જાણતો કોઈ પણ વ્યક્તિ બેટમેનના આભૂષણો ઠઠારી રસ્તા પર આંટા ફેરા મારી શકે છે. બેટમેનની વાત આવે ત્યારે Heath Ledger દ્રારા કરવામાં આવેલો ઉત્કૃષ્ટ અભિયન દરેક વ્યક્તિની જીભે આવી જાય છે. અભિનય તો હતો પણ આ સિવાય પણ કેટલું બધું હતું, તેના પર કોઈની નજર નથી જતી. તેમાં પ્રેમ હતો, છળ, કપટ, પ્રપંચ, કલ્પના, સહિતના દરેક એલિમેન્ટને સ્થાન આપવામાં આવ્યું હતું. મોટિવેશનના ડાઈલોગનું ઘોડાપુર હતું. એક્શન સિક્વન્સમાં પણ તેનો કેમેરો કાર્ટૂન નેટવર્ક પર આવતા બેટમેનની યાદ અપાવી જતો હતો.

ફિલ્મની શરૂઆત કરતાં પહેલા Batman Begins ફિલ્મ વિશે થોડી વાત કરી લઈએ. જ્યાં બેટમેનની ઉત્પતિ થાય છે. તે બ્રૂસ વેઈનમાંથી બેટમેન બને છે. બેટમેન બનાવા માટેની તમામ કળાઓ તે શીખે છે. પોતાના માતા પિતા સાથે પોતાના ડરનો સામનો ન કરી શકેલો બ્રૂસ વેઈન અધવચ્ચે નાટક છોડી દે છે. ચોર બ્રૂસના માતા પિતાની હત્યા કરી દે છે. જેનો દોષનો ટોપલો નાનો બ્રૂસ વેઈન મોટો થાય ત્યાં સુધી ખભે લઈને ચાલે છે.

બાળપણમાં એક અંધાર કૂવામાં પડવાથી આસપાસ વીંટળાય જતા ચામાચીડિયાઓથી તેને ડર લાગે છે. પિતા થોમસ વેઈન તેને કહે છે, ‘આપણે પડીએ છીએ શું કામે કારણ કે આપણે ઉભા થઈ શકીએ.’

પોતાના જીવનનો એક મકસ્ત બાંધી પૈસાદાર બ્રૂસ વેઈન કેટલાક લોકોની મદદ દ્રારા બેટમેન બને છે. ફિલ્મનો રાજી ખુશીથી અંત થાય છે પણ ક્રેડિટ સીન લાવ્યા વિના પોલીસ ઈન્સપેક્ટર James Gordon તેને જોકરનું પત્તુ બતાવે છે અને The Dark Knightની શરૂઆત થાય છે.

કહાની

ફિલ્મની કહાની શરૂ થાય છે એક બેંક રોબરીથી. જ્યાં પાંચ જેટલા નકાબકોશ જોકર બેંક લુંટવા માટે આવ્યા છે. બેંક લુંટાતી જાય છે અને એક બાદ એક જોકર મરાતો જાય છે. સીન પૂરો થાય છે અને એન્ટ્રી થાય છે બેટમેનની. ગોથમ શહેરમાંથી બેટમેન વિલનનો ખાત્મો કરવા માટે તૈયાર થયો છે. પણ ત્યાં પહોંચતા તેને પોતાના ડુપ્લિકેટના પણ દર્શન થાય છે. ડુપ્લિકેટને હટાવી વિલનને મારી તે પોતાના કામે પરત ફરે છે. બીજી તરફ કમિશનર James Gordon વિલનોનો ગોથમમાંથી સત્યાનાશ કરવા માટે તૈયાર થયો છે. જ્યાં તેને નવા વકિલ Harvey Dentનો સાથ મળે છે. આ સમયે જોકર માફીયાઓ સાથે ડિલ કરે છે કે તે બેટમેનનો અંત કરી નાખશે. ટેબલની ચારેકોર વાંદરાઓની જેમ બેઠેલા અને બેટમેનના કારણે ચિંતાતુર થયેલા માફીયાઓ હસવા લાગે છે પણ આખરે જોકર બેટમેનને ખત્મ કરવાના માર્ગ તરફ વળે છે. બેટમેનને ખત્મ કરવા તરફ નીકળેલો જોકર એકસાથે ઘણા લોકોને રસ્તામાંથી સાફ કરી નાખે છે. જેમાં રચેલને રસ્તામાંથી ઉડાવી ટુ ફેસનો જન્મ કરાવે છે. અંત રોચક બને છે પણ જોકર મરતો નથી. હા, જોકર તેની વ્યક્તિગત ઝિંદગીમાં મરી જાય છે.

સુપરહિરો ફિલ્મ કેવી રીતે બનાવવી ?

Christopher Nolan કોઈ પણ ફિલ્મ હાથમાં લે તે તેને પોતાની રીતે ઢાળવાના પુરતા રાઈટ્સ માગી લે છે. અભિનેતાઓને સેટમાં અભિનય કરવાની પુરતી છૂટછાટ આપે છે. અભિનેતાઓની પસંદગી પણ એવી કરે છે જે માત્ર શરીરથી જ નહીં માનસિક રીતે પણ અભિનય કરી જાણતા હોય. હોલિવુડમાં આવા અભિનેતાઓનો તૂટો નથી. જેઓ હેન્ડસમની કેટગરીમાં નથી આવતા પણ અભિનય ઉચ્ચ કક્ષાનો કરી લે છે. ઉદાહરણ તરીકે Morgan Freeman અને Michael Caine. Christopher Nolan પર લખવા માટે એક અલગ આર્ટિકલ તૈયાર કરવો પડે તેની જગ્યાએ ફિલ્મ પર ફોક્સ કરીએ.

હિરો થવું કોને પસંદ ન હોય ? દરેક વ્યક્તિ પોતાની જાતને નબળો નથી આંકતો હોતો. મોટામાં મોટો અપરાધ કરનારા વ્યક્તિને પણ પોતે હિરોઈક કામ કર્યું છે તેવું લાગતું હોય છે. The Dark Knightના વિલન જોકરને પણ એવું જ લાગે છે કે મેં મોટું કામ કર્યું છે. લોકોને મારીને મેં મારી જાતને મહાન સાબિત કરી બતાવી છે. સામેની તરફ તેનો પ્રતિકાર કરી રહેલા બેટમેનને જોકરના દુષણો હટાવવા છે. જોકરની નજરમાં તમામ લોકો વિલન છે. બેટમેનની નજરમાં વિલન જોકર છે. એવી જ રીતે જેવી રીતે દરેક વ્યક્તિની જીવનમાં એક વિલન હોય છે. સીન વાઈઝ સમજીએ.

બ્રૂસ વેઈન જ ટુ ફેસ છે ?

Bruce Wayne બનતા બેટમેનમાં પ્રેમિકા પ્રત્યે કુણી લાગણી છે પણ સામેની તરફ Harvey Dent માટે નથી. બ્રૂસને તેની પ્રેમિકા પસંદ છે પણ તેની એક્સ લવર હવે જેને ડેટ કરી રહી છે તે હાર્વી ડેન્ટ બ્રૂસને પસંદ નથી. હવે એ જ બ્રૂસ જ્યારે બેટમેન બને છે ત્યારે હાર્વી ડેન્ટ પાસે તેને અપેક્ષાઓનો ધોધ છે. તે ડેન્ટને કહે પણ છે કે, ‘તું બેટમેન બન તું ગોથમનો સાચો હિરો છો.’ ઉપરથી બેટમેન અને હાર્વી ડેન્ટ મળીને જોકરને પકડવાનો પ્લાન બનાવે છે. ભવિષ્યમાં ટુ ફેસ બનનારા હાર્વી ડેન્ટની જગ્યાએ બેટમેન એટલે કે બ્રૂસ વેઈન તેની પહેલા જ ટુ ફેસ બની ગયો છે.

અપરાધની દુનિયામાં એક ધક્કાની જરૂર હોય છે

માણસ જ્યારે મોટા દુ:ખથી પીડાતો હોય છે ત્યારે તેને અપરાધની દુનિયામાં ધક્કો મારવો સહેલો પડે છે. જોકર તેનો જ ફાયદો લઈ લે છે. હાર્વી ડેન્ટના હાથમાં બંદૂક આપી દઈ તેને ગુનાની દુનિયામાં ધકેલી દે છે, કારણ કે જોકરને ખ્યાલ છે આખી રમતમાં જ્યાં મારી આડે મારા પ્રતિદ્રંદીઓ અડચણ પેદા કરવાના છે તેની સામે તેનો જ વિરોધી ઉભો કરી દેવો. હું મારા કામને મારી રીતે પૂરા કરું અને મારા કામને નુકસાન પહોંચાડનારા છે તેની આડે તેમનો જ પ્રિયજન આવી જાય.

હું ગેમપ્લાન નથી કરતો

સીન નંબર ત્રણ. જોકર કહે છે કે, હું કોઈ દિવસ ગેમ પ્લાન કરીને રમત નથી રમતો. પણ હાર્વી ડેન્ટના હાથમાં બંદૂક આપતા સમયે જોકરની આખી પ્લેનિંગ પહેલાથી જ છે તે સાફ નજર આવી જાય છે. બંદૂક હાર્વી ડેન્ટના હાથમાં છે. જોકરના માથા પર નાળચું છે. પણ ફરી એક વાર સીનને રિવાઈસ કરી ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે જોકરની એક આંગળી કઈ જગ્યાએ છે ?

શતરંજની ગેમ

The Dark Knight એ શતરંજની ગેમ છે. અહીં વજીર મરી ગયા પછી પ્યાદુ છેલ્લે પહોંચી જીવંત થાય છે. તમામ જગ્યાએ પ્યાદુ જોકરના હાથમાં છે. હાર્વી ડેન્ટ, જેમ્સ ગોર્ડન અને બેટમેને પ્લાન તૈયાર કરી જોકરને જેલમાં પુર્યો. જોકર જેલમાં પુરાયો નહોતો ! તે એક કેદીને પકડવા માટે અંદર ગયો હતો જેથી માફીયાની દુનિયાનો દાટ વાળી તેમના રૂપિયા સળગાવી હુકુમનો એક્કો બની જાય. સાર એટલો જ કે પહેલા પોતાના વિરોધીઓને ખત્મ કરો અને બાદમાં રાજ કરો.

તો આખી વાર્તામાં જોકર કોણ સાબિત થયું ?

The Dark Knight પત્તાની ગેમ છે. બેટમેન એક્કો છે. કેદ થતો હાર્વી ડેન્ટ જોકરનો ગુલામ છે. રચેલ એ ક્વીન છે. જેમ્સ ગોર્ડન લાલનો બાદશાહ છે. બેટમેનનો ગુલામ જે ન કરવા છતાં કામ કરી રહ્યો છે તે Lucius Fox છે. (બેટમેને તેને પૂછ્યા વિના આર્મીને ગાડીનો કોન્ટ્રાક્ટ અપાવ્યો છે અને છેલ્લું કામ એમ કહી તમામના મોબાઈલ નેટવર્ક ટ્રેસ કરવાનું કહે છે.) જે જોકરનું 52 પત્તાની ગેમમાં કોઈ સ્થાન જ નથી તે જોકરે બધાને જોકર બનાવી રાખ્યા છે. 52 પત્તાની ગેમની બહાર રહી તેણે કેટલા ખેલ ખેલ્યા ? તેણે હાર્વી ડેન્ટને અપરાધની દુનિયામાં ધકેલી દીધો, તેણે હાર્વી ડેન્ટના ખુનના ગુનામાં બેટમેનને અપરાધી ઠેરવી દીધો, જે તેણે કર્યો જ નહોતો. તેણે બે તડપતા પ્રેમીઓ પાસેથી તેની ક્વીન છીનવી લીધી. તેણે ગોથમ શહેરના વાસીઓને એ સ્થિતિમાં લાવીને રાખી દીધા કે હવે કરો યા મરો !

વાર્તામાં વાર્તા

ફિલ્મ એ એક કહાની હોય છે. કેટલીક ફિલ્મોમાં કહાનીમાં કહાની હોય છે. Alfredની વાર્તા સાંભળીએ. ઘણા સમય પહેલા હું બર્મામાં હતો. ત્યાં રંગૂનમાં એક લૂંટારો લૂંટ મચાવતો હતો. ત્યાંના હિરાની ચોરી કરી તે ભાગી જતો હતો. અમે 6 મહિના સુધી તેને પકડવાની કોશિષ કરી પણ તે પકડાયો નહીં. ક્યાંક ગાયબ થઈ ગયો. પણ એક દિવસ એક છોકરો અમને મળ્યો. તેના હાથમાં એ હિરો હતો જે તે લુંટારો લુંટતો હતો. ખ્યાલ આવ્યો કે એ બસ પોતાની મઝા માટે પત્થરો લૂંટતો હતો.

વાર્તાનો સાર : કેટલાક લોકો બસ મઝા આવે એટલે કામ કરતા હોય છે. તેમનો કોઈ મકસત નથી હોતો.

બીજી વાર્તા જોકરની. જોકરની બેક સ્ટોરી ઘડવામાં ફિલ્મ લાંબી થઈ જાય. એટલે ડાયરેક્ટરે તેના મોઢામાં બે વાર્તા મુકી. તેમાંથી એક વાર્તા જાણીએ. મારા પિતા દારૂડિયા હતા. એક દિવસ ઘરે આવ્યા અને મારી માતાને મારવા લાગ્યા. હું તેમને જોઈ રહ્યો. મારી માતાએ રસોડામાંથી છરી લઈ લીધી. મારા પિતાએ તે છરી તેની પાસેથી આંચકી લીધી. મારી સામે જોવા લાગ્યા અને બોલ્યા, Why So Serious ફરી વખત મારી સામે જોઈ કહ્યું, Why So Serious અને બ્લેડ મારા ગાલમાં ખોસી દીધી.

વાર્તાનો સાર : તો બધા લોકો Serious શું કામે રહે ?

ડાઈલોગ

અભિનય ઉત્કૃષ્ટ છે. અગેઈન… સિનેમેટોગ્રાફી સાથે જોકરનો દરેક સીન કાર્ટૂન નેટવર્કના રિયલ જોકરની યાદ અપાવી જાય છે. Christopher Nolaને સાબિત કરી બતાવ્યું છે કે તે હોલિવુડનો બેસ્ટ ડાયરેક્ટર છે. બેટમેનના રોલમાં Christian Bale અમીટ છાપ છોડી જાય છે. પણ આ બધા The Dark Knightના ડાઈલોગ વિના અધૂરા રહી જાય છે. કોઈની મોબાઈલની સ્ક્રિન પર જોકરનો ડાઈલોગ ફરકતો હોય તો નવાઈ ન પામતા. જોકર નવી પેઢીનો મોટિવેશનલ ગુરૂ છે. જોકરના કેટલાક ડાઈલોગો મને અંગત રીતે ઘણા ગમે છે.

એ કામ મફતમાં ન કરો જેમાં તમે માહિર હો…. પાગલપન એ ગ્રેવિટી જેવું હોય છે તેને માત્ર ધક્કાની જરૂર હોય છે… બધું પ્લેન પ્રમાણે ચાલે તો લોકોને ગમશે નહીં, આવતી કાલે હું મીડિયામાં કહું કે એક ગેન્ગને શૂટ કરવાનો છું, કોઈને મઝા નહીં આવે પણ હું એમ કહું કે, હું મેયરને મારવાનો છું. તો બધા પાગલ થઈ જશે… શહેરને એક મોટા દરજ્જાના વિલનની જરૂર છે અને હું તે તેમને આપીશ.’

અથવા તો હાર્વી ડેન્ટના મુખે બોલાયેલો ડાઈલોગ, ‘કાં તો તમે હિરો તરીકે મરી જાઓ છો અથવા તો ખુદને વિલન બનતો જોવા લાંબો સમય જીવો છો’

કાશ Heath Ledger લાંબું જીવ્યું હોત….

READ ALSO

Related posts

પાકિસ્તાન: કરાચીમાં 320 રૂપિયા કિલો ટામેટા, લોકો 1-2 નંગ ખરીદવા મજબૂર

Bansari

રાજ્યસભામાં માર્શલનો ડ્રેસ બદલાયો, હવે સેના જેવો યુનિફૉર્મ પહેરશે

Bansari

મસ્કતી હોસ્પિટલ કર્મચારીની ફરિયાદમાં જાતીય સતામણી શેલને તપાસ સોંપાઈ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!