GSTV
ટોપ સ્ટોરી

ભારે પવન અને વીજ કડાકા સાથે અમદાવાદમાં વરસ્યો વરસાદ, અનેક સ્થળે સાઈનબોર્ડ બેનરો પડયા! ૮૦થી વધુ વૃક્ષો ધરાશાયી

અમદાવાદમાં રવિવારે દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ બાદ સાંજના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવતા શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન અને વીજ કડાકા તથા ગાજવીજ સાથે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં લગાવવામાં આવેલા સાઈનબોર્ડ,બેનરોતુટી પડયા હતા.જોધપુરમાં પોણા બે ઈંચ,બોપલમાં દોઢ ઈંચ અને ઉસ્માનપુરા અને સરખેજ તથા મકતમપુરામાં એક ઈંચથી વધુ વરસાદ ખાબકતા પ્રહલાદનગર,લો-ગાર્ડન કમિશનર બંગલા સહિતના વિવિધ વિસ્તારમાં ૮૦થી વધુ વૃક્ષો ધરાશાયી થવાની ફરિયાદ મળતા મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.રવિવારે શહેરમાં સરેરાશ ૯.૨૯ મિલીમીટર અને મોસમનો અત્યાર સુધીનો એક ઈંચ ઉપરાંત વરસાદ થયો હતો.વાતાવરણ જોતા વધુ વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે.

અમદાવાદ

શહેરમાં સાંજે છ કલાકના સુમારે એકાએક આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાઈ ગયા બાગ ભારે પવન સાથે વંટોળ ફૂંકાવાની શરુઆત થતા વરસાદી વાતાવરણ બંધાતા જોતજોતામાં શહેરના અનેક વિસ્તારમાં વરસાદ વરસવાની શરુઆત થઈ હતી.ઉત્તરના નરોડા સહિતના અન્ય કેટલાક વિસ્તારોની સાથે મધ્યમાં આવેલા ખાડિયા,રાયપુર જેવા વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસવાની શરુઆત થતા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મુકવામાં આવેલા સાઈનબોર્ડ ઉડીને નીચે પડી ગયા હતા.સાંજે છથી સાત સુધીના એક કલાકના સમયમાં વરસેલા પવન સાથેના વરસાદની સૌથી વધુ અસર પશ્ચિમમાં આવેલા પાલડી ઉપરાંત ઉસ્માનપુરા તેમજ દક્ષિણ-પશ્ચિમમાં આવેલા જોધપુર ઉપરાંત સરખેજ,મકતમપુરા વિસ્તારમાં જોવા મળી હતી.

ઘણા સમયથી વરસાદની રાહ જોવડાવ્યા બાદ શહેરના બોપલ,મેમનગર, નારણપુરા,આશ્રમ રોડ ઉપરાંત એસ.જી.હાઈવે, થલતેજ, નહેરુનગર,સેટેલાઈટ સહિતના વિસ્તારમાં વરસાદ થતા લોકોએ ઉકળાટ દુર થતાં હાંશકારો અનુભવ્યો હતો.વેજલપુર તેમજ એલિસબ્રીજ, રિવરફ્રન્ટ તથા ઘુમા,સરખેજ સનાથલ સહિતના અનેક વિસ્તારોમાં કેટલાક સ્થળોએ વીજળી ગુલ થવાના બનાવ બનવા પામ્યા હોવાનું જાણવા મળે છે.મોડી સાંજે વાતાવરણમાં આવેલા પલટા સાથે વરસાદ શરુ થતા રવિવારની રજા હોવાથી લોકો વરસાદમાં મહાલવા નિકળી પડયા હતા.વરસાદી માહોલના પગલે દાળવડાની લારીઓ ઉપર લોકોની લાંબી લાઈન લાગેલી જોવા મળી હતી.

ભારે પવન સાથે શરુ થયેલા વરસાદને પરિણામે સાંજનો સમય હોવાથી અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી હતી.શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની ફરિયાદ પણ મ્યુનિ.તંત્રને મળી હતી.સાંજે છથી સાતના એક કલાકના સમયમાં પવન સાથે વરસેલા વરસાદને પગલે ૬૦ થી વધુ વૃક્ષો ધરાશાયી થતા મ્યુનિસિપલ તંત્રમાં ફાયર વિભાગ અને ગાર્ડન વિભાગના ફોન સતત એંગેજ જોવા મળી રહ્યા હતા.શહેરમાં પડેલા વરસાદને પગલે અનેક વિસ્તારોમાં શહેરીજનો અટવાઈ પડયા હતા.શહેરમાં આવેલા તમામ અંડરપાસ માં વરસાદી પાણી ભરાઈ ના જાય એ માટે મ્યુનિ.તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી હતી.છથી સાત દરમિયાન પડેલા વરસાદને લઈ સ્ટેડીયમ અંડરપાસના સમ્પમાં વરસાદી પાણી ભરાતા એચ.પી.પમ્પ મુકીને દસ મિનીટની અંદર પાણીનો નિકાલ કરાયો હતો.

વસ્ત્રાપુર ફાટક- સુરધારા સર્કલ પાસે ઝાડ પડવાથી ફસાયેલા લોકોને બચાવાયા

રવિવારે સાંજે ભારે પવન સાથે શરુ થયેલા વરસાદની વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં તોતીંગ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બનવા પામી હતી.વસ્ત્રાપુર રેલવે ફાટક પાસે વરસાદની વચ્ચે ધરાશાયી થયેલા વૃક્ષ નીચે એક વ્યકિત દબાતા ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ તેને સલામત બહાર કાઢવામાં આવ્યો હતો.સુરધારા સર્કલ પાસે વૃક્ષ ધરાશાયી થતા ઓટોરીક્ષામાં બેઠેલા બે લોકો દબાતા ફાયર વિભાગ દ્વારા તમામને સલામત બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી અપાયા હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળે છે.

પ્રહલાદનગર રોડ ઉપર જ દસથી વધુ વૃક્ષો એક કલાકમાં ધરાશાયી થયા

શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા કોર્પોરેટ રોડ ઉપર જ સાંજે છથી સાત દરમિયાન ભારે પવન સાથે વરસેલા વરસાદની વચ્ચે દસથી વધુ વૃક્ષો ધરાશાયી બનતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.શહેરના જજીસ બંગલો ઉપરાંત લો-ગાર્ડન વિસ્તારમાં આવેલા મેયર બંગલો,કમિશનર બંગલાની આસપાસ પણ વૃક્ષો ધરાશાયી થવાના બનાવ બનવા પામ્યા હતા.મ્યુનિ.ના ડીરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન જિજ્ઞોશ પટેલના કહેવા પ્રમાણે,સાંજે છથી સાતના એક કલાકના સમયમાં ૬૦ થી વધુ વૃક્ષો ધરાશાયી થવાની ફરિયાદ ગાર્ડન વિભાગને મળી હતી.ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાના કહેવા પ્રમાણે,એક કલાકમાં અમદાવાદ ફાયર વિભાગને ૧૩ થી પણ વધુ વૃક્ષો ધરાશાયી થવાની ફરિયાદો અલગ અલગ વિસ્તારોમાંથી મળવા પામી હતી.બે બનાવમાં કુલ ચાર લોકોને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.

અનેક વાહનો ઝાડ નીચે દબાયા,સોલાર પેનલો પણ તુટી પડી

રવિવારે સાંજના સુમારે તોફાની પવન સાથે શહેરમાં શરુ થયેલા વરસાદની વચ્ચે અનેક વિસ્તારમાં કાર અને ઓટોરીક્ષા સહિતના અનેક વાહનો ઝાડ તુટી પડતા દટાઈ જવાના બનાવ બનવા પામ્યા હતા.કેટલાક સ્થળોએ લગાવવામાં આવેલી સોલાર પેનલો પણ ઉડીને તુટી પડી હતી.માણેકબાગથી શ્યામલ ચાર રસ્તા ઉપર પણ અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા.

સાંજે ૬ થી ૭માં કયાં-કેટલો વરસાદ

વિસ્તાર વરસાદ(મિ.મી)

પાલડી         ૨૩.૫૦

ઉસ્માનપુરા     ૩૦.૫૦

સરખેજ         ૧૩.૫૦

જોધપુર        ૩૪.૦૦

બોપલ          ૨૪.૦૦

મકતમપુરા     ૨૦.૫૦

દાણાપીઠ       ૮.૫૦

દુધેશ્વર         ૭.૫૦

સાંજે ૬ થી ૮માં કયાં-કેટલો વરસાદ

વિસ્તાર વરસાદ(મિ.મી)

વિરાટનગર     ૧૧.૫૦

પાલડી         ૧૩.૫૦

ઉસ્માનપુરા     ૩૧.૦૦

જોધપુર        ૪૨.૫૦

બોપલ          ૩૩.૫૦

મકતમપુરા     ૨૮.૦૦

સરેરાશ         ૯.૨૯

મોસમનો       ૨૫.૪૨

વાય.એમ.સી.એ રોડ પર વૃક્ષ પડતા એક તરફનો રોડ ટ્રાફિક માટે બંધ કરાયો

રવિવારે અમદાવાદ શહેરમાં સાંજના સુમારે પડેલા ભારે વરસાદની વચ્ચે વાય.એમ.સી.એ.રોડથી કાકાના ધાબા તરફ જવાના રોડ ઉપર વિશાળ વૃક્ષ ધરાશાયી થતા એક તરફનો રસ્તો ટ્રાફિકની અવરજવર માટે બંધ કરવાની તંત્રને ફરજ પડી હતી.

મ્યુનિ.ના પ્રિ-મોનસુન એકશન પ્લાનની કામગીરીની નિષ્ફળતા છતી થઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રે પ્રિ-મોનસુન એકશન હેઠળ ૫૨ હજારથી વધુ કેચપીટની સફાઈ કરી અને ડ્રેનેજ લાઈન અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન ડીસિલ્ટીંગ કરવામાં આવી હોવા સહિતના દાવા રવિવારે સાંજે શહેરમાં તોફાની પવન સાથે થયેલા વરસાદમાં સર્જાયેલી સ્થિતિમાં પોકળ સાબિત થયા હતા.      

READ ALSO

Related posts

મિશન 2022 / ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે રાજસ્થાનના CM, સૌરાષ્ટ્ર-કચ્છ પટ્ટા પર કોંગ્રેસનું ફોકસ

Zainul Ansari

મિશન 2022 / ગુજરાતમાં દરેક બાળકને ફ્રી અને સારુ શિક્ષણ આપીશું, જન્મદિવસે કેજરીવાલની વધુ એક ગેરન્ટી

Hardik Hingu

નશાનો કારોબાર/ વડોદરામાં કેમિકલ ફેક્ટરીના નામે ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSના દરોડા, ઝડપાયું 1000 કરોડનું ડ્રગ્સ

Bansari Gohel
GSTV