દશકાઓથી આકાશમાં ભારતની વાયુશક્તિની કરોડરજ્જૂ બનેલા હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને નવા ઓર્ડર મળી રહ્યા નથી. હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં કામ કરનારા કર્મચારીએ થોડા સમયગાળામાં ખાલી બેસવા માટે મજબૂર થાય તેવી શક્યતા છે.
પબ્લિક સેક્ટર યુનિટની આ કંપનીમાં 29 હજાર 35 કર્મચારીઓ છે. એચએએલમાં નવ હજાર એન્જિનિયરો સામેલ છે. આ કર્મચારીઓ દેશના અલગ-અલગ હિસ્સાઓમાં કામ કરી રહ્યા છે. બેંગાલુરુ, મહારાષ્ટ્રના નાસિક, યુપીના લખનૌ, કાનપુર અને કોરવામાં તેવો કામગીરી કરી રહ્યા છે.
તેની સાથે જ પશ્ચિમ બંગાળના બરાકપૂર સિવાય હૈદરાબાદ અને કેરળના કસરગાડમાં પણ તેમની તેનાતી છે. બેંગાલુરુ અને નાસિકમાં કંપનીના દશ હજાર કર્મચારીઓ છે. જ્યારે તુમાકુરુનું હેલિકોપ્ટર કોમ્પ્લેક્સ હજીપણ નિર્માણાધીન છે. તેના બન્યા બાદ અન્ય યુનિટ્સમાં કામ કરનારા કર્મચારીઓને અહીં લાવાવમાં આવશે. અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ.
બેંગાલુરુના એરક્રાફ્ટ ડિવિઝનના ત્રણ હજાર કર્મચારીઓ ખાલી બેઠા છે. તેમની પાસે કોઈ ઓર્ડર નથી. જગુઆર અને મિરાજના અપગ્રેડેશનનું કામ પૂર્ણ થઈ ચુક્યું છે. હવે તેમને આશા છે કે લાઈટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ ડિવિઝનમાં તેમને તેનાતી આપવામાં આવશે.
એચએએલના વરિષ્ઠ અધિકારીને ટાંકીને અહેવાલમાં દાવો કરાયો છે કે તેમને 108 વિમાનોના સોદાની આશા હતી. તેની તૈયારી કરવામાં આવી હતી. પરંતુ હવે સોદો માત્ર 36 યુદ્ધવિમાનો સુધી મર્યાદીત થયો છે. આ 36 વિમાનો ફ્લાઈવેની સ્થિતિમાં આવશે અને આના સિવાય કોઈ બીજી આશા નથી.
ડીએસી દ્વારા 83 તેજસ યુદ્ધવિમાનોને મંજૂરી આપવામાં આવી છે. તેમ છતાં તેને વાયુસેનાના વાસ્તવિક આદેશમાં પરિવર્તિત કરવામાં આવ્યા નથી. નાસિકમાં સુખોઈ કોમ્પ્લેક્સના પાંચ હજાર લોકો પાસે માટે ઓર્ડર છે.. પરંતુ તે માત્ર સત્તર માસ સુધી ચાલશે.
222 સુખોઈ-30 એમકે-વન યુદ્ધવિમાનોમાંથી માત્ર 23 યુદ્ધવિમાનોની આખરી બેચ ડિલીવરી માટે તૈયાર થઈ જશે. મહત્વપૂર્ણ છે કે મોદી સરકાર પર કોંગ્રેસ રફાલ સોદા દ્વારા અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ લિમિટેડને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવી રહી છે.
કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે આ સોદામાં સરકારી કંપની એચએએલને શા માટે સામેલ કરવામાં આવી નથી? કોંગ્રેસે એચએએલને કોન્ટ્રાક્ટ નહીં આપીને કર્ણાટકના લોકોનો રોજગાર છીનવવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે રાહુલ ગાંધી હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના કર્મચારીઓ સાથે વાતચીત કરવા માટે ગયા હતા.