GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

Gone With The Wind : બસ પ્રિત કિયે સુખ હોય….

Mayur Khavdu :હોલિવુડ 100ની શરૂઆત થઈ ત્યારે દ્રિતિય વિશ્વયુદ્ધ પર આધારિત ફિલ્મ પીયાનિસ્ટથી પ્રારંભ કર્યો હતો. એ સમયે હોલિવુડ વોર ફિલ્મો પર કેવી રીતે આધાર રાખતું હતું તેના પર પણ પ્રકાશ પાડ્યો હતો. હવે હોલિવુડની જ એક એપિક વોર ફિલ્મની વાત કરવાની છે. એ વાર્તા 1861ની સાલની છે. જ્યારે અમેરિકામાં સિવિલ વોરનો પ્રારંભ થયો હતો. આજે દાયકાઓના દાયકા નીકળી ગયા હોવા છતાં એ વોર ફિલ્મ જરાં પણ એક્સપાયર નથી થઈ. નામ છે Gone with the Wind. જે એ જ નામની Margaret Mitchellની નવલકથા પર આધારિત હતી. 15 ડિસેમ્બર 1939માં આ ફિલ્મનું એટલાન્ટા ખાતે પ્રિમિયર યોજાયું હતું. જેમાં 3 લાખ લોકોએ હાજરી આપી હતી. ફિલ્મમાં Ashley Wilkesની બહેનનો રોલ જેણે પ્લે કર્યો હતો તેનું નામ ભારત દેશ પરથી રાખવામાં આવ્યું હતું. નામ હતું ઈન્ડિયા. બીજું કે લીડ એક્ટ્રેસ, Vivien Leigh દાર્જલિંગમાં જન્મી હતી. તેના બ્રિટીશ પિતા ભારતમાં ઓફિસર હતા.

અત્યારે તો ઘણી લાંબી ફિલ્મો બને છે પણ ગોન વિથ ધ વિન્ડ એ સમયે 226 મિનિટની સૌથી લાંબી ફિલ્મ હતી. જેનો રેકોર્ડ લાંબા સમય સુધી કોઈ અન્ય ફિલ્મ તોડી નહોતી શકી. ફિલ્મ જે નવલકથા પરથી બની છે તે નવલકથા મૂળ 1037 પાનાં જેટલી લાંબી છે. એટલે ફિલ્મ પણ લાંબી હોવાની જ. પરિણામે ફિલ્મ 226 મિનિટની થઈ. પણ એ વાતની ઘણા લોકોને ખબર નહીં હોય કે 240 પાનાંની સ્ક્રિપ્ટ હતી જેને જો સમય સંજોગો પ્રમાણે મહેનત કરી ટૂંકાવવામાં ન આવી હોત તો ફિલ્મ 6 કલાક જેટલી લાંબી થવાની સંભાવના હતી. 6 કલાક જેટલી ફિલ્મ લાંબી થઈ હોત તો પણ ફિલ્મની મઝામાં બિલ્કુલ કમી ન આવેત કારણ કે ફિલ્મ ફ્લોમાં… જેમ દરિયામાં હોડી જતી હોય તેમ જાય છે. એક ઓડિયન્સ તરીકે એવું લાગે કે ફિલ્મ પૂરી ન થાય તો જ સારું. તો આવી અદભૂત ફિલ્મની કહાની શું હતી ?

કહાની

ફિલ્મની વાર્તાની શરૂઆત થાય છે એક નટખટી છોકરી Vivien Leighથી. જે ખૂબ અમીર બાપની દિકરી છે. ઘણા બધા નોકરો ઘરમાં રાખેલા છે. તે જેને પ્રેમ કરી રહી હોય છે તેની સાથે તેના લગ્ન નથી થતા. જેને પ્રેમ કરે છે તે પરણી જાય છે Melanie Hamiltonને. Vivien Leighની છબી પણ સારી નથી. દરેક છોકરી એવું વિચારતી હોય છે કે Vivien Leigh પોતાના બોયફ્રેન્ડને તેની પાસેથી આંચકીને લઈ જશે. એવામાં Vivien Leighની મુલાકાત એક ધનાઢ્ય એવા Clark Gable સાથે થાય છે. જે અમીર હોવાનો રોફ જાડતો હોય છે. પોતાના પ્રેમી સાથે લગ્ન ન થતા જે ગમતો નથી તેવા વ્યક્તિ સાથે Vivien Leigh મેરેજ કરી લે છે. હવે સિવિલ વોરની શરૂઆત થઈ ચૂકી છે. તમામ પુરૂષોને યુદ્ધમાં જઈ પોતાના દેશ માટે લડવાની અને મરી છૂટવાની તમન્ના જાગે છે. જેમાં Vivien Leighના પતિનું નિધન થાય છે. નાની ઉંમરે વિધવા થઈ હોવા છતાં તેના મનમાં જરા પણ અફસોસ કે રંજ નથી. તે તો બસ નવેસરથી પોતાની ઝિંદગી જીવવા માગે છે. બીજી તરફ
Melanie Hamiltonના પતિની વાપસી થતાની સાથે જ તે તેની સાથે નૈન મટક્કા કરવા લાગે છે. ત્રીજી તરફ તેના પર Clark Gableની પણ નજર છે. જે તેને પોતાની જીવન સંગીની બનાવવાના ખ્વાબ જોતો હોય છે. હવે આટલા બધા પ્રણયોનો ફાગ ક્યાં જઈ ખીલે છે આ માટે ફિલ્મ જોઈ લેવી.

એક અદભૂત ફિલ્મ

એક પરફેક્ટ સમયે કહેવાયેલી પરફેક્ટ કથા. 1939માં જ્યારે ફિલ્મ રિલીઝ થઈ એ સમયે બીજા વિશ્વયુદ્ધના ભણકારા દુનિયાભરમાં વાગી રહ્યાં હતા. એ સમયે જ જો સિવિલ વોર કેવું ભયાનક અને ભયાવહ હતું તેની દાસ્તાન વર્ણવવામાં આવે અને ભેજા ફરેલા નટખટોને આ વાતનો જરા પણ અંદેશો આવે તો યુદ્ધ ત્યાં જ રોકાય જાય. આમ છતાં 1939માં શરૂ થયેલું યુદ્ધ હિરોશીમા અને નાગાસાકીએ સમાપ્ત થયું. આ ફિલ્મ જોયા બાદ લોકોને વિચાર સુદ્ધા કરવાનો સમય ન રહ્યો કે ફિલ્મમાં જે દર્શાવવામાં આવ્યું છે તે વિશે સમજીને પણ યુદ્ધ ન કરીએ. યુદ્ધમાં સૈનિક લડવા જાય ત્યારબાદ તેના પરિવાર ઉપર શું વિતતી હોય છે તેનું અહીં દારૂણ ચિત્ર ઉપસાવવામાં આવ્યું છે.

ફિલ્મનો મેઈન પ્રોટોગોનિસ્ટ એ કોઈ હિરો હોય તેવું લાગે, પણ ના મેઈન પ્રોટોગોનિસ્ટ હિરોઈન છે. જેને લાલસા છે પ્રેમની. એક વ્યક્તિ માટે તે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેવા માટે તૈયાર છે, પણ તે વ્યક્તિ બીજી વ્યક્તિને ઈમાનદાર છે. તેની ઈમાનદારીમાં રંભા જેવી અભિનેત્રી વિશ્વામિત્ર જેવા અભિનેતાના પ્રેમને ડગાવી નથી શકતી.

ડાયરેક્ટર Victor Fleming એક્ટ્રેસના પાત્રમાં લાલસાની સાથે સાથે અનમેચ્યોરીટીના બીજનું સ્થાપન કર્યું છે. તે બાળકી જેવી છે. તેને જે જોઈએ તે તે મેળવીને જ રહે છે. પણ આ દુનિયામાં તમામ વસ્તુ પૈસાથી નથી ખરીદી શકાતી. સુંદર દેખાવાથી કોઈ પુરૂષને આકર્ષિત કરી નથી શકતું. મનનો પણ મેળાપ જોઈએ. ધોળો તો મોઢા પર લગાવવાનો પાઉડર પણ છે, પણ તેનાથી રોટલીનો લોટ તો નથી જ બંધાતો ને ? ડાયરેક્ટરે યુઝ કરેલી પ્રેમની ફિલોસોફી અલ્ટીમેટ છે. એક સમાન્ય વાર્તાની જેમ નોનલીનીયર સ્ટાઈલમાં વળાંક લેતી કહાની ચાલી જાય છે. સીધી રેખામાં જ લકીર ખેંચવાની છે. કલ્પનાના ઘોડા નથી દોડાવવાના કે હવે આગળ શું થશે ? કહાનીને તેની મેળે જ દોડવા દેવાની છે. જો તમે એવું વિચારશો કે આમ નહીં ને આમ થવું જોઈએ તો એક સિનેમા પ્રેમી તરીકે તમે ખુદ સાથે અને ક્લાસિક સિનેમા સાથે પણ દગો કરી બેસશો.

એક આર્મીમેન તરીકે દેશદાઝની ભાવના અચૂક હોવાની પણ મૂર્ખતા પણ ભરેલી હોય તે ફિલ્મમાં પાર્ટી દરમિયાનના સીનમાં દેખાશે. જ્યાં તમામ જ્યોર્જીયનવાસીઓ અમેરિકન સામે જંગ જીતી જ જશે તેવા ઓરતા સેવતા હોય છે. ભલે અમેરિકનો પાસે આધુનિક હથિયારો રહ્યાં આમ છતાં પોતે તો હારવાના જ નથી તેવી હાંક્યા રાખે છે. આ વાક્ય બિલ્કુલ એવું જ છે જે રીતે પાકિસ્તાન જીતના દાવા કર્યા રાખતું હોય અને છેલ્લે વારો હારવાનો જ આવે.

જ્યોર્જીયાનું લોકેશન બહેતરીન છે, પણ ઈન્ટરનેટ પર ઘણી જગ્યાએ એ વાતનો વારદાતની માફક ખુલાસો થાય છે કે એ લોકેશન ત્યાંનું છે જ નહીં. આવું કઈ રીતે બની શકે. આવું એ માટે બને છે કારણ કે ફિલ્મનું શૂટિંગ એક ફાર્મ હાઉસને ભાડે રાખી કરવામાં આવ્યું હતું. ઉપરથી નવલકથામાં જે તારા નામનું સ્થળ છે તે પણ જ્યોર્જીયામાં કોઈ જગ્યાએ નથી. એ ફિક્શનલ સ્થળ છે. આર.કે.નારાયણની માલગુડીની માફક.

ફિલ્મની બીજી મોટી વાત દહેશતની છે. યુદ્ધ દરમિયાન મહિલાઓ વારંવાર દહેશતનો પોતાના સંવાદ અને ચહેરામાં ઉલ્લેખ કરતી જોવા મળે છે. પોતાનો પિયુ યુદ્ધ લડવા ગયો છે પણ એ જીવતો આવશે કે નહીં. તેની ચીઠ્ઠીઓ મળ્યાં રાખે છે અને નોટિસ બોર્ડમાં જેમ પરિણામ જાહેર થતાં તેમ જાહેર થયા કરે છે કે, ‘આ ભાઈ રહ્યાં અને આ ભાઈ જગતીયું થયા.’

Ernest Hallerની સિનેમેટોગ્રાફી પાવરફુલ છે. કોઈ મુશ્કેલ શોટ તેને ફિલ્માવવાનો નથી. છતાં દો બીઘા જમીન પહેલા બનેલી આ ફિલ્મ સિનેમેટોગ્રાફીની દ્રષ્ટિએ 2019માં બનીને તૈયાર થઈ હોય તેવી અનુભૂતિ થશે. હોલિવુડ હિન્દી સિનેમાંથી આગળ કેમ છે તેનું આ સૌથી મોટું ઉદાહરણ છે. અગાઊ આપણે નવલકથાની લંબાઈ અને બાદમાં સ્ક્રિપ્ટની લંબાઈની વાત કરી હતી કે ફિલ્મ કેવી રીતે 6 કલાકની લાંબી થતા રહી ગઈ. આ ફિલ્મના એડિટરને દાદ આપવી જોઈએ. આટલી લાંબી ફિલ્મ મનોરંજક બને, ક્લાસિક બને અને લંબાઈ આંખમાં પેસી ગયેલા કણાની માફક ખૂંચે નહીં તેનું તેણે ખૂબ ધ્યાન રાખ્યું છે. એક રીતે કહો તો ઓડિયન્સે એડિટર Hal C. Kern અને James E. Newcomને આશિર્વાદ આપવાની જરૂર છે.

આ ફિલ્મ અભિનેતાઓને એ વસ્તુ શીખવે છે કે પાત્ર પ્રમાણે તો એક્ટિંગ કરો જ પણ પાત્રોની મેચ્યોરિટી પ્રમાણે એક્ટિંગ કરો. Scarlett O’Hara નાદાન છે તો તેની સામે ત્રણ લોકો જીવનની તમામ લીલી સુકી જોઈ ચૂક્યા હોય તે રીતે વાત કરે છે. એક્ટિંગમાં માત્ર અભિનય નહીં પણ જો પાત્રની ઉંમર હોય તો તે ઉંમરના હિસાબે અભિનય કરવાથી એ પાત્ર જેવું નવલકથા વાંચતી વખતે કોઈ વાંચકને થતું હશે કે આવું હોવું જોઈએ તેવું જ ઉપસી આવશે. જેમને લવસ્ટોરી અને ડ્રામા જોવાની ખૂબ તમન્ના હોય તેમના માટે આ લેખ અહીં પૂરો થાય છે. તો અત્યારે જ ફિલ્મ ડાઊનલોડ કરી જોઈ લેવી. ક્લાસિક જોશો તો ક્લાસિક બનાવવાની પણ પ્રેરણા મળશે.

READ ALSO

Related posts

પોર્ન સાઈટ પરથી આ કારણે વીડિયો હટાવી રહી છે મિયા, પોર્ન સ્ટારે એડલ્ટ ઈંડસ્ટ્રી પર લગાવ્યા ગંભીર આરોપ

Pravin Makwana

સોશિયલ મીડિયા પર એક પોસ્ટના 7 કરોડથી વધારે કમાય છે આ સ્ટાર્સ, ટોપ 10માં નથી એક પણ ભારતીય

Pravin Makwana

યુવા દિલો ઉપર રાજ કરતો હોલીવુડનો આ સિંગર યૌનશોષણનાં આક્ષેપ મામલે હવે ભરશે આ પગલા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!