GSTV

VadaPav / ઓછા સમય માટે સર્જાયેલો આ નાસ્તો કરવા આજે લોકો ખાસ સમય કાઢે છે!

Last Updated on August 2, 2021 by Lalit Khambhayata

“જમવા ટાણે નિરાંત હોવી જરૂરી છે” આ વાત સૌએ તેમના ઘરમાં રહેલા વડીલોના મોઢે કયારેક ને કયારેક સાંભળી હશે. આ વાત ખોટી નથી કારણકે આ વાતનું સીધું જોડાણ પ્રાચીન આયુર્વેદ સાથે છે. પણ આજના સમયમાં જ્યારે માણસ પાસે બે ઘડી બેસવાનો પણ સમય નથી ત્યાં ખાવામાં સમય કોણ વેડફે? આ સમસ્યાનો ઇલાજ એટલે ફાસ્ટ ફૂડ. ફાસ્ટ ફુડ હકીકતે પરદેશી શબ્દ છે કારણ કે યુરોપથી અમેરિકા આવેલા લોકને સમય વેડફવો પોસાય તેમ ન હતો. ફાસ્ટ ફૂડ શબ્દ ઝટપટ બની જતી ખાવાની વાનગીઓ માટે વપરાય છે. વિદેશમાં તો આ પ્રકારના ફાસ્ટ ફૂડ માટેના ઢગલા બંધ વિકલ્પ ઉપલબ્ધ છે પણ ભારતનું શું ? ભારતમાં આઝાદી પછી રેસ્ટોરન્ટમાં ખાવાનું ચલણ વધ્યું છે પણ ત્યારે રેસ્ટોરન્ટમાં આપવામાં આવતું ખાણું સંપુર્ણપણે વિદેશી હતું. આજે તેવું નથી કારણ કે આજે ભારતભરમાં હઝરો ફાસ્ટ ફૂડના વિકલ્પ મળી રહે છે. ભારતમાં આઝાદી પછી સૌથી વધુ વિકાસ થયો હોય તો તે મુંબઇમાં થયો. વિકાસ જે પ્રાંતમાં થાય તે પ્રાંતમાં લોકોની જરૂર વધુ પડે અને તેના લીધે ત્યાં વસતા લોકોને ખાવાનું પુરું પાડવાનો પણ સવાલ ઉભો થાય. મુંબઇગરાઓએ તેના ઇલાજ રૂપે એક ખૂબ પ્રચલિત વાનગીને અપનાવી લીધી છે જે છે વડાપાંઉ/VadaPav.

મુંબઈની વસ્તી લગભગ બે કરોડની આસપાસ છે જેમાંથી ૫૦ ટકા ઉપરાંત લોકોની સવાર વડાપાંઉ ખાઈને થાય છે. વડાપાંઉ મુંબઇની સૌથી લોકપ્રિય વાનગી છે તેનું એક મોટું કારણ એ પણ છે મુંબઇમાં વસતા લોકો પાસે સમયની ઘણી અછત છે તેવામાં જો નાસ્તો બનવામાં સમય લાગે તો કેવી રીતે પોસાય. ડબલ રોટી અથવા બનની વચ્ચે ચટણી અને વડુ ભરીને આપતા કેટલી વાર એટલે આ ફાસ્ટ ફૂડ હમેશાં ઉતાવળમાં રેહતા મુંબઈવાસીઓને પસંદ પડી ગયું. આજે મુંબઈમાં હઝારો વડાપાંઉ વેચનારા છે તેમાં પણ દરેક વિસ્તારના પોતાના પ્રસિદ્ધ વડાપાંઉવાળા પણ જોવા મળે છે. વડાપાંઉ ચલણમાં આવ્યા તેની પાછળ બે મુખ્ય કારણ છે. આ કરણ જાણવા પેહલા મુંબઇ જ્યારે બોમ્બે હતું તે સમયમાં ડોકિયું કરીએ. ઇતિહાસને વધુ રસપ્રદ રીતે માણવા હવે આપણે મુંબઇને બોમ્બે કહીશું.

આઝાદી પછી બોમ્બેમાં વિકાસ તેની પૂરઝડપે વધુ રહ્યો હતી જેના લીધે સમગ્ર ભારતમાંથી લોકો બોમ્બે રોજગારીની શોધમાં આવતા. ૧૯૫૦ના દશકના અંતિમ વર્ષોમાં જ્યારે બોમ્બેમાં વિવિધ કારખાનાઓની સંખ્યા વધવા માંડી ત્યારે ભારતના ગરીબ પ્રાંતમાંથી વધુને વધુ લોકો બોમ્બે તરફ વળ્યા. તે સમયે જે લોકો પરિવાર સાથે સ્થળાંતર કરી શકતા તેમને વધુ તકલીફ ના પડતી પણ જે એકલા બોમ્બે આવ્યા હોય તેમને ખાવા પીવાની ઘણી તકલીફ પડતી. સવારમાં કારખાને જવા માટે ઉતાવળ હોય તેમાં નાસ્તો બનાવવા પાછળ સમય વેડફાય તો કેમ પોસાય. આના ઇલાજરૂપે દક્ષિણ ભારતથી આવેલા અમુક લોકોએ મુંબઈમાં ઇડલી સંભાર વેચવાનું શરૂ કર્યું. ઇડલી સંભાર બનાવવામાં બીજા નાસ્તા કરતા ઓછો સમય લાગતો એટલે તેને ઝડપથી બની જતા નાસ્તા રૂપે અપનાવી લેવામાં આવ્યો. ૧૯૬૦ના દશકમાં જ્યારે બાળાસાહેબ ઠાકરેનો સિતારો ચમકવા લાગ્યો ત્યારે તેમણે પોતાના મરાઠી ભાઈઓને નાસ્તા સ્વરૂપે મહારાષ્ટ્રીયન વાનગી વેચવા અને ખાવા આગ્રહ કર્યો.

મુંબઈના અશોક વૈધ્યે સૌ પ્રથમ વડાપાંઉની શરૃઆત કરી હોવાનું વ્યાપકપણે મનાય છે

બાલ ઠાકરેના આ આગ્રહને વેગ મળ્યો અને બોમ્બેમાં મિસળ પાંઉ, બટેટાવડા, પૌવા વગેરે વાનગી નાસ્તા રૂપે મળવાની શરૂઆત થઇ. જાણીતી માન્યતા મુજબ ૧૯૬૬માં અશોક વૈધ્ય નામના એક સાહસિકે દાદર સ્ટેશનની બહાર પોતાનો પૌવા અને બટેટાવડાનો સ્ટોલ નાખ્યો. આ સ્ટોલ પર તે સમયે વધુ પડતા પરેલ અને વરલી વિસ્તારમાં આવેલી મિલમાં કામ કરતા મજૂરો ખાવા આવતા. એક દિવસ અશોકભાઇને કંઇક અનોખું કરવાનો વિચાર આવ્યો અને તેમણે બનમાં ચટણી લગાડી તેમાં વચ્ચે વડુ મૂકી વેચવાનું શરૂ કર્યું. શરૂઆતમાં મજૂરોને અને ત્યાર બાદ અન્ય લોકોને પણ અશોકભાઈનો આ પ્રયોગ પસંદ પડ્યો અને બોમ્બેને મળી ગઈ તેની પ્રસિદ્ધ વાનગી વડાપાંઉ. તે સમયે બોમ્બેના શાસક સમાન બાળાસાહેબ ઠાકરેને પણ અશોકભાઇના વડાપાંઉ ખૂબ પસંદ હતા. અશોકભાઇ દ્વારા સ્થપાયેલો ભારતનો આ પ્રથમ વડાપાંઉ સ્ટોલ આજે પણ ત્યાં જ આવેલો છે. આ સ્ટોલનું નામ કીર્તિ કોલેજ વડાપાંઉ સેન્ટર છે.

૧૯૬૦ના દશકના અંતિમ વર્ષોમાં જ્યારે કાપડ મિલો બંધ થઈ ત્યારે ઘણા મજૂરો બેરોજગાર બન્યા અને તેમણે વડાપાંઉ વેચવાનો ધંધો અપનાવ્યો. વર્ષ દર વર્ષે વડાપાંઉ ખાનારા લોકોની સંખ્યા વધતી ગઈ તેમ વડાપાંઉ વેચનારાઓની પણ સંખ્યા વધતી ગઈ. આજે બોમ્બેમાં વસતા લોકો માટે વડાપાંઉ એક જરૂરત સમાન છે કારણકે બોમ્બેમાં વગર સમય વેડફાયે જો કોઈ નાસ્તો મળતો હોય તો તે વડાપાંઉ છે. વડાપાંઉની વધતી માંગનું એક અન્ય કારણ એ પણ છે કે ભારતના અન્ય રાજ્યમાંથી બોમ્બે ગયેલા લોકો માટે શરૂઆતમાં જ્યારે પૈસાની તંગી હોય ત્યારે પેટ ભરવા માટે વડાપાંઉ બેસ્ટ વિકલ્પ સાબિત થાય છે.

મેકડોનાલ્ડ VS વડાપાંઉ

વર્ષ ૧૯૯૩માં મેકડોનાલ્ડે સાઉથ મુંબઇમાં પોતાની પ્રથમ રેસ્ટોરાં શરૃ કરી. વડાપાંઉ ખાનારા લોકોને ત્યારે પ્રથમ વખત બર્ગરની સ્વાદ ચાખવા મળ્યો.  મેકડોનાલ્ડે તે સમયે વડાપાંઉથી પ્રેરિત થઇને પોતાની રેસ્ટોરામાં આલુ ટીકી બર્ગર વેચવાનું શરૂ કર્યું. હકીકતે આ બર્ગર વડાપાંઉ ખાતા લોકોને મેકડોનાલ્ડ તરફ આકર્ષિત કરવાનો કીમિયો હતો પણ તે ખાસ સફળ રહ્યો નહિ. થોડા વર્ષોમાં ભારતમાં મેકડોનાલ્ડને પણ સારી એવી લોકોચાહના મળી જેનું પરિણામ આજે આપણી સમક્ષ છે. વડાપાંઉ ખાનારા વર્ગને ધ્યાનમાં રાખીને ૨૦૦૧માં  ધીરજ ગુપ્તાએ ઇન્ડિયન બર્ગર એવા વડાપાંઉની ફૂડ ચેન શરૂ કરી અને તેને જમ્બો કિંગ નામ આપ્યું. મેકડોનાલ્ડની આલુ ટિક્કી તો વડાપાંઉની જગ્યા લઇ શકવામાં સફળ ના થઈ પણ ધીરજ ગુપ્તાના જમ્બો કિંગને મુંબઈમાં સારી એવી પ્રસિદ્ધિ મળી છે.

મુંબઈના અશોક વૈધ્યે સૌ પ્રથમ વડાપાંઉની શરૃઆત કરી હોવાનું વ્યાપકપણે મનાય છે

એક સમય પર માટે મુંબઈની મોનોપોલી સમાન વડાપાંઉ આજે ગુજરાતમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. ગુજરાતમાં આજે લગભગ દરેક મોટા શહેરમાં પોતપોતાના પ્રસિદ્ધ વળાપાંઉ સ્ટોર-લારી અચૂક જોવા મળે છે. સમયના અભાવ વખતે ખાઈ શકાય એ સંજોગોમાં વડાપાંઉનું સર્જન થયું હતું. પણ આજે લોકો ખાસ સમય કાઢીને વડાપાંઉ ખાવા જાય છે. ૧૯૬૬માં શરૂ થયેલી વડાપાંઉની લોકચાહનામાં ઘટાડો ક્યારેય નથી જોવા મળ્યો. વડાપાંઉની રેસીપીમાં આજે ઘણા ફેરફાર જોવા મળે છે પણ તે સૌનું મૂળ તો આખરે બટેટાવડા અને પાંઉ જ છે.

Related posts

પીએમ મોદીની અમેરિકા યાત્રાની સાથે જ ઇન્ટરનેટ પર છવાયું પ્રશ્નોનું વાવાઝોડું, શું પીએમ મોદીએ કો-વેક્સીન જ લગાવી છે?

Zainul Ansari

લેડી રેબિન્સન ક્રૂઝો / એડા બ્લેકજેક માટે મોટો સવાલ હતો લાશ સાથે સફેદ રીંછના ટાપુ પર એકલું રેહવું કઈ રીતે?

Lalit Khambhayata

BIG BREAKING: દેશના હિમાચલ પ્રદેશની એક સ્કૂલમાં 79 વિદ્યાર્થીઓ અને ત્રણ સ્કૂલ સ્ટાફ મેમ્બરનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, તંત્ર થયું દોડતું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!