GSTV

Indian Air Force / સ્થાપના વખતે માત્ર ચાર વિમાનો હતા, આજે 1700થી વધારે છે : ભારતીય વાયુસેના પાંચ મોટા યુદ્ધ લડી ચૂકી છે

Indian air force

Indian Air Force (ઈન્ડિયન એર ફોર્સ – ભારતીય વાયુસેના) જગતની ચોથા નંબરની સૌથી મોટી વાયુસેના છે. આઠ દાયકા પહેલાં ૪ વિમાનો અને ૨૫ અફસરોથી શરૃ થયેલી ભારતીય વાયુ સેના પાસે આજે સવા લાખ જેટલા સૈનિકો અને ૧,7૦૦થી વધારે પ્રકારના વિમાનો છે, જેમાંથી 900 જેટલા ફાઈટર-કોમ્બેક્ટ વિમાનો છે. ભારતને આઝાદી મળ્યા પછી વાયુસેના ૪ પાકિસ્તાન સામે અને એક ચીન સામે એમ કુલ ૫ મોટા યુદ્ધ લડી છે, જ્યારે નાના-મોટા અન્ય ઓપરેશનોની સંખ્યા તો ઘણી છે. પોણી સદી કરતા વધારે સમય વટાવી ચુકેલી ભારતીય વાયુસેના અમેરિકા સહિત ઘણા દેશોની એરફોર્સ કરતાં જુની છે અને ચોવીસે કલાક જંગ માટે તૈયાર હોય છે…

નવેમ્બર ૧૯૪૭ની વાત છે. પાકિસ્તાનને કાશ્મીર જીતી લેવાના ઈરાદા સાથે કાશ્મીર સરહદેથી ભારતમાં પગપેસારો કરવાનો આરંભ કરી દીધો હતો. પાકિસ્તાનીઓની પહેલી નજર લેહ પર હતી. પાકિસ્તાની સેના લેહથી નજીક હતી એટલે વિષમ વાતાવરણ, થીજાવી દેતી ટાઢ અને બર્ફીલા તોફાનો વચ્ચે પણ ભારતે સૈનિકોની એક ટુકડી લેહ સુધી પહોંચાડી. પાકિસ્તાનીઓ ત્યાં પહેલેથી જ હાજર હતા એટલે તેમની સ્થિતિ પણ મજબૂત હતી. સૈનિકોએ જનરલ કે.એસ.થિમ્મૈયાને સંદેશો મોકલાવ્યો કે લેહ બચાવવું હોય તો અમને તત્કાળ મદદ મોકલો! જનરલ થિમ્મૈયા સંદેશાનુ મહત્ત્વ સમજતાં હતા પણ ત્યાં તત્કાળ સહાય કઈ રીતે મોકલવી, એ મોટો સવાલ હતો. લેહ જવા માટે ૨૨-૨૩ હજાર ફીટની ઊંચાઈએ ઊડી શકે એવા વિમાનો હોવા જોઈએ. જ્યારે ભારત પાસે તો પ્રમાણમાં પછાત ગણાતા ડાકોટા પ્રકારના વિમાનો હતા. એ વિમાનો ઊંચે ઊડી તો શકે પરંતુ ઊંચાઈને અનુરુપ વાતાવરણ એ વિમાનમાં ન હતું એટલે અંદર બેઠેલા સૈનિકોની સ્થિતિ કફોડી થઈ જાય.

વ્યાકુળ બનેલા જનરલ થિમૈયાએ સ્થાનિક ગ્રૂપ કેપ્ટન મહેરસિંહને કહ્યું કે ચાલો આપણે લેહ જવું છે. મહેરસિંહ સમજી ગયા કે સૈનિકોના જીવ જોખમમાં છે એટલે જનરલ થિમૈયા પોતાની જીંદગીની પરવા કર્યા વગર લેહની સ્થિતિ સમજવા માગે છે. પાતળી હવામાં બેશુદ્ધિથી લઈને મોત સુધીના ભય વચ્ચે જનરલ થિમ્મૈયા અને ગ્રૂપ કેપ્ટન મહેરસિંહ ઊડયા. લેહના આકાશમાં પહોંચેલું વિમાન જોઈ લડત આપી રહેલા સૈનિકો સમજી ગયા કે મદદ આવી પહોંચી છે. એક વિમાન પહોંચ્યુ એટલે બીજા વિમાનો પણ આકાશમાંથી જરૃરી સાધન સરંજામ નીચે ફેંકી શકે એમ હતાં. થિમ્મૈયાના મનમાં જોકે બીજું આયોજન ચાલતું હતું.

‘આપણે અહીં સુધી આવ્યા છીએ અને હવે જવાનોને મળ્યા વગર પરત ફરીએ તો કેવું લાગે?’ જનરલ થિમ્મૈયાએ મનમાં ચાલતી ગડમથલ ગ્રૂપ કેપ્ટન મહેરસિંહ સામે રજૂ કરી. મહેરસિંહને ખબર હતી કે માડં માંડ લેહના આકાશમાં પહોંચેલુ વિમાન પહાડી પ્રદેશમાં કોઈ પણ જાતના રનવે વગર કેમ ઉતારી શકાય? અલબત્ત, એક નદીનો સુક્કો પટ હતો. ત્યાં વિમાન ઉતારવું એ જ ગ્રૂપ કેપ્ટન મહેરસિંહ માટે ચેલેન્જ હતી. સફળતા મળે તો ફરજ બજાવી અને નિષ્ફળતા મળે તો દેશ માટે બલિદાન આપ્યું એમ માનશું એવો વિચાર કરી ગ્રૂપ કેપ્ટન મહેરસિંહે પ્લેન ઉતારવાનું નક્કી કર્યું. ગ્રૂપ કેપ્ટન મહેરસિંહને મોટી ચિંતા પોતાની સાથે જનરલ થિમ્મૈયાનો પણ જીવ જોખમમાં મુકાય એ વાતની હતી. આખરે જનરલ થિમ્મૈયાની ઈચ્છા પ્રમાણે ગ્રૂપ કેપ્ટન મહેરસિંહે હળવેક રહીને નદીના પટમાં ડાકોટાના લેન્ડિંગ ગિયર ટેકવ્યા. અથડાટુ, કુટાતું, આચકા ખાતુ વિમાન ઉતર્યું. ત્યાં રહેલા સૈનિકોમાં ઉત્સાહનો સંચાર થયો કેમ કે ખુદ જનરલ થિમ્મૈયા તેમનો વાંસો થાબડવા આવ્યા હતા. એ પછી જનરલ થિમ્મૈયા તો વિદાય થયા પરંતુ ત્યાં રહેલા જવાનોનો જુસ્સો બેવડાઈ ગયો અને પહેલાં ક્યારેય વિમાનો ઉડતા ન હતા એ શ્રીનગર-લેહ રૃટ પર સૈનિકો માટે સાધન-સરંજામ લઈ જતા વિમાનો પણ ઉડવા લાગ્યા. આખરે ભારત લેહ બચાવવામાં સફળ રહ્યું. એ વખતે લેહમાં ફાઈટર વિમાન ઉતારનારા તેઓ પ્રથમ પાઈલોટ હતા. વિજયગુપ્ત મૌર્યએ આ કિસ્સો ‘કાશ્મીરનું અગ્નિસ્નાન’પુસ્તકમાં નોંધ્યો છે. ભારતીય વાયુસેના આવા તો અનેક પરાક્રમોથી ભરેલી પડી છે. એ વાયુસેનાની સ્થાપના 8મી ઓક્ટોબર 1932ના દિવસે થઈ હતી.-

ભારતીય વાયુસેનાની સ્થાપના થઈ ત્યારે ભારત બ્રિટિશરોનું ગુલામ હતું. જિન્નાહ, મોતિલાલ નહેરુ સહિતના સભ્યોની બનેલી સમિતિએ ભલામણ કરેલી કે હવે ભારતની અલગ વાયુ સેના હોવી જોઈએ. એ ભલામણના આધારે જ રોયલ બ્રિટિશ એર ફોર્સની શાખા તરીકે ૧૯૩૨ની ૮મી ઓક્ટોબરે વિધિવત્ રીતે ભારતીય વાયુસેનાની સ્થાપના કરવામાં આવી. સ્થાપના વખતે કરાંચી ખાતે રચાયેલી પહેલી સ્કવોડ્રનમાં ચાર વેસ્ટલેન્ડ વોપિટિ (વોપિટી એ ઉત્તર અમેરિકામાં થતું એક પ્રકારનું હરણ છે) વિમાનો અને કુલ પાંચ પાઈલટો હતા. સૈનિકો સહિત કુલ અફસરોની સંખ્યા ૨૫ થતી હતી. બધા પાઈલટોએ બ્રિટિશ એરફોર્સ સાથે તાલિમ લીધી હતી. બાદમાં ‘ધ ટાઈગર્સ’ નામે જાણીતી બનેલી એ સ્ક્વોડ્રનને જોઈને ઘણાને એવું લાગતું હતું કે ભારતમાં વાયુસેનાનું કોઈ ભવિષ્ય નથી! અલી અહમદ ખાન, એચ.સી.સિરકર, સુબ્રતો મુખર્જી (જેઓ પાછળથી આઝાદ ભારતના પહેલા ‘ચીફ ઓફ એર સ્ટાફ’ બન્યા), એ.બી. અવાન, અસગર ખાન, મોહમ્મદ હનિફ, ભુપેન્દ્ર સિંહ, અમરજિત સિંહ, જે.એન.ટંડન વગેરે બ્રિટનના ક્રાનવેલ ખાતે તાલિમ લઈ ભારતની વાયુસેનાનો સંઘ દ્વારકા પહોંચાડવા કામે લાગ્યા હતા. આ સભ્યો પૈકી મોટા ભાગના રમત-ગમતનું બેકગ્રાઉન્ડ ધરાવતા હતા એટલે તેઓ લશ્કરમાં ક્યાં સુધી ટકશે એ પણ એક સવાલ હતો. અમરજિત, અવાન વગેરે હોકીના ખેલાડી હતા. સુબ્રતો મુખર્જી નિયમિત રીતે મોહન બાગાન તરફથી ફૂટબોલ રમતાં (મુખર્જીની યાદમાં ભારતમાં સુબ્રતો કપ ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાય છે). અમરજિત સિંહ ટેનિસ પ્લેયર હતા. અલબત્ત, થોડા સમયમાં જ ભારતીય વાયુસેનાએ વેગ પડકી લીધો અને એક પછી એક સ્કવોડ્રન રચાવા માંડી (એરફોર્સ માટે સ્ક્વોડ્રન હોય તો એમાં વિમાનોના પ્રકાર અને સંખ્યા પ્રમાણે ૧૨થી ૨૪ વિમાનો હોય. નૌકાદળ અને ભૂમિદળ માટે વળી સ્ક્વોડ્રનની વ્યાખ્યા અલગ છે).

૧૯૩૯માં ભારતીય વાયુસેનની નાનીસુની ઓળખ બની ત્યાં સુધીમાં બીજુ વિશ્વયુદ્ધ આરંભાઈ ચુક્યું હતું. ભારતે બ્રિટન અને તેમના સાથી દેશો વતી લડવાનું હતું. જાપાનીઓએ બર્મા પર આક્રમણ કર્યું હતું જ્યાં કેટલાક ભારતીય જવાનો જાપાની લશ્કર સામે ઝીંક જીલતા હતા. વિંગ કમાન્ડર કરૃણ ક્રિષ્ના મજુમદાર નામના પાઈલટને અહીં પોતાના કરતબો બતાવવાની તક મળી. વિવિધ વિમાનો રમકડાં જેવી સરળતાથી ચલાવી જાણતા મજુમદાર લશ્કરમાં ‘જમ્બો’ તરીકે ઓળખાતા હતા. તેમના પરાક્રમ માટે બ્રિટિશ સરકારે તેમને ‘ડિસ્ટિંગ્વિશ્ટ ફલાઈંગ ક્રોસ (ડીએફસી)’ નામે ઓળખાતો મેડલ આપ્યો હતો, જે મેળવનારા તેઓ પહેલા ભારતીય હતા. ૧૯૪૫માં જમ્બોનું મોત પણ એક હવાઈ અકસ્માતમાં જ થયેલું.

વિશ્વયુદ્ધ પુરુ થયું ત્યાં ભારત આઝાદ થયું અને ૧૯૪૭માં તો પાકિસ્તાને કાશ્મિર પર હુમલો કરી દીધો એટલે ફરીથી ભારતીય વાયુસેનાએ લડત આપવાની થઈ. ભારતે જરી પુરાણા વિમાનો સાથે એ લડાઈ પણ લડી. ત્યાં સુધીમાં પહેલી સ્ક્વોડ્રનમાંથી કેટલાક પાઈલટો શહિદ થઈ ગયેલા તો વળી કેટલાંકે એરફોર્સને રામરામ કરી દીધા હતા. સુબ્રતો મુખર્જી એકમાત્ર સિનિયર અધિકારી હતા. ૧૯૫૪ સુધી ભારતીય લશ્કરના વડાઓ અંગ્રેજો હતા, પણ હવે તેમને કાયમ માટે ભારત છોડવાનું હતું. પરિણામે સુબ્રતોની પસંદગી ભારતીય વાયુસેનાના ‘કમાન્ડર ઈન ચીફ’ (જેનું પાછળથી નામ ‘ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ’ કરી દેવાયું) તરીકે થઈ. ૧૯૬૦માં જાપાનના પાટનગર ટોકિયોમાં સાથીદાર સાથે ભોજન લેતાં લેતાં ગળામાં ખોરાક ફસાઈ જતાં તેમનું મોત થયું. એ રીતે ભારતીય વાયુસેનાના પાયાના પથ્થર જેવા સાથીદાર સેનાથી છૂટી ગયા.

ત્યાં સુધીમાં ભારતીય વાયુસેના પોતાની ઓળખ મજબૂત બનાવી ચુકી હતી. વળી પડોશી દેશો એવા હતા (અને આજે પણ છે) કે લશ્કરની કોઈ પાંખે જરા પણ ઢીલ દાખવવી પાલવે નહીં. ઈન્ડિયન એરફોર્સે ૧૯૪૭, ૧૯૬૨, ૧૯૬૫, ૧૯૭૧ અને છેલ્લે ૧૯૯૯માં કારગીલ સહિતના જંગમાં પોતાને ભાગે આવતી ફરજો બજાવી છે એટલું જ નહીં, લશ્કરી ઈતિહાસમાં અનેક વિક્રમો પણ નોંધાવ્યા છે.

કારગીલ વખતે ભૂમિદળ એરફોર્સની સહાય વગર આગળ વધી શકે એમ ન હતું. ત્યારે વાયુદળે ‘ઓપરેશન સફેદ સાગર’ એવા સાંકેતિક નામ હેઠળ મોટા પાયે કાશ્મિરના આકાશમાં વિમાનો ગજાવ્યા હતા. વાયુસેનાના એ હીરોઈક રોલ બદલ યુદ્ધ બાદ એરફોર્સના ફાળે બે ૨ વિર ચક્ર અને ૨૩ વાયુસેના મેડલ આવ્યા હતા.

વાયુસેના જોકે માત્ર લડાઈ કરી જાણતા, પલકવારમાં કિલોમીટરનું અંતર કાપી નાખતા અને આકાશમાં સુસવાટા બોલાવતા ફાઈટર વિમાનોથી જ બનેલી નથી હોતી. ફાઈટર વિમાનો ઉપરાંત માલસામાનની હેરાફેરી માટેના વિમાનો, હેલિકોપ્ટરો, પાઈલટોની ટ્રેનિંગ માટેના વિમાનો, મિસાઈલ્સ સહિત અનેક પાંખોની બનેલી હોય છે. એ બધી પાંખો ભેગી થાય ત્યારે જ લશ્કરની વાયુસેના નામે ઓળખાતી સંયુક્ત પાંખ બને છે.

Related posts

BIG BREAKING: ઉત્તરાખંડના કુમાઉં મંડલમાં ફસાયા 700થી વધુ પર્યટકો, ઘણા ગામોનો સંપર્ક નૈનીતાલથી કપાયો! તંત્રની ટીમો તૈયાર

pratik shah

BIG BREAKING: રશિયામાં હથિયાર અને વિસ્ફોટક બનાવતા પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, 16ના મોત સંખ્યાબંધ ઘાયલ

pratik shah

રાહુલ ગાંધીના નિશાના પર સરકાર, જનતા સાથે ક્રૂર મશ્કરી કરી રહી છે કેન્દ્ર સરકાર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ભડાકો થતા કોંગ્રેસ લાલઘૂમ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!