GSTV
Home » News » Apocalypse Now : અવ્વલ દરજ્જાની સિનેમેટોગ્રાફીમાં કેદ થયેલું અભિનયનું ઘોડાપૂર

Apocalypse Now : અવ્વલ દરજ્જાની સિનેમેટોગ્રાફીમાં કેદ થયેલું અભિનયનું ઘોડાપૂર

Mayur Khavdu : વર્ષો પહેલા હિન્દી સિનેમામાં એક ફિલ્મ બની હતી. નામ હતું તહેલકા. આ ફિલ્મની ખાસિયત એ હતી કે આર્મીમાંથી રિટાયર થયેલા એક ઓફિસરને જનરલ ડોંગને મારવાનું મિશન સોંપવામાં આવે છે. મસ્ત મજાની જર્ની થાય છે. જેમાં પાંચ લોકો છે. પ્રેમની કૂંપણો ફૂટે છે, મુકેશ ખન્નાનું નિધન થઈ જાય છે. જેનો વસવસો પુરી ટીમને રહે છે. ટીમમાં એક જાવેદ જાફરી જેવો છેલબટાઉ જુવાન છે. આદિત્ય પંચોલી જેવો ચોકલેટી અને પ્રેમમાં પાગલ યુવાન છે. છેલ્લે જનરલ ડોંગને મારી ફિલ્મ પુરી થઈ જાય છે. એ સમયે ફિલ્મને જોઈ મઝા આવી હશે. પણ અત્યારે એક મેચ્યોર ફિલ્મ સીનર તરીકે જોઈએ તો એ ફિલ્મ ટાઈમપાસ સિવાય કંઈ ન હતી. આ ફિલ્મ હકિકતે હોલિવુડની માસ્ટરપીસ Apocalypse Now નું પછાત વર્ઝન હતું. હિન્દીમાં બનેલી તહેલકામાંથી થોડી ચરબી આમ તો ઘણી બધી ટેકનિકલ અને પટકથાની ચરબી કાઢી નાખવામાં આવે તો ફિલ્મમાં પ્યોર હિન્દી ફ્લિક સિવાય કંઈ બચતું નથી.

Francis Ford Coppola દ્રારા બનાવવામાં આવેલી Apocalypse Now માસ્ટરપીસ હતી છે અને રહેશે. આમ છતાં તેને મિક્સ રિવ્યૂનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક આલોચકોએ તેની ખૂબ પીટાઈ કરી નાખી હતી. બાકીના લોકોએ ફિલ્મને નિહાળી અને ત્રણ કલાક જેટલી લાંબી ફિલ્મની પ્રશંસાના પુલ પણ બાંધ્યા હતા. આ ફિલ્મ એક જર્ની છે. એક આર્મી ઓફિસર દ્રારા બીજા આર્મી ઓફિસરના બદલાઈ ગયેલા માનસપટને સમજવાની ક્રિયા છે. માની લઈએ કે ડાર્ક થીયરી પર ચાલતી લીનીયર ફિલ્મ દરેક વર્ગના લોકો માટે નથી બનેલી. ફિલ્મમાં તસુભાર પણ મનોરંજન ઉપજતુ નથી. મનોરંજનના નામે મીન્ડુ હોય તેવી ફિલ્મ સાથે માસને કંઈ લેવા દેવા હોતા નથી. જોઈ શકતા મિથ્યાભિમાની અને આંખ હોવા છતાં આંધળા લોકો માટે આ ફિલ્મમાં દર્શાવવામાં આવેલા દ્રશ્યો એક પ્રકારે કુદરત સિવાય કંઈ નથી. બાકી ફિલ્મને ટેકનિકલી અને કેમેરાના એન્ગલથી જે એન્ગલથી સિનેમેટોગ્રાફર ઓડિયન્સને દર્શાવવા ઈચ્છે છે ત્યાંથી જોવામાં આવે તો ફિલ્મ કાલીદાસની કથાઓમાં આવતા રમણિય સોંદર્યથી એક ઈંચ પણ નીચે ઉતરતી નથી. સિનેમેટોગ્રાફીના લેવલે કલાકૃતિના માળખામાં ફિટ બેસતી આ ફિલ્મ વિશે કોણ માનશે કે ઈટાલીનો એક ધાંસુ સિનેમેટોગ્રાફર આ ફિલ્મને જીવંત કરી ગયો હતો. ઉપરથી ઓસ્કર પણ લેતો ગયો હતો. આખરે 1899માં આવેલી લઘુનવલ Heart of Darkness જેના રચયિતા Joseph Conrad હતા. તે લઘુનવલમાંથી કેવી રીતે Coppola ને પ્રેરણા મળી ? આ સવાલના જવાબ માટે તો નવલકથા વાચવી રહી. અથવા તો નેટ પર ફંફોસવું રહ્યું.

કલાકારોના ચહેરા પર જ્યારે કેમેરો પથરાય અને જે એન્ગલ સર્જાય તેની બાદબાકી કરી નાખવામાં આવે તો ફિલ્મમાં અભિનય પણ શિયાળામાં આડી ઝાંકળ આવી ગઈ હોય તેવો દેખાશે. ટીવી પર જ્યારે આ ફિલ્મ દર્શાવવામાં આવી હશે ત્યારે તેના બે વલ્ગર દ્રશ્યોના કારણે કહેવાતા અગ્નિમિત્રો ચેનલ બદલી નાખતા હશે.

હોલિવુડને બે વસ્તુઓથી અપ્રિતમ ચાહના છે. પ્રથમ વિશ્વ યુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ. વોર ફિલ્મનો જમાનો લાવનારું જ હોલિવુડ છે. બે વિશ્વયુદ્ધ બાદ હોલિવુડમાં કોઈ ઢગલાબંધ ફિલ્મો બની હોય તો વિયેટનામ વોર પર બની છે. વિયેટનામ વોર પર એટલી ફિલ્મો બની કે એક સમયે હોલિવુડ રસિયા અને ફિલ્મ ક્રિટિકોને લગ્નની એક જ તારીખે પાંચ કંકોત્રી આવી ગઈ હોય તેવી હાલત થતી હતી. થોડાં સમયથી હોલિવુડ સાયન્સ ફિક્શન અને સિરીઝો બનાવવામાં વ્યસ્ત હોવાના કારણે વોર ફિલ્મો બની નથી. જેટલી બનવાની હતી અને સારી કહી શકાય તેવી હતી તેટલી બની ગઈ છે. જેથી વિદેશી ફિલ્મો પાછળ પાગલ થયેલી ભારતીય ઓડિયન્સ પણ આ નામે શ્વાસ ખાઈ શકે છે.

Vietnam War

ઘણી જગ્યાએ એવો ઉલ્લેખ કરવામાં આવે છે કે વિયેટનામ વોરમાં અમેરિકા હારી ગયું હતું. વિયેટનામ વોરમાં અમેરિકાને 58,000 સૈનિકો દાનમાં જ દેવાના હોય તેમ તેમની ભૂલના કારણે ગુમાવવાનો વારો આવ્યો હતો. વાસ્તવિકતા એ છે કે આટલો નરસંહાર થયા બાદ પણ આ યુદ્ધનું કોઈ પરિણામ જ નહોતું આવ્યું. વિયેતનામનો ઈતિહાસ તો મોટો છે. તેનો એક અલગ લેખ કરવો પડે પણ આપણે વિયેતનામમાં અમેરિકા ક્યાંથી ત્રાટક્યું તેના પર ફોક્સ કરીએ. 1954ની સાલમાં અમેરિકાએ વિયેતનામ યુદ્ધમાં જંપ લાવ્યું. આ સમયે ફ્રાંસની સેના વિયેતનામથી હારી ચૂકી હતી. જીનીવા સંધિ કરવામાં આવી જેમાં વિયેતનામના બે ફાંટા પડી ગયા. ઉત્તરી વિયેતનામ અને દક્ષિણી વિયેતનામ. જેમાંથી દક્ષિણ વિયેતનામને અમેરિકાની મદદ મળી. મદદનું કારણ સાફ હતું. ઉત્તરી વિયેતનામને ચીન અને રશિયાનો સપોર્ટ મળી રહ્યો હતો. વિયેતનામ પણ કોમ્યુનિસ્ટ ન બની જાય તેના પર અમેરિકાની ચાંપતી નજર હતી. શીત યુદ્ધનો પ્રારંભ થઈ ગયો હતો. 1954માં 800 અમેરિકી સૈનિકોએ વિયેતનામ પર પગ મુક્યો. ધીમે ધીમે વિશ્વને પણ ખબર ન રહી અને 1963માં આ જ સૈનિકોની સંખ્યા 9000ને પાર થઈ ગઈ. યુદ્ધનું તો કોઈ નિરાકરણ ન આવ્યું પણ યુદ્ધમાં અમેરિકા અને વિયેતનામ વચ્ચે જે થયું તેની ફિલ્મો વારંવાર થીએટર પર એન્ટ્રી મારી લે છે.

કહાની

Benjamin L. Willard એક એવો આર્મી ઓફિસર છે જે યુદ્ધમાં જવા માટે તલપાપડ છે. યુદ્ધમાં ન જઈ શકવાના કારણે જુલાબની ગોળી ખાધા બાદ પણ ડાયેરિયા ન થાય તેવી તેની હાલત થઈ ચૂકી છે. તે પોતે જ પોતાની ભાષામાં દર્શકોને સમજાવે છે કે વારંવાર ડોક્ટર પાસે ગયા છતાં મને હજુ સારું નથી થયું. પાગલ જેવો થઈ ગયો છે. ક્રેડિટ સીન પડે છે અને એન્ટ્રી થાય છે બે ઓફિસરોની, જે Benjamin L. Willard માટે એક પ્રકારના ડોક્ટર છે. આ ડોક્ટરો તેમને સમજાવે છે કે તમારા માટે એક મિશન છે. મિશન આવતા તેના જીવમાં જીવ આવે છે. તે જ્યારે પહોંચે છે ત્યારે મિશનની વિગત સાંભળી નવાઈ પામે છે, કારણ કે તેણે મિશનમાં એક અમેરિકન આર્મી ઓફિસરને મારી નાખવાનો છે. આ આર્મી ઓફિસરનું નામ છે Colonel Walter E. Kurtz. એક સમયે આર્મીનો તે ભરોસાપાત્ર સૈનિક હતો, હવે નથી રહ્યો. તેની કાર્યપ્રણાલી અમેરિકન સૈનિકોને નુકસાન પહોંચાડી રહી છે. કેપ્ટન ઉપડે છે અને તેની સાથે તેના ચાર સાથી મિત્રો છે. સફર ખૂબ લાંબી છે. ઝિંદગી ના મિલેગી દોબારા કે દિલ ચાહતા હૈ ના ગોવાની માફક મજા નથી કરવાની, પણ રિયલ મિશન પર નીકળ્યા છે. આ સમયે Benjamin L. Willard જ્યારે જમીનના દસ્તાવેજ વાચવા જરૂરી જ હોય તેમ વારંવાર વાચી અને સેકન્ડ એન્ટોગોનિસ્ટની વાતો દર્શકોના કાનમાં નાખ્યા કરે છે. (સેકન્ડ એટલા માટે કારણ કે ફસ્ટ વિયેટનામના સૈનિકો છે) સમસ્યાઓ આવતી જાય છે જેનો અંત નથી. પણ અંત એવો આવે છે જેનાથી Benjamin L. Willard ના દિલને ટાઠક મળે છે.

Apocalypse Now ની આતીશ

ફિલ્મના જેટલા પણ વખાણ કરવા પડે તેની પાછળ Vittorio Storaro સિનેમેટોગ્રાફી કારણભૂત છે. આટલી સુપર્બ સિનેમેટોગ્રાફી ખૂબ ઓછી હોલિવુડ ફિલ્મોમાં હોય છે. પહેલા સીનથી વાત કરીએ તો બોટ જ્યારે The Do Lung bridge પર એન્ટ્રી મારે છે ત્યારે લો-કિ-લાઈટીંગમાં ફિલ્માવવામાં આવેલો સીન એક ઉત્તમ સિનેમેટોગ્રાફીનો નમૂનો છે. એ સમયે એક સાથે ઘણી બધી ઘટનાઓ ઘટી રહી છે. જે ફિલ્મ એક વખત જોશો તો ખ્યાલ નહીં આવે. ફિલ્મની સિનોમેટોગ્રાફીનો અભ્યાસ કરવા માટે તેને એક વખત સાઈલેન્ટ કરી અચૂક જોવી.

સિનેમેટોગ્રાફરે જે રીતે Marlon Brando ના એન્ટ્રી સિનને ફિલ્માવ્યો છે તે લો-કિ-લાઈટિંગનો બીજો અદભૂત નમૂનો છે. આ સમયે ચહેરા પર અંધારૂ છવાયેલું છે. જેથી પ્રતીત થાય કે તે માણસ કાળા કામ કરનારો છે. ઉપરથી તેનો પહેરવેશ અને વારંવાર માથાને પાણીમાં બોડી અડકવું તે ભયાનકતાની નિશાની છે.

કેમેરો કેટલો મુવ થાય છે તે પણ Apocalypse Now ના એક સીનમાં સરસ દર્શાવવામાં આવ્યું છે. બોટને ચલાવનારા Albert Hall ની વિરોધીઓ દ્રારા ભાલાથી હત્યા કરી દેવામાં આવી છે. બોટને ચલાવતો તો એ હતો. હવે બેકગ્રાઊન્ડમાં મ્યુઝિક ચાલી રહ્યું છે. જે સમયે તેને ભાલુ લાગ્યું એ સમયથી ત્રણ કે ચાર મિનિટ સુધી બોટ એકલી ઘુમે છે. સાથીદારો દુખ મનાવવામાં અને વિરોધી સેનાના તીરોનો સામનો કરવામાં વ્યસ્ત છે. ધ્યાનથી જોશો તો બોટ નથી ઘુમી રહી કેમેરો જ ઘુમી રહ્યો છે. કેમેરો તમામ લોકોના ભાવને ઝીલી લે છે.

આ ત્રણ તો માત્ર નમૂના રહ્યા. આ ત્રણની સાથે જ્યારે પરફેક્ટ એડિટીંગ, પરફેક્ટ ડાયરેક્શન અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક ભળે ત્યારે વોર ફિલ્મનો રિયાલિસ્ટીક જલવો કેવો હોય છે તેનો ખ્યાલ આવશે. ફિલ્મને ખાસ તેના સિનેમેટોગ્રાફી દરમ્યાનના લાઈટીંગ ઈફેક્ટ માટે જોવી રહી એટલે તે Hollywood 100 માં છે.

સિનેમેટોગ્રાફી સાથે આ ફિલ્મને તેના સાઉન્ડ માટે પણ ઓસ્કર મળેલો હતો. ફેડ ઈન થયેલો સીન ફેડ આઉટ થાય. નવો સીન ઉમેરાય ત્યારે પણ બેકગ્રાઊન્ડ સ્કોર તેની કન્ટીન્યૂટી બ્રેક નથી કરતો. કોઈવાર સીન પુરો થવાનો હોય ત્યાંથી બેકગ્રાઉન્ડ ચાલુ થાય છે અને નવા સીનના દર્શન કરાવે છે.

હવે ફિલ્મની કથાનો થોડો ઉંડાણથી અને તેના પાત્રો પર એકાદ નજર કરી લઈએ. શરૂઆતના તબક્કે અમેરિકનો દ્રારા કરવામાં આવેલો નરસંહાર દર્શકને એ માનવા પર મજબૂર કરી દે છે કે ત્રાસ તો અમેરિકનો જ વરસાવી રહ્યા છે. વિયેટનામની પ્રજા તો ભોળી છે !! આ વખતે એક ભોળી લાગતી મહિલા માત્ર તેની ટોપી પ્લેનમાં નાખી પોતાના પરિવારને બચાવી દૂર ચાલી જાય અને અમેરિકનો પોતાની હેવાનિયત ચાલુ રાખે એ સમયે પ્લેનમાં નાખેલી ટોપીથી ધડાકો થાય ત્યારે સમજાય કે તાળી એક હાથે તો નથી જ વાગી રહી.

વિયેટનામની પ્રકૃતિની ખાસિયત શું છે ? ત્યાં વાઘ છે. ત્યાં નાળિયેરના ઘટાદાર વૃક્ષો છે. હવે આ બંન્નેને વારંવાર દર્શાવવામાં ન આવે તો ફિલ્મનો કોઈ અર્થ નથી રહેતો. સૌથી પહેલા જ નાળિયેરના ઘટાદાર વૃક્ષ અને ગીચ જંગલ બતાવી દેવામાં આવે છે. જે પાછળથી આવેલી કેટલીક વોર ફિલ્મો માટે પ્રેરણા સમાન બની ગયા હતા. ઘણી હોલિવુડ ફિલ્મોની શરૂઆત Francis Ford Coppola દ્રારા ફિલ્માવવામાં આવેલા આ સીનથી જ થઈ છે. જેથી યુદ્ધ ક્યાં લડાઈ રહ્યું છે અને કઈ જગ્યા છે તેના લોકેશનનો ખ્યાલ આવી જાય. સિનેમેટોગ્રાફીમાં 6C આવેલા હોય છે. અનુક્રમે તેને Camera Angles, Continuity, Cutting, Close-ups, અને Composition તરીકે ઓળખવામાં આવે છે. 5c તો સમજી ગયા પણ છેલ્લો Ccheating નો આવે છે. સિનેમેટિક લિબર્ટીનો ઉપયોગ કરી ઘણી જગ્યાએ Francis Ford Coppola એ કપોળકલ્પિત લોકેશનો વાપર્યા છે. જેનો નેટમાં ખ્યાલ આવી જશે.

વાત હવે વાઘની. એક સીનમાં Martin Sheen કંઈક ખળભળાટ સાંભળે છે. કોઈ આવતું હોય તેવું તેના કાને અથડાય છે. એ તે તરફ વળે છે અને જુએ છે તો ટાઈગર !! Francis Ford Coppola એ મરૂભૂમિ માટે વિયેતનામ પસંદ કર્યું અને ત્યાં વિરોધી સૈનિકોની સાથે સાથે સૈનિકોને વાઘનો પણ ખતરો હતો તે પ્રતિપાદિત કરી લોકેશન એ જ છે તેવું સાબિત કરી દીધું. બંદૂક ટાંગી છે તો ફૂટવી જોઈએ એ રીતે…

વાઘની એન્ટ્રી બાદ જે કંઈ કરવાનું રહે છે તે વાઘે જ કરવાનું રહે છે. આ વાતની ફળશ્રુતિ સપોર્ટિંગ એક્ટર Fredeic ના મોઢામાંથી બે મિનિટ સુધી અવિરત નીકળતી અઢળક ગાળો પરથી આંકી શકો. Fredic દ્રારા એક્ટિંગનો ઉત્તમ નમૂનો પ્રેઝન્ટ કરાયો છે. સામે જંગલી જાનવર આવ્યા બાદ એક તો કંઈ બોલી ન શકો અને વાઘ ચાલ્યો જાય તો ઘણી બધી ગાળો એકસાથે બોલી શકો.

પ્રોટોગોનિસ્ટમાં ખણખોદીયા વૃતિ ભરેલી છે. એ એ વ્યક્તિની વારંવાર ફાઈલ ખોલી તેના વિશે જાણ્યા કરે છે જેની તેને કામગીરી સોંપવામાં આવી છે. બેકગ્રાઉન્ડમાં તેનું જ નેરેશન સંભળાય છે. જેથી જર્નીમાં એ વ્યક્તિની મુલાકાત થાય તે પહેલા દર્શક તે કેવો હતો તેના વિશે માહિતગાર થઈ જાય છે. Waltern E ના અધવચ્ચે સીન્સ ઉમેરી ફિલ્મને ચલાવી શકાય હોત, પણ ઓલરેડી 3 કલાક 16 મિનિટની લાંબી ફિલ્મને હવે કેટલી ખેંચવી ??

યુદ્ધ માટે પ્લેનનો ઉપયોગ કર્યો તે તો સમજ્યા, પણ પ્લેબોયનો ફિલ્મમાં સારી રીતે ઉપયોગ કરી હ્યુ હેફનરને પ્રમોશન સાથે હવે જુઓ તો શ્રદ્ધાંજલી અર્પણ કરી દીધી. ફિલ્મની જર્ની થોડી ઘણી બાદમાં આવેલી ફિલ્મ Saving Private Ryanથી મળતી આવે છે. Steven Spielbergની Saving Private RyanApocalypse Nowથી પટકથાની દ્રષ્ટિએ અને સ્ક્રિન પર દોડવાની દ્રષ્ટિએ બે માર્ક વધારે ખેંચી જાય છે.

Marteen Sheenના ભાગમાં સીન વધારે આવ્યા છે પણ ડાઈલોગ એટલા બોલવાના આવ્યા નથી. અદ્દલ ઈરફાન ખાન જ્યારે આંખ અને ચહેરાથી અભિનય કરી તમામ સવાલોના જવાબો આપી દેતો હોય તેમ Benjamin L. Willardના કિરદારમાં Martin Sheen માત્ર હાવભાવ આપ્યા રાખે છે. સેક્સના સિનમાં પણ ઉત્તેજના નથી !! બીજી તરફ તેના જ સાથીદારો સેક્સ માટે તલપાપડ બન્યા છે. બ્રિલિયન્ટ એક્ટર માર્લોન બ્રાન્ડો. તમને કેટલો લાંબો રોલ આપવામાં આવ્યો છે તેનાથી તમારી અભિનય ક્ષમતા નથી જાણી શકાતી, પણ આપેલા રોલમાં તમે કેટલું પાવરફુલ પરફોર્મન્સ આપો છો તેના દ્રારા કલાકારની શ્રેષ્ઠતાનો તાગ કાઢી શકાય છે. કોઈ માટે નહીં તો માર્લોન બ્રાન્ડોની છેલ્લી 15 મિનિટની અભિનયકળા માટે આ ફિલ્મ જોવી રહી.

ફિલ્મનો છેલ્લો સીન એ જ લોકોએ જોવો રહ્યો જે દિલથી કાચા ન હોય. મજબૂત અને વટના કટકા જેવા હોય, કારણ કે આ સીનથી જો તમે માંસાહાર કરતા હો તો થોડા દિવસ માટે ભૂલી જશો. છેલ્લી 40 મિનિટ આવી ભયાનકતામાંથી જ પસાર કરવાની રહે છે. ક્લાઈમેક્સના સીનનું પ્રતીકાત્મક દ્રષ્ટિએ નિરૂપણ કરી શકાયું હોત, પણ હવે તમામ વસ્તુ રિવીલ કરી ફિલ્મ જોવાની મઝા નહીં મારું.

2008ની સાલમાં Tropic Thunder નામની ફિલ્મ આવી હતી. તેમાં જે સીન્સ દર્શાવવામાં આવ્યા છે તે અદ્દલ Apocalypse Now પરથી જ પ્રેરિત છે. જો કે ફિલ્મ એક સિરીયસ વોર ફિલ્મની જગ્યાએ ઓસ્કર મેળવવાની દોડ માટે બનેલી ફની ફ્લિક છે.

READ ALSO

Related posts

Don’t Breathe : એક અંધ વૃદ્ધને ત્યાં ચોરી કરવી ત્રણ ચોરોને કેવી રીતે ભારે પડી ?

Mayur

XXX Return of Xander Cage : ફિલ્મ ન જોવામાં મોટી શાણપણ રહેલી છે

Mayur

Aladdin : અરેબિયન નાઈટ્સમાં આ સ્ટોરી નહોતી, તો પછી આવી ક્યાંથી ?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!