GSTV
Home » News » 95-ET: The Extra-Terrestrial : જે ફિલ્મ મહાત્મા ગાંધી સામે હારી ગઈ હતી

95-ET: The Extra-Terrestrial : જે ફિલ્મ મહાત્મા ગાંધી સામે હારી ગઈ હતી

Mayur Khavdu : ET: The Extra-Terrestrial સ્ટીવન સ્પીલબર્ગની આ ક્લાસિક સાયન્સ ફિક્શન ફિલ્મે હિન્દીમાં પડતર અંદાજ કિંમત જેવી કોઈ મિલ ગયાને પ્રેરણા આપી હતી. કોઈ મિલ ગયાથી હિન્દી સિનેમાને એક ફાયદો થયો હતો. આ ફિલ્મથી ભારતને તેનો પહેલો થીએટર સુપરહિરો ક્રિષ મળ્યો હતો. આ સિવાય શક્તિમાનમાં પણ કેટલાક અગોચર એલિયન જીવોની વાતોને લઈ એક એપિસોડ બનાવવામાં આવ્યો હતો. સાફ શબ્દોમાં કહી શકીએ કે, સ્પીલબર્ગ નહોત તો ભારતીય ફિલ્મોનો ઉદ્ધાર કેમ થાત ?

ET: The Extra-Terrestrial ફિલ્મથી અનંત આશા અને આશા અમર છે, સહિત અગાઢ અને અતૂટ પ્રેમની ભાવના શીખવા અને જોવા મળે છે. ફિલ્મનો થોડો ઘણો સંદર્ભ wizard of ozમાંથી પણ મળી રહે છે. મનુષ્ય લાગણીના સેતુની વચ્ચે જીવતું પ્રાણી છે. એમાં ય બાળક પાસેથી લાગણીની વધારે આશા રાખી શકીએ. બાળકને ખ્યાલ નથી કે શું સારું અને શું ખરાબ છે ? તેને તો બસ પોતાની નજર સામે જે આવે અને જે સારું લાગે તેની જ અપેક્ષા હોય છે.

કહાની

કેલિફોર્નિયાના જંગલમાં એલિયનોનું એક નાનું એવું ઝુંડ આવે છે. તેમની ઉડનતસ્તરી ત્યાં ઉતરે છે અને થોડીવારમાં અજબ ગજબ આકૃતિ ધરાવતા એલિયનો ધરતી પર આટા મારવા માંડે છે. જ્યાં તેઓ ઉતર્યા છે તે જગ્યા કેલિફોર્નિયાનું જંગલ છે. જેની તેમને ખબર નથી. (એલિયનોને ત્યારથી અમેરિકા વધારે માફક આવી ગયું છે.) થોડી વારમાં એલિયનો ત્યાંથી ચાલ્યા જાય છે અને પાછળ એક એલિયન ત્યાં રહી જાય છે. એલિયનોના વાહન જેને યુએફઓ કહેવાય છે તેમાં પરત ફરવા માટે તે જીવ ધમપછાડા કરે છે પણ કંઈ થતું નથી. આખરે તે એકલું અટુલું રહી જાય છે. બીજી તરફ ઈલિયટ નામના નાના એવા છોકરાને તે એલિયન મળી જાય છે. પોતાના ભાઈને અને બાદમાં ધીમે ધીમે પરિવારના લોકોને પણ આ વિશેની ખબર પડી જાય છે. છેલ્લે સુધી તે લોકો પરિવારના મોભી એવી તેની માતાને કશું કહેતા નથી. અજાણ માતાને જ્યારે આ વાતની જાણ થાય છે ત્યારે શું બોલવું શું ન બોલવું તેની ગડમથલમાં તે મુકાય જાય છે. એલિયનને ફરી તેના ગ્રહમાં મોકલવા માટે ઈલિયટ અને તેનો ભાઈ માઈકલ તૈયારી કરી લે છે, પણ ત્યાં સુધીમાં અમેરિકનોને આ જાનવરની ભનક લાગી જાય છે. અંતે તો ઈલિયટ તેને તેના ઘરે મોકલીને જ જમ્પે છે.

ETની દુનિયા

ઉપર જે વાર્તા વાંચી તે એક રીતે તો નર્યા નાટક સિવાય કંઈ લાગે તેવું નથી. 1982ની સાલમાં આ ફિલ્મ રિલીઝ થઈ હતી ત્યારે ET દુનિયાભરના લોકો માટે કૌતુક બનીને ઉભરી હતી. આ પહેલા સ્ટાર વોર્સમાં એલિયનો કેવા હોય છે તેનો એક ચહેરો વિશ્વ જોઈ ચૂક્યું હતું, પણ ET આ તમામ ફિલ્મો કરતા અલગ એ રીતે તરી આવે છે કે ફિલ્મમાં એક બાળક અને એક અજાણી દુનિયાના જાનવર વચ્ચેનો પ્રેમ દર્શાવવામાં આવ્યો છે.

રોજ જોગિંગ માટે નીકળતા લોકો કૂતરાને સાથે લઈને નીકળે છે. જો બીજી દુનિયામાંથી કોઈ એલિયન આપણી દુનિયામાં આવી જાય તો સંભવ છે તેને કૂતરો ઈવન માણસ પણ એલિયન જ લાગે. આમ છતાં તેને પ્રેમ કરવો એ મોટી વાત હોવાનું ફિલ્મમાં ફિલીંગ દ્રારા દર્શાવવામાં આવ્યું છે.

મૂળ તો રાઈડર્સ ઓફ ધ લોસ્ટ આર્કની ટ્યુનિશિયામાં કરવામાં આવેલી શૂટિંગ દરમ્યાન ડાયરેક્ટર સ્ટીવન સ્પીલબર્ગ ખૂબ જ બોર થઈ ગયા હતા. તેમને પોતાનું શૈશવ યાદ આવતું હતું. કોઈપણ કલાકાર પોતાના જીવનમાં પોતાના બાળપણને પોતે કરેલા સર્જનમાં લાવવા જ માગતો હોય છે. સ્પીલબર્ગ તેનું મસમોટું ઉદાહરણ છે. આ શૈશવને ફરી જીવંત કરવા માટે મેલિશા મેથિશોન નામની સ્ક્રિન રાઈટરને સ્પીલબર્ગે એક પ્લોટ ઘડવાનું કહ્યું. એ પ્લોટ ઓલરેડી ફ્લોપ હતો આમ છતાં સ્પીલબર્ગે તેના પર કામ શરૂ કર્યું. આખરે ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થઈ અને સામે આવી ET.

ફિલ્મ સાયન્સ ફિક્શન રાઈટર જે.એમ બેરી અને એચ.જી વેલ્સની વચ્ચેનું ક્લોઝ એન્કાઉન્ટર છે. તો પણ ફિલ્મના કેટલાક પાર્ટ એવા છે જે આ બંન્ને રાઈટર્સની કૃતિઓમાંથી કોપી કેટ થતા બચાવી લે છે. નવી પેઢી જેમણે ETની દુનિયા નહીં જોઈ હોય તેમને બાદમાં થોડું ઘણું સ્ટ્રેન્જર થીંગ્સ અને ETના નાના ભાઈ જેવા IT જેવું લાગશે કારણ કે બંન્નેમાં બાળપણની મિત્રતાનું ક્લોઝ બોન્ડિંગ છે. ETમાં તો પરિવારના બે ભાઈઓ અને એક બહેનનું ક્લોઝ બોન્ડિંગ દર્શાવવામાં આવ્યું છે. કોમન વસ્તુમાં સાઈકલને ગણવી રહી કારણ કે સાઈકલ સ્પીલબર્ગ અને સ્ટીવન કિંગમાં આવતો કોમન પાર્ટ છે.

ઈલિયટની માછલીનો આવતો સીન એ સ્પીલબર્ગની જ ફિલ્મ JAWમાં આવતા સીનનું રિપીટ વર્ઝન છે. ઈલિયટના ભાઈ માઈકલે ફિલ્મમાં એક ટીશર્ટ પહેરેલું છે. એ ટીશર્ટમાં એલિયનો ધરતી પર આક્રમણ કરે છે તેવું દર્શાવવામાં આવ્યું છે. મતબલ કે આ દુનિયા જીવવા જેવી છે કે નહીં તેનું સ્પીલબર્ગે સીન ટુ સીન કોઈ કાવ્યની માફક વર્ણન કર્યું છે. હજુ પણ પ્રાણીઓને લગતા આવા બે દ્રશ્યોના દિવ્ય દર્શન ફિલ્મ જોતી વખતે થશે. બસ આ વસ્તુઓ એક દર્શક તરીકે પકડતા આવડવી જરૂરી છે.

ET અને ફિલ્મનો મૂળ સંદેશ એક જ છે. શાંતિ. ફિલ્મમાં ET કોઈ હિંસક પ્રદર્શન નથી કરી રહ્યો. તે પોતાના જાદુ દ્રારા વાયોલન્સ નથી ફેલાવતો બલ્કે તે તેની વિરૂદ્ધ હોય તેવું જોવા મળી જાય છે. જ્યારે બીજી તરફ માણસો તેના પર પરિક્ષણ કરી હિંસા કરશે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.

સ્પીલબર્ગે ન્યૂયોર્ક ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યૂમાં સરસ કહ્યું હતું, ‘ખબર નહીં એલિયન UFO જેવું કંઈ છે કે નહીં પણ તેની કલ્પના કરવી સારી લાગે છે.’

દરેક વ્યક્તિની અંદર કલ્પના ઠાંસી ઠાંસીને ભરેલી હોય છે. એ કલ્પનાને સાકાર કરવાની દિશામાં સ્પીલબર્ગે એકવાર નહીં બે વાર નહીં પણ અનેક વખત પગલાં ભર્યા છે. તેમને સંશોધક બનવું હતું તો તેમણે રાઈડર્સ ઓફ લોસ્ટ આર્ક બનાવી, તેમને વિશ્વયુદ્ધમાં જીતવું હતું તો વોર હોર્સ અને શીન્ડલર્સ લિસ્ટ બનાવી, તેમને ડાયનાસોરની દુનિયા જોવી હતી તો જુરાસિક પાર્ક બનાવી, અને તેમને પોતાનું બાળપણ જીવવું હતું તો ET બનાવી નાખી. ઈરફાન ખાને કહ્યું છે કે, ‘અભિનેતા એ વ્યક્તિ છે જેને એક જીવનમાં અનેક ઝિંદગી જીવવાની તકો મળતી હોય છે…’ સ્પીલબર્ગને ડાયરેક્ટર સિવાય પણ ઘણું બધું બનવું હતું અને તે તેઓ તેમની ફિલ્મના માધ્યમથી બની ગયા.

1982ની સાલમાં ETની સામે મહાત્મા ગાંધીની બાયોપિક ગાંધીની ઓસ્કરમાં ટક્કર હતી. ગાંધીને 11 ઓસ્કર નોમિનેશન મળ્યા હતા. ડાયરેક્ટર હતા Richard Attenborough. ETને 9 ઓસ્કર નોમિનેશન હતા. Richard Attenborough ET ફિલ્મ જોવા ગયા એ પછી તેમના મનમાં શું ચાલતું હતું તેનું તેમણે 2008ના ઈન્ટરવ્યૂમાં શબ્દેશ: વર્ણન કર્યું છે. Richard Attenborough કહ્યું હતું, જો ET સામે ગાંધીની ટક્કર છે તો જીતવું મુશ્કેલ છે.

જો કે બાદમાં જીત ગાંધીની થઈ હતી. જોગ સંજોગ બંન્ને ફિલ્મો એક જ થીમ પર ચાલતી હતી. એ થીમનું નામ હતું શાંતિ અને અહિંસા.

READ ALSO

Related posts

93-The Exorcist : કોઈના શરીરમાં ભૂત ઘર કરી જાય તો કેવી રીતે ભગાવવું ?

Mayur

94-The Revenant : વાત એક એવા માણસની જે મર્યા બાદ પણ પરત ફરે

Mayur

96-The Dark Knight : શહેરને એક ‘CLASS’ વિલનની જરૂર છે અને હું તે તેમને આપીશ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!