GSTV
Home » News » Avatar : બહાદુરીનું ઈન્જેક્શન મેડિકલની દુકાનમાં નથી મળતું

Avatar : બહાદુરીનું ઈન્જેક્શન મેડિકલની દુકાનમાં નથી મળતું

Hollywood 100 Avatar movie review

Mayur Khavdu : માણસ જાતને કોઈ વસ્તુમાં ઓતપ્રોત કરવાનું કામ કૃતિ કે ફિલ્મની જર્ની કરે છે. ગુજરાતી જ નહીં અંગ્રેજી ભાષાની નવલકથાઓમાંથી સસ્પેન્સ અને સસ્પેન્સની ખોજ કરવા માટે પાત્રો દ્રારા કરવામાં આવતી મથામણની બાદબાકી કરી નાખવામાં આવે તો બાકી શું રહે ? Avatar માં શું હતું ? એક જર્ની હતી, એડવેન્ચર હતું, લોભ હતો, લાલચ હતી, ષડયંત્ર હતું, એક્શન હતી, અને હોલિવુડને જે જોઈએ તે સ્પેશિયલ ઈફેક્ટ પણ હતી.

1977 માં આવેલી ફિલ્મ સ્ટાર વોર્સે વિઝ્યુઅલ ઈફેક્ટ અને ફેન્ટસીની દુનિયામાં લઈ જવાનું કામ કર્યું હતું. સ્ટાર વોર્સના એ પછી અઢળક ભાગ આવ્યા. ટેકનોલોજી આગળ વધતી ગઈ અને ફિલ્મને જોવાની દર્શકોની દ્રષ્ટિ પણ બદલતી ગઈ. આમ છતાં 1977 ની સ્ટાર વોર્સનું સ્થાન છે તેવું કોઈ ફિલ્મનું નથી. સ્ટીવન સ્પીલબર્ગે ET બનાવી અને વાહવાહી લૂંટી લીધી. જેની પડતર બજાર કિંમત જેવી કોઈ મિલ ગયા આપણે ત્યાં બની ચૂકી છે. લોર્ડ ઓફ ધ રિંગ્સ આવી જેણે લાંબી એડવેન્ચર સ્ટોરીથી દર્શકોને જકડવાનું કામ કર્યું. જેની નબળી પ્રતિકૃતિ પણ સબળ રીતે પકડી રાખતી હોબિટ બાદમાં બની. આ તમામ ફિલ્મોમાંથી મનોરંજ મળે છે કારણ કે તેમાં જર્ની છુપાયેલી પડી છે.

Hollywood 100 Avatar

ડાયરેક્ટર James Cameron એ ટાઈટેનિક જેવી લવસ્ટોરી સાથે વિઝ્યુઅલ ઈફેક્ટનો તડકો મારી હોલિવુડમાં પોતાનું નામ બનાવ્યું હતું. રેમ્બો અને ટર્મિનેટરનો સ્ક્રિનપ્લે પણ જેમ્સે જ લખ્યો હતો. ક્યાંક તેમણે ફિલ્મો ડાયરેક્ટ કરી ક્યાંક ફિલ્મના સ્ક્રિનપ્લેમાં તેમણે કમાલ કરી બતાવી. ટર્મિનેટર ભારતમાં ખૂબ ચાલી અને આર્નોલ્ડને અમેરિકાથી દૂર પણ કોઈ જાણતું થયું તેનું કારણ આ ફિલ્મ હતી.  1990 ની આસપાસ જન્મેલા બાળકોમાં હોલિવુડને પોપ્યુલર બનાવવાનું કામ બે લોકોએ કર્યું હતું. સ્ટીવન સ્પીલબર્ગની જુરાસિક પાર્ક હતી જેને અંગ્રેજી ન સમજતા લોકો પણ તેના કદાવર જાનવરોની બનાવટના કારણે જોતા હતા અને બીજા જેમ્સ કેમરૂન જેની ટાઈટેનિક બાદમાં ટીવી પર વારંવાર દેખાડવામાં આવી અને હોલિવુડ ફિલ્મો ફરજીયાત જોવી જોઈએ તેવી માનસિકતા ભારતના લોકોમાં ઘર કરી ગઈ.

Hollywood 100

2000 ની સાલ બાદ ભારતમાં સ્ટાર ગોલ્ડ અને સ્ટાર મુવીસમાં વારંવાર આવતી ફિલ્મો અને ગમતી ફિલ્મોમાં જેમ્સ કેમરૂનનો મહત્વનો ફાળો રહ્યો છે. એ પછી જેટલી પણ ફિલ્મો બની અને આજે પણ બને છે તેમાં કેમરૂન સ્ટાઈલ ન ઘુસાડવા છતાં ઘુસી જાય છે. કેમરૂનને જોઈ દિગ્દર્શન ક્ષેત્રમાં પગ મુકનારાઓની પણ કમી નથી. ટ્રાન્સફોર્મરની સિરીઝો હોય, માર્વેલના સુપરહિરો હોય કે દર અઠવાડિયે થીએટરમાં ચિત્ર-વિચિત્ર પ્રાણીઓ સાથે રિલીઝ થતી ફિલ્મો હોય, આ તમામ વસ્તુ તમે કે હું એટલે જોઈએ છીએ કારણ કે જેમ્સ કેમરૂને Avatar માં એ ટેક્નોલોજીનો પહેલો પ્રયોગ કર્યો હતો. હા, જો કે એ ટેક્નોલોજી સૌથી પ્રથમ વાપરનારા શ્રીમાન સ્પીલબર્ગ જ હતા. બાકી તેના જન્મદાતા કેમરૂનને માનવા રહ્યા.

Hollywood 100

કેમરૂને જ 2009 ની સાલમાં દુનિયાભરને પાગલ કરી દીધેલી. ફિલ્મ હતી Avatar. એ સમયે સ્માર્ટફોન આવ્યા નહોતા જેથી પત્રકારો, કોલમિસ્ટોનો દબદબો હતો. હિન્દી, અંગ્રેજી કે ઈવન ગુજરાતી ભાષાના અખબારો ખોલવામાં આવે તો Avatar ની હિસ્ટ્રી અને તેના રિવ્યુ સિવાય કંઈ દેખાતું ન હતું. ઓસ્કરમાં પહોંચેલી અવતાર હર્ટ લોકર સામે હારી ગઈ. જે તેની જ પત્ની કેથરિન બિગેલોએ બનાવી હતી. આજે અવતાર તમામ લોકોને યાદ છે પણ હર્ટ લોકર ? અવતારે દુનિયાભરમાંથી અઢળક પૈસા ઉલેચ્યા. જેટલા ખર્ચ્યા તેટલા સુત સમેત પાછા મળી ગયા. આખરે Avatar નો રેકોર્ડ 2019 માં અવેન્જર્સ એન્ડગેમે તોડ્યો. પૂરા 10 વર્ષે તૂટ્યો.

Hollywood 100 Avatar movie review

કહાની

Avatar ની વાર્તા છે સન 2145 ની સાલની. જ્યારે માનવ પૃથ્વીની બહાર આવેલા ગ્રહોમાં પોતાના અડ્ડાઓ સ્થાપી ધરતીઓ હડપતો થયો છે. પેન્ડોરા નામનો એક ગ્રહ છે. આ ગ્રહમાં બ્લુ કલરના અર્ધ-મનુષ્યો વસવાટ કરે છે. કોઈ આદિવાસી પ્રજા જેવા બિહામણા લાગે છે. તેમની પાછળ જાનવરોની માફક પૂંછડી છે. તેમનું શરીર બાસ્કેટબોલના પ્લેયર કરતા પણ મોટું એટલે કે 10 ફૂટનું (3મીટર) કદ ધરાવે છે. રિવાજો અને માન્યતાઓમાં પેન્ડોરાના નાવી લોકો ખૂબ માને છે. પણ હવે તેમના પર માનવ નામની મુસીબત આવી ચૂકી છે. જે તેમની પ્રજાતિને નહીં પણ તેમની પ્રજાતિ પાસે પડેલી કેટલીક અમૂલ્ય વસ્તુઓ પર મીટ માંડી બેઠા છે. આ માટે વર્ષોથી પેન્ડોરા ગ્રહ પર અમેરિકનો વસવાટ કરી રહ્યા છે. આર્મી છે અને સાથે પેન્ડોરાવાસીઓ માટે લાગણી ધરાવતા ઈન્ટેલિજન્ટ ડોક્ટરો છે. એવામાં ધરતી પરથી Jake Sully ની પસંદગી થાય છે. જે એક સમયે આર્મીમાં રહી ચૂક્યો હોય છે. તેનો ભાઈ પેન્ડોરમાં જ મૃત્યું પામ્યો છે.Jake Sully અપંગ છે પણ બહાદુર છે. તે પેન્ડોરામાં જાય છે જ્યાં તેની મુલાકાત અન્ય ડૉક્ટર્સ સાથે થાય છે. આર્મીનો વડો Colonel Miles Quaritch તેને સમજાવી પેન્ડોરાવાસીઓને ફોસલાવવાનું કહે છે અને તેમની કિંમતી ધાતુ મેળવવા માટેની ચાલ રચે છે. અહીં દરેક વ્યક્તિ પેન્ડોરાવાસીઓની માફક ક્લોન બને છે. એક શરીર ઉંઘે છે અને બીજું શરીર જાગૃત થાય છે. જેમાં અકસ્માતે Jake પેન્ડોરાવાસીઓના ગ્રહમાં ટ્રેનિંગ દરમ્યાન ખોવાઈ જાય છે. જ્યારે તે ત્યાંથી બહાર આવે છે તો Neytiri નામની એક નાવી યુવતીને મનાવી લે છે. હવે તેનું રોજ આવન-જાવન થઈ જાય છે. પણ હવે Jake ને નાવીઓની દુનિયા સાથે અપ્રતિમ લગાવ થઈ ગયો છે. તેને Colonel Miles Quaritch ના ષડયંત્રનો ખ્યાલ આવી જાય છે, પણ ત્યાં સુધીમાં મોડુ થઈ ગયું છે. હિટલર જેવી માનસિક અને બેનિટો મુસોલીની જેવી શારીરિક પ્રતિભા ધરાવતો Colonel Miles પેન્ડોરા ગ્રહના નાવી લોકોનું પવિત્ર વૃક્ષ ધરાશાયી કરી દે છે. આ માટે શંકાના ઘેરામાં Jake અને તેના સાથીઓ આવે છે, પણ હવે Jake તેમનું દિલ જીતી પેન્ડોરા ગ્રહને બચાવવામાં લાગી પડે છે. જેમાં શું થાય છે તેની કહાની એટલે Avatar…..

Hollywood 100 Avatar movie review

Motivation Avatar

બહાદુરીનું ઈન્જેક્શન મેડિકલની દુકાનોમાંથી નથી મળતું. તે યૌદ્ધા પોતાના જન્મતાની સાથે લઈને જન્મે છે. પછી ગમે તેવી વિપરિત સ્થિતિ હોય. અહીં કેમરૂનનો નાયક અપંગ છે. તે હંમેશાં વ્હિલચેરમાં રહે છે. તેનો ચહેરો જોઈ તેની આસપાસના લોકો પણ તેની દયા ખાય છે. છતાં પ્રોટોગનિસ્ટ કેટલો બહાદૂર છે તે સ્ત્રીને પુરૂષથી મારતા બચાવવાના તેના પહેલા સીનમાંથી જ ખ્યાલ આવી જાય છે. જેથી ક્યાંક નાયકના હ્રદયમાં લાગણી અને પોતે નબળો હોવા છતાં પોતાનાથી મજબૂત લોકોને મદદ કરવાની તેની વૃતિથી સ્ક્રિન પર પ્રેઝન્ટ થયેલું પહેલું દ્રશ્ય હિરો ગબ્બરને મારી શકવા સક્ષમ હોવાનું પ્રસ્થાપિત કરી દે છે.

Hollywood 100 Avatar movie review

તમારી આવડત પર તમામ લોકોને શંકા હોવાની જ છે. જ્યારે નવા વ્યક્તિની નિમણૂંક થાય ત્યારે હેડને પોતાનો જૂનો કર્મચારી અચૂક યાદ આવતો હોય છે. તે કેટલો મહેનતુ હતો, તે કેટલો બાહોશ હતો, તે કેટલો સક્ષમ હતો જ્યારે રિપ્લેસમેન્ટમાં મળેલો વ્યક્તિ કેવો છે ? Dr. Grace Augustine ની આ વિચારધારાને નાયક Jack ખોટી પાડે છે. આ સમગ્ર સીનનો અર્થ થયો કે તક મળે ત્યારે ઝડપી લેતા આવડવી જોઈએ અને લોઢું ગરમ હોય ત્યારે હથોડો થોર કરતા પણ વધારે જોરથી ફટકારવાની શક્તિ હોવી જોઈએ. ત્યારે જૂનામાં નવું તાંબામાં સોનું ભળે તેમ ભળી જાય.

સીન નંબર ત્રણ. તમને તમારી શક્તિઓ પુરવાર કરવાની તક એક જ વખત મળે છે. Jack નાવીઓ પાસે પ્રશિક્ષણ લઈ રહ્યો છે. એ પણ એવી તાલીમ જેને વીઝ્યુઅલી જોતા દર્શક માની બેસે કે અહીં જીતવાના ચાન્સિસ જેટલા ગણો તેટલા પણ આપણું લશ્કર સો ટકા હારવાનું છે. આમ છતાં તેની હિંમત અને પોતાનાથી ડબલ અનુભવીઓને પછાડવાની તેની આવડત તેને નાવીઓમાંથી એક બનાવે છે. વધુમાં તે પેન્ડોરાના સૌથી ખતરનાક જીવને તાબે કરી એ સાબિત કરી બતાવે છે કે તેનામાં મહાન થવાના ગુણ પણ છે. જુઓ, માણસ આ દુનિયાનું એક માત્ર પ્રાણી છે જે તેના મગજના બળે દરેક વસ્તુ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. સૂંઠ સુંઘીને ગાંધી થનારાઓની સંખ્યા ઘણી છે પણ ગાંધીના વિચારો પર ચાલવું કેટલું આકરૂં છે તે તો તેમની આત્મકથા વાચો અને બાદમાં જીવનમાં એપ્લાઈ કરો તો ખ્યાલ આવે. Avatar માં નાયક માટે આટલી વિષમ પરિસ્થિતિઓ રહી છે. ઉપરથી ન માત્ર તે નાવીઓનો મસીહા બને છે પણ તેમને બચાવે પણ છે.

સીન નંબર 4 જ્યારે લીડરની મોત થઈ ચૂકી છે ત્યારે ખૂદ લીડર બની જાઓ. Eytukan ની જ્યારે મોત થઈ જાય છે તો લીડર બનવાનો વારો નાવીઓના નિયમ પ્રમાણે Tsu’tey આવવો જોઈએ, પણ તે ગુસ્સેલ છે. વિરોધી પ્રકૃતિનું માનસ ધરાવે છે. Jack સાથે તેને બાપે માર્યા વેર છે. આમ છતાં Jack ફિલ્મની છેલ્લી 59 મિનિટમાં નાવીઓના પ્રધાનમંત્રી તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી દે છે. એટલું જ નહીં તેણે એક એવો ડાઈલોગ ફટકાર્યો છે જેનાથી દુશ્મન બનેલા Tsu’tey ને પણ તેનામાં વિશ્વાસના સંજોગો ઉત્પન્ન થતા દેખાયા છે. કારણ કે Jack ને ખ્યાલ છે કે Tsu’tey ભલે મારો વિરોધી રહ્યો પણ આખરે તે એક યૌદ્ધા છે. બહાદુરીમાં મારાથી પણ ચાર ચાસણી ચડે તેવો છે. જેથી ટીમમાં તે હોય તો વિરોધી સેનાનો આસાનીથી કચ્ચરઘાણ બોલાવી શકાય છે. જીતનો માર્કેટિંગ મંત્ર એ છે કે તમારા વિરોધીની અસીમ ક્ષમતાને પારખી તેને પોતાના ભરોસામાં લઈ લો એટલે તમારા દુશ્મનો ભીગી બિલ્લી બની જશે.

Hollywood 100 Avatar movie review

પેન્ડોરા ગ્રહના એક મસમોટા ક્રિએચરને શા માટે વર્ષો સુધી કોઈ નાવી તાબે ન કરી શક્યું ? કારણ કે તેમણે મનુષ્ય બુદ્ધિનો ઉપયોગ ન કર્યો. તેઓ નાવી છે મનુષ્ય નથી. જો એમણે પ્રાણીશાશ્ત્રનો અભ્યાસ કર્યો હોત તો ખ્યાલ આવેત કે સૌથી ઉપર ઉડતું પક્ષી પોતાની ડોક ઉપર કરીને નથી જોઈ શકતું. જેથી જો ઉપરનાને તાબે કરવું હોય તો તેનાથી ઉપર જવું પડે અને ઠેકડો મારવો પડે. જીતનો મંત્ર એ છે કે હોશિયાર વ્યક્તિમાં પણ એક ખામી હશે જ. કોઈ સર્વગુણ સંપન્ન નથી હોતો. તકો ઈશ્વરે જંગના દરેક મેદાનમાં ખુલ્લી મુકેલી છે પણ તેને ખૂબ ઓછા લોકો Jack ની જેમ કાબૂ કરી શકે છે. Marvel કે DC ના દરેક સુપરહિરો એક સરખા નથી. એક સરખી ટેલેન્ટવાળા લોકો મોટી મુસીબતનો સામનો કરી શકતા નથી. ટીમમાં બોલર પણ જોઈએ, બેટ્સમેન પણ જોઈએ, ઓલરાઉન્ડર પણ જોઈએ અને ફિલ્ડર પણ જોઈએ. પણ એ પામવા સુધી કેટલા પહોંચે ? તેને પામવા માટે આ દુનિયામાં બે જ વસ્તુ છે. સ્માર્ટલી વર્ક કરો જેમ Jack અવતારમાં ક્રિએચરને પકડવા માટે કરે છે અને રાહ જુઓ.

Hollywood 100 Avatar movie review

Avatar જેવી ફિલ્મ કેમરૂન બનાવી કેવી રીતે શક્યા ?

દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવાનો એક માત્ર રસ્તો છે રિડીંગ. 1994 માં જ્યારે ઘણા ખરા વાચકોનો જન્મ પણ નહીં થયો હોય એવા સમયે અવતારના આઈડિયાનું બીજ તેમના મગજમાં પ્રગટ થયું હતું. James Cameron જ નહીં દુનિયાના દિગ્ગજ ફિલ્મમેકરોની એક માત્ર ઈન્ટ્રેસ્ટની વસ્તુ રિડીંગ છે. કેમરૂન એક અલગ પ્રકારનું રિડીંગ કરતા હતા અને કરે છે. તે વાચતા હતા સાયન્સ ફિક્શન અને એડવેન્ચર નોવેલ. દુનિયાની કોઈ પણ સાયન્સ ફિક્શન અને એડવેન્ચર નોવેલ કેમરૂને ન વાચી હોય તેવું બન્યું નથી.

Hollywood 100 Avatar

બાળપણના વાચનના વિચારે તેમને પિરાના ફિલ્મની સ્પેશિયલ ઈફેક્ટના સમયગાળા દરમ્યાન બે મિનિટની ઉંઘ લાવી દીધી અને વિસ્ફોટક પદાર્થની માફક મગજમાંથી નીકળ્યો Avatar નો અલ્ટિમેટ આઈડિયા. જે ક્લિક કરી તેમણે 1994 માં કોમ્પયુટર જનરેટેડ આર્ટિસ્ટ પાસે એક્ટિંગ કરાવી ફિલ્મ બનાવવા માટેનો વિચાર વહેતો મુક્યો. કાગળ પર ફિલ્મનો ખર્ચ 100 મિલિયન ડોલર થતો હતો, પણ હાર નહીં માનુંગાની જેમ તેઓ સતત ચોંટી રહ્યા અને ફિલ્મ બનાવી જ નાખી. હવે તો તેની સિક્વલો થોડા વર્ષોમાં રિલીઝ થવાની છે.

Digital Avatar

Digital કે Special Effect અવતાર પર પ્રકાશ ન પાડીએ તો પણ ચાલશે. અવતાર વિશે નદીઓનું નદી જેટલું જ્ઞાન ઈન્ટરનેટરના સાગરમાં ઠલવાયું છે. 2009ની સાલમાં તો અંગ્રેજી-હિન્દી જ નહીં ગુજરાતીની તમામ નાની મોટી પત્રિકાઓએ લખ્યું હતું. મૂળ તો લોકોને એ જાણવું હતું કે ભારતમાં જે શબ્દ વારંવાર બોલાય છે તે અવતાર ને લઈ કેમરૂને શા માટે ફિલ્મ બનાવી ? આ અંગે ટાઈમ મેગેઝિનને વર્ષ 2007માં આપેલા ઈન્ટરવ્યૂમાં કેમરૂને કહ્યું હતું, 

‘‘It’s an incarnation of one of the Hindu Gods taking a flesh form. In this film what that means is that the human technology in the future is capable of injecting a human’s intelligence into a remotely located body, a biological body.’’

READ ALSO


Related posts

Don’t Breathe : એક અંધ વૃદ્ધને ત્યાં ચોરી કરવી ત્રણ ચોરોને કેવી રીતે ભારે પડી ?

Mayur

XXX Return of Xander Cage : ફિલ્મ ન જોવામાં મોટી શાણપણ રહેલી છે

Mayur

Aladdin : અરેબિયન નાઈટ્સમાં આ સ્ટોરી નહોતી, તો પછી આવી ક્યાંથી ?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!