GSTV

ચીની એપ દ્વારા ભારતમાં રૂ. ૧,૦૦૦ કરોડથી વધુની સાઈબર છેતરપિંડી, ઠગોએ લાખો ભારતીયોને લૂંટયા

ચીની

Last Updated on June 12, 2021 by Damini Patel

બનાવટી ચીની એપ મારફત માત્ર ૨૦થી ૨૫ દિવસમાં રૂપિયા બમણા કરવાની લાલચ આપીને કેટલાક આંતરરાષ્ટ્રીય ઠગોએ લાખો ભારતીયોને લૂંટી લીધા છે. ઓછા સમયમાં વધુ નાણાં કમાવાની લાલચમાં આવીને લોકોએ આ એપ મારફત ૩૦૦થી લઈને કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. પોલીસે જણાવ્યું કે આ સમગ્ર કૌભાંડ તો એક જ છે, પરંતુ તેના મોડયુલ અલગ અલગ છે. આ છેતરપિંડી પાછળ ચીની નાગરિકો છે, જે પોતાના દેશમાં બેસીને સંપૂર્ણ નેટવર્ક ચલાવી રહ્યા છે. તેમણે ભારતમાં સ્થાનિકો પાસે બનાવટી કંપનીઓ ખોલાવડાવી લોકો સાથે છેતરપિંડી કરી હતી. આ સંદર્ભમાં ઉત્તરાખંડ અને દિલ્હીમાં તપાસ ચાલી રહી છે.

ઉત્તરાખંડ એસટીએફની સાઈબર છેતરપિંડીની તપાસમાં ઓછા સમયમાં વધુ રૂપિયાની લાલચ આપીને લાખો લોકો સાથે ૫૨૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. આંતરરાષ્ટ્રીય સાઈબર છેતરપિંડીમાં તપાસ કરી રહેલી ઉત્તરાખંડની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)નું માનવું છે કે છેતરપિંડીની રકમ રૂ. ૧,૦૦૦ કરોડથી વધુ પણ હોઈ શકે છે.

આ રાજ્યોમાં કરાઈ છેતરપિંડી

આ છેતરપિંડી કરનારી ગેંગના તાર ચીન અને થાઈલેન્ડ સહિત કેટલાક અન્ય દેશો સાથે સંકળાયેલા હોવાથી ગુપ્તચર એજન્સીઓની પણ મદદ લેવાઈ રહી છે. એસટીએફના એસએસપી અજય સિંહે કહ્યું કે અત્યાર સુધીની તપાસમાં કુલ ૫૨૦ કરોડ રૂપિયાની છેતરપિંડી બહાર આવી છે. દિલ્હી અને કર્ણાટક સહિત અન્ય રાજ્યોમાં પણ એપ મારફત લોકોની સાથે છેતરપિંડી કરાઈ હોવાની આશંકા છે. બેંગ્લુરુની પોલીસે જણાવ્યું છે કે તેણે આવા કિસ્સાઓમાં પકડેલા છ આરોપીઓ અલગ અલગ કંપનીના નિર્દેશક છે. તેમાંથી કેટલાક નિદેશક ઉત્તરાખંડના નિવાસીઓ પાસેથી થયેલી છેતરપિંડીમાં સામેલ હોવાનું જણાવાય છે.

અત્યાર સુધીમાં મળેલી ૨૫ ફરિયાદોની તપાસમાં ત્રણ કેસ નોંધાયા છે. ઉત્તરાખંડ એસટીએફે ૧૫ દિવસમાં નાણાં બમણા કરવાની છેતરપિંડી આપી મોબાઈલ એપ મારફત થયેલી કરોડો રૂપિયાની સાઈબર છેતરપિંડી કરનારી આંતરરાષ્ટ્રીય ગેંગને ખૂલ્લી પાડી છે. ઉત્તરાખંડની એસટીએફે ગેંગના એક સભ્ય પવન કુમાર પાંડેની ઉત્તર પ્રદેશના નોઈડાથી ધરપકડ કરી હતી.

બીજીબાજુ દિલ્હી પોલીસે આવા જ એક કૌભાંડમાં દિલ્હી-એનસીઆર અને પશ્ચિમ બંગાળમાં અનેક જગ્યાએ દરોડા પાડી ૧૧ લોકોની ધરપકડ કરી હતી. ચીની નાગરિકોએ રાષ્ટ્રવ્યાપી છેતરપિંડીની સિન્ડીકેટ બનાવીને બે મહિનામાં પાંચ લાખથી વધુ ભારતીયો સાથે રૂ. ૧૫૦ કરોડથી વધુની છેતરપિંડી કરી છે. સાઈબર સેલના ડીસીપી અન્યેષ રાયે જણાવ્યું કે પોલીસે છેતરપિંડીમાં વપરાયેલ લિંક, ટ્રાન્સફર ગેટવે, યુપીઆઈ આઈડી, લેવડ-દેવડ આઈડી અને બેન્ક ખાતાની ઓળખ કરી છે.

બમણા નાણાંની લાલચ આપી

લોકોને તેમની બે મોબાઈલ એપ્લિકેશન્સ મારફત ૨૦થી ૨૫ દિવસમાં નાણાં બમણા કરાવવાની લાલચ આપી હતી. બંગાળના ઉલુબેરિયાનો નિવાસી શેખ રોબિન ધરપકડ સમયે મોબાઈલ એપ સાથે સંકળાયેલા ૩૦ ખાતા ચલાવી રહ્યો હતો. તેની પાસેથી ૨૯ બેન્ક ખાતા અને ૩૦ મોબાઈલ ફોન જપ્ત કરાયા હતા. તેની પાસેથી નકલી કંપનીઓના કેટલાક નિર્દેશકો અંગે જાણવા મળ્યું છે.

ચીની નાગરિકોએ ટેલિગ્રામ, ડિંગટોક અને વીચેટ જેવી એનક્રિપ્ટેડ મોબાઈલ એપ મારફત રોબિન અને અન્ય લોકોનો સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું કે સાઈબર સેલે તિબેટિયન મહિલા સહિત ૧૧ આરોપીઓની ધરપકડ પહેલા જ બેન્ક ખાતામાં જમા ૧૧ કરોડ રૂપિયા ગેટવેના માધ્યમથી સીઝ કરી દીધા હતા અને સીએ અવિક કેડિયા પાસેથી રૂ. ૯૭ લાખ રીકવર કરવામાં આવ્યા છે.

ડીસીપી અન્યેષ રાયે જણાવ્યું કે ગુરુગ્રામના સીએ અવિક કેડિયાએ ચીનમાં બેઠેલા એપ નિર્માતાઓના કહેવાથી ૧૧૦ બનાવટી કંપનીઓ બનાવી હતી. ઓનલાઈન મલ્ટી લેવલ માર્કેટિંગ કંપનીઓ મારફત ભારતીયોને નાણાં રોકવા અને ઓછા સમયમાં બમણું રિટર્ન આપવાનો વિશ્વાસ અપાયો હતો. ક્વિક મની આનંગ એપ મારફત રોકાણકારોએ શરૂઆતમાં ૨૪થી ૩૫ દિવસમાં રોકાણકારોને રૂપિયા પાછા આપ્યા હતા. તેથી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો અને તેઓ વધુ રોકાણ કરતા ગયા.

Read Also

Related posts

રાજ કુંદ્રા પો*ગ્રાફી કેસ / શિલ્પા-રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશમાંથી આવ્યા રૂપિયા, ED કરશે મની લોન્ડરિંગની તપાસ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!